Saturday, 27 October 2018

પરિશ્રમથી ટપકેલા પ્રસવેદનું પારસ એટલે જીત


પરિશ્રમથી ટપકેલા પ્રસવેદનું પારસ એટલે જીત

પ્રતિપળ જીવનમાં બે ચહેરા સામે આવતા હોય છે, એક હાર અને બીજી જીત. સફળતા અને નિષ્ફળતા જીવનમાં આવતાં બદલાવના અલગ અલગ પડાવ છે. નદીના વહેણની જેમ જીવન પણ સતત – અવિરત બદલાતું હોય છે. જે જીવનના બદલાવને સમજે છે, સ્વીકારે છે અને એને અનુરૂપ જીવનને ઘડે છે એ સફળ થાય છે. જે પરિવર્તનને અપનાવી નથી શકતા, પુરાણી પરિસ્થિતિઓની સવલતોના ચોકઠામાં જ પડ્યા રહે છે તેવા લોકો હમેશાં દુખડા રડવામાંથી ઊંચા નથી આવતાં.
એક પિસ્તાલીસેક વર્ષના બહેનની વાત છે. ઈશ્વરે એમને સૌંદર્યની ખાસી એવી બક્ષીસ આપી હતી. ચહેરે મહોરે એ બહેન જરા રૂપકડાં લાગતાં હતાં. કેટલાક સમયથી એમના માથાના વાળ થોડા સફેદ અને ઓછાં થતાં જતાં હતાં. આમ છતાં પણ આ બહેન જાજરમાન લાગતાં હતાં. હવે માથાના વાળની સફેદી અને વાળની ઘટ માટે આ બહેનની ચિંતા દિન-પ્રતિદિન વધવા લાગી. દિવસે દિવસે એ સુકાતા જવા લાગ્યાં અને શ્યામ પણ થવા લાગ્યાં. પહેલાં તો માત્ર વાળ સફેદ થતાં હતાં હવે વ્યક્તિત્વમાંથી જાજરમાનપણાનું તત્વ પણ નષ્ટ થઈ ચૂક્યું હતું. આ બહેને બદલાવને પોઝિટિવિટીથી ન સ્વીકાર્યો અને પરિણામે ન જોઈતી આફત નોતરી.
સામાન્ય રીતે અપેક્ષાઓના જંગલને સાથે લઈને ફરવા માટે આપણે ટેવાયેલા છીએ. અપેક્ષાઓનું જંગલ જ ખળખળ વહેતા પરિવર્તનના પ્રવાહને સ્વીકારવા નથી દેતું. પાકા ફળ જેવું બનવું પડે. પાકું ફળ નરમ હોય, ગળ્યું હોય અને રંગ બદલીને હસતું હોય છે. એ જ પ્રમાણે સ્વભાવમાં નમ્રતા, વાણીમાં મીઠાશ અને મનમાં આત્મવિશ્વાસના બદલાવને આવકાર આપવા માટે હંમેશા તૈયાર રહે એની જીત ઢુકડી હોય.
જીવનમાં ચાર માન્યતાઓને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવી જોઈએ. સૌથી પહેલાં તો, ‘મારા માટે પેલા ભાઈ શું ધારશે’ કે પછી ‘ફલાણા ભાઈ શું કહેશે’ જેવા વિચારોને ઉછાળીને એક ઝાટકે પીઠ પાછળ ફેંકી દેવા જોઈએ. બીજું, ‘હું આ કાર્ય કરી શકીશ ?’ ‘મારામાં આ કાર્ય કરવાની ક્ષમતા છે ખરી ?’ ‘આ મારાથી નહીં થાય તો ?’ વગેરે જેવા ખ્યાલો જીવનની સૌથી મોટી નિષ્ફળતાની નિશાની છે. પોતાની જાત ઉપર સંપૂર્ણ ભરોસો અડધી સફળતા છે. જેને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય એને કોઈ પણ મુશ્કેલી મહાત ન કરી શકે. બ્રાયન એકટનને ફેસબુકે એક તબક્કે રિજેક્ટ કર્યા હતા. બ્રાયને નાસીપાસ થયા વગર વોટ્સએપ બનાવીને પોતાની ક્ષમતા સિદ્ધ કરી. એક તબક્કે જેણે રિજેક્ટ કર્યા હતાં એ ફેસબુકને ૧૯ મિલીયન ડોલરમાં વોટ્સએપ ખરીદવા બ્રાયને મજબૂર કર્યું. દશરથ માંઝીએ નિષ્ફળતાના ડર વગર એકલે હાથે પહાડ ખોદીને રસ્તો બનાવી દાખલો બેસાડ્યો. એક તબક્કે  પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરતાં ધીરૂભાઈ અંબાણીએ રિલાયન્સ એમ્પાયર ઊભું કર્યું.  
ત્રીજો મુદ્દો એ છે, ઘણા લોકોને એવું કહેતાં સાંભળતા જોવા મળે છે કે, ‘મારું નસીબ જ ખરાબ છે.’ ‘હું કામ કરવા જાઉં છું પણ નસીબ મને યારી નથી આપતું...’ આવા વિચારો આગળ વધવામા બાધારૂપ હોય છે. જે વ્યક્તિ પોતાના મનથી હાર માની લે છે એને દુનિયાની કોઈ તાકાત જીતાડી નથી શકતી. જો જીત પાક્કી જ હોય તો કાયર અને નિર્બળ પણ જીતી શકે. પણ હાર નિશ્ચિત હોય છતાં પણ જીતના આત્મવિશ્વાસથી રણ મેદાનમાં ઉતરે એ જ સાચો વીર હોય છે. જેની હાર પણ જીતથી વધુ શાનદાર હોય છે.
ચોથો અને અંતિમ ખયાલ માનસિક સ્થિતિનો છે. ઘણાં લોકો એમ કહેતાં હોય છે કે, ‘યાર મારો અત્યારે મૂડ નથી... અત્યારે મગજ ઠેકાણે નથી એટલે આ કામ નહીં થાય...’ આવા વિચારો હંમેશા નાસીપાસ કરવામાં મોટો ભાગ ભજવતાં હોય છે. દરેકમાં કોઈને કોઈ કમજોરી હોય જ છે. માછલી માર્ગો ઉપર ક્યાં દોડી શકે છે ? સિંહ પાણીમાં રાજાશાહી ન ભોગવી શકે. દરેકની અલગ અલગ પુષ્ટભૂમિ છે અને અલગ માહોલ  હોય છે. ઈશ્વરે બધાને જીવન બદલવા સમય આપ્યો છે, પણ સમયને બદલવા માટે કોઈને ફરીથી જીવન મળી શકતું નથી. નસીબ કદાચ અવસર ઊભો કરી શકે પણ પરિશ્રમનો પ્રસવેદ હંમેશા પારસ બનીને ચમકતો જ હોય છે.
મુશ્કેલીના સમયને નીકટથી નિરખીને હસતા હસતા મુકાબલો કરનારા જીવનનો જંગ જીતતા હોય છે. બીઝનેસ પ્રોબ્લેમ, દીકરા-દીકરીના પ્રશ્નો, બ્રેકઅપ, કચેરીમાં બોસ સાથે ચડ-ભડ વગેરે તકલીફોમાં સ્વાભાવિક રીતે જ પોતાની ક્ષમતા ઉપરના વિશ્વાસને ડગમગાવી મુકે શક પેદા કરે છે. રેસલર બે પાંચ મિનિટમાં હરીફને પછાડીને જીતી જાય છે. જીતની એ બે-પાંચ મિનિટ પહેલાં હરીફ રેસલરનું કલાકો અને દિવસો સુધી જીણવટભર્યું નિરિક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. અમેરિકાના ચિંતક પ્રમુખ અબ્રાહમ લિંકને એકવાર કહ્યું હતું કે, ‘સફળતા માટે લીધેલો સંકલ્પ અન્ય કોઈપણ સંકલ્પ કરતાં સૌથી મહત્વનો છે.’
કોઈપણ બાબતમાં મળેલી પછડાટ એ ક્યારેય નિષ્ફળતા ન માની શકાય. જીત માટે પ્રયાસ જ ન થાય એ સૌથી મોટી નિષ્ફળતાની નિશાની છે. વિદ્વાન ચાઈનીઝ ફિલોસોફર કન્ફ્યુશિયસના મતે સફળતા પૂર્વતૈયારીઓ ઉપર નિર્ભર હોય છે. પૂર્વતૈયારી વગરના કાર્યમાં નિષ્ફળતા નિશ્ચિત હોય છે. દૂર ક્ષિતિજ ઉપર દેખાતી નિરાશાજનક એક અસફળતાને, થોડાં વધુ પ્રયાસ અને થોડી વધુ દ્રઢતા શાનદાર સફળતામાં પરિવર્તત કરી દેતી હોય છે.
કેટલાક લોકો તમારી ટીકા કરવા અને તમને નીચે પાડવા હમેશા તૈયાર જ હોય છે. આવા લોકો સર્ફ એક્સેલ જેવા હોય છે. મનનો મેલ ધોવા માટે આવા લોકો જીવનમાં ખૂબ અગત્યની ભુમિકા ભજવતા હોય છે. જીવનમાં આગળ વધવા માટે હંમેશા ખરી-ખોટી વાત સાંભળવાની આદત વિકસાવવી પડે. દુનિયામાં સંભળાવવાવાળાની ક્યારેય કમી નથી હોતી. નિંદા, ટીકા, ખરાબી સાંભળવાનું સામર્થ્ય હોય તો જીતની પાક્કી તૈયારી થઈ ગઈ છે એમ સમજવું.
ટીવી અને મોબાઈલ કરતાં વધુ સમય પરિવાર, પુસ્તકો અને મિત્રોને આપનારા લોકો નિશ્ચિતપણે ચેતનાસભર હોય છે. સંપતિ જીવન જીવવા જરૂરી છે, પણ સર્વસ્વ નથી. સંપત્તિ મેળવવાની દોડ કરતાં આત્મસન્માનને આત્મસાત કરવા સજ્જતા કેળવાય એ મહત્વનું છે. સ્વતંત્રતા ચોક્કસ પ્યારી-દુલારી લાગે પણ સંસ્કાર વગરની સ્વતંત્રતા દોજખ જેવી હોય છે. સ્વતંત્રતામાં સંસ્કાર ભળે તો એ સુગંધીદાર લાગે. જીવનમાં પ્રતિપળ બનતાં પ્રસંગો અંતિમ લક્ષ્ય કે ભાગ્ય નથી જ. બનતાં પ્રસંગોને અપાતો પ્રતિસાદ ભાવિ સુનિશ્ચિત કરે છે. પ્રસંગો વ્યક્તિના હાથમાં નથી હોતા. પ્રસંગ ઉપરની પ્રતિક્રિયા વ્યક્તિના હાથમાં હોય છે. કોઈ વ્યક્તિ અપમાન કરે તો એ પ્રસંગ વ્યક્તિના હાથમાં નથી હોતો પણ કરેલા અપમાન ઉપર આપવામાં આવતી પ્રતિક્રિયા બે વ્યક્તિના સંબંધોની જીત કે હારનુ ભાવિને ઘડતી હોય છે. ધંધો કે વ્યવસાય પૈસા કમાવા માટે ચોક્કસ હોઈ શકે પણ ધંધા કે વ્યવસાયનું અંતિમ લક્ષ્ય દરરોજ બે-ચાર નવી સારી બાબતો પ્રાપ્ત કરીને વધુ સારા વ્યક્તિ બનવાનું હોય ત્યારે જીવનની ઉપલબ્ધિની જીતનો આનંદ અનોખો બની જતો હોય છે.

ધબકાર :
આગળ વધવાનો ઇરાદો તમારો સાફ હોય તો, કેટલાક મુઠ્ઠીભર લોકો હંમેશા તમારી ખિલાફ હોય.







No comments:

Post a Comment