Saturday, 27 October 2018

અલૌકિક આનંદની યાત્રા નૃત્યના પ્લેટફોર્મ ઉપરથી આરંભાતી હોય છે


અલૌકિક આનંદની યાત્રા નૃત્યના પ્લેટફોર્મ ઉપરથી આરંભાતી હોય છે

પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઈઝ હોલ્ડર અને અમેરિકાના ખૂબ જાણીતા કોલમિસ્ટ અને લેખક ડેવિડ મેકલિસ્ટર બેરીની હ્યુમર કોલમ અમેરિકન્સ બડા આદરથી વાંચતા હોય છે. ડેવિડના સેટાયરમાં પણ હાસ્યની સાથે ચિંતનાત્મક ગહન વાત લોકોને હૃદય સોંસરવી ઉતરી જાય. ડેવિડે મન અને હૃદયના ઉત્સાહને અભિવ્યક્ત કરતા માધ્યમ નૃત્ય સંદર્ભે સરસ વાત કરી છે. એક વાર ડેવિડને કોઈએ પૂછ્યું કે, ‘ મને નાચતા નથી આવડતું પણ મને મારી ખુશી તો વ્યક્ત કરવી જ છે તો હું શું કરું ? ડેવિડ બેરીએ આ ભાઈને કહ્યું, ‘ તમારું નૃત્ય ઉત્કૃષ્ટ છે કે ભંગાર છે, એની સાથે કોઈને કશી લેવા દેવા જ નથી. માત્ર તમારી જગા ઉપરથી ઊભા થઈ હાથ પગ હલાવી મોજ કરવા માંડો એ જ સાચું નૃત્ય છે અને જીવનનું સાચુ સંગીત છે. જેમ કોસ્મિક લવ શબ્દની એક અલગ ઉચાઇ છે એમ જ કોસ્મિક પ્લેઝર (અલૌકિક આનંદ) શબ્દની અલગ પહેચાન છે. ખરેખર તો અલૌકિક આનંદ એક અવસ્થા છે. અલૌકિક આનંદની આ અવસ્થાએ પહોંચવાની યાત્રા નૃત્યના પ્લેટફોર્મ ઉપરથી આરંભાતી હોય છે.
ગુજરાતના ગગનમાં નવરાત્રી ગોરંભાઇ છે. ખેલૈયાઓ અવનવા ગરબા દાંડીયા સ્ટેપની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતી કેલેન્ડરમાં ચૈત્રી પ્રતિપદાથી વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રીની છડી પોકારાય છે. નવરાતનુ કાઉંટ ડાઉન શરૂ થઇ ગયું છે. નૃત્ય એ આંતરિક ઉત્સાહનું પ્રગટીકરણ માટેનું સૌથી સહજ અને સશક્ત માધ્યમ છે. નવરાત દરમિયાન ભક્તિ અને શક્તિના સમાયોજનથી આનંદના ઓવારણા લેવાતા હોય છે. આમ તો નવરાત્રીનો સમયગાળો વસંત અને પાનખર ઋતુઓનો હોય છે. સૂર્યના હુંફાળા તાપથી ધરતી પણ પ્રસન્ન હોય છે. નવરાત્રિ એટલે દેવી દુર્ગાની આરાધના કરી ઉજવાતો મઝાનો નૃત્ય ઉત્સવ.
વસંત નવરાત્રી, શરદ નવરાત્રી, અષાઢ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી એમ ચાર નવરાત્રીઓની વર્ષ દરમિયાન રંગે ચંગે ઉજવણી થતી હોય છે. ગુજરાતી બંધુઓ શરદ અને ચૈત્રી નવરાત્રી ઉમંગથી ઉજવતા હોય છે. સામાન્ય રીતે શરદ નવરાત્રીમાં ગરબા, રાસના નૃત્યનો મહિમા હોય છે. જ્યારે ચૈત્રી નવરાત્રી વ્રત-તપ માટે વધુ પ્રચલિત છે. પૂર્વ ભારતના પ્રદેશોમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોની હોંશભેર ઉજવણી થતી હોય છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાની બડી ધુમધામ હોય છે.
નવરાત્રીનું નામ પડે એટલે પ્રત્યેક ગુજરાતીઓના હૈયા થનગનવા લાગે, મનમાં મોજ અને મસ્તીની છોળો ઉડે, પગ થીરકવા લાગે, આનંદ ઉલ્લાસથી હૃદય ફુલ્યું ન સમાય. ‘ગરબોશબ્દનો અર્થ કાણાવાળી માટીની માટલીમાં દીવો પ્રગટાવી માતાજીની પુજા કરવી. જો કે ગરબો મૂળ શબ્દ સંસ્કૃત શબ્દ ગર્ભદીપઉપરથી ઉતરી આવ્યો છે. ભગવદ્ ગો મંડળે ગરબોશબ્દાર્થને સમજાવતાં લખ્યું છે કે, અંદર દીવો હોય એવો કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. આમ તો આનો તાત્વિક અર્થ એવો કરી શકાય કે હૃદયમાં સત્યનિષ્ઠા અને સતકર્મનો દીવો પ્રગટાવી ભક્તિભાવપૂર્વક નાચતા ગાતા શક્તિની આરાધના કરવાનો અદભુત સમય એટલે નવરાત્રી.
નૃત્ય માણસની ખુશીની અભિવ્યક્તિ માટેની સ્વાભાવિક શૈલી છે. એવી કોઇપણ વ્યક્તિ નહીં હોય કે, જેણે જીવનમાં ક્યારેય નૃત્ય નહીં કર્યું હોય. નૃત્યના પ્રકાર જુદા જુદા જરૂર હોઈ શકે પણ આનંદ દર્શાવવાનો માર્ગ તો એક જ છે. કોઈ કસરતના ભાગરૂપે એરોબિક નૃત્ય કરે તો કોઈ ગરબા-રાસ કરે, કોઈ બંધ બારણે ઓરડામાં સંગીતના તાલે નાચી લે તો કોઈ પાર્ટીમાં મોજથી થીરકી લેતા હોય છે. પણ સો વાતની એક વાત જીવનને રંગીલું બનાવે છે નૃત્ય.
વિશ્વના અલગ અલગ દેશોની આનંદની અભિવ્યક્તિમાં નૃત્યની નોખી અનોખી પરિભાષા હોય છે. બ્રાઝીલના રીયો-ડી-જાનેરોના કાર્નીવલ મહોત્સવમાં સાંબાનૃત્ય બ્રાઝીલીયનો ખૂબ મસ્તીથી કરતા હોય છે. બ્રાઝીલમાં ખૂબ લોકપ્રિય એવું સાંબાનૃત્યનું મૂળ ગોત્ર આફ્રિકામાં કામ કરતા બ્રાઝીલીયન ગુલામો દ્વારા પ્રચલિત કરવામાં આવ્યું છે. આવી જ રીતે ઈંગ્લેન્ડના ગ્રામ વિસ્તારોમાં પગમાં પેડ અને નાના નાના ઘુંઘરુ બાંધી કરાતો મોરીસડાન્સ આપણા ગરબા જેવો જ લોકપ્રિય છે. ‘મોરિસ નૃત્યના ચોક્કસ ઇતિહાસની લોકોએ જાણકારી ઉપલબ્‍ધ નથી પણ મોરીસદ્વારા ઈંગ્લેન્‍ડના ગ્રામજનો આનંદ કરે છે.
     ફ્રાંસ દેશના નૃત્યની વાત રોમાંચકારી છે. ફ્રાંસના રાજા લુઈસ ચોથાને ડાન્‍સનો જબરો શોખ હતો. લુઈસે ૧૬૬૧માં વિશ્વની સૌથી પહેલી બેલે ડાન્સ સ્‍કૂલ ખોલી હતી. આ સ્‍કૂલ ધ એકેડમી રોયલ ધ ડાન્‍સ તરીકે ઓળખાય છે. કલાસિકલ બેલે ડાન્‍સનુ જન્‍મ સ્‍થળ આ સ્‍કૂલ ધ એકેડમી રોયલ ધ ડાન્‍સજ કહેવાય છે.   સ્‍કૂલના પ્રથમ નિર્દેશક તરીકે લુઇસે મશહુર ડાન્‍સર પિયરે બ્‍યૂએપ્સને જવાબદારી સોપી. પિયરે એ જમાનામાં બેલે નૃત્યમાં જે પગની પાંચ મુવમેન્ટનો આવિસ્કાર કરેલો તે આજે પણ બેલે ડાન્સરોની શાન છે.
અમેરિકન મીડિયા ટાયફૂન લેડી અને વિશ્વમાં સૌથી વધુ જોવાતા ટોક શોની હોસ્ટ ઓપ્રાહ ગેઈલ વિન ફ્રે ઘણીવાર એના શોમાં કહેતી હોય છે કે, પ્રતિદિન સવારે ઉગતો સૂરજ તમારા માટે નવું કેનવાસ લઈને આવે છે. તમારા શ્વાસોથી એમાં મઝાનું ચિત્ર દોરો અને બુટની દોરી બાંધી, હસતા મોંએ ઉમંગથી નૃત્ય કરવા સજ્જ થઈ જાવ.
માણસની સાચી મજા તો એની સર્જનશીલતામાં રહેલી છે. જે માણસ જિંદગીથી પ્રેમ કરતો હોય તે સર્જનાત્મક દ્રષ્ટિકોણ ધરાવતો હોય છે તો જ એ જીવનના સૌંદર્યના વ્યાપને વધારવા તત્પર રહેતો હોય. જીવનમાં થોડું વધુ સંગીત, થોડી વધુ કાવ્યાત્મકતા અને થોડુ વધુ નૃત્ય લાવવાથી આપોઆપ સર્જનશીલતાની સુવાસ પ્રસરતી હોય છે. ભાવનાઓના રંગમંચ ઉપર શબ્દો, કવિતા અને ગઝલનું રૂપ ધારણ કરી મનમોહક નૃત્ય કરે છે. એવી રીતે જીવનની પ્રત્યેક પળ સંગીતમય બની રહે અને પગ થીરકતા રહે ત્યારે જીવનમાં ઉમંગ અને ઉત્સાહનો સરવાળો નહીં ગુણાકાર થતો હોય એમ લાગે. માત્ર નવરાત્ર જ નહીં રોજે રોજ ગરબા અને દરરોજ દાંડીયા કેમ ન થાય ? કહેવાનો મતલબ છે કે, નૃત્ય સ્વરૂપે આનંદની અભિવ્યક્તિ રોજે રોજ હોવી જોઇએ. પછી ભલે એ ગરબા, દાંડીયા હોય કે પછી સાંબા, બેલે કે કોઇ પણ ડાન્સ ફોર્મ હોય પણ જીવનમાં નૃત્ય હોવુ જોઇએ. આનંદનો માર્ગ નૃત્યના પ્લેટફોર્મ ઉપરથી આરંભાતો હોય છે.

ધબકાર :
જીવનની સર્વોત્તમ પળો નૃત્યાચ્છાદીત હોય છે.




No comments:

Post a Comment