Sunday, 1 July 2018

કેટલાક લોકો વિશ્વાસપૂર્વક દગો કરી જાય છે...!


કેટલાક લોકો વિશ્વાસપૂર્વક દગો કરી જાય છે...!

વિશ્વાસ. સાડા ત્રણ અક્ષરના આ શબ્દમાં જબરી શક્તિ છે. આ શબ્દને બોલતા માત્ર એક સેકન્ડ લાગે પણ સાબિત કરતા કદાચ આખુ આયખું પણ નીકળી જાય. વિશ્વાસમાં એક એવી અનોખી તાકાત છે કે, જે વીરાન દુનિયામાં હરિયાળી ફેલાવી દે છે. વિશ્વાસ સ્વયં એક તેજપૂંજ છે. સવારના પહોરમાં મનમાં ઉગેલુ વિશ્વાસનું એક નાનું અમથું કિરણ આખા દિવસનું ડાયમેન્શન બદલી નાખે છે.



કોઈપણ કાર્યમાં જ્યા સુધી વિશ્વાસના તત્વનો અભાવ હોય ત્યાં સુધી એ કાર્યમાં સત્વશીલતાના હોતી નથી. નાનું કે મોટું શક્ય કે અશક્ય લાગતું કોઈપણ કાર્ય વિશ્વાસપૂર્વક ન કરવામાં આવે ત્યાં સુધી એ અસંભવ લાગતું હોય છે. બે મિત્રોની વાત છે. એક મિત્રની એર કન્ડિશનર બનાવવાની કંપની હતી. કંપનીની માર્કેટમાં ખુબ સરસ શાખ. બીજો મિત્ર એર કન્ડિશનરના સ્પેરપાર્ટ બનાવવાનું નાનું-મોટું કામ કરી ગુજરાન ચલાવતો. શાળા અભ્યાસ પછી ઘણા સમયે બંને મિત્રો મળ્યા. એર કન્ડિશનરની ફેક્ટરી ધરાવતા મિત્રને સ્પેરપાર્ટ બનાવતા મિત્રએ કહ્યું 'તારી કંપનીમાં મારા સ્પેરપાર્ટનો ઉપયોગ ન થઈ શકે ?' પેલા મિત્રએ કહ્યું, ' કેમ નહી. તારા સ્પેરપાર્ટનો ઉપયોગ મારી કંપની કરશે. તને પણ ફાયદો થાય અને મને સારો માલ મળશે.' મિત્રના સ્પેરપાર્ટ હોવાથી વિશ્વાસપૂર્વક માલિકે કંપનીના ક્વોલિટી કન્ટ્રોલ વિભાગને સ્પેરપાર્ટ ખરીદવા સુચના આપી દીધી. 
થોડા સમયમાં ગ્રાહકોની ફરિયાદ વધવા લાગી. માર્કેટમાં કંપનીની શાખ બગડવા લાગી. કંપનીની રિસર્ચ ટીમે આ અંગે તપાસ કરી તો ખબર પડી કે, માલિકના મિત્રની કંપનીમાંથી આવેલા સ્પેરપાર્ટ યોગ્ય ન હતા. એના પરિણામે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું. પરિચિત વ્યક્તિ ઉપરના વિશ્વાસનુ આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો. જાણીતા લેખક અને તત્વચિંતક બો બેનેટનું આ સંદર્ભમાં સચોટ તારતમ્ય છે. એ કહેતા કે, કોઈ એવી વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ જેનો આધાર જુઠ્ઠાણાઓ પર હોય અને કોઈ એવી વ્યક્તિ સાથે ક્યારેય ખોટું ન બોલવું જોઈએ જેનો તમારી ઉપર અતૂટ વિશ્વાસ હોય. જો ખોટું બોલવાનું આપણી પાસે સાચું કારણ હોય તો તેનાથી વધુ સારું કારણ સાચું બોલવાનું હોઈ શકે. સાચી વાત રજૂ થશે તો વિશ્વાસનો શ્વાસ કાયમ રહેશે. 
કોઈના ઉપર વિશ્વાસ રાખવાનું કામ સૌથી સરળ છે. તકલીફ તો ખોટું બોલીને અવિશ્વાસ કરનારને થતી હોય છે. વિશ્વાસ અને અવિશ્વાસના દ્વંદ્વમાં એક વિચાર એવો પણ છે કે, જે વ્યક્તિને તમે બરાબર જાણતા નથી અને એનો અનુભવ નથી એવા વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખવાની વાત તમે જે વસ્તુ ઉપયોગમાં લીધી જ નથી તેની તરફદારી કરીને બીજાને તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવા જેવી છે. 
અવિશ્વાસ જીવનને કઠોર બનાવે છે. વિશ્વાસ જીવનને જોખમભર્યું બનાવે છે. જોખમભર્યો વિશ્વાસ મહત્વના પદાર્થપાઠ શીખવી જીવનને વધુ શાનદાર બનાવે છે. દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો અને કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો આ બે એક સરખી કમજોરી છે. એક દીકરીને પિતા ઉપર અત્યંત વિશ્વાસ. દીકરી દરેક નાની મોટી વાતમાં પિતાનો અભિપ્રાય પ્રાપ્ત કરી વિશ્વાસપૂર્વક આગળ વધે. આ દીકરીને યુવાનીમાં જેમ બધાને થાય એમ પ્રેમ થયો. પ્રેમ લગ્નમાં પરિણમ્યો. હવે પિતાની દરેક વાતમાં દીકરીને સંશય થવા લાગ્યો. નાની-મોટી બધી વાતમાં એક ત્રીજા પક્ષનો અભિપ્રાય ઉભો થતો ગયો. પછી તો દરેક વાતમાં દીકરી માટે એ ત્રીજા પક્ષની વાત દમદાર લાગતી. ત્રીજા પક્ષનો વિશ્વાસ વધુ મજબૂત બનવા લાગ્યો. જર્મન ફિલોસોફર ફ્રીડ્રિક નિત્ઝશેના મતે લોકોને તકલીફ એ નથી કે સામેવાળી વ્યક્તિ એની સાથે ખોટું બોલી છે. તકલીફ તો ત્યાં છે કે, હવે એમની વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ બરકરાર રહ્યો નથી. 
કોઈને ખબર નથી કે, આગલી ક્ષણે શું બનવાનું છે પણ જીવન ઉપર અતૂટ ભરોસો છે. અને એટલે જ આગળ વધવાની શક્તિ બરકરાર રહે છે. બસનો ડ્રાઈવર, રેલવેનો એન્જિન ડ્રાઇવર કે વિમાનના પાયલોટ ઉપર વિશ્વાસ છે એટલે જ મુસાફરો નિશ્ચિંત બનીને મુસાફરી કરી શકે છે. અમેરિકન મોટીવેશનલ રાઇટર અને સ્પીકર સ્ટીફન કોવે વિશ્વાસને જીવનનો ગુંદર જેવો ચીપકુ પદાર્થ ગણાવે છે. વિશ્વાસ સંસારનું સૌથી અનિવાર્ય અંગ છે. વિશ્વાસ સંબંધોને જોડતો મજબૂત સિદ્ધાંત છે.
પિતા નાના અમથા બાળકને હવામાં ઊંચે ઉછાળે ત્યારે બાળક ડરનો માર્યો રડતો કે ફફડતો નથી એતો ખીલખીલાટ હસતો હોય છે. આની પાછળનું કારણ પિતા પરનો વિશ્વાસ છે કે પિતા એને ચોક્કસ ઝીલી લેશે. જીવન ઈશ્વરે આપેલી મજાની બક્ષિસ છે. બાળકની જેમ એની ઉપર ભરોસો રાખવો પડે. વિશ્વાસનો સત્ય સાથે જન્મ થાય છે અને સત્ય સાથે જ મૃત્યુ થાય છે. કેટલાક લોકો ખૂબ વિશ્વાસપૂર્વક દગો કરી જાય છે. દુનિયાનો કાનૂની ઈતિહાસ તપાસવામાં આવે અને સૌથી મોટા ગુનાઓનું પૃથક્કરણ કરાય તો ખ્યાલ આવે કે આ બધા ગુનાઓના પાયામાં વિશ્વાસઘાત જ રહેલો છે.
એક કાલ્પનિક પણ અસરકારક કથા છે. જ્ઞાન, ધન અને વિશ્વાસ ત્રણ પાક્કા ભાઈબંધો. ત્રણેય વચ્ચે ખૂબ પ્રેમ. એક વખત એવો આવ્યો કે ત્રણેયને અલગ થવું પડ્યું. પરંતુ અલગ થતાં પહેલાં ત્રણેય મિત્રોએ એક બીજાને પૂછ્યું, ‘ હવે ફરી આપણે ક્યારે મળીશું. ‘ સૌથી પહેલાં જ્ઞાને કહ્યું કે, ' હું મંદિર, મસ્જિદ, દેવળ અને વિદ્યાલયમાં મળીશ. ' બીજા મિત્ર ધને કહ્યું કે, ' હું અમીરોની તિજોરીમાં મળીશ. ' પરંતુ વિશ્વાસ ખામોશ ઉભો રહ્યો. બીજા બે મિત્રો ધન અને જ્ઞાને પૂછ્યું, ' ભાઈ તું કેમ આમ ચૂપચાપ છે ? તું ક્યાં મળીશ ? ' ત્યારે વિશ્વાસે ભારે હૈયે અશ્રુ સાથે કહ્યું કે, ' હું એકવાર જતો રહીશ પછી ક્યારેય નહીં મળું. ' વિશ્વાસ જાય એટલે શ્વાસ છોડી દે. મૃત્યુ પામે.  પણ અવિશ્વાસ જંગલના આગ જેવો હોય. ખૂબ ઝડપથી ફૂલેફાલે. જે દિવસે પોતાની જાત ઉપર વિશ્વાસ ન રહે અને સંશય વધતો જાય ત્યારે સમજી લેવું પડે કે, જીવન અવળા માર્ગે જવાની તૈયારી કરી રહ્યું છે. 

ધબકાર :
જ્યાં સુધી વિશ્વાસનું સત્ય ચપ્પલ પહેરે ત્યાં સુધીમાં તો અવિશ્વાસનું જૂઠાણું અડધી દુનિયાની સેર કરી લે છે.




જેનાથી બ્રિટીશર્સ ફફડતા એ ‘ઠગ્સ’ દિવાળીમાં સિલ્વર સ્ક્રીન ઉપર આતશબાજી કરશે


જેનાથી બ્રિટીશર્સ ફફડતા એ ‘ઠગ્સ’ દિવાળીમાં સિલ્વર સ્ક્રીન ઉપર આતશબાજી કરશે


કન્ફેશન્સ ઓફ ઠગ૧૯મી સદીનું બેસ્ટ સેલર રહેલું એક જબરજસ્ત પુસ્તક. આ પુસ્તકનો પ્લોટ બ્રિટીશ ઇન્ડિયન ઠગ ઉપર આધારિત હતો. ફિલીપ મેડો ટેયલરે ૧૮૩૯માં લખેલું આ હકીકત આધારિત પુસ્તક ૧૮૭૩માં પુનઃમુદ્રીત થયું હતું. ઇંગ્લેન્ડના લીવરપુલમાં જન્મેલા ફિલીપ ટેયલર ૧૫ વર્ષના થયા ત્યારે હિન્દુસ્તાનમાં આવી ગયેલા અને બોમ્બે મર્ચન્ટમાં ક્લાર્કની નોકરીમાં જોડાઈ ગયેલા. દરમિયાનમાં ટેયલરે કાયદા, ભુસ્તર વિજ્ઞાન અને પુરાતત્વિય બાબતો વિશે અભ્યાસ કર્યો. ટેયલર ખૂબ ઝડપથી ભુસ્તર બાબતોના નિષ્ણાત તરીકે ઊભરી આવ્યા. કન્ફેકશન્સ ઓફ ઠગ નોવેલમાં આમિર અલી નામના પ્રસ્તુન પઢાણનું એક કેરેકટર છે. એની આસપાસ વાર્તા ગુંથાય છે. આમિરના પિતા ઇસ્માઈલ પણ નવલકથાનુ મહત્ત્વનુ પાત્ર છે. આ ઉપરાંત બદ્રીનાથ, પીર ખાન, ગણેશા જેવા ભારતીય પાત્રોથી નવલકથાને નિખાર આપવામાં આવ્યો છે. ટેયલરે ભારતમાં વિતાવેલી સુદીર્ઘ યુવાની દરમિયાન તેણે જોયેલી અને અનુભવેલી વાતોનો અદભૂત નિચોડ નવલકથામાં જોવા મળે છે.
ટેયલરની નોવેલ કન્ફેકશન્સ ઓફ ઠગઉપરથી ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમેગા મૂવીનું પ્લાનીંગ યશરાજ પ્રોડકશન હાઉસે કર્યું છે. યશરાજ ફિલ્મ્સનો ઇતિહાસ જાજરમાન છે. ૧૯૭૦માં સુપર સ્ટાર રાજેશ ખન્નાની દાગફિલ્મ યશરાજના બેનરમાં રીલિઝ થયેલી પછી ૧૯૭૩માં કભી કભીઅને એ પછી તો ઘણી બ્લોક બસ્ટર યશરાજ બેનર હેઠળ રજૂ થઈ. લેખક, ડાયરેકટર વિજય ક્રિશ્નન આચાર્યની આ એકશન પેક ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મમાં બે મિસ્ટર પરફેક્સનિસ્ટ પહેલીવાર એક સાથે સીલ્વર સ્ક્રીન શેર કરશે. જી હા, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને બ્લોક બસ્ટર કિંગ આમિર ખાનને વિજય ક્રિશ્નન ડાયરેક્ટ કરી રહ્યા છે. પહેલા આ ફિલ્મનું નામ ઠગ્સવિચારાયેલું. પછી એને સંપૂર્ણ અર્થસભર રીતે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનતરીકે રજૂ કરવાનું પ્રોડકશન હાઉસને વધુ યોગ્ય લાગ્યું.
ફિલ્મમાં બે ફિમેલ કેરેકટરમાં ચાર્મિંગ કેટરીના કૈફ અને લવલી ફાતિમા શેખ છે. ફિલ્મમાં ફાતિમાની સ્ક્રીન પ્રેઝન્સ કેટરીના કરતાં વધારે છે. આ એ જ ફાતિમા કે જેણે વાળ કપાવી તેની ડેબ્યુ ફિલ્મ દંગલમાં મેદાન માર્યું હતું. દંગલ ફિલ્મે વિશ્વભરમાંથી રૂ. ૨૦૦૦ કરોડથી વધુની અધધ કમાણી કરી છે. બાહુબલી ફિલ્મે રૂ. ૧૦૦૦ કરોડની કમાણી કરી છે. આ બે આંકડા ઉપરથી દંગલની સફળતાનો ખ્યાલ આવશે.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાનરૂ.૨૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામી રહી છે. આ ફિલ્મ પાછળ આમિરખાન ખાસ્સો પરિશ્રમ કરી રહ્યો છે. જો કે આમિર એની દરેક ફિલ્મ માટે તલસ્પર્શી રીસર્ચ અને સખત પરિશ્રમ કરવા માટે જાણીતો છે. આમિરે અલગ અલગ શેડના કેરેકટર પ્લે કરી એમાં પ્રાણ પૂર્યો છે. થ્રી ઇડિયટમાં સ્ટુડન્ટનુ કેરેક્ટર, દંગલમાં રેસલર, તારે ઝમી પરમાં શિક્ષક, પીકેમાં એલિયન જેવા અલગ અલગ કેરેકટર આમિરે બખુબી નિભાવ્યા છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં આમિરે સાવ અલગ જ કિરદાર ભજવ્યું છે.
જેક સ્પેરોની જેમ સમુદ્રી ડાકુની ભૂમિકા ફિલ્મમાં આમિરની છે. દાઢી, વાળ અને મુછ વધારી પંજાબી લુક આમિરે બનાવ્યો છે. પેરેટ્સ ઓફ કેરેબિયન જેવા સમુદ્રી લુટારાઓના દીલધડક સીન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની જાન હશે. આ ફિલ્મની એકશન ડાયરેકટર ટીમ, વિઝ્યુઅલ ઈફેક્ટ ટીમ, ટેકનિકલ સ્ટાફ વગેરે હોલીવુડમાંથી એપોઈન્ટ કરવામાં આવ્યા છે. ૧૮મા સૈકામાં ઉપયોગમાં લેવાયેલા બે સમુદ્રી જહાજનો ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે ફિલ્મનું મહદઅંશે શુટીંગ રાજસ્થાનની આસપાસના લોકેશન અને ત્યાના વૈભવી મહેલો અને કિલ્લાઓમાં થયું છે. થોડો મહત્વનો ભાગ થાઈલેન્ડમાં પણ શુટ થયો છે.
એવું કહે છે કે, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન સાજીદ આમિર અલીના જીવન ઉપર આધારિત ઐતિહાસિક ફિલ્મ છે. આઝાદી પહેલાના સમયમાં ભારતના કેટલાક વીર ક્રાંતિકારીઓ બ્રિટીશ ખજાનો લૂંટી લેતા. પછી  અંગ્રેજોને ઉડાવી દેતા હતા. અંગ્રેજોની આ લુંટારૂઓથી રીતસર ફાટતી હતી. અંગ્રેજો આ દેશભક્ત લૂંટારૂઓને ઠગ્સકહીને સંબોધતા. આખા વિશ્વમાં આદેશભક્ત ક્રાંતિકારીઓને ઠગ્સ કહીને ધોળીયાઓએ બદનામ કર્યા હતા પણ એમની દિલેરી અને જવામર્દ દેશભક્તિને પણ દુનિયાએ સલામ કરી. અંગ્રેજોએ ઠગ્સને પકડવા ખાસ એક પોલીસ દસ્તો તૈયાર કરાવ્યો હતો. ભારતની આઝાદીમાં વીર ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનો જબરજસ્ત ફાળો રહ્યો છે. જોકે કમનસિબી એટલી રહી કે આ શુરવીર ક્રાંતિકારીઓની ઓળખ ઇતિહાસના પાને ઠગ્સતરીકેની રહી.
વિજય ક્રિશ્નન આચાર્યએ ફિલ્મના લીડ રોલ માટે પહેલા રૂત્વિક રોશનને કાસ્ટ કર્યો હતો. રૂત્વિકની હોમ પ્રોડક્શનની ડેટ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનસાથે ક્લેશ થતા તેણે આ ફિલ્મ છોડી દીધી. એની જગાએ મિસ્ટર પરફેક્શનિસ્ટ મેદાનમાં આવ્યા છે. આ ફિલ્મથી આમિરખાન રૂ. ૭૦૦ કરોડ કમાય એવી સંભાવનાઓ જોવાઈ રહી છે. ફિલ્મનો ૭૦ ટકા નફામાં હિસ્સો આમિરે માગ્યો છે. પ્રોડકશન હાઉસ ૩૦ ટકામાં  કામ કરવા બિલકુલ રેડી પણ છે. આ ફિલ્મ રૂ. ૧૦૦૦ કરોડની ક્લબમાં આસાનીથી આવવાની છે. એટલે ૭૦ ટકા લેખે આમિરખાનના રૂ. ૭૦૦ કરોડ પાક્કા. ફિલ્મની કમાણી જો રૂ. ૧૦૦૦ કરોડ વટાવે તો... જો કે આ તો ‘ જો અને તો’ની પરિભાષા છે.
આમિરની અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની બચપનથી એક ખ્વાઇશ હતી. આમિરે એક ટ્વીટ કરીને કન્ફેસ કર્યું છે કે, ‘શ્રી અમિતાભ બચ્ચનજી સાથે કામ કરવાની મારી દિલની તમન્ના પૂરી થવા જઈ રહી છે. મારા આખા જીવનમાં મેં આ ક્ષણ માટે બહુ પ્રતિક્ષા કરી છે. આમિરે ટ્વીટમાં અમિતજી સાથે કામ કરવાનો અવસર આપવા માટે આદિત્ય ચોપડાનો આભાર માન્યો. ફિલ્મમાં આમિરખાન અમિતાભ બચ્ચન ઉપરાંત જેકી શ્રોફ, શશાંક અરોરા, કેટરીના કૈફ અને ફાતિમા મુખ્ય કેરેકટર છે. સત્યદેવ કંચરણા, મહમ્મદ જીશન અયુબ અને કમલેશ સાવંત સાઈડ રોલમાં છે. ફિલ્મનું પોસ્ટર લોંચ થઈ ગયું છે. આ યશરાજ બેનરની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. સમાચાર છે કે, સલમાન અને શાહરૂખ પણ ફિલ્મમાં કેમિયો કરવાના છે. એટલે ત્રણ ખાન એક જ ફિલ્મમમાં હોય એવું પણ પહેલી વાર બનશે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાને પેટ્રોઈટીઝમના અસરકારક ઐતિહાસિક વિષય, ત્રણ ખાન તથા બે પરફેક્શનિષ્ટ એમ ત્રણ મજબૂત પાસાથી રીલીઝ પહેલા જબરજસ્ત હાઈપ ક્રિએટ કરી રહી છે. દિવાળીમાં રીલિઝ થવા જઈ રહેલી ઠગ્સ ઓફ હિન્દુસ્તાનપાસે બહુ મોટી આશા છે અને સાથે ઐતિહાસિક પાસાની નિષ્ઠાપૂર્વકની વફાદારી પણ અપેક્ષિત છે.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની વાત નિકળે ત્યારે આ દેશભક્ત વીરો માટે માથુ ગર્વથી ઉચુ થઇ જાય. શરીરમાં રક્તની ઉષ્ણતા વધી જાય. ભારતના ક્રાતિકારીઓની હિંમત અને જવામર્દીનો જેને ખ્યાલ છે અને અહેસાસ છે એમણે ઇતિહાસના પાને ઠગ્સ તરીકે ચિતરાયેલા ભારતના જવામર્દ ક્રાંતિકારી ઠગ્સની સાચી ઓળખનો ફક્ર છે. આ ક્રાંતિકારી ઠગ્સના આત્મા જો ક્યારેક ભટાકાઇ જાય અને એમની વિષે પુછવામાં આવે તો દમામથી ચોક્કસ આ રીતે પોતાની ઓળખાણ આપે.
જબ કોઇ પુછે મેરે બારે મે,
તો મેરી એક પહેચાન લિખ દેના,
ઉઠાના મેરા ટ્રેગર ઔર ઉસસે,
છાતી મે હિન્દુસ્તાન લિખ દેના,
કોઇ પુછે વો પાગલ થા કોન,
ઔર ઇન્કલાબ કા ગુલામ લિખ દેના,
અભી ભી જો બચા હો લહુ જિસ્મ મે મેરે,
તો ઉસે નિકાલ જમી પે ફેકના,
ઔર ઉસ સે ‘ મા તુજે સલામ ‘ લિખ દેના...



       




બે હાથ પહોળા કરી વરસતા વરસાદમાં પલળીને મોટેથી હસી તો જુઓ, મજ્જા પડશે...


બે હાથ પહોળા કરી વરસતા વરસાદમાં પલળીને મોટેથી હસી તો જુઓ, મજ્જા પડશે...


સતત દિવસો અને મહિનાઓ સુધી કાળઝાળ ગરમીમાં અવનીની તડપન સાથે ધગધગતી ધરાએ જાણે અંબર સાથે રીતસર કીટ્ટા કરી રીસામણા આદર્યા હોય એમ લાગે. ‘જા, તારી સાથે નહીં જ બોલુંએમ આકાશને કહીને અબોલા કર્યા હોય અને અચાનક ધરતી એનું મૌન છોડી અંબરને જ્યારે પૂછે કે, ‘શા હાલ છે તારા...? મઝામાં છે ને..?’ બસ... એ જ ઘડીની વાર હતી. આકાશની આંખો ભીની ધઈ જાય અને મનમૂકીને વરસી પડે અનરાધાર.



આકાશ અને ધરતીની પ્રેમ કહાનીનો સૌથી મોટો કોઈ પ્રેમસેતુ હોય તો તે વરસાદ છે. અંબર એનો માતબર પ્રેમ વરસાદના ટીપે ટીપામાં ભરી ભરીને ધરા ઉપર પ્રેમાળ સંદેશ મોકલે. ધરા પણ આકાશના અહલાદને હરિયાળા સ્મીતથી સજી ધજીને આવકારે. આકાશના વાદળની ઉત્કંઠા અને ધરતીની ઉર્મીઓનું ક્યારેય મિલન શક્ય નથી. એટલે જ એની ઉર્મીઓના વાહક બનતું એક માત્ર અદભુત પ્રતીક એટલે વરસાદ.
વરસાદની કોઈની સાથે ક્યારેય કોઈ સ્પર્ધા હોતી નથી. વર્ષા તો પોતે જ પોતાની આગવી શૈલીમાં દોડે છે. ભૂલેચૂકે પણ જો વરસાદને કોઈ એની ઇચ્છા પૂછે, તો કદાચ ફટાક દઈને એ જવાબ આપી દે કે, ‘કોઈ કરતાં સારા થવાની કે કોઈનાથી આગળ નીકળવાની મારી ઇચ્છા છે જ નહીં. મારી ઇચ્છા તો પહેલાં કરતાં વધુ બહેતર અને બેસુમાર વહાલ વરસાવવાની છે. ‘ વર્ષાની ચાલ ભભકાદાર અને મહેકદાર હોય છે. એના આગમન પહેલા વાયરો આમતેમ દોડા દોડ કરે છે. વીજળી બ્યુગલ વગાડી છડી પોકારે છે. ધરતી વ્હાલથી એને આગોશમાં લેવા બેતાબ હોય છે. એટલે જ તો વર્ષારાણી કહેવાય છે.
ધરતી સાથે આકાશના સંવાદથી મૌસમ એટલે વરસાદની મોસમ. મેઘધનુષી રંગો ભર્યું આકાશ અને હરીયાળી ખુશી વેરતી ધરાના પ્રણય નૃત્યમાં મનગમતા સાથીના સાથની બે પળ મળે તો એને કહેવાય જિંદગી. જેમ આગ અને તાપણીમાં ફરક છે, એમ વરસાદમાં પલળી જવું અને ભિંજાઈ જવામાં ફરક છે. સમયને પૂરે પૂરો માણવા સમયને ખોળે માથું મૂકી દેવું પડે. વરસાદ તો પ્રેમ અને ઉર્મીઓનો લખલૂટ ખજાનો છે. એ કોઈ સામાજિક બંધનોની આંટીઘુંટીમાં પરોવાયેલો વ્યવહાર નથી કે આટલા લીટર વરસ્યો એટલે એટલા પ્રમાણમાં મોજ અને આનંદ !
વરસાદ એટલે બાળપણને આમંત્રણ. આપણે અનનેસેસરીલી એવા મોટા થઈ ગયા છીએ કે, આપણે એ પણ ભૂલી ગયા છીએ કે, વર્ષો પહેલા બાળપણમાં વરસાદના પાણીમાં આપણા જહાજો ચાલતા. ક્યારેક ઘરના છાના ખૂણે એકલા અમસ્તા અમસ્તા બારીમાંથી વરસતા વરસાદને જોતા જોતા હોઠને મલકાવી તો જો જો. મન અને હૃદય ઉપર પરાણે રાખેલો મોટપનો જાડો ખદ્દડ પડદો હટાવીને બે હાથ પહોળા કરી વરસતા વરસાદમાં પલળીને વગર કારણે મોટે મોટેથી હસી તો જો જો. જીવનની આવી મસ્ત મૌલા જેવી ક્ષણો રૂમઝૂમ ઝાંઝરના ઝણકાર સાથે બારસાખે ઊભી હોય ત્યારે એને ભરપૂર માણી લેજો.
કેટલાક લોકોને આનંદની અદભુત મૌલાતના માલિક બનતા જ નથી ફાવતુ... સોરી નથી આવડતું. હજુ ગઈકાલ સુધી ગરમીથી ત્રસ્ત હતા. પાણી પાણી કરતા હતા. આજે વરસાદ વરસતા વરસાદની તકલીફોની ફરિયાદની વણઝાર વર્ણવા લાગે છે. આવા લોકો કોઇપણ વ્યક્તિ, ઘટના કે વાતનો આનંદપૂર્વક સ્વીકાર ના કરી શકવાના કારણે હંમેશા ત્રસ્ત રહે છે. આવા લોકો વ્યગ્રતાના વમળમાં ચકરાવે ચઢેલા જ રહે છે. એમનુ પાછુ એવુ પણ ખરું વરસાદનો ક્યારેય આનંદ નહીં, ના આવે તો વરસાદ નિષ્ઠુર અને બહુ વહાલથી અનરાધાર વરસે તો ખુબ ચોંટ્યો ચારે બાજુ પાણી પાણી થઇ ગયું જતો જ નથી... જીવનની મઝાની ક્ષણોને મુઠ્ઠીમાં બાંધી ન શકાય. મઝાની પળને તો વરસાદની માફક મનભરીને માણવાની હોય.
વરસતા વરસાદમાં કંઈકના દિલ ખીલી ઊઠે, મન મોર બનીને થનગનાટ કરવા માંડે. વરસાદ કોઈકના દિલમાં ફડકારો પણ પેસાડી દે કે, આજે ખાટલો ક્યાં ઢાળશે ? અને ઉંઘશે શી રીતે ? પણ એટિટ્યૂડ તો એવો હોવો જોઈએ કે, ભારે વરસાદને મુશ્કેલીઓથી બચવા ઝરમર વરસાદની પ્રાર્થના કરવા કરતા ધોધમાર વરસાદમાં સરસ રેઈનકોટ અને મોટા ઘેરાવાવાળી મજબૂત છત્રી માટે પ્રાર્થના કરવી જોઈએ.
સોશિયલ મીડિયાના મંજાયેલા કવિઓ તે વાદળો ગોરંભાવાનું શરૂ થાય અને પહેલો વરસાદ પડતાવેંત જ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટા વગેરે ઉપર કિલ્લોલથી કિકિયારીઓ પાડવા લાગે છે. વરસાદની સીઝન એવી છે કે એના માટે દરેક ભાષામાં કવિઓએ અઢળક વહાલ વરસાવ્યું છે.
વરસાદ ઉપર ખૂબ સુંદર મઝાની રચનાઓનો ખજાનો આપોઆપ હદયના કમાડ ખોલી રેલાવા માંડે છે. ‘‘આવરે વરસાદ, ઢેબરીયો વરસાદ, ઊની ઊની રોટલી અને કારેલાનું શાક... અને કવિ વિવેક મનહર ટેલરે રચેલું બાળપણમાં વરસાદની મોજ દફતર નાખી ભરાયેલાં પાણીમાં ધુબાકા, ચાલને ભેરું, વરસાદની મૌસમ છે ધરતી સાથે વરસાદના સંવાદની મોસમ છે...’ જેવા બાળગીતો બાળપણમાં લલકારી પાણીમાં છબછબીયા નથી કર્યા તો એને બાળપણ શું કહેવાય અને એની મસ્તીનો ખ્યાલ જ નથી.
હરિન્દ્રભાઈ દવે વરસાદની ઉર્મીઓને કંઇક આ રીતે ઢાળે છે. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ, એક તરણુ ખીલ્યું ‘ને તમે યાદ આવ્યાં...’’ ભગવતીકુમાર શર્માની રચનામાં વરસાદની સોડમ ક6ઇક ઓર જ છે , ‘હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને ત્રીજો વરસાદ એવું કાંઈ નહીં, હવે માટીની ગંધ અને ભીનો સંબંધ મઘમઘતો સાથ, એવું કાંઈ નહીં...’ કવિ હર્ષ બ્રહ્મભટ્ટ વર્ષાની મહેકને, ‘આભમાં જ્યાં વાદળો ઘેરાય છે, માટીને મન ફુટ ફુટ થાય છે, મહેંક વરસાદી લઈને આ પવન લોહીમાં સીધો પ્રવેશી જાય છે...’ કહીની પોંખે છે. તો વરસાદની આગવી છડી પોકારતા કવિ નીતિન વડગામા મઝાની રચનામાં કહે છે કે, ‘ભીના પવરણે આવ્યો અવસર, મેઘ-મુબારક, ભિંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક, છાંટો પડતા એક સામટાં મ્હોરી ઊઠ્યાં, ડેલી, આંગણ ને આખું ઘર મુબારક...’
કવિ મુકેશ જોષીએ વરસાદના ઓવારણા એમ કહીને લીધા કે, ‘લીલાછમ પાંદડાએ મલકતા મલકતા, માંડેલી  અચરજની વાટ, ધરતીને સીમમાં જોઈ એકલી, ને એને બાઝી પડ્યો વરસાદ...’ રમેશ પારેખની ઓલ ટાઇમ હીટ રઇન લાઇન, ‘અહીં આપણ બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને ભીંજવે વરસાદ...’ યાદ આવ્યા વગર કેમ રહે ?આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, ગાલો પર લજ્જાની લાલી ફૂટવાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે...’ શબ્દો સાથે કવિ તુષાર શુક્લ વરસાદને આવકાર આપે છે.
પાંખો પ્રસરાવી મજ્જાથી તાતા થૈયા કરતા મોરલાઓ જુઓ... કેટલો આનંદ છે એના રોમેરોમમા ! પાંખો ફેલાવી સફેદ ચાદર પાથરી વરસાદના પ્રત્યેક ટીપાને ઝીલવા તૈયાર બગલાઓની પંગતને જુઓ... કેટલો ઉત્સાહ છે એની આંખોમાં ! વરસાદરૂપી નવાગંતુકને પોંખવા સાગરમાં ઘેલી થઈને દોડા દોડી કરતી માછલીઓ અને રાતના ખુશનુમા વાતાવરણમાં ટમટમતા દિવડા સમાન આગીયા સહિત પ્રકૃતિના કણ કણમાં નવચેતનાનો સંચાર વર્ષારાણીની સવારીને બાઅદબ આવકાર આપે છે. વરસાદની મૌસમમાં હૃદયના કોઈ છાના ખૂણે ઉછરી રહેલી ઊર્મીઓને ખુલ્લા આકાશમાં મુક્ત મને ફરફરાવવાનો અવસર કહેવાય. આ અવસર પ્રતિ વર્ષ આવે. ઉમર, કમર કે આજુ, બાજુ વિચારવા કરતા ધુબાકા મારીને એને માણી લેવો પડે. શ્રાવણ-ભાદરવામાં પાણીમાં ગુલઝાર સાહેબનું છઈ છપાક છઈ ગાઇને ઝુમી લેવુ પડે.


ધબકાર :
હળવેથી ઘરડા થવું એટલે, વરસાદની મૌસમમાં પ્રિય પાત્ર સાથે ભિંજાવાના બદલે ભજીયા યાદ આવે એ.