Monday, 13 August 2018

રાજેષ વ્યાસ આમ પણ ‘મિસ્કીન’ અને તેમ પણ ‘મિસ્કીન’...


રાજેષ વ્યાસ આમ પણ મિસ્કીનઅને તેમ પણ મિસ્કીન’...

કૈંક દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા
શ્વાસ મારાથી સહજ લેવાય છે ? આભાર માન
કૈંક મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,
ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન
જ્ઞાનતંતુની બિમારી ને હૃદયની કોઈને,
આ જગત સ્પર્શાય છે ? સમજાય છે ? આભાર માન
કૈંક ઉબાઈ ગયાં છે કૈંક પાગલ થઈ ગયા
જીવવાનું મન પળેપળ થાય છે, આભાર માન
એક સરખુ હશે જો કૈં પણ તો કંટાળી જઈશ
વત્તુ ઓછું જો હૃદય હરખાય છે, આભાર માન
જીભમાં લોચા નથી વળતા ન દદડે આંસુઓ
હોઠ આ ફફડે છે તો બોલાય છે, આભાર માન
વ્હેણ સુકાયા નથી ને અવસર શોભે હજી
આંસુઓ પણ પાંચમાં પુછાય છે, આભાર માન
કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત
આજ આ આભાર વશ થઈ જાય છે, આભાર માન



થોડી લાંબી રચના જરૂર છે પણ આ રચનાનો આગવો ઇતિહાસ છે. એકાદ-બે મહિના પહેલાં સુરતનાં સ્મૃતિઓડિટોરિયમમાં જ્યારે ગઝલકાર રાજેશ વ્યાસ, ‘મિસ્કીનેતેમની આ ગઝલ રજૂ કરી ત્યારે ખીચો ખીચ ભરેલા હોલમાં પીનડ્રોપ સાયલંસ વચ્ચે એક માણસ ઊભો થયો અને બુલંદ અવાજે બોલ્યો, ‘મિસ્કીન સાહેબ, આ ગઝલ ફરી એકવાર રજૂ કરોને... વન્સ મોર પ્લીઝ...’ એક મિનિટ માટે આખા ઓડિટોરીયમમાં સન્નાટો છવાઈ ગયો. સેંકડો મુશાયરા કરી ચૂકેલા મિસ્કીન માટે પણ આ પ્રકારની એક વ્યક્તિની દિલથી, ‘વન્સ મોરની માગણી કંઈક અલગ ભાવ જન્માવતી હતી. કવિએ એકાદ મિનિટના સન્નાટાના પડદાને પ્રેમપૂર્વક ઉઠાવતા આભાર માન...’ ગઝલ ફરી પ્રસ્તુત કરી. પેલો ભાવક મિત્ર રસ તરબોળ બની ઝૂમી ઊઠ્યો.


વાત કંઈક આમ હતી. એ દિવસે સુરતની એક જાણીતી સંસ્થાએ મિસ્કીન અને સૂર્યભાનુ ગુપ્ત હિન્દી અને ગુજરાતી બે દિગ્ગજ સર્જકો એક મંચ ઉપર ભેગા કરી તેમના સંવાદનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. આ સૂર્યભાનુ ગુપ્ત એટલે ખ્યાલ આવ્યોને, હિન્દી સાહિત્ય જગતનું દુષ્યંતકુમાર પછી બડા આદરથી લેવાતુ નામ. ગોધુલી અને આક્રોશ ફિલ્મના સંવાદ લેખક. સલીમ જાવેદની જોડીવાળા જાવેદ અખ્તરના જીગરી મિત્ર. આ કાર્યક્રમમાં સુરતના આઝમભાઇ ઘડિયાળી સાથે સરવા કાનનો શ્રોતા અને સાહિત્યજગતનો ભાવક રઝાકભાઈ મિસ્કીન અને સૂર્યભાનુના સંવાદને માણવા આવ્યા હતા. સંવાદ દરમિયાન વાતમાંથી વાત નીકળતા મિસ્કિને એમની જાણીતી ગઝલ આભાર માન...’ રજૂ કરી. ઓડિટોરીયમમાં શ્રોતાઓ ગઝલ સાથે વહેવા લાગ્યા. પણ ગઝલ સાંભળતા વેંત આ ગઝલ સાથે જોડાયેલો રઝાકભાઈનો ભુતકાળ સળવળીને બેઠો થઈ ગયો.
થોડા સમય પહેલા રઝાકભાઈ અગમ્ય કારણોસર જબરજસ્ત રીતે ડિપ્રેશનમાં સપડાઈ ગયા હતા. એ સમય દરમિયાન રઝાકભાઈને આભાર માન...’ ગઝલ અચાનક સાંભળવા મળી. રઝાકભાઈ પછી તો આ ગઝલ વારંવાર સાંભળતા ગયા અને ધીમે ધીમે ડિપ્રેશનમાંથી બહાર આવવા લાગ્યા. કેવી અદભુત તાકાત હોય છે, વૈચારિક વિશ્વની અને શબ્દોની ગુંથણીની ! ઇસ્લામમાં આ પ્રકારની ગઝલોને ઇલહામી ગઝલો કહે છે. ઈલહામી એટલે કુરાને શરીફ વાંચીને એમાંથી ઉતરી આવેલી અલૌકિક સંકેત.
આભાર માનગઝલના અવતરણનો ઇતિહાસ પણ ભારે રોમાંચક છે. આજથી દોઢ-પોણા બે દાયકા પહેલાં મિસ્કીન મુંબઈમાં એક મુશાયરામાં તેમના ગઝલપઠન બાદ ઓડિયોરિયમ બહાર તેમની કાર પાસે જતા હતા. ત્યાં અચાનક એમની નજરે રસ્તા ઉપર એક માજીને વાહનો પસાર થતાં જોઈ રહ્યાં હોવાનું દ્રશ્ય નજરે પડ્યું. મિસ્કીન કાર પાસે જવાને બદલે માજી પાસે પહોંચી ગયા. એમણે માજીનો હાથ પકડી પૂછ્યું. ‘‘રસ્તો ક્રોસ કરાવું ? તમે કોઈની રાહ જૂઓ છો ?’’ ત્યારે માજીએ મિસ્કિનને જવાબ આપ્યો, ‘હા, હું ઓક્સિજનની રાહ જોઉં છું...’ અને ઓડિટોરિયમથી હોટલ સુધી પહોંચતા રસ્તામાં મિસ્કિનની કલમે આભાર માન...’ સરી પડી.
કમાલની વાત તો એ છે કે, જેમ વર્ષો ભોયમાં ધરબાઈને પડી રહે તો પણ સોનાને કાટ ન ચડે એમ લખાયા પછી દોઢ-પોણા બે દાયકા આભાર માન...’ મિસ્કિનની ડાયરીના પાને અકબંધ પડી રહી. ઘણા વર્ષો પછી સાત આઠ વર્ષો પહેલાં અખંડ આનંદના દીપોત્સવી અંકમાં હરિકૃષ્ણભાઇ પાઠકે આભાર માન...’ ગઝલ પ્રસિદ્ધ કરી. ત્યાર બાદ છેક વર્ષ ૨૦૧૮માં મહેન્દ્રભાઈ મેઘાણીએ મિસ્કિનને ફોન કરી અડધી સદીની વાંચન યાત્રામાં આભાર માન...’ ગઝલ પ્રસિદ્ધ કરવા મંજૂરી માગી. અડધી સદીની વાંચનયાત્રામાં બે જ કવિ સિતાંષુ યશયંદ્ર અને રાજેશ વ્યાસ મિસ્કીનની આખે આખી ગઝલ પ્રસિદ્ધ થઈ. મહેન્દ્રભાઈ મેઘાણીના આ પ્રકાશન વિષે જે મિત્રોને ખ્યાલ છે એમને ખબર છે. અડધી સદીની વાંચન યાત્રામાં આખે આખી ગઝલ પ્રસિદ્ધ થવાનું શું ગૌરવ હોઈ શકે. સામાન્ય રીતે મહેન્દ્રભાઇનો આખી ગઝલમાંથી એકાદ બે ચોટદાર શેર જ પ્રસિધ્ધ કરવાનો ઉપક્રમ રહેતો હોય છે. પછી તો વર્ષ ૨૦૧૮માં ગુજરાતી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૧ના ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં આભાર માન...’ને સ્થાન આપવામાં આવ્યું.
સુરતમાં એક અનોખા સંવાદકાર્યક્રમમાં મિસ્કીન દ્વારા રજૂ થયેલી આભાર માન...’ ગઝલ બાદ રઝાકભાઇનુ ઉભા થઇને વન્સ મોરકહેવાની ઘટનાએ આભાર માન...’ ગઝલનો રોમાંચક ઇતિહાસ ખોલવાનો સાહજિક ઉપક્રમ ઉભો કરી આપ્યો. કુરાનમાં મિસ્કીનશબ્દનો અર્થ અનોખી રીતે રજુ થયો છે. કુરાન કહે છે કે, ખરેખર ખુંવાર થઇ ગયો હોય પણ ખુદાના બંદા જેવો તેજસ્વી દેખાવ કોઇને એની આર્થિક ફકીરીનો લેશ માત્ર ખ્યાલ ન આવવા દે એવો વ્યક્તિ એટલે મિસ્કીન’. જાણીતા શાયર જલન માતરીએ મિસ્કિનનો અર્થ આપતા એકવાર કહ્યું હતું કે, જેને બીજા ટંકના ભોજનની ખબર નથી એવો મુફલીસ એટલે મિસ્કીન. મરીઝ સાહેબે કવિ રાજેશ વ્યાસને મિસ્કિનનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું હતું  કે, ‘મસ્કન એટલે ખૂણો અને મિસ્કિન એટલે ખૂણામાં બેસીને અલ્લાહની બંદગી કરનારો ઓલીયો ફકીર. એક અલ્લાહના બંદાએ મિસ્કિન શબ્દને એના આગવા અંદાજમાં રજૂ કરતાં કહ્યું હતું કે, ‘અગર એક ભી રોઝા ન રખ્ખા તો કીસી મિસ્કિન કો ખિલાયા જાય...’
સાચી ભાવનાથી રચાયેલા શબ્દાકાશમાં અસંખ્ય લોકોના અરમાનોના તારાઓ ચમકતા હોય છે. શબ્દો દ્વારા રચાતા ભાવ વિશ્વમાં સચ્ચાઇ અને અચ્છાઇનો ટંકાર મિસ્કિનના ગઝલ વિશ્વનો આગવો અંદાજ હોય છે. રાજેશ વ્યાસ મિસ્કીનની ગઝલોમાં ઐશ્વરીય સચ્ચાઇ હોય છે. મરીઝ સાહેબે કહ્યા મુજબ કવિ રાજેશભાઇ વ્યાસ વ્યક્તિ તરીકે ખૂણામાં બેસીને દિલથી અલ્લાહની બંદગી કરનારો ઓલીયા ફકીર જેવો મિસ્કીનછે. સાચૂ પુછો તો મિસ્કિન આમ પણ મિસ્કીનઅને તેમ પણ મિસ્કીનછે.

ધબકાર :
આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી
અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી
                   રાજેશ વ્યાસ મિસ્કીન





યુવાનો અને ટેકનોલોજીના કોમ્બિનેશનની કમાલ એટલે ‘અરબ સ્પ્રિંગ’


યુવાનો અને ટેકનોલોજીના કોમ્બિનેશનની કમાલ એટલે ‘અરબ સ્પ્રિંગ’

અભિવ્યક્તિની આઝાદી લોકતંત્રની બહુ મોટી ભેટ છે. પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા અને છેલ્લા એક દશકથી કુદકેને ભુસકે વધેલા સોશ્યલ મીડિયાના વ્યાપે અભિવ્યક્તિને બે નહીં ચાર પાંખો આપી હોય એવું લાગે છે. સોશ્યલ મીડિયાની પ્રચંડ અને અમાપ શક્તિના ચમકારા અવારનવાર જોવા મળ્યા છે. આ શક્તિશાળી માધ્યમે કોઈ ક્રાંતિને સુપરસોનિક વિમાનની ઝડપે ટેકઓફ કરી હોય એવું ઉદાહરણ ‘અરબ સ્પ્રિંગ’નું છે.
‘અરબ સ્પ્રિંગ’માં સોશ્યલ મીડિયાની ભૂમિકાની વાત નિકળે અને ઇજીપ્તનો ૨૦૧૦નો કિસ્સો ન યાદ કરાય તો ‘અરબ સ્પ્રિંગ’ની વાત અધુરી લાગે. ગોમીન નામનો એક ઈજિપ્શિયન લબરમુછીયો યુવાન ગુગલની દુબઈ ઓફિસમાં કામ કરતો હતો. એણે નેટ ઉપર ખાલીદ સઈદ નામના ૨૮ વર્ષના યુવાનની એવી તસવીર જોઇ કે જેમા એને ઈજિપ્તના સુરક્ષાના જવાનો માર મારી રહ્યા હતા અને અંતે એનું મૃત્યુ થયું. ગોમીન હચમચી ગયો. એણે ફેસબુક ઉપર એક પેજ બનાવી સઈદનો ફોટો મૂકી લખ્યું  ‘આજે એ લોકોએ ખાલીદને માર્યો, કાલે તમારો કે મારો વારો હોઈ શકે છે...’ ગોમીને એના એફબી પેજનું નામ આપ્યું ‘કુલ્લેના ખાલીદ સઈદ’ એટલે ‘આપણે બધા ખાલીદ સઈદ છીએ...’
ગોમીને આ પેજ બનાવ્યાની સાથે માત્ર બે જ મિનિટમાં ૩૦૦ લોકો એના એફબી પેજ સાથે જોડાયા. બે - ત્રણે માસમાં ગોમીનના ‘કુલ્લેના ખાલીદ સઈદ’ એફબી પેજની સાથે ત્રણ લાખ ઉપરાંત લોકો જોડાઈ ગયા. આ ટોળું માર્ગ ઉપર આવી ગયું. ઇજીપ્તના કૈરોના શહેરનુ તહરીર સ્કવેર ખુબ પ્રચલીત સ્થળ છે. ત્યાં પ્રચંડ માનવ મહેરામણ ઉમટી પડ્યો અને એક રેલી નીકાળી. એફબી પેજમાંથી ભભુકેલી આ ક્રાંતિની આગ એટલી જબરજસ્ત હતી કે, અંતે ઇજિપ્તના શાસક હોશની મુબારકે સત્તા છોડીને ભાગવું પડ્યું.
‘અરબ સ્પ્રિંગ’ ક્રાંતિની સૌથી ધ્યાનાકર્ષક બાબત એ છે કે, એનો ઇતિહાસ બહુ જુનો નથી એટલે ૩૦થી ૩૫ વર્ષના યુવાનોની નજર સામે બનેલી ક્રાંતિની આ ઘટના છે. વળી અરબ સ્પ્રિંગનું બીજું મહત્વનું પાસું એ પણ છે કે, આ ક્રાંતિનો કોઈ એકાદ બે કે પાંચ પચીસ નેતા ન હતા એને સોશ્યલ મીડિયાએ વ્યવસ્થિત રીતે હવા આપવાનુ કામ કર્યું હતુ. પરિણામે  અરબ સ્પ્રિંગને દબાવી દેવાની વાત અઘરી બની ગઈ હતી. ભારતની ૧૮૫૭ની મંગળ પાંડે દ્વારા શરૂ કરાયેલી ક્રાંતિ હોય કે ૧૭૮૫ની અમેરિકાને મુક્ત કરવા આરંભાયેલી ક્રાંતિ હોય, ૧૬૮૮ની બ્રિટીશ ક્રાંતિ હોય કે ૧૮૩૦ની જર્મન ક્રાંતિ હોય તમામ ક્રાંતિના મૂળમાં નિષ્ઠુર અને લાલચી શાસકોની બેરહમ આપખુદશાહી રહી છે. જુલ્મ અને ભ્રષ્ટ શાસક સામે સ્વતંત્ર વિચારો સહજ રીતે લોકોને આકર્ષિક કરી એકત્રીત કરે છે. પરિણામે સમૂહની તાકાત સરમુખત્યાર અત્યાચારીઓની સત્તાના પાયા હચમચાવી કાઢે છે.
ગુજરાત કરતાં ઓછો ભૌગોલિક પ્રદેશ ૧૬૫ હજાર ચોરસ કિલો મીટરમા પથરાયેલા લીબીયા પાસે આવેલા એક ટચુકડા દેશ ટ્યુનીશિયાથી ‘અરબ સ્પ્રિંગ’ની શરૂઆત થઈ. ટ્યુનીશિયાની વસતી ગુજરાત કરતાં છઠ્ઠા ભાગની એટલે માત્ર એક કરોડ વીસ લાખની છે. પછી તો સોશ્યલ મીડિયા દ્વારા મિસ્ર, લીબીયા, યમન, બરહીન, સીરીયા, અલ્જીરીયા, ઈરાક, જોર્ડન, મોરોક્કો, સુદાન, ઓમાન, સાઉદી અરબ વગેરે દેશોમાં સ્વતંત્રતા અને આઝાદી માટે ક્રાંતિ દાવાનળની જેમ ફેલાઈ ગઈ. ખાડી દેશોમાં ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોના ઉલ્લંઘન તથા શોષણના કારણે લોકોમાં જબ્બર આક્રોશ હતો. બેરજોગારીની માત્રા અતિશય વધુ હતી. યુવાનો પાસે કામ ન હતું. શાસકોના જુલ્મો સિતમ અને આઝાદીના વિચારોનો સમન્વય થતાં આરબ દેશોમાં ક્રાંતિની આગ જબરજસ્ત રીતે ભડકી. ‘અરબ સ્પ્રિંગ’માં ૧,૭૦,૦૦૦થી વધુ લોકોના મોત થયા.
‘અરબ સ્પ્રિંગ’ની પાયામાં સોશ્યલ મીડિયાનો મહત્વનો રોલ એટલે કહેવાય છે કે, ‘એકશન રીએકશન’ ફિલોસોફીમાં સોશ્યલ મીડિયાની ઝડપી સંદેશા પહોંચાડવાની પ્રક્રિયાએ તેમાં મોટો ભાગ ભજવ્યો. ઈન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ પોલિટિકલ ઈસ્લામ પ્રોજેક્ટના સંશોધન અહેવાલના તારણોમાં જણાવાયું છે કે, અરબ સ્પ્રિંગની સફળતામા સોશ્યલ મીડિયાની પોસ્ટસે વાસ્તવિક ધરા ઉપર રાજકીય ચર્ચામાં વમળો સર્જવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. દુબઈ સ્કૂલ ઓફ ગવર્નમેન્ટે કરેલા અભ્યાસના તારતમ્યોમાં પણ અરબ સ્પ્રિંગમાં ઇન્ટરનેટ અને સોશ્યલ મિડીયાનો સૌથી મોટો પ્રભાવ હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે. અભ્યાસમાં જણાવાયું છે કે, કેટલાક અરબ રાષ્ટ્રોમાં સરકારે સોશ્યલ મીડિયામાં લોકોને સરકારી નીતિઓ અંગે ચર્ચામાં જોડવામા આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં કેટલાક સમય માટે ઈન્ટરનેટ ટ્રાફિક ઉપર બાજ નજર રાખવામાં આવી હતી. આની સાથો સાથ કેટલીક વેબસાઈટ અને નેટ ઉપરના પ્રતિબંધો પણ મુકવામાં આવ્યા હતા. આ બધા પગલાંઓએ સંબંધિત કેટલાક રાષ્ટ્રોમાં અરબ સ્પ્રિંગની આગને ફેલાતી અટકાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
‘અરબ સ્પ્રિંગ’ના મૂળમાં યુવાનોની તાકાત રહેલી છે. યુવાનોને ટેકનોલોજી સૌથી વધુ આકર્ષે છે. સોશ્યલ મીડિયાની ફાસ્ટ કોમ્યુનિકેશન સ્કીલે આ દશકની ક્રાંતિને ટેકનોલોજીની જીત તરીકે બિલકુલ એસ્ટાબ્લિશ કરી દીધી. કાર્લ માર્ક્સના શબ્દોમાં કહીએ તો, દરેક ઇતિહાસની ગાડીને વિચારધારાની ક્રાંતિનુ શક્તિશાળી એન્જિન જ ખેંચતુ હોય છે. ક્રાંતિ માનવજાતિનો મૂળભૂત સ્વભાવ છે. સ્વતંત્રતા ક્યારેય ખતમ ન થાય તેવો જન્મસિદ્ધ અધિકાર છે. ‘અરબ સ્પ્રિંગ’ યુવાનો અને ટેકનોલોજીના કોમ્બિનેશનનું ઉત્તમ ઉદાહરણ છે.

ધબકાર :
સોશ્યલ મીડિયાનો સમજપૂર્વકનો ઉપયોગ ઇતિહાસ રચવાનુ સામર્થ્ય ધરાવે છે અને એનો બેજવાબદારીપૂર્વકનો ઉપયોગ વિનાશ પણ નોતરી શકે છે.