Friday, 8 March 2019

તમે પોતાની જાત સાથે ક્યારેય સંવાદ કર્યો છે ખરો ?


તમે પોતાની જાત સાથે ક્યારેય સંવાદ કર્યો છે ખરો ?
એક નાનકડા ગામડાં ગામના પિતા-પુત્રની વાત છે. દર વર્ષે એમના ગામની બાજુના ગામમાં મોટો મેળો ભરાતો. આ મેળામાં મોટા પાયે લોકો ગધેડાની લે- વેચ કરે. આ બાપ-બેટો મેળામાં ગધેડાને વેચવા માટે નીકળ્યા. ગધેડો એમની સાથે ચાલતો હતો. આ જોઈને એક જણે ગધેડા ઉપર દીકરાને બેસવાની સલાહ આપી. બેટો ગધેડા ઉપર બેસી ગયો. થોડા આગળ ગયા ત્યાં બીજાએ કહ્યું, ‘ઉંમર લાયક પિતા ચાલે છે અને દીકરો મોજથી ગધેડા ઉપર સવારી કરી રહ્યો છે, શરમ નથી આવતી ?’ છોકરો આ સાંભળી ગધેડા ઉપરથી ઉતરી ગયો અને પિતાજીને ગધેડા ઉપર બેસાડ્યા. થોડું આગળ ચાલ્યા હશે ત્યાં ત્રીજો વ્યક્તિ મળ્યો અને બોલ્યો, ‘ખરો માણસ છે, છોકરાની ચિંતા કર્યા વગર પોતે ગધેડા ઉપર ટેસથી બેઠો છે ?’ બાપ ગધેડા ઉપરથી ઉતરી ગયો. હવે આ બાપ-બેટો મુંઝાયા. રસ્તા પાસેના એક ઝાડ નીચે બેઠા અને વિચારવા લાગ્યા. ત્યાં એક ચોથો વ્યક્તિ આવ્યો. આ બાપ બેટાએ એની પાસે આપવીતી વર્ણવી. આ વ્યક્તિએ સલાહ આપી તમે બન્ને ગધેડા ઉપર બેસી જાવ એટલે કોઈ પ્રશ્ન જ નહીં રહે.’
બાપ-દીકરો રાજી થઈ ગયા અને ગધેડા ઉપર બન્ને બસી આગળ જવા લાગ્યા. ત્યાં વળી પાછા એક વ્યક્તિએ ટીપ્પણી કરી કે, ‘તમે બન્ને ખરા છો, આ ગધેડા ઉપર બેસી ગયા, જરા આ મુંગા પશુનો તો વિચાર કરો ?’ આ સાંભળીને બાપ-બેટો ગધેડા ઉપરથી ઉતરી પાછા ચાલવા લાગ્યા. વિશ્વાસની ઓછપથી આવતા દુષ્કર પરિણામો બતાવતી આ નાનકડી વાતમાં મોટો સંદેશ છે. કોઈ કંઈ પણ કહે. શું અને કેટલું કરવું છે એ નક્કી તો વ્યક્તિએ પોતે કરવાનું છે. લોકો હંમેશા પૂછતા હોય છે કે, જીવનમાં સફળ બનવાનો રાઝ શું છે? શિક્ષકો, વડીલો, મિત્રો કે અન્ય કોઈ તમને જે જોવા માગે છે એ નહીં પણ તમારે જે ખરેખર બનવું છે એની ખબર તમને પોતાને જ છે. વ્યક્તિની પોતાની પાસે સફળતાની તોપનુ ટ્રીગર છે. તકલીફ એ છે કે, પોતાની આંગળી આ ટ્રીગર પાસે પહોંચાડી શકતા નથી. અથવાતો આ ટ્રીગરની સમજ જ નથી. વ્યક્તિએ પોતાને ગમે એ રીતે જીવનને ખુશહાલ બનાવવાનું છે. વડીલો કે અન્ય કોઈ કહે એ દિશામાં આંખ મીંચીને દોડવા કરતા પોતાનું મન અને હૃદય શું કહે છે એ પ્રમાણે ચાલવાની મજા જુદી છે. શું આગળ વધવા ક્યારેય તમે પોતાની જાત સાથે સંવાદ કર્યો છે ? પોતાની જાત સાથે સંવાદ કરવો પડે. શક્ય છે, લોકો પાગલ પણ કહે. આવા પાગલોનો જ ઇતિહાસ લખાતો હોય છે અને બુદ્ધિશાળીઓ એ વાંચતા હોય છે.
હોલીવુડના સુપરસ્ટાર, અને રાજકારણી આર્નોલ્ડ સ્વાઝનૈગરને લોકો કહેતા કે, આ વ્યક્તિ જીવનમાં કાંઈ ઉકાળી શકે એમ નથી. એમના શરીરને જોઈને લોકો કહેતા કે, ‘તું ફિલ્મ કલાકાર બનવાની વાત મનમાંથી કાઢી નાખ. તારી ફીગર યોગ્ય નથી.’ પરંતુ સ્વાઝનૈગરને તો નંબરવન બનવું હતું. માત્ર ફિલ્મ કલાકાર નહીં હાઈએસ્ટ પેઈડ હોલીવુડ મુવી સ્ટાર બનવાનું એનુ સપનું હતું. એને માત્ર ચેમ્પિયન નહોતું બનવું એને તો વિશ્વના સર્વકાલીન બોડી બિલ્ડર તરીકે વિશ્વમાં નામના મેળવવી હતી. આર્નોલ્ડ કહેતો કે, મને મારી શક્તિઓમાં હમેશા વિશ્વાસ રહ્યો છે. કોઇ ગમે તે કહે પણ મને ખ્યાલ હતો કે, હું લોકો હંમેશા યાદ રાખે એવો બોડી બિલ્ડર અને હાઈએસ્ટ પેઈડ હોલીવુડ સ્ટાર બનવાનો જ છું. સખત વર્જીશ કરીને એ હોલીવુડનો દમદાર મેગાસ્ટાર બન્યો.
વ્યક્તિ એકવાર એના લક્ષ્યને નક્કી કરી લે અને દ્રઢતાપૂર્વક એને વળગી રહીને પરિશ્રમ કરે પછી આગળની સફર વધુ તેજ રફતાર પકડે છે. ધીમે ધીમે આગળ વધવાની પ્રોસેસમાં આનંદનું તત્વ ઉમેરાતુ જાય છે. દરેકને ખબર છે નિષ્ફળતાનું મુખ્યકારણ મહેનતનો અભાવ છે. તો પછી હાથ-પગ વાળીને બેસી રહેવોનો કોઈ અર્થ નથી. ગાંધીજીથી માંડીને લિંકન, રુઝવેલ્ટથી માંડીને નેલ્સન મંડેલા, સચિનથી માંડીને લતા મંગેશકર કોઈપણ સફળ થયેલા વ્યક્તિનું જીવન ચરિત્ર વાંચશો તો આ બધામાં એક કોમન ફેકટર જણાશે. આ બધા જ લોકોની સવાર ખૂબ વહેલી પડે છે. આ લોકો દુનિયા સુતી હોય ત્યારે વહેલા ઊઠીને એમના લક્ષ્યને પ્રાપ્ત કરવા પરિશ્રમ કરતા હોય છે.
બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની સેના સામે અડગ ઊભેલા વિસ્ટન ચર્ચિલનો એક કિસ્સો છે. એણે ભારત જઈ રહેલા એ વખતના નવનિયુક્ત આઈસીએસ (અત્યારના આઈએએસ) કેડરના બ્રિટનના અધિકારીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, ‘તમે ભારત વહીવટ માટે જાવ છો. ત્યાં બધું કરજો પણ મી. એમ. કે. ગાંધી અને વલ્લભભાઈ પટેલ સાથે વાત ન કરતા. આ બન્ને વ્યક્તિનો આત્મવિશ્વાસ ખુબ મજબુત છે. નીતિ, નિયમ અને સિદ્ધાંતમાં આ બન્ને જણા એટલા દ્રઢ છે કે, ચર્ચા બાદ તમારી સામે કોરો કાગળ મુકશે અને તમે રાજીખુશીથી એની ઉપર સહી કરી દેશો. પછી એ લોકો એની ઉપર લખાણ કરશે. એમના સદગુણ અને મૂલ્યોમાં એમની તાકાત સમાયેલી છે. ગાંધીજી અને સરદાર સાહેબના આત્મવિશ્વાસ, સદગુણો અને મૂલ્યોનું ચર્ચિલના શબ્દોમાં આ મુલ્યાંકન હતું. એવુ કહેવાય છે કે, વ્યક્તિની જીવનની સફળતામાં પરિશ્રમ, બુદ્ધિ અને કુશળતાનો માત્ર ૨૦ ટકા હિસ્સો હોય છે. ૮૦ ટકા તો સદગુણો અને મૂલ્યોના હોય છે. એ સાચુ છે કે, શૈક્ષણિક ઉજ્જવળ કારકિર્દી, પ્રતિભાશાળી વ્યક્તિત્વ, બુદ્ધિ એ સફળતાના કોઈપણ દ્વાર ખોલી શકે છે. પણ સિદ્ધાંતો, મૂલ્યો અને સદગુણમાં સફળતાના કોઈપણ દરવાજાને સદાય ખુલ્લા રાખવા માટે સામર્થ્ય હોય છે.
અંગ્રેજીમાં કહેવત છે, ‘નો પેઈન, નો ગેઈન’. લક્ષ્ય પ્રાપ્તિની સફરમાં મુશ્કેલી અને દુઃખ નથી તો સફળતા નથી. પ્રાપ્તિ અને સફળતા વચ્ચે ભેદ છે. પ્રાપ્તિની પ્રસંશા એ સફળતા છે. પોતાની જાત ઉપરનો વિશ્વાસ અને ચોકઠામાં ગોઠવાયેલા નિયમોની બહાર જવાની શક્તિ સફળતાની સંજીવની છે. પોતાના હૃદય અને મનમાં શું ચાલી રહ્યું છે એનો નિરંતર અભ્યાસ કરી સંવાદ કરવાથી આગળ વધવાનો માર્ગ મોકળો બનતો હોય છે.

ધબકાર :
એ તાકાતવર હોવા છતાં પણ કાયર છે અને વિદ્વાન હોવા છતાં પણ મહામુર્ખ છે જેને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી.




No comments:

Post a Comment