ઋગ્વેદના પ્રભાવશાળી શ્લોક ગાયત્રી
મંત્રથી બૌધિક ક્ષમતા વધે છે
નામ
એમનું મંગલદાસ કડીયા. ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં એ
રહે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં ચિત્તમાં
શાતા આપે એવા સમાચાર આ મંગળદાસભાઈએ આખા ગુજરાતને આપ્યા. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ તાજેતરમાં સાત લાખ બોત્તેર હજાર આઠસો
ગાયત્રી મંત્ર લેખન માટે પ્રશસ્તિપત્ર અને મેડલ આપી એમને સન્માનિત કર્યાં. મંગળદાસભાઈએ ૨૦૧૩થી ૨૦૧૯ છ વર્ષમાં
લગાતાર ગાયત્રી મંત્ર લખીને આ રેકોર્ડ બનાવ્યો છે. ગાયત્રી પરિવારના પ્રણવ પંડ્યાજી કહે છે કે, ગાયત્રી મહામંત્ર લેખન સૂર્યની ઉપાસનાની સાથે સાથે મન: શક્તિની
ઊર્જાનું ઉજ્જવળ દ્યોતક છે.
એક
સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે મંત્ર એટલે શું ? મંત્ર એટલે એવા ધ્વનિ, ઉચ્ચારણ
કે શબ્દ સૂત્ર કે જેમાં રૂપાંતર અને નિર્માણની અદભુત ક્ષમતા હોય છે. મંત્રોના ઉપયોગ અને પ્રકાર તેની સાથે સંકળાયેલા વિચારોની શ્રૃંખલા અને તત્વ
મિમાંસા અનુસાર અલગ અલગ હોય છે. તિબેટમાં
ઘણા બૌદ્ધ સમાધિની શિલાઓ ઉપર મંત્રો જોવા મળતા હોય છે. એને ઉત્કિર્ણ કહે છે. ॐના ઉચ્ચારણને વેદાંત આધ્યાત્મિકવિદ્યામાં એક સંપૂર્ણ મંત્ર ગણવામાં
આવ્યો છે. ॐમાં ત્રણ અક્ષર છે. ‘અ’, ‘ઉ’, અને ‘મ’. ‘અ’ એટલે આરંભ, ‘ઉ’ એટલે વિકાસ અને
‘મ’ એટલે નવા આરંભ માટેનો અંત.
મંત્રની
મૂળ પરિકલ્પના વેદોમાંથી જન્મી છે. મોટા
ભાગના મંત્રો બે ચરણમાં શ્લોકની લેખિત પદ્ધતિને અનુસરે છે. જૈન ધર્મમાં ‘નવકાર’ મંત્રને પરમ આધ્યાત્મિક શક્તિ ધરાવતો મંત્ર
માનવામાં આવે છે. વિષ્ણુ મંત્રો, શાંતિ મંત્રો વગેરે અનેક મંત્રો છે. ચાઈનીઝ બૌધવાદમાં સમ્રાટ શુનઝીના ગુરુ સાધુ યુલિને દસ લઘુ મંત્રો
આપ્યા છે. કેકેઈ નામના બૌદ્ધ ચિંતકે બૌદ્ધ
મંત્રોના આધારે આધ્યાત્મિક ચેતનાનો અદભુત સંચાર કર્યો છે.
ગાયત્રી
મંત્રનો અર્થ થાય છે, પદાર્થ, ઊર્જા, અંતરિક્ષ અને આત્મામાં વિચરણ કરનારા તે
પ્રેરક પૂજ્ય શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને અમારી બુદ્ધિને સારા
કાર્યોમાં પ્રવૃત્ત કરવામાં એ મદદ કરે. એમ
કહેવાય છે કે, ગાયત્રી મંત્ર આંતરિક ઊર્જા પેદા
કરનારો અનોખો મંત્ર હોવા ઉપરાંત બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો કરનારો છે. એઈમ્સના તબીબોની ટીમ અને આઈઆઈટીના
વૈજ્ઞાનિકે કરેલા સંશોધન અનુસાર પ્રતિદિન કેટલોક સમય ગાયત્રી મંત્રનો લગાતાર જાપ
કરવાથી બૌધિક ક્ષમતાનો અનંત વિસ્તાર શક્ય છે. એમઆરઆઈ દ્વારા મગજની સક્રિયતા તપાસી એ વાતને સમર્થન આપવામાં આવ્યું
છે કે, ગાયત્રી મંત્ર બોલવાથી મનની શક્તિઓ વધે
છે. એઈમ્સના શોધકર્તાઓએ ૨૫થી ૩૦ વર્ષના
પુરુષો ઉપર આ પ્રયોગ કર્યો હતો. નવ
મહિના સુધી સંશોધન કરવામાં આવ્યું. પછી
પાંચ વર્ષ સુધી ઉપલબ્ધ ડેટાના આધારે સઘન અભ્યાસ કરવામાં આવ્યો.
ઋગ્વેદના
ત્રીજા મંડળના ૬૨મા સુક્તમાં ૧૦મો શ્લોક ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે. એટલે એમ પણ કહેવાય કે, હજારો વર્ષો
પૂર્વે ત્રેતાયુગમાં વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરી છે. સાદી ભાષામાં
સમજીએ તો ગાયત્રી મંત્રનું હાર્દ પ્રકાશ બતાવવા અને સત્વ તરફ લઈ જવાની ઈશ્વરને પ્રાર્થના
છે. ભારત જ નહીં બલ્કે સમસ્ત વિશ્વના શોધકર્તાઓ
અનુસાર ગાયત્રી મંત્ર ઋગ્વેદનો સૌથી પ્રભાવશાળી શ્લોક છે.
માણસના
મગજના આગળના ભાગને પ્રિફન્ટલ કોર્ટેક્સ કહેવાય છે. શોધકર્તાઓ કહે છે કે, મગજના આ
ભાગમાં વ્યક્તિની કાર્ય યોજના બનતી હોય છે, સમસ્યાનું
સમાધાન થતું હોય છે. જાગૃત નિર્ણયો લેવાનું કામ મગજના આ ભાગમાં થતું હોય છે. તેમના સંશોધન કાર્ય માટે શોધકર્તાઓએ કેટલાક
લોકોને પસંદ કર્યા. એમને બે ગ્રુપમાં વિભાજીત કરી નાખ્યા. બે ગ્રુપ પૈકી એક ગ્રુપને ત્રણ મહિના સુધી પ્રતિદિન ૧૦૮ વાર ગાયત્રી
મંત્રનો મનમાં જાપ કરવા જણાવાયું. બીજા
ગ્રુપને જાપ વગર રાખ્યું. જે ગ્રુપ ગાયત્રી મંત્ર મનમાં બોલતું
હતું તે સભ્યોના શરીરમાં ખુશીના સમયે પેદા થતું કેમિકલ ઝડપથી વધતું જતું હોવાનું
જણાયું. માણસના શરીરમાં બનતું ‘ગાબા’ નામનું એક તત્વ એવું છે કે, એ જો શરીરમાં ન બને તો માણસને ઉંઘની
તકલીફ પડે અને લાંબા ગાળે ડિપ્રેસનના પ્રશ્નો સર્જાય. શોધકર્તાઓ નોંધે છે કે, જે જૂથ પ્રતિદિન ગાયત્રી મંત્ર કરતું હતું
એના મગજમાં બીજા જ સપ્તાહથી ‘ગાબા’ તત્વનો અદભુત વિકાસ જોવા મળ્યો.
પાંચ
સપ્તાહ સુધી કરવામાં આવેલા આ પ્રયોગમાં મેગ્નેટિક રીઝોનન્સ ઈમેજીન(MRI)ની મદદથી તારણ કાઢવામાં આવ્યું કે, જે ગ્રુપ ગાયત્રી મંત્ર કરતું હતું તેના મગજમાં શાંતિ વધુ જોવા મળી. આ ઉપરાંત એમના મગજમા વધુ
જાગૃતિ જણાઇ. સાયંટિફિક રીતે પણ તારણ નિકળે છે કે, ગાયત્રી મંત્ર બૌધિક ક્ષમતા વધારનારું
પરિબળ છે. જો કે આ વિષય ઉપર AIMSનું સંશોધન કાર્ય હજુ પણ ચાલુ છે. એનો રીપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે
આગામી સમયમાં પ્રકાશિત થનાર છે.
જર્મનીના
હેમ્બર્ગ યુનિવર્સિટીના તજજ્ઞ વૈજ્ઞાનિકો ગાયત્રી મંત્ર ઉપર રિસર્ચ કરી ચૂક્યા છે. અમેરિકાના વૈજ્ઞાનિક ડો. હાર્વર્ડે દુનિયાભરના મંત્રો એકત્રિત
કરી ફિઝીઓલોજી લાઈબ્રેરીમાં સંશોધન કર્યું. એમના
કહેવા અનુસાર ગાયત્રી મંત્રમાંથી દર સેકંડે એક લાખ દસ હજાર સાઉન્ડ વેવ જનરેટ થતા
જોવા મળ્યા છે. એટલે જ ડો. હાર્વર્ડ કહે છે કે, ગાયત્રી મંત્ર સૌથી શક્તિશાળી મંત્ર છે. જેમ H20 પાણીની સાયંટિફિક ફોર્મ્યુલા છે, એમ ગાયત્રી મંત્ર વેવલેન્થ, સાઉન્ડ વાઈબ્રેશન, બોડી, માઈન્ડ અને સોઉલ ઉપર અસર કરતું અને થોટ
પ્રોસેસ વેગવાન કરતું સાયંટિફિક પરિબળ માનવામાં આવે છે.
ધબકાર :
ॐ भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥



