Wednesday, 19 June 2019

‘પોઝિટિવ મેન’ની પોઝિટિવિટીની દિલચશ્પ કહાની...


પોઝિટિવ મેનની પોઝિટિવિટીની દિલચશ્પ કહાની...

યાદ છે ? તારે શું થવાનું છે ? ભીંત તોડીને ઊગવાનું છે
ફક્ત આંખો સુધી જવાનું છે ? કે પછી એમાં ડૂબવાનું છે ?
-     જિગર જોષી પ્રેમ
વ્યક્તિ જ્યારે કશું પણ નવી બાબત અમલમાં મૂકવા માટે વિચારે છે ત્યારે એનો આરંભ વ્યક્તિએ પોતાની રીતે જ કરવો પડતો હોય છે. નવું શોધીને મૂકવાની આ યાત્રાની પ્રાથમિક શરત જ પોતાના મનને બિલકુલ ખાલી કરી બીજાની વાત ગ્રહણ કરવા સજ્જ થવાનું હોય છે. માન્યતાઓના આવરણો અને અનુમાનોથી ભરેલા કોથળા આઘા કરવા એટલા આસાન નથી. પણ એ કરવા પડે તો જ નવુ વિચાર અજવાળું પ્રવેશ પામી શકે. કોઈપણ વાતના તળીયે જવું અને સારું સંશોધિત કરી એને ઉજાગર કરવાની વાત સહેલી નથી. અમદાવાદમાં કલમનો એક ઓલિયો છે. એણે મનોમન નક્કી કર્યું કે, સમાજ પાસેથી ખૂબ મેળવ્યું હવે સમાજને એ સૂત સમેત પાછું આપવું છે. નામ એનું રમેશ તન્ના. પહેલા તો એણે સોશિયલ મીડિયા નેટવર્કને બરાબર સમજવામાં સમય લીધો. પછી એણે ફેસબુક, ટ્વીટર હેન્ડલ, ઈન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મિડિયા ઉપર યુવાનોના લગાવને ધ્યાનપૂર્વક જોયો અને સમજ્યો. રમેશે મનમાં ગાંઠ વાળી કે એ ફેસબુકને એના હકારાત્મક વિચારોનું સબળ માધ્યમ બનાવશે.



રમેશના મનમાં સ્વસ્થ સમાજની એવી પરિકલ્પના હતી કે, જ્યાં આવકની અસમાનતા ન હોય, બધાને રોટી, કપડાં અને મકાન મળે, ગરીબી ક્યાંય હોય જ નહીં, શોષણ કે અત્યાચાર ન હોય, ભ્રષ્ટાચાર અને તણાવનું નામોનિશાન ન હોય, ઉંઘની ગોળી વગર બધા નિરાંતે ઉંઘી જાય વગેરે વગેરે. આવો સમાજ કંઈ રાતોરાત તો ન જ બનેને ! કોઇકે, ક્યારેક કોઇ પણ રીતે એક ડગલુ તો માંડવુ પડેને ! એણે આવા સમાજના નિર્માણ માટે પોતાનાથી જ શરૂઆત કરવાનું વિચાર્યું. નાનું પણ એક ડગલું માંડવુ એમ એણે દ્રઢ નિર્ધાર કર્યો.
૨૦૧૪માં ગુજરાતના ડાંગ જિલ્લાના પ્રવાસ દરમિયાન સુબિર ગામે શબરી માતાના મંદિરમાં દસ રૂપિયા મૂકીને બોરના પ્રસાદ લેવાની સૂચના એણે જોઈ. મંદિરમાં આજુબાજુ કોઈ પુજારી કે ચોકીદાર દેખાય નહીં. એને ખૂબ નવાઈ લાગી. આમ પણ મંદિરોમાં પ્રમાણિકતા સહજ અપેક્ષિત હોય જ. પણ આ આખી વાત રમેશને અસર કરી ગઈ. એણે ફેસબુક ઉપર આ પહેલી પોઝિટિવ સ્ટોરીલખી. એનું મથાળું આપ્યું. ‘આજની પોઝિટિવ સ્ટોરીએની આ ફેસબુક પોસ્ટને જબ્બર પ્રતિસાદ સાંપડ્યો. પછી તો રમેશના મનમાં ચાલતુ હકારાતક્મકતાનું તોફાન ધમાસાણ મચાવતું ઉભરાવવા લાગ્યું. ત્યાર બાદ એણે જાણીતા ગુજરાતી અદાકાર અર્ચન ત્રિવેદીના કેન્સર સાથેના જંગને ફેસબુક ઉપર મૂક્યો. સેંકડો હજારો લોકોએ આ પોસ્ટ વાંચી. માનવામાં ન આવે એવું બન્યું કે, ૨૮ જેટલા કેન્સરના દર્દીઓએ રમેશની આ સ્ટોરી વાંચીને ભાઈ અર્ચન પાસેથી જીવન જીવવાનું બળ મેળવ્યું. અજિત પટેલ, અનિલ રેલિયા, ભગવાનદાસ પટેલ, જે.બી. વોરા, રાજુ જોષી, નિપેશ પંડ્યા, હરીશ ઠક્કર, પ્રદીપ ત્રિવેદી, પુંજીબહેન જેવા કેટ કેટલાય લોકોની વાત એણે શબ્દે કંડારી ફેસબુક ઉપર મઢી. મજાની વાત એ પણ બની કે, એક યુવાનને કન્યા નહોતી મળતી અને ભાઇ રમેશે એની વિષે એક વાત ફેસબુક ઉપર લખી. રમેશની પોસ્ટના આધારે એક સુશીલ કન્યાના વડિલોએ આ યુવાનનો સંપર્ક કર્યો અને મેળ પડી ગયો. પેલો યુવાન તો રમેશભાઇની જાદુગરીથી રાજીનો રેડ થઇ ગયો.
સમાજના છેવાડે વસતા નાના મનાતા લોકોની મોટી વાત ભાઈ રમેશે ઉજાગર કરવાનો રીતસરનો ભેખ લીધો છે. આમ પણ રમેશને અદના વ્યક્તિઓ વિશે લખવું પહેલેથી જ ગમે. પરિશ્રમના પ્રસવેદના બિંદુઓમાંથી મોતી શોધવાનું એને ખૂબ ભાવે. માણસપણું ઉજાગર કરવાનો રમેશને અદમ્ય ઉત્સાહ. સમાજની સાચી સુગંધ લોકોના નાકમાં ભરવા એ સતત મથામણ કરતો જણ છે.
આજે સોશિયલ મિડિયાને વક્ર દ્રષ્ટિએ જોતા લોકો સામે રમેશે ફેસબુકનો હકારાત્મક ઉપયોગ કરીને નવતર દાખલો પ્રસ્થાપિત કર્યો છે. ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ફ્રીલાન્સ કોલમ દ્વારા રમેશની કલમની પહેચાન આખા ગુજરાતને અને ગુજરાત બહાર વસતા ગુજરાતી બાંધવોને સુપેરે છે. પણ બહુ ઓછાને ખબર હશે કે, ઉત્તર ગુજરાતના નાનકડા ગામ અમરાપુરમાં પેદા થયેલા આ સાવ ગામઠી બાળકના મનમાં સમાજને બદલવાના કેવા કેવા અદભુત વિચારો આકાર લઈ રહ્યા હતા. ચાર-પાંચ ચોપડી ભણેલા પ્રભુરામ અને પ્રભાબહેનનું આ ફરજન તેની કલમને હકારાત્મકતાની તાકાત બનાવી સમાજને સુગંધીદાર બનાવવા મુઠ્ઠીઓ વાળીને રીતસર દોડી રહ્યો છે. ગામડા ગામમાં રહેતા એના માતા-પિતાને સાહિત્યનો જબરો શોખ. એતલે એમ કહેવાય કે, કદાચ શબ્દ અને સાહિત્ય એને વારસામાં મળ્યા છે. ગુજરાતી ભાષામાં પ્રાપ્ત મોટા ભાગની શ્રેષ્ઠ નવલકથાઓ રમેશે માતાને મોટેથી વાંચી સંભળાવી છે. યુવાનીમાં અમદાવાદ આવીને એણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. વૈચારિક રીતે ગાંધી રંગે રંગાયેલા રમેશની કલમમાં ગાંધીજીના વિચારોની મહેક સ્વાભાવિક રીતે જોવા મળે છે. અમરાપુરથી અમદાવાદની ભીડમાં આવ્યો ત્યારે એની આંખોમાં સમાજ માટે કંઈક કરવાનીચમક હતી.
રમેશની ફેસબુક પોસ્ટની પોઝિટિવ સ્ટોરીઝનું પુસ્તક પણ એક પ્રતિષ્ઠિત પબ્લિશરે પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકને વાચકો દ્વારા સરસ પ્રતિસાદ સાંપડ્યો છે. આ પુસ્તકના કવરનુ લોકાર્પણ એણે લખેલી પોઝિટિવ સ્ટોરીઝ પૈકીના એક પુંજીબહેનના હાથે કરાવી નવો ચીલો ચાતરવામાં આવ્યો. એની ફેસબુક પોસ્ટને લાઈક કરનારા, કોમેન્ટ કરનારા અને શેર કરનારા હજારો મિત્રો છે. જો કે મિત્રો જ એની સાચી મુડી છે. લાગણીભીના સંવેદનશીલ સ્વભાવના કારણે નાનાથી માંડી મોટા સેંકડો હજારો એના મિત્રો દેશ વિદેશમાં છે. ટેકનોલોજીના સમન્વય દ્વારા સમાજનું સાચુ અજવાળું પેશ કરનારા આ ભેખધારી ભાથીની પત્રકારત્વની શરૂઆત પણ ન્યારી છે. એ અને એના ધર્મપત્નીએ અઢી ત્રણ દાયકા પૂર્વે એક સાપ્તાહિક શરૂ કર્યું. સંપૂર્ણ હકારાત્મકતા સાથે સંપાદીત કરેલા આ સાપ્તાહિકને વેચવા માટે આ યુગલ દર બુધવારે કાંકરિયાની પાળે એમના સાપ્તાહિક અખબારનો ઢગલો લઇને પહોંચી જતું.
અમદાવાદમાં રહેતા અને લોકોની હકારાત્મકતા ઉજાગર કરતા આપોઝિટિવ મેનની પોઝિટિવિટીની કહાની દિલચશ્પ છે. એના લખાણમાં ક્યાંય કોઈ અતિશયોક્તિ કે ચાંપલુશી જોવા ન મળે. માત્ર ને માત્ર સત્ય હકીકતોના અજવાળાના જ દર્શન એના શબ્દે શબ્દમાં થાય. એક પ્રશ્ન સહેજે થાય કે સુખ એટલે શું ? આવો પ્રશ્ન પૂછવાનું મન કેમ થાય ? શું આપણે સુખી નથી ? આપણી સભ્યતા અને સંસ્કૃતિ, આપણી નથી ? આપણે દુઃખને જોવાવાળા જ છીએ ? કોઈના સંઘર્ષની સુવાસ કે કોઈના પરિશ્રમની શાનદાર વાત બીજાને પ્રોત્સાહિત કરે છે એ વાતને કેમ વિસરી જવાય ? ભાઈ રમેશની કલમ દ્વારા ઝીલાતા પોઝિટિવિટીના પોકારને જોઇને સહજ પુલકીત થઈ જવાય છે.

ધબકાર :
સર્જનાત્મકતાને યાંત્રિક કૌશલ્ય સાથે સરખાવી ન શકાય.





No comments:

Post a Comment