કાલ્પનિક ભ્રમણામાં
ભટકતો રહે
એ હંમેશા ગોથા ખાતા રહે
ટૂંકમાં એટલું જ કહેવાનું, આપણે આપણામાં રહેવાનું
કોઈ બાંધી દે બંધ ડાબે તો, માર્ગ જમણો લઈને વહેવાનું
- નારાજ
- નારાજ
જીવનમાં ઘણીવાર એવું થતું
હોય છે કે આ કામ મારાથી શક્ય નથી.
હું આ કાર્ય
નહીં જ કરી શકું. આવા ખ્યાલોના બંધનોમાં ઘણા
લોકો પોતાની જિંદગીને બાંધી દેતા હોય છે.
જેમ ધરા અને
અંબર ક્યારેય ભેગા થયા નથી અને થશે પણ નહીં એમ જ ભૂતકાળ અને વર્તમાન કદી એક થવાના
જ નથી. વિતી ગયેલી પળ અને હથેળીમાં
ઊભેલી પળના લગ્ન શક્ય જ નથી.
આપણું મન
વિતેલી ઘટનાઓના અનુભવોના કોચલામાં એટલું તો સજ્જડ રીતે ભરાઈને બેઠું હોય છે કે
હાથમાં આવેલી ક્ષણ નજર અંદાજ થઇ જાય છે.
અરબસ્તાનના રણ પ્રદેશની એક વાત
છે. રણમાં સો ઉંટોના કાફલા સાથે એક પઠાણ સફર કરતો હતો. સાંજના સમયે રેતીમાં તોફાન આવવાના એંધાણ વર્તાવા લાગ્યા. પઠાણે નિર્ણય કર્યો હવે કાફલાનું અહીં જ રોકાણ કરવું. એણે એના સાથીઓને કહ્યું તંબુઓ ખોડી દો. બધા ઊંટને ખીલો ઠોકી
દોરડાથી બાંધી દો. એના સાથીઓ ઊંટને ખીલા સાથે
બાંધવાના કામમાં લાગી ગયા.
૯૯ ઊંટ બાંધી
દીધા. એક ઊંટ માટે ખીલો કે દોરડું ન હતું. પઠાણના માણસો
મુંઝાયા. પઠાણ પાસે વાત ગઈ.
પઠાણે એના સાથીઓને કહ્યું, મિત્રો,
ચિંતા ન કરો. ઊંટ પાસે જઈને જેમ ખીલો ઠોકી દોરડું બાંધો છો એમ ખાલી દેખાવ
કરો. સાગરીતો થોડા અવઠવમાં હતાં કે આવું નાટક કંઈ કારગત
થોડું નીવડે ? પણ કાફલાના અનુભવી પઠાણ
સરદારની વાત માનીને એ લોકોએ ઊંટ પાસે જઈને ખીલો ઠોકી દોરડાથી બાંધવાનું નાટક
કર્યું. એમના આશ્ચર્ય વચ્ચે ઊંટ પણ
બીજા ખીલે બંધાયેલા ઉંટોની જેમ બેસી ગયું.
બીજા દિવસે સવારે રણનું
તોફાન શાંત થતાં કાફલો આગળ જવાની તૈયારીમાં લાગી ગયો. બધા ઊંટને ખીલે બાંધેલા દોરડાથી મુક્ત કર્યા. ૯૯ ઊંટ આગળ વધવા તૈયાર હતા. જેને બાંધવાનું નાટક કર્યું હતું એ ઉંટ બેસી રહ્યું. કાફલાના
માણસોએ ઘણા પ્રયત્નો કર્યા પણ આ ઊંટ ઉભુ જ ન થયું. ખુબ કોશિષ કરી પણ એ ઊંટ આગળ વધવા તૈયાર જ ન થયું. વળી બધા
પઠાણ સરદાર પાસે ગયા અને ઉભા ન થતા ઊંટની કથા કહી.
પઠાણ સરદારે કહ્યું, ‘દોસ્તો તમે એ ઊંટને ખીલાના દોરડાથી મુક્ત કર્યું ખરું ? પઠાણ સરદારના સાથીઓએ કહ્યું ‘એ ઊંટ માટે તો ખીલો કે દોરડું હતું જ નહીં એટલે એને તો નાટક
કરીને બાંધ્યું હતું. હવે જ્યારે બાંધ્યું જ નથી
તો છોડવાનું શું ?’ પઠાણે કહ્યું ‘બાંધવાનું નાટક કર્યું હતું
એમ છોડવાનું નાટક કરો.’ સાથીઓએ ઊંટ પાસે જઈને એને
છોડવાનું નાટક કર્યું. ઉંટ ઉભુ થઈને કાફલા સાથે આગળ
વધવા તૈયાર થઈ ગયું.
મોટા ભાગના લોકો કાલ્પનિક
રીતે બંધાયેલા આ ઊંટ જેવી મનોદશામાં જ જીવતા હોય છે. ‘ મને આગળ વધવાનો અવસર નથી, કે પછી આગળ વધવા માટે મારી પાસે રિસોર્સિસ નથી. મારાથી કેવી રીતે આગળ વધાય ? મને સંકોચ થયા કરે છે...’ વગેરે જેવા કાલ્પનિક બંધનોના
દોરડાથી પોતાની જાતને બાંધીને બેસી રહેનારા ઊભા થઈને ક્યાંથી આગળ વધી શકે ? વિચારશૂન્ય બંધનોમા જકડાઇને ભાગ્યનો વાંક કાઢી બેસી રહેનારાએ
સમજવાની જરૂર હોય છે કે ક્યાંક પ્રયત્નોમાં જ ખામી છે. આવા સમયે શાંત ચિત્તે આત્મ
નિરિક્ષણ પરિસ્થિતિમાં બદલાવ લાવી શકે છે.
ક્યારેક બેસીને સમજવાની
કોશીષ કરીએ તો ક્યાલ આવે કે આદી અનાદી કાળથી માનવીના વિકાસની પરિભાષાના પાયામાં
આગળ વધવાનો લલકાર છે. જંગલ અને ગુફાઓમાં બેસી જીવન વિતાવતો માનવી આજે ચાંદ
સિતારાથી આગળ નિકળી ગયો છે. ગમે એવા વિપરિત સંજોગોમાં પણ માનસિક ખોટા બંધનોના હુકમાં
ન ફસાવાની પ્રથમ અને અત્યંત આવશ્યક શરત છે. જે વ્યક્તિ પોતાનુ નિષ્પક્ષ મુલ્યાંકન
કરી શકે છે એ તરત જ જાણી શકે છે કે, વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન એના વૈચારિક માયાજાળ
છે. એમા ફસાઇને તરફડીયા જ મારવાના થાય. જીવનમાં કાલ્પનિક ભ્રમણાઓને કારણે રૂકાવટને
કોઇ સ્થાન ન અપાય. જીવન તો ચાલવાનુ અને દોડવાનુ નામ છે. અટક્વુ ભટકવા સમાન છે. આગળ
ન વધી શકવા માટે કોઇ પરિસ્થિતિ કે કોઇ વ્યક્તિ નહીં આપણા પોતાના જ બંધનોથી
ઘેરાયેલા ખ્યાલો છે.
મનમાં ઘર કરી બેઠેલી ‘ખીલે બંધાયેલા’ની મનોવૃત્તિની સાંકળો
તોડીને મુક્ત થવાની જરૂર છે.
જેને ઉડવાની
ઇચ્છા છે એને આસમાન પણ ઓછુ પડતું હોય છે.
જેને ગાવું છે
એને મઝાનું ગીત મળી જ જાય છે. જેણે ચાલવા માટે પગ ઉપાડ્યા છે એને લક્ષ્યની દિશા
મળ્યા વગર નથી રહેતી. અદ્રશ્ય બંધનોના દોરડા આગળ
વધવા દેતા નથી. એને તોડીને હાક મારતા, આગળ વધવાના અરમાનોના ગીતો ગણગણતા ચાલી નીકળવું પડે. ‘મારાથી આ ન થઈ શકે’ એવા વિચારોનું પડીકું
વાળીને દૂર ફેંકી દેવું પડે. એક જગાએ રોકાઇને સ્થિર થઇ
જાય એ જીંદગી ન કહેવાય. એક ચોક્કસ ખ્યાલોના બોક્ષમાં જીવન ન હોઇ શકે. જીવન તો સતત
વહેતા પવનની લહેરોના યશોગાન જેવું છે. સ્વવિવેક અને બંધનોના વિચારોને ફગાવી સતત
આગળ વધવાનું નામ જીવન છે.
ધબકાર –
વ્યક્તિ જ્યારે હસ્તરેખાઓ
ઉપર વિશ્વાસ રાખીને બેસી રહેતો હોય ત્યારે સમજી લેવુ કે એની મન:સ્થિતી જાળમાં
તરફડતી માછલી જેવી છે.





No comments:
Post a Comment