લયબધ્ધ ‘સરજૂ’ ગાનથી સંગીતપ્રેમીઓ અને ભાવકો ઝુમી ઉઠે છે
મથાળુ જોઇને વાચકબંધુઓ વિચારતા હશે કે, યે સરજૂ... સરજૂ... ક્યા હૈ ? ‘સરજૂ’ શબ્દ જ અલગ ભાત ઉપસાવતો શબ્દ છે. પણ ‘સરજૂ’ સમજવા માટે પહેલાં પ્રાર્થના કહો કે બંદગી કહો, એને જાણવી
પડે.
જો રબ કી યાદ મે રોતે હૈ,
બેશક વો બહુત સુકુન મે હોતે હૈ...
જે મનનો ગુલામ છે એ ઇશ્વરની આરાધના નથી કરી શકતો. પરમતત્ત્વને પામવાનું પ્રથમ પગલું
પ્રાર્થના છે. પ્રાર્થના વ્યક્તિના
સંજોગો બદલી નથી નાખતી પરંતુ પ્રાર્થના સંજોગો અનુસાર વ્યક્તિને બદલી નાખવાની
શક્તિ ધરાવે છે. પ્રાર્થના એટલે ઇશ્વર સાથેનો સીધો સંવાદ અને ધ્યાન એટલે ઇશ્વર તમારી
પ્રાર્થના સાંભળે એ. કૃતજ્ઞતાના પુષ્પની મહેક પ્રાર્થનાની માટીમાંથી આવતી હોય છે. પ્રાર્થનાની કડીથી દિવ્યતા સાથેનું
જોડાણ થતું હોય છે. પ્રાર્થનાનું સ્વરૂપ ધીમેથી કે મોટેથી ગાઈને, સંગીત સાથે, લખીને, વાંચીને, મનમાં વગેરે કોઈપણ હોઇ શકે પરંતુ સાચા હદયથી કરેલી પ્રાર્થના ક્યારેય
એળે નથી જતી. પ્રાર્થનાના
સમયે વ્યક્તિનું હૃદય શાનદાર આનંદના પ્રકાશથી ચમકવા લાગતું હોય છે. સત્યનિષ્ઠાથી થયેલી પ્રાર્થનાથી અંતરઆત્મામાં
અને ચારે દિશાઓમાં ઉજાશ અને ઊર્જાનો અનુભવ થયા વિના રહેતો નથી. પ્રાર્થના એકાંતમાં કે સામૂહિક રીતે
પ્રસ્તુત થતી હોય છે. આમ જોવા જઈએ તો પ્રાર્થના ભક્ત અને ભગવાન વચ્ચેની વાતચીત છે. આમાં જેટલી સચ્ચાઈ, અચ્છાઈ, સફાઈ, સમર્પણભાવ અને તન્મયતા વધુ એટલો એનો પ્રભાવ વધુ.
કોઈ મુશ્કેલી કે તકલીફમાં ફસાયેલો અને નિસ્તેજ હોય એ જ પ્રાર્થના કરી
પ્રભુ યાચના કરતો હોય એવી મુર્ખામીભરી માન્યતાથી કેટલાક લોકો ઘેરાયેલા હોય છે. પ્રાર્થના કરનારાના મુખ ઉપર તેજ, આનંદ અને સંતોષ હોય. પ્રાર્થના કરનારો બુઝદિલ અને ઊર્જા
વગરનો ક્યારેય ન હોઇ શકે. હવે જોઇએ વાત સરજૂની. ‘સરજૂ’ પ્રાર્થનાનો એક અદભુત પ્રકાર છે. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઋગવેદ આપણા પૌરાણિક શાસ્ત્રો. કહેવાય છે કે, સરજૂ સામવેદ આધારિત સ્તુતિ છે. કેટલાક વિદ્વાનો અને તજજ્ઞો એવો મત ધરાવે છે કે, સરજૂ સામવેદનો જ એક અંશ છે. સામવેદમાં આવતી કેટલીક ઋચાઓનો લય, ગાયન પદ્ધતિ અને ઢાળ સરજૂ ગાનને મળતો આવે છે. ઘણા લોકો એમ પણ કહે છે કે, દક્ષિણ ભારતમાં શ્રી વ્યંકટેશ મંદિરમાં કેટલાક વિશેષ પ્રકારના
યજ્ઞમાં અને મદુરાઈના મંદિરમાં ક્યારેક સરજૂ ગાન સાંભળવા મળતું હોય છે.
પોરબંદરના વેદાંગભાઇ રબારીએ આપેલી જાણકારી મુજબ સરજુ ગાન ખૂબ લાંબા
આરોહ અને અવરોહથી ગવાતી પ્રાર્થના છે. સરજૂ ગાનમાં સામવેદના ચોક્કસ મંત્રોના શબ્દોને છૂટા પાડીને લયબદ્ધતા
સાથે ઢાળમાં ગાવામાં આવે છે. પ્રભાત, આંબો, પવનપોથી, ભાર, ઉતાર, આહાવાણી, મોરલો, તન, લાખાણ, આંબારણ, સુવેડા, વિવાડો, ધમરાપવન, આરતી, નામોળા વગેરે ૩૬ પ્રકારના ઢાળમાં સરજૂ ગવાય છે. પ્રતિદિન રાત્રી ભોજન બાદ સોરઠના ગામોમાં રબારી ભાઇઓ સરજૂ ગાતા હોય
છે. પરંતુ જે દિવસે
ગામમાં માઠો પ્રસંગ બન્યો હોય એ દિવસે સરજૂ ગવાતા નથી. જુનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ જિલ્લાઓમાં વસતા માત્ર સોરઠી રબારીઓ પેઢી દર પેઢીથી સરજૂ
કંઠોપકંઠ શીખતા આવ્યા છે. આ સોરઠી રબારીઓ મોમાઈ માતાના પૂજકો હોય છે. મોમાઇ માતા એટલે સરસ્વતી દેવી. અહીં એ પણ ઉલ્લેખ કરી લઈએ કે, ધાર્મિક માન્યતાઓ અનુસાર સરજૂનું જ્ઞાન સોરઠના રબારી ભાઇઓ સીવાય અન્ય
કોઈને અપાતું નથી.
સરજૂ ગાનની ઉત્પત્તીની કથા કંઇક આવી છે. આદી કાળમાં માનસરોવરમાં આસીન માતા સરસ્વતીની આરાધના સારેરાવળ નામના
ઋષિ કરતા. સારેરાવળ ઋષિ
ઉંમરલાયક થતાં એમણે ઝરીયાવાળા ગામમાં રહેતા બાળક જાલણને એમના ઉત્તરાધિકારી તરીકે
પસંદ કરી માનસરોવર લઈ આવ્યા. બાળ જાલણને એરુડંશની ઘાત હતી. એક દિવસ માતાજીને અર્પણ કરવા જાલણે નિલવર્ણ કમળ તોડતાં વેંત કમળની
પાછળ છુપાયેલા સર્પે એને ડંશ માર્યો. ઋષિ સારેરાવળે મા સરસ્વતીને પ્રાર્થના કરી જાલણને પુનઃ સજીવન કર્યો. સારેરાવળ ઋષિની આ પ્રાર્થના ‘સરજૂ’ તરીકે ઓળખાય છે.
મા સરસ્વતિની આજ્ઞા લઇને જાલણ કાવડમાં હંસ, મોર, શંખ લઈને તેમના વતન કે જે અત્યારે માંગરોળ કહેવાય છે ત્યાં યત્રાએ
નિકળ્યા. જાલણને તરસ લાગતાં સાંગાવડ ગામ પાસે એક વાવમાં પાણી પીવા એ ઉતર્યા. કવડ જમીનને ન અડે એવી માતાજીની આજ્ઞા
હતી. એટલે જાલણે કાવડ
આંબા ડાળે ટાંગી. એવામાં આસપાસના પાંચ યુવાનો ત્યાં આંબા પાસે આવી ચડ્યા. કુતુહલવશ એમણે કાવડ નીચે ઉતારી. જેવી કાવડ
નીચે જમીનને અડી એ સાથે હંસ ઊડી ગયો. મોરને જંગલી કુતરાઓએ મારી નાખ્યો અને શંખ ત્યાં જ પડી રહ્યા. લોકવાયકા અનુસાર માતાજીની સૂચનાનુસાર
કાવડ જ્યાં જમીનને અડકે ત્યાં જ જાલણે સ્થાઈ થઈ જવાનું હતું. જાલણનું ગામ નજીકમાં જ હતું પણ માતાજીની ઇચ્છાનુસાર ત્યાં જ મા સરસ્વતીનું
અવતરણ કરાયું. ઉલાવા, ઘેલાણા, સાંબડા, ચાવડા શાખાના રબારી યુવાનોને ત્યાં મઢ(મંદિર) બનાવવા જણાવાયું. પછી તો ઘણી જગાએ મંદિરો બન્યા. કહેવાય છે કે ઓડદરનો મઢ ખાસ્સો પૌરાણિક છે.
આ મઢોમાં પ્રતિવર્ષ નવરાત્રીમાં સોરઠીયા રબારી ભાઈઓનો મેળો ભરાય છે. રબારી ભાઈઓ આખી રાત સરજૂ ગાન કરે છે. જાલણે સોરઠના રબારીઓને સરજૂ પાઠ
શીખવ્યા. સોરઠી રબારી
અંતરીયાળ ડુંગરોમાં સરજૂ ગાન કરતો હોય ત્યારે તેનો મધૂર સ્વર અને લય સંગીતપ્રેમીને
મુગ્ધ કરી દે છે. જો કે સામાન્ય રીતે સરજૂ ગાન જૂથમાં વધારે ગવાતા હોય છે. સરજૂ સારા પ્રસંગે જ ગવાતા હોય છે મરણ
વખતે સરજૂ ગવાતા નથી.
કાકા સાહેબ કાલેલકર કહે છે કે, પ્રાર્થના એટલે પોતાના આદર્શ મુજબ પોતાનું જીવન ઘડીને ઈશ્વરને
સમર્પિત કરવાની ક્રિયા. ગાંધીજી પ્રાર્થનાના ચુસ્ત આગ્રહી હતાં. ગાંધીજીના મતે આત્મશુદ્ધિને માટે નિરંતર ઈશ્વર સ્તવન એટલે પ્રાર્થના. પ્રાર્થનામાં માગણી ન હોય પ્રાર્થનામાં
લાગણી હોય. કહેવાય છે ને કે, આપણે રોજ ભૂલો કરીએ છીએ અને એ માફ કરી
દે છે. આપણે ભૂલો કરવા
મજબૂર છીએ અને ઇશ્વર માફ કરી દેવા માટે મશહૂર છે. પ્રાર્થનાને ઉંમર સાથે કોઈ લેવાદેવા ક્યાં હોય છે ? પ્રાર્થના તો આંતરિક
બળ છે. બે હાથ જોડી, શીશ નમાવી સાચા હૃદયથી બોલાયેલા કે
નિઃશબ્દ રહેલાને ઇશ્વરની રહેમતની કમી નથી હોતી. પ્રાર્થના પરમાત્માને સવલતોની દરખાસ્તનો મુસદ્દો નથી આપણી શ્રધ્ધા
અને લાગણીનો દસ્તાવેજ છે. પ્રાર્થના આપણી ધિરજની લયબધ્ધ ગઝલ છે.
ધબકાર :
પ્રાર્થના ઇશ્વરનો સેલ નંબર છે, સતત રીડાયલ કરતા રહેવુ પડે. વિશ્વાસ રાખો ક્યારેક તો
ભગવાન ફોન ઉપાડી જ લેશે.




No comments:
Post a Comment