સમય વિત્યા પછી આવતી સમજ કોઇ કામની નથી
પ્રતિ વર્ષ મે અને જૂનના મહિનાઓ એટલે આપેલી
પરીક્ષાઓના પરિણામ પ્રાપ્ત કરવાના મહિનાઓ. આખુ વર્ષ કરેલી મહેનત કેટલી ઊગી નીકળી તેનો
ક્યાસ મેળવવાનો સમય. આ સમયગાળામાં યુવાન મિત્રો સ્વાભાવિક રીતે જ
ખૂબ એકસાઈટેડ રહેવાના. કેટલાક લોકો એવુ કહેતા જોવા મળે કે, ‘ અપેક્ષા
મુજબ તારૂ પરિણામ નથી આવ્યું યાર ! ‘ આવા લોકોના અભિપ્રાયથી ક્યારેય નાસીપાસ ન થવાય. કામિયાબી
ક્યારેય હાથની રેખાઓમાં કે કોઇની ટીકા ટીપ્પણીઓમાં હોતી જ નથી. સફળતા
તો માથા ઉપરથી ટપકતા પસીનાની પછવાડે હોય છે. જેટલી દમદાર મહેનત એટલી શાનદાન સફળતા. જીવનમાં
હારવું કે જીતવું જરૂરી નથી. જીવન એક રમત છે. એને આનંદથી રમવાની છે. સમજ
એક એવી શક્તિ છે કે જે સમયસર સમજ આવે તો જ કામની. જો સમય વિત્યા પછી સમજ આવે તો એ કોઇ
કામની નથી.
એસએસસી, એચએસસી, સ્નાતક, અનુસ્નાતક કોઈપણ પરીક્ષાનુ પરિણામ ભૂલેચૂકે પણ નબળું
આવે તો એવું માનવાની ભૂલ ક્યારેય ન કરવી કે, જીવનમાં હવે કશું થઈ નહીં શકે.
સાથે સાથે જો થોડું ઘણું સારું પરિણામ આવે તો એવું પણ ન માની બેસવું કે, આપણે
સર્વગુણ સંપન્ન છીએ. આ
બન્ને વિચારો ઘાતક છે. આ બે વિચારોની મધ્યમાં એક વિચાર એવો પણ છે કે, તમારી
પાસે કંઈપણ કરી શકવાની ઐશ્વરીય શક્તિ છે. તમારી આંતરિક શક્તિઓ અમર્યાદ છે.
તમે કશું પણ હાંસલ કરી શકો એમ છો. આ વિચારમાં જ સાચુ સામર્થ્ય રહેલું છે. આવા
વિચારોમાં આત્મવિશ્વાસનો ખજાનો છે.
ઘણા મિત્રોને નસીબને દોષ દેવાની આદત હોય છે. કેટલાક
એમ કહેતા ફરતા હોય છે કે, ‘હું ગમે તેટલું કરું પણ મારું નસીબ જ વાંકુ છે.’ આ માત્ર
પલાયનવાદ છે. પરિસ્થિતિથી ભાગીને સમાધાન ક્યારેય ન થાય. નસીબને
ટોકવાથી કશું ન વળે. પોતાની ક્ષમતા અનુસારનો દિવો તમારે પોતે જ
પ્રગટાવવો પડે. માત્ર સપનાઓ જોવાથી સફળતાના ફુલોનો ખોળામાં
વરસાદ ન થાય. એના માટે તો મહેનતની ડાળીને બરાબર હચમચાવવી પડે.
યુવાનીમાં એક વાત સ્પષ્ટ સમજી લેવી પડે કે, જ્યારે
મુશ્કેલીથી દૂર ભાગવામાં આવે ત્યારે મરી તો નથી જવાતું પણ જીવવાનું ભારરૂપ જરૂર
લાગવા લાગે છે. કોઈ નાનકડી ખુશામત કરે અને ખુશ થઈ જનારા અને
કોઈ થોડી ટીકા કરે ત્યારે નાખુશ થઈ જનારાએ સમજી લેવું પડે કે એ કઠપુતળીથી વિશેષ
કંઈ નથી. આવી વ્યક્તિઓની સુખ-દુઃખની દોર બીજાના હાથમાં હોય છે. અંતઃકરણપૂર્વક
ખુશ રહેવું હોય તો ક્યારેય બીજાની ખુશામત કે ટીકાને તમારા ઉપર સવર જ ન થવા દેવી
જોઇએ. દુનિયામાં એવા ઘણા લોકો પણ છે કે,
તરબુચ ખરીદતા પુછે કે. ‘ ગળ્યું છે ને ? ‘ અને પછી એની ઉપર મીઠું ભભરાવીને ખાય.
એક વાસ્તવિકતા એ પણ છે કે, જ્યારે તમે પરીક્ષાનો સામનો કરવા જાવ
ત્યારે સફળ થાવ એવી શુભેચ્છા આપનારા જ્યારે તમે ખરેખર સફળ થઇને બહાર આવો ત્યારે તમારી
સફળતા એ લોકોને સૌથી વધુ વ્યથીત કરી મુકતી હોય છે. હૃદયમાં કંઈક અલગ હોય અને જીભથી જુદું
નાટક ભજવાતું હોય ત્યારે એવી પરિસ્થિતિ અત્યંત વરવી અને ભદ્દી લાગે. આગળ
આવવા માટે આપણું હૃદય અને મન જે કહે એ જ સાચું માનવું. આપણો મિજાજ જ એવો હોવો જોઈએ કે કોઈના
હોઠો ઉપર ગમે તે વાત હોય આપણા હોઠો ઉપર માત્ર આત્મવિશ્વાસ મુસ્કાન જ હોય.
સરખામણી હંમેશા અળખામણી હોય છે. પોતાની
જાતની સરખામણી બીજા સફળ કે અસફળ વ્યક્તિ સાથે કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. ચંદ્ર
અને સુરજ બન્નેમાં તેજ છે. બન્નેની ચમક છે પણ બન્નેના સમય અલગ અલગ છે. બન્નેની
તીવ્રતામાં ફર્ક છે. બધા લોકો એક જ પ્રયાસમાં સફળ ન પણ થઇ શકે. જ્યારે
નિષ્ફળતા મળે ત્યારે જ સમયની સાચી ગતાગમ પડી જતી હોય છે. દુનિયા ખૂબ ઝડપથી બદલાતી જાય છે. બદલાતી
દુનિયા સાથે આપણે પણ ઝડપથી બદલાવું પડે. જુની પુરાણી રીતે સફળતાના માપદંડો ન રાખી શકાય.
નિષ્ઠાપૂર્વકની મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી. હૃદયની
ઉર્મિ ક્યારેય તમને કમજોર નહીં થવા દે. એક નાનો બદલાવ મોટી કામિયાબીનો ટર્નીંગ પોઈન્ટ
બની જતો હોય છે. અસફળતા એટલે તમે હજુ સફળ નથી થયા. લક્ષ્ય
પ્રાપ્ત નથી થવાનું એમ લાગે ત્યારે લક્ષ્ય ન બદલાય. લક્ષ્ય સુધી પહોંચવા માટે બીજો માર્ગ
શોધવા પ્રયાસ કરવો પડે. નવા રસ્તા ઉપર હિંમતપૂર્વક આગળ વધવાની નવેસરથી
શરૂઆત કરવી પડે.
આપણી ક્ષમતાઓ અને શક્તિઓ આપણે જાતે જ શોધવી પડે. આપણી
ખામીઓ તો કોઈપણ શોધી કાઢશે. કેટલાક લોકો ખામીઓ શોધવામાં ડોક્ટરેટ થયેલા હોય
છે. હંમેશા કશું નવું અને મોટા ગજાનું કરવા તત્પર
રહેવાની આવડત મોટી પૂંજી છે. મોટી છલાંગ મારવાની તૈયારી હોય એ જ સાચી
સ્પિરિટ છે. સિંહનાદ કરી હિંમતપૂર્વક તમારે સફળ બનવાનુ છે, તમારા
પોતાના માટે નહીં તો એમના માટે કે જે તમને નિષ્ફળ જોવા માગે છે. એમના
માટે કે જે તમારી પ્રગતિ નથી જોઈ શકતા. યાદ રહે કે, લહેરો કી ફીતરત હૈ શોર મચાને કી, મંજીલ
ઉસી કી હોતી હૈ જો નજરો મેં તુફાન દેખતા હૈ. બીજાને સફાઈ આપવામાં સમય ક્યારેય ન બગાડવો જોઇએ.
લોકો તો એટલું જ સમજશે જેટલું એ સમજવા માગતા હોય છે અથવા જેટલું સમજી શકવાની એમની
શક્તિ હશે એટલુ જ એ લોકો સમજશે. હકીકત તો એ છે કે, સાચુ જ્ઞાન તમને ક્યારેય
ભયભીત નહીં થવા દે. હૃદયમાં પડેલું સત્ય ક્યારેય તમને કમજોર નહીં
થવા દે.
ધબકાર :
એક નિરાશાવાદીને હંમેશા મુશ્કેલી
દેખાતી હોય છે. એક આશાવાદીને મુશ્કેલીમાં આગળ વધવાનો
અવસર દેખાતો હોય છે.





