Monday, 27 April 2020

સલામ છે એ યુવાન આનંદના નિજાનંદને...


સલામ છે એ યુવાન આનંદના નિજાનંદને...

શહેરની એક જાણીતી સોસાયટીમાં ઉમરલાયક કપલ રહે. આંટીની ઉમર 78 અને અંકલની ઉમર 80ની આસપાસ. ગુજરાત અને ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકર ચાલે છે. ઉમરલાયક અંકલ આંટીનો એકનો એક પુત્ર અન્ય શહેરમાં નોકરી કરે છે. લોક ડાઉનમાં ન પુત્ર આવી શકે, ન માતા પિતા એની પાસે જઇ શકે. લોક ડાઉનના ત્રીજા દિવસે અંકલને સખત ખાંસી થઇ ગઇ. છાતીમાં થોડી ગભરામણ પણ થવા લાગી. આવા સમયમાં સામાન્ય શરદી સળેખમ પણ ભયાનક લાગે. અંકલ આંટીને ચિંતાનો કોઇ પાર નહીં. કોઇ ડોક્ટર એમને તપાસવા તૈયાર થાય નહીં. એ દિવસે સાંજે અંકલ આંટી બન્ને મ્હો વકાસીને પરસાળમાં બેસી રહ્યાં. બીજા દિવસે બપોરે બારેક વાગે મોઢે માસ્ક અને હાથમાં ગ્લોવ્સ પહેરેલો એક ફુટડો યુવાન અંકલ આંટીના બંગ્લાનો ઝાંપો ખખડાવતો ઉભો હતો.



આંટીએ બહાર આવી યુવાનને પુછ્યું, ‘ભાઇ કોણ છો ? ક્યાંથી આવો છો ? શું કામ છે?
યુવાને કહ્યું, ‘આંટી, હું આરોગ્ય વિભાગમાંથી આવું છું. મારું નામ આનંદ પટેલ છે. હું ઘરે ઘરે સર્વે કરવાની કામગીરીના ભાગરૂપે આવ્યો છું. તમારા ઘરમાં કેટલા લોકો છે ?
આંટીએ કહ્યું, ‘અત્યારે તો હું અને મારા પતિ બે જણ’
યુવાને પ્રશ્ન કર્યો, ‘આંટી તમારા બન્નેની કેટલી ઉમર થઇ છે ?’
આંટીએ કહ્યું, ‘મને 78 વર્ષ અને અંકલને 80 વર્ષ થયા છે.’
યુવાને બીજો પ્રશ્ન કર્યો, ‘તમારા બેમાંથી કોઇને ખાંસી, શરદી, તાવ, કફની ફરીયાદ છે ?
યુવાનના આ પ્રશ્નથી આંટીના મોઢા ઉપર ચમક આવી ગઇ. એમણે કહ્યું, ‘હા ભાઇ, અંકલને ગઇકાલથી ખૂબ ખાંસી થઇ છે. એમને ગભરામણ પણ થાય છે. કોઇ ડોક્ટર મળતા નથી. અમે મુંઝવણમાં છીએ શું કરવુ અને શું ન કરવું.’  
યુવાને સ્માઇલ સાથે જવાબ આપ્યો, ‘આંટી કોઇ ચિંતા ન કરો. અંકલને કશું નથી થયું. તમે કહો તો હું દવા લઇને આપુ બે દિવસ રાહ જુઓ. અંકલને સારુ લાગે તો બરાબર છે. નહીંતર આપણે એમને સરકારી હોસ્પીટલમાં દાખલ કરી આગળ તપાસ કરાવીશું.’
આ સાંભળીને આંટી તો રાજી થઇ ગયા. કહ્યું, ‘દીકરા, તારો ખુબ આભાર. તું તો દેવદુત બનીને મારા ઝાંપે ઉભો રહ્યો છે.’
યુવાન બોલ્યો, ‘અરે, આંટી મને શરમાવો નહી. તમે લોકો તો મારા મા-બાપ જેવા છો. એમા ક્યાં કોઇ મોટાઇ છે ? આ તો મારી ફરજ છે અને એથી પણ વધારે મારા અંતરઆત્માનો અવાજ છે. મને તમારા જેવા વડીલોની સેવાનો મોકો મળ્યો છે. આવા સમયે માણસ માણસને ખપ નહીં આવે તો કોણ આવશે ?’
આનંદ ગાંધીનગરની સરકારી સીવીલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં પાંચ વર્ષથી કામ કરે છે. આમ તો આનંદનું કામ ટીબીના પેશન્ટને ડોક્ટર તપાસીને જે ટ્રીટમેન્ટ સુચવે એના ફોલોઅપની છે. એટલે એમ કહી શકાય કે આનંદની જોબ પેરા મેડીકલ પ્રકારની છે. કોરોના મહામારીના સંદર્ભમાં શહેરના એક વિસ્તારના બસો જેટલા ઘરના પ્રતિદિન સર્વેની જવાબદારી એને આપવામાં આવી છે. આ કામને આનંદ હૃદયપૂર્વક કરે છે. જે પણ ઘરે જાય, ત્યાં રહેતાં પરિવારની આત્મીયતાથી ખબર અંતર પૂછે છે. ઘણીવાર તો કેટલાક ઘરે આનંદ સાથે તોછડું વર્તન પણ થાય છે. પરંતુ આનંદ એને બિમારીના સમયની સામાન્ય  વર્તણૂક સમજી મન ઉપર નથી લેતો. ૨૯ વર્ષના આ ફૂટડા યુવાન આનંદના હજુ ગયા વર્ષે જ લગ્ન થયા છે. આનંદ બુઝુર્ગ માતા પિતાનું એકનું એક સંતાન છે. કોરોનાના ચેપનો ડર રાખ્યા વગર ઉત્સાહ અને નિષ્ઠાથી આ યુવાન એની ફરજ બજાવે છે.
આ બુઝુર્ગ અંકલ આંટી આનંદની વાત કરે છે, ત્યારે એમની આંખોના ખૂણા ભીના થઇ જાય છે. એ કહે છે કે, જ્યારે બધા ઘરમાં બેસીને સલામત છે, ત્યારે સરકારના આ તબીબી કર્મચારીઓએ સાચા અર્થમાં કર્મને યોગ સ્વરૂપે અપનાવ્યો છે. સરકારી કર્મયોગીઓને ગીતા, કુરાન કે બાઇબલ વાંચવાની ક્યાં જરૂર છે ? એમનું આ કર્મ જ એમનો ધર્મ છે.
યુવાન આનંદની આખી વાતમાં કાર્યનિષ્ઠાનું મજબુત પાસુ છે. વ્યક્તિ જ્યારે નિષ્ઠાવાન હોય છે ત્યારે આખી કાયનાથ એની પડખે હોય છે. કામને કરવા ખાતર કરવુ અને કામને સત્યનિષ્ઠાથી કરવું એ બેમાં આસમાન જમીનનો તફાવત છે. કાર્યમાં નિષ્ઠા ભળે ત્યારે એ કામ મટીને અંતરના આનંદનું સ્વરૂપ પકડે છે. ઘરે ઘરે સર્વે કરવાના કામને ટિડીયસ કામ સમજી વેઠ ઉતારી હોત તો એ યુવાનને કોણ પુછવાનું હતું ? પરંતુ એણે એના આ કામમાં પ્રાણ રેડ્યો તો બુઝુર્ગ દંપતીના ખોબલે ખોબલે આશીર્વાદ મળ્યાં. મઝાની વાત તો એ છે કે, યુવાને આ ઘટનાની વાત કોઇન કરી પણ નથી. એને પ્રચારમાં રસ નથી એને તો કાર્યાનંદમાં રસ છે. અંકલ આંટીએ એમના પડોશીઓને અને સગાઓને આ સરકારી યુવાનની વાત કરતાં આનંદના કાર્યાનંદની વાત બહાર આવી. આજે દેશભરમાં આનંદ જેવા હજારો સરકારી યુવાનોની કાર્યનિષ્ઠામાં એક અજીબ કશીશ છે. આનંદ જેવા મિત્રોની કહાનીઓ હૃદયમાં જબરજસ્ત સુકુન આપે એવી છે. આનંદના નિજાનંદને સલામ છે.

ધબકારઃ
કાર્યમા નિષ્ઠા જોડાય ત્યારે એ કાર્ય આત્મનાદ બની જતુ હોય છે.



No comments:

Post a Comment