આજથી બરાબર ૧૫૯ વર્ષો પહેલા
ભારતવર્ષની ભૂમિ ઉપર એક યુગપુરુષનું અવતરણ થયું. જાન્યુઆરી તારીખ 12-1863ના રોજ
પૃથ્વી ઉપર આવેલા સ્વામી વિવેકાનંદ પાંચમી જુલાઇ ૧૯૦૨ના રોજ માત્ર ૩૯ વર્ષની ઉંમરે
દુનિયાને અલવિદા કરી અનંતની યાત્રાએ ચાલી નિકળ્યા. ચાર દાયકા જેટલા જીવનકાળ છતાં
આજે પણ દરેક હિન્દુસ્તાનીના હૃદયમાં અને મનમાં વિવેકાનંદજી કેમ રમે છે. વિવેકાનંદ
વ્યક્તિ નહીં વિચાર છે. રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મિક ઉર્જાનો અદમ્ય સ્ત્રોત એટલે
સ્વામી વિવેકાનંદ. એમના જીવનની પ્રત્યેક ઘટનાઓ પ્રેરણાત્મક પરિભાષા અંકિત કરે છે.
વિવેકાનંદજીના વ્યક્તિત્વમાં સંસ્કાર અને સૌજન્યના અદભુત સમન્વયની અનુભૂતિ થાય છે.
અમેરિકામાં વર્ષ ૧૮૯૩માં યોજાયેલી વિશ્વ ધર્મ મહાસભામાં ભારતના સનાતન ધર્મના ધજા
પતાકા આ મહાપુરૂષે લહેરાવ્યા હતાં.
સ્વામીજીની સમગ્ર જીવનયાત્રા
અબાલવૃદ્ધ સૌના માટે જીવન ઉપયોગી ભાથુ પુરુ પાડે છે. વિવેકાનંદજીનુ સમગ્ર જીવન
પ્રેરણારૂપ છે. જાન્યુઆરીનો મહિનો વિવેકાનંદજીના જન્મના પવિત્ર મહિનામાં એમના
જીવનમાં બનેલા કેટલાક પ્રસંગો ફાસ્ટ ફોરવર્ડ કરી મમળાવવાથી નવતર ઉર્જા અનુભવી
શકાશે.
સ્વામીજીએ શિકાગોની વિશ્વ ધર્મ
પરિષદમાં વેદાંત અને ભારતીય આધ્યાત્મિક ચેતનાના દર્શનની પ્રભાવક પ્રસ્તુતી કરીને
સમસ્ત વિશ્વના ધર્મગુરઓ અને પ્રબુધ્ધોની વૈચારિક ચેતનાને ઢંઢોળી નાખી એ વાત અજાણી
નથી. અમેરિકાની યાત્રા પુરી કરીને જળ માર્ગે વર્ષ ૧૮૯૭ની જાન્યુઆરી ૨૬ના રોજ
મદ્રાસના સાગર કિનારે સ્વામીજીની સ્ટીમર જ્યારે આવી પહોંચી એ વેળાની એક વાત છે. દરીયાકાંઠે મોટી સંખ્યામાં માનવ મહેરામણ સ્વામીજીના
સત્કાર માટે ઉમટી પડ્યું હતું. સ્વામીજીએ લોકો તરફ જઇને એમનુ અભિવાદન ઝીલવાની બદલે
પહેલાં સાગરતટે સાષ્ટાંગ દંડવત કરી ભૂમિવંદન કરી. પછી આખા શરીરે ભારત માતાની
માટીને ચોળવા લાગ્યા. ત્યાર બાદ તેમણે તેમના સાથીઓને કહ્યું કે, ‘ભોગ વિલાસ અને
સ્વચ્છંદ વાતાવરણમાં વર્ષો વિતાવ્યા પછી મારામાં પ્રવેશેલા દોષોને દુર કરવા
માતૃભૂમિની પવિત્ર માટીથી વધુ સારી કોઇ ઔષધિ ન હોઇ શકે.’ સ્વામીજીનો આવો અનોખો
મિજાજ અને રાષ્ટ્રપ્રેમ હતો.
શિકાગોને લગતો બીજો એક કિસ્સો છે.
સ્વામીજીને એક વાર અમેરિકાના કોઇ શહેરમાં પ્રવચન આપવા નિમંત્રણ આપવામાં આવ્યું.
ત્યાંના સ્વચ્છંદ યુવાનોએ વિવેકાનંદજીએ આપેલા તાટસ્થ્ય ઉપરના વિચારની કસોટી
કરવાનું મન થયું. યુવાનોએ સ્વામીજીને એક ઉંધા વાસણ ઉપર ઊભા રહીને બોલવા કહ્યું.
સ્વામીજી સહજતપૂર્વક એક ઉંધા ટબ ઉપર ઉભા રહીને વક્તવ્ય આપવામાં લીન થઇ ગયા. યુવાનોએ
તેમને ડીસ્ટર્બ કરવા ફટાકડા ફોડયા. મોટા અવાજો કરતા રહ્યાં પરંતુ સ્વામીજીના
વક્તવ્યમાં તસુભાર ખલેલ ન પહોંચી. એમની વાણી અસ્ખલીત વહેતી રહી. એમના વક્તવ્ય બાદ
યુવાનોએ એમની સાથે હાથ મિલાવીને કહ્યું, ‘તમે ખરેખર જે ઉપદેશ આપો છો તેને અમલમાં
મુકો છો.’ સ્વામીજી એમના વક્તવ્યમાં એ જ વાત કરતાં જેનો એમણે અમલ કર્યો હોય.
સ્વામી વિવેકાનંદ ક્યારેય કોઇ વાત
ઉપર આંધળો ભરોસો ન રાખતા. જ્યાં સુધી બરાબર સમજ ન પડે ત્યાં સુધી એ વાત છોડતા
નહીં. બાળપણથી નીડર અને સ્પષ્ટવક્તા સ્વામી વિવેકાનંદનો એમના ગુરુ રામ કૃષ્ણ
પરમહંસ સાથેના કિસ્સો મઝાનો છે. એમણે રામકૃષ્ણ પરમહંસ જ્યાં બેસ્તા હતા એ ગાદી
નીચે એક વાર રાણીછાપ સિક્કો મુકી દીધો. રામકૃષ્ણ બહારથી આવીને જેવા ગાદી ઉપર બેઠા
કે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય એમ સફાળા ઉભા થઇ ગયા. એ તરત બોલ્યા, ‘મારા આસન નીચે
કોઇએ પૈસા મુક્યા છે કે શું ?’ ગુરુની નાણા માટેની આસક્તિ ન રાખવાની વાતને પણ એમણે ચકાસીને
પારખીને જ અપનાવી.
બાળ નરેદન્રદત્તનો કિસ્સો યાદ આવે
છે. આઠ વર્ષની વયે બંગાળના આચાર્ય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર શાળામાં ભણતા નરેદન્રદત્ત
એક વાર વર્ગમાં મોટેથી વાતો કરતો હતો. શિક્ષક અભ્યાસ કરાવી રહ્યાં હતાં. એમને ખલેલ
પડી એટલે શિક્ષકે નરેદન્રદત્તને ઉભો કરી પાઠમાંથી સવાલો પુછ્યાં. નરેન્દ્રદત્તે
ફટાફટ શિક્ષકના સવાલોના જવાબો આપી દીધા. શિક્ષકે કહ્યું, ‘તારુ ધ્યાન તો ભણવામાં
છે.’ ત્યારે નરેન્દ્રએ કહ્યું, ‘ગુરુજી સાચી વાતતો એ છે કે, હું જ ભાઇબંધો સાથે
ટોળ ટપ્પા કરતો હતો.’ ત્યારે શિક્ષકે કહ્યું, પણ તારા તો તમામ જવાબ સાચા છે.’
સ્વામીજી એક સાથે બે કામ ચીવટાઇથી કરી શકતા. એમની આવી મેઘાવી પ્રતિભા બાળપણથી હતી.
આવી જ બાળપણની બીજી એક પ્રેરણાત્મક
કહાની છે. એક દિવસ ઘરની બહાર મિત્રો સાથે નરેન્દ્ર પૂજાની રમત રમતા હતા. મિત્રો
વચ્ચે હોડ જામી કે, સૌથી વધુ એકાગ્ર બનીને ધ્યાન કોણ કરી શકે ? બધા મિત્રો
પલાઠીવાળીને ધ્યાનમાં બેસી ગયા. એવામાં એક કાળોતરો નાગર ફુફાડા મારતો ત્યાં આવી
ચડ્યો. એક બાળકે એ જોયો અને ચિક્કાર કર્યો. બધા બાળકો ડરીને ભાગી ગયા. ધ્યાન મગ્ન
નરેન્દ્ર સામે ફુફાડા મારતો નાગ થોડીવાર બેસી રહ્યો અને પછી ત્યાંથી જતો રહ્યો.
બાળકોએ નરેન્દ્રની માતા પાસે જઇને બધી વાત કરી. માતાજી અધ્ધર શ્વાસે ફળીયામાં
આવ્યા અને નરેન્દ્રને બથમાં ભરીને વાત કરી કે, ‘બેટા તને સાપનો ડર ન લાગ્યો ?’ નરેન્દ્રએ
આશ્ચર્યચક્તિ થઇને કહ્યું, ‘સાપ ? કેવો ડર ? મેં તો સપનામાં પણ સાપ નથી જોયો. હું
તો ધ્યાનમાં ઇશ્વરનું નામ સ્મરણ કરતો હતો.’
અમેરિકાના એમના પ્રવાસ દરમિયાન
સ્વામીજીએ અનેક વ્યાખ્યાનો આપ્યા. ઘણા અમેરિકન્સ સ્વામીજીના વિચારોથી પ્રભાવિત થઇ
ગયા હતા. એ સમયમાં એક પ્રોફેસરે વિવેકાનંદજી પાસે આવીને કહ્યું, ‘મારે હિન્દુ ધર્મ
અપનાવવો છે. તમે મારુ હિન્દુ ધર્મમાં પરિવર્તન કરાવી દો.’ ત્યારે સ્વામીજીએ
કહ્યું, ‘હું આ દેશમાં આધ્યાત્મિકતા અને સનાતન ધર્મનો સંદેશ આપવા આવ્યો છું. ધર્મ
પરિવર્તન કરાવવાનો મારો કોઇ ઉદ્દેશય નથી.’ વિવેકાનંદજીને તમામ ધર્મો પ્રતિ સન્માન
અને આદર હતો.
નરેન્દ્રનાથનું વિવેકાનંદ નામ કેવી
રીતે પડ્યું એ પણ રસપ્રદ વાત છે. સન્યાસ લીધાં પછી એમણે ઘણા નામો બદલ્યાં. ગુરુ
રામકૃષ્ણ પરમહંસે તેમના શિષ્યોના ભૂતકાળ સાથે સંબંધો સમાપ્ત કરવા તમામ શિષ્યોના
નામ બદલી નાખ્યા. નરેન્દ્રદત્તનું નામ સ્વામી સચ્ચિદાનંદ રાખ્યું. નરેન્દ્રદત્તને
એમના સાથી શિષ્યો સાથે આશ્રમમાં વધુ ગોઠવા લાગ્યું. જાગૃત
નરેન્દ્રનાથે ત્વરીત ભારત ભ્રમણનો નિર્ણય કર્યો. એમના સાથીઓને એમની કોઇ ભાળ મળે એમ
એ નહોતા ઇચ્છા એટલે એમણે એમનું નામ બદલીને વિવિદિશાનંદ રાખ્યું. પરિભ્રમણ કરતા એક
સમયે ખતેરીના મહારાજ સાથે બેઠા હતા ત્યારે મહારાજે કહ્યું, ‘તમારું નામ બહુ
અટપટ્ટુ છે. લોકોને સમજ નથી પડતી અને બરાબર બોલી પણ નથી શકતા.’ ત્યારે સ્વામીજીએ
ખેતરીના મહારાજને કહ્યું, ‘તમને કયુ નામ ગમે.’ ત્યારે મહારાજે કહ્યું, ‘વિવેકાનંદ.’
બસ ત્યારથી સ્વામીજી વિવેકાનંદ તરીકે ઓળખાવા લાગ્યા.
સ્વામીજીના ગુજરાત કનેક્શન સંદર્ભે
પ્રખર ઇતિહાસવિદ પદ્મશ્રી વિષ્ણુભાઇ નોંધે છે કે, ‘સ્વામીજીના ભારત ભ્રમણમાં તેમણે
વધારે સમય ગુજરાતમાં ગાળ્યો છે. વર્ષ ૧૮૯૨માં સ્વામીજી જુનાગઢ, ગિરનાર, પોરબંદર,
જામનગર, દ્વારિકા, વેરાવળ, પ્રભાસપાટણ, ભુજ, લીંબડી, માંડવી, નારાયણ સરોવર,
નડિયાદ, ભાવનગર, વડોદરા, અમદાવાદ વગેરે સ્થાનો ઉપર સ્વામીજીના પગલાં પડ્યા છે.
ગુજરાત માટે એ પણ ગૌરવપ્રદ ઘટના છે
જેનો ઉલ્લેખ અહીં અર્થસભર રહેશે. જુનાગઢથી પોરબંદરના પ્રવાસ દરમિયાન સ્ટેશન ઉપર
કડકડતી ઠંડીમાં સુતેલા સ્વામીને જોઇને સ્ટેશન માસ્ટર હરગોવિંદદાસ પંડ્યા સ્ટાફ
કવાટરમાં લઇ આવ્યા. ભોજન બાદ રાત્રે ચર્ચા દરમિયાન સ્ટેશન માસ્ટર પંડ્યાજીએ
સ્વામીજીને શિકાગોની ધર્મપરિષદમાં જઇ ભારતવર્ષની આધ્યાત્મિક ચેતના વિશ્વ સમક્ષ
મૂકવા જણાવ્યું. શિકાગોની ધર્મ પરિષદ ગજાવનાર વિવેકાનંદજીને આ વિચાર ગુજરાતની ભૂમિ ઉપર એક ગુજરાતીએ આપ્યો હતો.
જેમના સમગ્ર જીવનના પ્રત્યેક
પ્રસંગો એક પ્રેરણા આપે છે, ચેતના જગાવે છે એ વિરાટ વ્યક્તિત્વને આજે ૧૬ દાયકા પછી
પણ ન માત્ર હિન્દુસ્તાન સમસ્ત વિશ્વ હૃદયપૂર્વક યાદ કરે છે. એમના વૈચારિક વિશ્વને
સમજવાની કૌશીષ કરે છે.
ધબકારઃ ‘શારીરિક અને માનસિક શક્તિ
જ જીવન છે, નિર્બળતા મૃત્યુ છે, વૈચારિક વિશાળતા જીવન છે, સંકુચિતતા મૃત્યુ છે,
પ્રેમ જીવન છે, દ્વેશ મૃત્યુ છે.’ - સ્વામી વિવેકાનંદ
: ફોટો કેપ્શન :
વિવેકનંદે સને ૧૮૯૩માં અમેરિકાના
શીકાગોમાં જે હોલમાં વિશ્વ ધર્મ પરિષદ ગજવીને ભારતીય સનાતન ધર્મ અને વેદાંત
ફિલોસોફીની વાત વિશ્વ સમસ્તને જણાવી એની અલભ્ય તસવીર. ધર્મ પરિષદના એમના વક્તવ્ય
પછી અમેરિન્સ સ્વામીજીના વિચારો અને વ્યક્તિત્ત્વથી જબરજસ્ત અભિભુત થઇ ગયા હતા.
No comments:
Post a Comment