Thursday, 20 January 2022

અનેક અભાવોમાં વસતા નેસડાના લોકોનો ભાવસભર સત્કાર ગીરની આગવી ઓળખ છે


 

ચારણ કન્યા હિરબાઇનો પરિવાર અને ખજૂરી નેસ આજે ક્યાં છે ?

 

ચૌદ વરસની ચારણ કન્યા

ચૂંદડીવાળી ચારણ કન્યા

બાળી ભોળી ચારણ કન્યા

લાલ હીંગોળી ચારણ કન્યા

હાથ હિલોળી ચારણ કન્યા

પાછળ દોડી ચારણ કન્યા

સિંહણ તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારનો ભાગ્યો

મોટો વીર મૂછાળો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો.

   ઝવેરચંદ મેઘાણીની આ અમર રચનાને નેવુ વર્ષના વાણા વાઈ ગયા. છતાં હજુ આજે પણ ઝવેરચંદ મેઘાણીભાઇની ચારણ કન્યા જ્યાં જ્યાં, જ્યારે જ્યારે ગવાય છે ત્યારે રૂંવાડા ખડા થઈ જાય છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતનું એવું ઘરેણું છે કે, એનો કોઈ મોલ કે તોલ નથી. ગીર પ્રદેશના પહાડો, ખીણો, નદી-નાળા, ગામડા અને નેસડાઓમાં મેઘાણીભાઇ મનમૂકીને મહાલ્યા છે. જે વિસ્તારોમાં આજે ફોર વ્હીલર લઈને માંડ પહોંચી શકાય એનાથી પણ દુર્ગમ સ્થળોએ આઠ નવ દાયકાઓ પહેલાં ગીરના પ્રગાઢ જંગલ મેઘાણીભાઇ ઘોડા ઉપર કે પગે ચાલીને ખુંદી વળ્યા છે. બાળપણથી મેઘાણીની ચારણ કન્યા રચના મારા માનસપટ ઉપર જબરજસ્ત રીતે કોતરાયેલી છે. લોક કલાકારોના મુખે જ્યારે જ્યારે ચારણ કન્યા સાંભળું ત્યારે હું મંત્રમુગ્ધ બની જાઉં છું. વર્ષોથી મનમાં ગાંઠ વાળી હતી કે જીવનમાં એકવાર એ જગાએ જવું છે, જ્યાં ઝવેરચંદ મેઘાણીએ ચારણ કન્યાની વીરતા નજરે જોઈને એને શબ્દે કંડારી છે.

મેઘાણીના શબ્દોમાં સંવેદના અને સચ્ચાઈનો રણકો એટલે લાગે કે, એમણે પ્રત્યેક વાતને હદયથી મહેસૂસ કરી છે, નજરે નિહાળી છે. કદાચ એટલે જ એમની લેખીનીમાં અદભુત તાકાતના દર્શન થાય છે. એમના વર્ણનો વાંચતા એમ લાગે કે, આપણી સામે જ ઘટના ઘટી રહી છે. હિરબાઈ નામની ચૌદ વર્ષની પહાડી દીકરીની હિંમત અને તાકાતને વર્ષ ૧૯૨૮ની આસપાસ મેઘાણીએ નજર સામે જોઈ. સિંહના મોઢામાં વાછડીને મૂકાવનારી આ ભડવિરાંગનાની વાત મેઘાણીએ શબ્દે કંડારી ચારણ કન્યા ગીતના માધ્યમથી સૌરાષ્ટ્ર અને ગીર પ્રદેશની ખુમારીને દેશ અને દુનિયા સામે રજૂ કરી છે.

ખજૂરી નામના નેસમાં જ્યારે આ ઘટના બની ત્યારે મેઘાણીભાઇ સાથે દુલાભાયા કાગ પણ હતા. કવિ કાગે આ અંગે લખ્યું છે કે, ‘તુલસી શ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા. ત્યાં રીડ થઈ. સાવજ ડણક્યો. હાકોટા થાવા માંડ્યા. રોળકોળ વેળા થઈ હતી. ખાંડુ-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઈ કરી એક ચારણ બાઈની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા. વીસેક જણ હતા. જ્યા ધાર માઘે ચડ્યા ત્યાં હીરબાઈ ક્યારની યે ત્યાં પહોચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામે થઈ હોંકારા કરતો હતો. બાઈ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઈએ સાવજને ખાવા ન દીધી. એ વખતે ચારણ કન્યાગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ધ્રામેલ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડ માંડ પકડી રાખેલા.’

આ અમર ગીત અને એની પાછળના કાળજુ કંપાવી મુકે એવા આ દ્રષ્યની કહાનીનો ઘણી જગાએ ઉલ્લેખ જોવા મળે છે. આજે આ ખજૂરી નેસ અને હીરબાઈ ક્યાં છે ? આ પ્રશ્ન હું વર્ષોથી મનમાં મમળાવતો હતો. લલીતભાઈ ખંભાતીયાના એક લેખમાંથી જાણવા મળ્યું કે, અમરૂભાઈને બે દીકરીઓ એક હીર, બીજી કુંવર અને બે દીકરા પાલણ અને હરદાન. સતિયા શાખનુ આ ચારણ પરિવાર. આજે હીરબાઈનું પરિવાર ધાડાવડી નેસમાં રહે છે.

નેસડોશબ્દ આવે એટલે મોટાભાગના લોકોને સમજ ઓછી પડે કે આ નેસ એટલે શું છે. આજે ગીર પ્રદેશમાં ૫૪ જેટલા નેસડા છે. આઠ-દસ દાયકા પહેલા એક જમાનામાં અહીં સાડા ચારસો પાંચસો નેસડા હતા. એ પૈકીનો એક ખજૂરી નેસ હતો. નેસડામાં કુદરતના ખોળે મસ્તીથી જીવન જીવાય. પારાવાર હાડમારી મોઢું ફાડીને રોજે રોજ ઊભી જ હોય એ પણ એટલું જ સત્ય છે. ઘાસ અને ગારના લીંપણથી બનાવેલી દીવાલો અને ફર્શ, થોડા ઘણા પથ્થર અને માટીથી બનાવેલી દીવાલો અને ઓટલા એટલે નેસના ઘરો. એક નેસમાં સાત, આઠ કે દસ પરિવારોના મકાનો હોય અને ગાય-ભેંસને રાખવાની વાડી હોય. વાડીને ફરતે ચાર-પાંચ ફૂટ ઊંચી કાંટાળી વાડ બનાવી હોય.

તુલસી શ્યામથી ત્રણ ચાર કિલોમીટર દૂર પ્રગાઢ જંગલમાં આવેલા ખજૂરી નેસમાં જવા માટે દુર્ગમ રસ્તા ઉપર થઈને ઘોડાવડી નદી પાર કરવી પડે. આજે પણ ખજૂરી નેસમાં જાવ ત્યારે ત્યાં વસતા નનાભાઇ અતા અને એમના દીકરાઓનો લાગણીભીનો આવકાર હૃદયમાં ઊંડે સુધી ઊતરી જાય. ખજૂરી નેસમાં અત્યારે જમાના પ્રમાણે થોડી ઘણી આધુનિકતા ચોક્કસ દેખાય પણ નેસડાનો મૂળ આત્મા અનુભવવાનો આનંદ જરૂર થાય. નનાભાઈ એમના પરિવાર અને માલઢોર સાથે વર્ષ ૧૯૭૧ સુધી જંગલમાં વિચરણ કરતા હતા. વર્ષ ૧૯૭૧ પછી ખજૂરી નેસમાં એ સ્થાયી થયા. ગીરના તમામ નેસડાઓનો મુગટ ખજૂરી નેસ છે. નાના અતાના દીકરા ભગવાનભાઈના મતે વર્ષો પહેલા ઘોડાવડી નદી પાસે ‘હેઠલી ખજૂરી’ અને થોડા ટેકરા ઉપર ‘ઉપલી ખજૂરી’ એમ બે ખજૂરી નેસ હતા.

નનાભાઈના પિતાજી માણસુર દાદા અને માતા સુમલબહેન જેવા વડીલોના મુખે ખજૂરી નેસ અને હીરબાઈની કહાની એમની બીજી પેઢી સુધી પહોંચી છે. નના અતાના દીકરા ભગવાનભાઈના મતે નેસડાના અભાવો કરતા ગીર ભૂમિનો પ્રેમ અને કુદરતના ખોળે જીવવાનું આકર્ષણ નેસડામાં પેઢી દર પેઢી આજીવન રહેવાની તમન્ના વધુ ને વધુ મજબૂત બનાવે છે. ભગવાનભાઈ કહે છે કે, અમે તો માલધારીઓ છીએ ભેંસો ચરાવવા જતા રોજ સાવજનો ભેટો થઈ જાય છે. હીરબાઈ જેવી કેટલીય બાળાઓ રોજે રોજ સિંહ સામે આજે પણ થતી હશે.

ખજૂરી નેસમાં દેશ-વિદેશના કેટલાય સહેલાણીઓ આવે છે. નના અતા અને એમના દીકરાઓ ભગવાનભાઈ અને એમના બે ભાઈઓ રોજ આવતા મહેમાનોની દિલથી આગતા સ્વાગતા કરે છે. એમને રોટલા, કઢી, લસણની ચટણી અને તાજુ દૂધ આપી તૃપ્ત કરતાં આનંદ અનુભવે છે. નના અતાના નેસડાની મુલાકાતે જનારને કાઠીયાવાડની પેલી જાણીતી બે પંક્તિઓની સાર્થકતા સુપેરે સાંપડ્યા વગર ન રહે. ‘કાઠિયાવાડમાં કોક દિ, ભૂલો પડ ભગવાન, તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવુ શામળા...’ અનેક અભાવોમાં નેસમાં વસતા લોકોનો ભાવસભર સત્કાર એમની આગવી ઓળખ ઉભી કરે છે. અહીંના લોકોને હજુ બહુરંગી જમાનાની કોઇ આડ અસર થઇ નથી. ગીર પ્રદેશમાં એક સાવજ અને બીજુ અહીંની મહેમાનગતી આ બે એવી બાબત છે કે, સહેલાણીઓને વારંવાર ગીર આવવાનું મન થાય છે.

બેક ટુ મેઘાણીભાઇ. જેમણે દિવસ રાત ચારણો અને નેસડાઓ ખુંદ્યા છે એવા મેઘાણીભાઇએ ચારણી સાહિત્યના કેટલાય તળપદા શબ્દો કે જેના અર્થ કવિઓ અને વયસ્ક ચારણો નથી સમજી શક્યા એવા શબ્દોની સાચી સમજ આપી છે. કાકા સાહેબ કાલેલકરે મેઘાણીભાઈ માટે લખ્યું છે કે, ‘ઝવેરચંદ મેઘાણી વધારે જીવ્યા હોત તો સાહિત્યની ઘણી સેવા કરત. ઘણું જીવવાનો એમનો અધિકાર હતો.’ મહાત્મા ગાંધીની ગોળમેજી પરિષદ માટેની લંડન યાત્રા વેળા મેઘાણીભાઇએ ઝેરનો કટોરોકાવ્ય માત્ર એક કલાકમાં લખી નાખ્યું હતું. એ સમયે મેઘાણીભાઇ જેલમાં હતા. બાપુએ જ્યારે ઝેરનો કટોરોપાછળથી વાંચ્યું ત્યારે મેઘાણીને રાષ્ટ્રીય શાયરકહ્યાં. દેશપ્રેમ અને સાંસ્કૃતિક સંવેદના મેઘાણીભાઇના શબ્દે શબ્દમાં નિતરે છે. ગીર જંગલમાં ખજૂરી ઉપરાંત બથેશ્વર, બાખરીયા, પાપટડી, દોઢી, આસુન્દ્રાણી, મેરીયા, સરાકડીયા જેવા ૫૪ જેટલા નેસડામાં માલધારીઓ મોજથી કુદરતી વાતાવરણમાં સાવજની સાથે જંગલમાં રહે છે. અભાવોમાં પનપતી આ ભાવસભર જીવનની કહાની માણવા જેવી હોય છે. ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે ત્યારે હિરબાઇ અને ખજૂરી નેસનો રોમાંચકારી ઇતિહાસ યાદ આવ્યા વગર ન રહે. સલામ છે, ગુજરાતના રાષ્ટ્રીય શાયર મેઘાણીભાઇને, ધન્ય છે ગીરની ભૂમીને કે જ્યાં હીરબાઇ જેવા ખમીરવંતા લોકો વસે છે, ધન્ય છે ખજૂરી જેવા નેસડાઓમાં વસતા ભલા, ભોળા, પાક-સાફ, સંવેદનાસભર ચારણ અને રબારી ભાઇ બહેનોને...  


ધબકાર :

અભાવોના અંબાર વચ્ચે પણ ભાવમાં તસુભાર કમી ન લાગે એનુ નામ મનની મોજ.



https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21nov/30112021-4.pdf

No comments:

Post a Comment