Thursday, 17 February 2022

ગુજરાતી પત્રકારોની કલમમાં દમ છે એટલે જ ભારતીય પત્રકારત્વના આકાશમાં ગુજરાતી અખબારોનું સ્થાન બુલંદ છે


નવી શોધની જનની નવું જાણવાની તમન્ના છે. સમય, સ્થળ અને આવશ્યકતા એવી નવી વસ્તુઓની શોધ કરી આપે છે કે, જે માનવીની ઇચ્છાઓ સાથે સીધી રીતે જોડાયેલી હોય છે. આદિ-અનાદિ કાળમાં જંગલી જીવન જીવતો માનવી એની વૈચારિક શક્તિ, બુદ્ધિપ્રતિભા અને ભાષાની અભિવ્યક્તિથી બીજા પ્રાણીઓથી અલગ ઊભરીને આવ્યો. માનવીને નવું જાણવાની અને અભિવ્યક્ત થવાની ઐશ્વરીય દેન છે. આના પરિણામે જ માનવીને ભાષાની આવશ્યકતા ઊભી થઈ. માનવીએ સંશોધિત કરેલી શબ્દ અને ભાષા માનવીય સંસ્કૃતિના વિકાસનું મુખ્ય પરિમાણ બન્યું. ભાષાને ચોક્કસ રીતે લીપીબદ્ધ કરવા મુદ્રણકળાની આવશ્યકતા જણાઈ.  





મહંજોદડોમાંથી મુદ્રણકલાનો લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણી ઐતિહાસિક કલાત્મક મુદ્રાઓ જોવા મળે છે. ચાણક્યના કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં ‘મુદ્રા’ શબ્દનો ઉલ્લેખ પણ છે. પૌરાણિક કાળમાં સંકેતો અને ચિત્રો સ્વરૂપે અભિવ્યક્તિ થતી. ગુફાઓમાં ચિત્રો સ્વરૂપે માનવી પોતાના વિચારોની અભિવ્યક્તિ કરતો. એટલે સ્વભાવિક રીતે જ એમ કહી શકાય કે, અક્ષરોની ગુંથણીથી સુવ્યવસ્થિત ભાષાની શોધ થઈ એ પહેલાં સાંકેતિક ચિત્રોની ભાષામાં અભિવ્યક્તિ તો હતી જ. અને પછી ભાષાની શોધ થયા પછી સંદેશાવ્યવહાર માટે તેનો વ્યાપક ઉપયોગ અસ્તિત્વમાં આવ્યો. એમાંથી પત્રકારત્વના ક્ષેત્રનો ઉદય થયો. ગુજરાતી પત્રકારત્વએ બે સદીની દડમજલ પૂરી કરી છે. ગુજરાતી પત્રકારત્વની વિગતે વાત કરીએ એ પહેલાં થોડી પત્રકારત્વના મૂળમાં રહેલી મુદ્રણકળાની વિગતો પણ તપાસી લઈએ.

ચીનને મુદ્રણકળાનું જનક કહેવાય છે. સર ઓરેલ સ્ટેઈન વોગે ‘હિસ્ક સૂત્ર’ નામનું પુસ્તક પહેલ વહેલું શોધી કાઢ્યું. કહેવાય છે કે, આ પુસ્તક ઈ.સ. ૬૮૬માં પ્રસિદ્ધ થયું હતું. ક્રમશઃ ૧૫મી સદીની આસપાસ જર્મનીના જ્હોન ગુટનબર્ગે મુદ્રણ કળાને મોર્ડન ટચ આપ્યો. ઈ.સ. ૧૪૫૦થી ઈ.સ. ૧૪૫૨ની વચ્ચે ગુટનબર્ગે પહેલું પુસ્તક બાઈબલ પ્રસિદ્ધ કર્યું. આજે તો એ જાણીને આશ્ચર્ય થાય કે, જે કામ ત્રણથી ચાર કલાકમાં થઈ શકે છે એ કામને તે સમયે ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ ૧૪૬૯માં રોમ, ૧૪૭૦માં પેરીસ, ૧૪૭૩માં બુડાપેસ્ટ, ૧૪૭૬માં વેસ્ટમિન્શન, ૧૪૭૯ જીનિવા, ૧૪૮૦માં લંડનમાં પ્રિન્ટીંગ પ્રેસના પડઘમ વાગવા લાગ્યાં હતાં.

લગભગ એક સદી પછી એટલે કે, ભારતમાં ૧૫–૧૬મી સદીમાં મુદ્રણ કળા પ્રવેશી. અંગ્રેજોના આગમન પહેલાં હિન્દુસ્તાનમાં મુદ્રણકલાનો આરંભ થઈ ચૂક્યો હતો. જો કે, મુદ્રણકળાની શોધ પહેલાથી જ હિન્દુસ્તાનના પ્રાચીન સાહિત્યો, વેદ, ઉપનિષદ, સુકતીઓ વગેરે ભારતના મેઘાવી ઋષિમુનીઓ કંઠસ્થ રીતે અભિવ્યક્ત કરતાં હતાં. અને તે પછી હસ્તપ્રતો, તામ્રપત્રો વગેરે ઉપર તેને સંગ્રહિત કરવામાં આવતી. એ યુગ લહીયાઓનો હતો. આ લહીયાઓને કારણે જ અલભ્ય પ્રાચીન સાહિત્ય આજે ઉપલબ્ધ થઈ રહ્યું છે. મોગલોના કાર્યકાળ દરમિયાન જનતાને સુચિત કરવા માટે વર્તમાનપત્રો લખવા અને રાજ્યના વહીવટની નોંધો કરવા માટે કુશળ લહીયાઓ રાખવામાં આવતા હતા. પ્રાધ્યાપક નીતાબેન પરીખના મતે મોગલોના આ લહીયાઓને કારણે ભારતમાં મુદ્રણકળાનો વિસ્તાર મોડો થયો.

આજનો જમાનો ઝડપથી અભિવ્યક્ત થવાનો અને જાણકારી મેળવવાનો છે. એક જમાનામાં માત્ર મુદ્રિત માધ્યમોથી જ સમાચારોની આપ-લે થતી હતી. આજે ટીવી ચેનલો અને ઈન્ટરનેટ–સોશિયલ મીડિયા દ્વારા પ્રત્યેક વ્યક્તિ સરળતાથી અને ઝડપથી અભિવ્યક્ત થઈ શકે છે. પણ આપણે અહીં વાત કરવી છે ગુજરાતી વર્તમાનપત્રોના સીલસીલાબંધ ઐતિહાસિક તાણાવાણાની. ખીંચો કમાનો કો, તલવાર નિકાલો, જબ તોપ મુક્કમિલ હો, તો અખબાર નિકાલો... અમેરિકન સ્વાતંત્ર્યનું જાહેરનામું જેમણે ડ્રાફ્ટ કર્યું હતું એવા થોમસ જેફરસનનાં મતે પત્રકારત્વનાં પવિત્ર વ્યવસાયનો અદકેરો પ્રભાવ રહ્યો છે. એમણે કહ્યું હતું કે, ‘જો મારે નિર્ણય કરવાનો હોય કે અમેરિકામાં વર્તમાનપત્ર વિનાની સરકાર હોવી જોઈએ કે સરકાર વિનાના વર્તમાનપત્રો, તો હું એક પણ પળ વિચાર્યા વગર કહું કે, બીજી સ્થિતિ હોવી જોઈએ.’ ભારતીય પત્રકારત્વ જગતમાં ગુજરાતી પત્રકારત્વનું આગવું સ્થાન રહ્યું છે. જે રીતે ગુજરાતે ઘણી બાબતોમાં ભારતને આગવી દોરવણી આપી છે એમ ગુજરાતી પત્રકારત્વએ પણ દેશને અનેક નૂતન કેડીઓ કંડારી આપી છે.

નેપોલિયન બોનાપાટ કહેતા કે, ‘પત્રકાર કચકચ કરનારો, ઠપકો આપનારો, નિંદા કરનારો, સલાહ આપનારો સ્વાતંત્ર્યનું રક્ષણ કરનારો છે. પત્રકાર રાષ્ટ્ર ઉપર અંકુશ રાખનારો રાષ્ટ્રનો સાચો રક્ષક છે.’ કલમના ખોળે માથું મૂકનારા પત્રકારો માટે જાણીતી બે લાઈનોનો અહીં ઉલ્લેખ ઉચિત રહેશે. કલમ દેશકી બડી શક્તિ હૈ, ભાવ જગાનેવાલી, દિલમે નહીં દિમાગોમે ભી આગ લગાનેવાલી... ગુજરાતી પત્રકારત્વનો પ્રભાવ અને વિશ્વસનીયતાનું ધોરણ ઉચુ રહ્યું છે. વર્ષો પહેલાં હળવદની એક મહિલાએ સાધનાને લખેલો પત્ર આનું ઉત્તમ ઉદાહરણ છે. મહિલાએ લખ્યું હતું કે, ‘થોડા દિવસો પહેલાં અમારું લમાજમ પુરું થયાનો તમારો કાગળ મળ્યો છે. મારી એક મુશ્કેલી છે. અમારા ઘરમાંસાધનામાટે હું અને મારા વૃદ્ધ સ્વસુર ભેગા મળીને રકમ એકઠી કરીને ચૂપચાપ મોકલાવતાં હતાં. મહિના માસ પહેલાં ગુજરી ગયા છે. મારા પતિ કંજૂસ છે, પણ મારેસાધનાવાંચવું છે કેમ કે, તમે મોટી લડાઈ લડી રહ્યા છો. હું મારા ઘરખર્ચના પૈસા ભેગા થતાં મોકલી આપીશ. ત્યાં સુધીસાધનાબંધ ના કરો એવી વિનંતી છે.’ એ સમયે આવી હતી વાંચકોની વાંચનભુખ.

ગુજરાતી પત્રકારત્વ જગતની વાત આવે એટલે બે પારસી બાવાનું નામ માનસપટ પર રમવા લાગે. એમાં સૌથી પહેલાં ફરદુનજી મર્જબાન કે જેમણે મુંબઈ સમાચાર અખબાર દ્વારા ગુજરાતી પત્રકારત્વનો પરચમ લહેરાવ્યો. બીજા ડો. રતન માર્શલ કે, જેમણે નિષ્ઠાપૂર્વક સંશોધન કરીને ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ એમની કલમથી કંડાર્યો. આજે રતન માર્શલનું પુસ્તક ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ પુસ્તકને પત્રકારત્વનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ રેફરન્સ બુક તરીકે સાચવીને રાખે છે. બે સદી પહેલાં ૧ જુલાઈ, ૧૮૨૨ના રોજ ફરદુનજી મર્ઝબાને ‘શરી મુમબઈના શમાચાર’ સાપ્તાહિક સ્વરૂપે પ્રસિદ્ધ કરીને ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે પદાર્પણ કર્યા. લગભગ એક દાયકા પછી મુંબઈ સમાચાર સાપ્તાહિકમાંથી દૈનિક સ્વરૂપે પ્રસિદ્ધ થવા લાગ્યું.

ત્યારબાદ વર્ષ ૧૮૬૩માં પ્રવિણકાંત રેશમવાલાએ સૂરતથી ગુજરાતમિત્ર દૈનિક શરૂ કર્યું. સપ્ટેમ્બર, તા. ૧, ૧૮૬૪ના રોજ વીર નર્મદે દાંડીયો પીટ્યો. ડૉ. રતન માર્શલ ડાંડીયો અને સ્પેક્ટેટર વચ્ચે ઘણુ સામ્ય હોવાનું નોંધે છે. એડિસનની જેમ નર્મદ બિલકુલ હળવી શૈલીમાં લખતા. જો કે નર્મદ પોતાના વિરોધીઓ સામે વધુ પડતા આક્રમક હતાં. નિર્ભયતા અને હિંમતપૂર્વકનું લખાણ ડાંડિયાના મુખ્ય લક્ષણ હતાં. ગુજરાતી પત્રકારત્વની ગંગોત્રી મુંબઈથી નીકળીને વર્ષ ૧૮૬૩-૬૪માં સુરત પહોંચી. ત્યાર પછી તે પ્રજાબંધુ દ્વારા વર્ષ ૧૮૯૫માં અમદાવાદ આવી. ૨૦મી સદીની શરૂઆતમાં ગાંધીજીએ પત્રકારત્વ જગતમાં પ્રવેશ કર્યો. ઓગસ્ટ, તા. ૮, ૧૯૧૯ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધીના તંત્રી પદે ‘નવજીવન’ પ્રસિદ્ધ થયું અને ૧૯૩૨માં નવજીવનનું નામ હરિજનબંધુ થયું. અત્રે એ ઉલ્લેખનીય રહે કે, ગાંધીજીએ એમના જીવનકાળના ચાર દાયકા સુધી સક્રિય પત્રકારત્વ કર્યું છે.

આઝાદીના વર્ષ ૧૯૪૭ પહેલાં જેટલાં પણ ગુજરાતી અખબારો પ્રસિદ્ધ થયાં તે સ્વાતંત્ર્ય સંગ્રામને બળ આપવાના હેતુથી જ અસ્તિત્વમાં આવ્યા હોવાનું લાગે છે. નંદલાલ બોડીવાલાએ વર્ષ ૧૯૨૩માં સંદેશ દૈનિકનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં આ સાંધ્ય દૈનિક હતું અને વર્ષ ૧૯૩૦થી એ સવારના દૈનિક સ્વરૂપે આજ પર્યંત પ્રસિદ્ધ થઈ રહ્યું છે. વર્ષ ૧૮૯૫થી પ્રજાબંધુ અખબાર શરૂ થયું અને તે વર્ષ ૧૯૩૨માં ગુજરાત સમાચાર નામાભિધાન સાથે આજપર્યંત પ્રસિદ્ધ થાય છે. જાન્યુઆરી, તા. ૨૬, ૧૯૬૨થી અમદાવાદમાં જયહિન્દ દૈનિકનું પદાર્પણ થયું. છ દાયકાથી લાગલગાટ જયહિન્દ વર્તમાનપત્ર પ્રસિદ્ધ થઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રના સીમાડે પહોંચેલા ગુજરાતી પત્રકારત્વની વાત કરીએ તો ‘ફૂલછાબ’ દૈનિકે સદી પૂરી કરી છે. ભૂજથી પ્રસિદ્ધ થતાં ‘કચ્છમિત્ર’એ ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે. રાજકોટથી પ્રસિદ્ધ થતાં ‘જયહિન્દ’ દૈનિકને પણ પોણી સદી પૂરી કરી છે. ‘અકિલા’ દૈનિકને સાડા ચાર દાયકા પૂરા થયાં છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ‘સાંજ સમાચાર’, ‘આસપાસ’ વગેરે સાંધ્ય દૈનિકોનું પણ ગુજરાતી પત્રકારત્વમાં અદકેરું સ્થાન રહ્યું છે. જામનગરમાંથી વર્ષ ૧૯૫૬માં સ્વ. રતિલાલ માધવાણીએ ‘નોબત’ દૈનિક શરૂ કર્યું હતું. આ ઉપરાંત વર્ષ ૧૯૭૩માં જામનગરમાં સાંધ્ય દૈનિક ‘ભૂમિ’ શરૂ થયું હતું. જૂનાગઢમાંથી ‘સૌરાષ્ટ્રભૂમિ’, ભાવનગરમાંથી ‘સૌરાષ્ટ્ર સમાચાર’, ‘પગદંડી’, ‘લોકરાજ’, ‘સમીસાંજ’ જેવા અખબારોએ પદાર્પણ કર્યું.

વર્ષ ૧૯૬૭માં એક ગુજરાતી રામુભાઈ પટેલે ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ અંગ્રેજી અખબાર શરૂ કર્યું અને ત્યાર પછી ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ની ગુજરાતી આવૃત્તિ પણ પ્રસિદ્ધ થવા લાગી. ૨૧મી સદીના આરંભે વર્ષ ૨૦૦૩થી ‘દિવ્ય ભાસ્કર’ ગુજરાતી અખબાર અમદાવાદથી પ્રસિદ્ધ થયું. આ પહેલાં રાષ્ટ્રીય અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ ગુજરાતીમાં પ્રસિદ્ધ થતું હતું પરંતુ થોડાક વર્ષોમાં તે બંધ થઈ ગયું. વર્ષ ૨૦૧૩થી નવગુજરાત સમય અમદાવાદમાંથી પ્રસિદ્ધ થઈ રહ્યું છે. ૧૯૮૨થી ગાંધીનગરમાં ગાંધીનગર સમાચાર નામનું સાપ્તાહિક શરુ થયું હતું તે ૧૯૮૬થી દૈનિક વર્તમાનપત્ર તરીકે પ્રસિદ્ધ થઈ રહ્યું છે.

મુંબઈનુ સમકાલિન અમદાવાદના જનસત્તા લોકસત્તા, સમભાવ, પ્રભાત ગુજરાતી વર્તમાનપત્રોએ પણ એક અલગ ઓળખ ઊભી કરી હતી. ગુજરાતી પત્રકારત્વના આકાશમાં અનેક દૈનિક વર્તમાનપત્રો, સાપ્તાહિકો, સામયિકોનું મહત્ત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. એક લેખમાં ગુજરાતી પત્રકારત્વના તમામ પાસા અને એના પરિમાણોને પ્રસ્તુત કરવા એ સમુદ્રને ઉલેચીને ઢોચકીમાં ભરવા જેવી વાત કહેવાય. આમ છતાં પ્રત્યેક ગુજરાતીને ગુજરાતી વર્તમાનપત્રોના દૈદિપ્યમાન ઐતિહાસિક વારસાથી અવગત કરાવવાનો એક નાનકડો પ્રયાસ કરવાની કોશિષ કરી છે. સંભવતઃ આ પ્રયાસમાં ક્યાંક કોઈક નામોલ્લેખ કરવામાં ચૂકી જવાયું હોય કે ક્ષતિ હોય તો વિનમ્રતાપૂર્વક આગોતરી દિલગીરી અભિવ્યક્ત કરી રહ્યો છું.


ધબકાર : જીસકે મનમે ભાવ સચ્ચા હોતા હૈ, ઉનકા હર કામ અચ્છા હોતા હૈ

(સંદર્ભ : અગ્રણી અખબારો-યાસીન દલાલ, પત્રકારત્વનો ઇતિહાસ-વિષ્ણુ પંડ્યા, સાહિત્ય અને પત્રકારત્વ-કુમારપાળ દેસાઈ, પત્રકારત્વ સિદ્ધાંત અને અધ્યયન, એક શતકનું પત્રકારત્વ-ચારૂલતાબહેન ગામીત)





https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/2022/feb/08022022-4.pdf

No comments:

Post a Comment