Saturday, 2 April 2022

જેટલું નજર સામે હોય છે એટલું જ સિમિત જીવન નથી હોતું

 



ફરફર વહેતા ફાગણ અને વાસંતી વાયરા જીવનમાં ઉમંગ સાથે નવા અરમાનો ભરી દે છે. ફાગણના રંગ અંગેઅંગ ઉપર લગાવવાનો થનગનાટ સમજી શકાય એમ છે. દરેક ઋતુની એક અલગ ફ્લેવર છે. પ્રત્યેક ઋતુનો અલગ અંદાજ છે. એક મિત્ર હળવા મુડમાં કહેતો કે, વસંતના વાયરામાં જેનું મન હિલોળે નથી ચડતું એણે એના શરીર અને મનની તપાસ કરાવવી પડે. ફાગણના રંગોમાં રંગાવાનો ઉમંગ જેને હોય એ ૬૦ વર્ષનો હોય તો પણ યુવાન છે અને જો આ ઉમંગ નથી તો ૨૨ વર્ષનો યુવાન પણ આધેડ છે.

મોસમના મિજાજને માણવા મનમાં મોરલાના ટહુકારને સાંભળવાની આવડત કેળવવાની જરૂરી છે. પ્રત્યેક પળની અનોખી અદા હોય છે. સલાહ અને સુચનો હંમેશા બોરીંગ લાગે પણ મનમાં ઉત્સાહનો ફુવારો ફુટે એ વાત હદયને પ્રસન્ન કરે જ કરે. મનની પ્રસન્નતા માટે કેટલીક વાત આજે છેડવી છે. સંભવ છે કેટલાકને માટે આમાંથી કેટલીક વાત ફીટ બેસતી હોય એવું લાગે અને કેટલાકને એ વાત અનફીટ લાગે એવુ પણ બને. સૌથી પહેલા તો વ્યક્તિએ પોતાની જાતને ખોળવી પડે. પોતાની જાતને જાણવા માટે સજાગ રહી પોતાના માટે સમય આપવો પડે. ચિંતક એરિસ્ટોટલે સરસ કહ્યું છે કે, જ્યારે તમે જાણો છો કે તમે કોણ છો, ત્યારે તમે તમારા સપના, લક્ષ્યો, ધોરણો, માન્યતાઓને બરાબર સમજી શકો છો. જ્યારે વ્યક્તિને ખબર પડે કે તે પોતે કોણ છે ત્યારે એનું જીવન અર્થસભર બની ખીલી જતું હોય છે.

પોતાની આગેકૂચ અને સફળતા ઉપર હંમેશા થોડું ધ્યાન રાખવું જોઈએ. જોકે, એ વાત બિલકુલ સાચી છે કે, સફળતાનો નશો માથે ન ચડી જવો જોઈએ. પરંતુ સફળતાને સાવ ઈગ્નોર પણ ન કરવી જોઈએ. દુઃખી થવા પાછળનું એક કારણ એ પણ છે કે, જ્યારે નાની કે મોટી સકસેસ મળે ત્યારે ભવિષ્યનો વિચાર કરી અત્યારે મેળવેલી સિદ્ધિને નાની ગણવાની ભૂલ થઇ જતી હોય છે. પોતે કેટલે દૂર આવ્યા અને ત્યાં પહોંચવા કરેલા પરિશ્રમને ભુલી ઘણું દૂર જોવાની આદતથી હાર માની લેવાની માનસિકતા ત્રાસદાયક છે. પરિણામે જે મેળવ્યું છે એ ક્ષણનો આનંદ છિન્નભિન્ન થઈ જાય છે.

બની ગયેલી ઘટનાઓની ઘટમાળાના જાળા એટલા તો ખતરનાક રીતે આસપાસ વિંટળાયેલ હોય છે કે, વર્તમાન અને ભવિષ્યના તેજના ચમકારાનો અહેસાસ નથી થઇ શકતો. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને એક વાર કોઇએ પૂછ્યું કે, ‘કઈ વ્યક્તિ શ્રેષ્ઠ, કયો સમય ઉત્તમ અને કયુ સ્થળ અગત્યનું છેત્યારે કવિવરે તરત જવાબ આપ્યો કે, ‘તમે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે, આ પળ સૌથી ઉત્તમ છે અને જ્યાં આપણે વાતો કરીએ છીએ એ જગા સૌથી અગત્યની છે.’ આનો સીધો અર્થ એ થાય કે, વર્તમાન સમય, સામે ઉભેલો વ્યક્તિ અને હાલનું સ્થળ સૌથી મહત્વના છે. કારણ કે, એ તમારી સન્મુખ છે અને તેમાં તમે વહી રહ્યા છો. ભૂતકાળનો સમય તમારા હાથમાં નથી, જે છે એ વર્તમાન છે અને એ જ સર્વશ્રેષ્ઠ છે.

સામાન્ય રીતે વ્યક્તિ ધારણાઓની દિવાલો ખૂબ ઝડપથી ચણી લેતો હોય છે. એક ભાઈ હંમેશા વાત કરતી વખતે અનુમાન બાંધી લે અને પછી ધાર્યા પ્રમાણે ન બને એટલે ખિન્ન થઈને સુનમુન થઈ જાય. જ્યારે વ્યક્તિ કે પરિસ્થિતિને બરાબર સમજતા નથી કે જાણતા નથી એ પહેલા ધારણાઓ બાંધવાના ચક્કરમાં કેમ પડવાનું ? પૂર્વધારણાઓમાં ક્યારેય ન જકડાવવું જોઈએ. જીવન અખૂટ સંભાવનાઓના આનંદનો મહારસાગર છે. જેટલું જોઈએ અને નજર સામે છે એટલું સિમિત જીવન ક્યારેય નથી હોતું. જે મેળવ્યું છે એ તો સમગ્ર જીવનનો એક નાનો અમથો ટૂકડો માત્ર છે. આખું બ્રહ્માંડ બાકી છે. ધીરજપૂર્વક જીવનના પ્રત્યેક મોડ ઉપર મોજથી વહેતા શીખવું પડે. જે ૨૪ વર્ષની ઉંમરે આનંદનો કંસેપ્ટ હતો તેનાથી તદ્દન જૂદો ૪૦ વર્ષે હોઈ શકે અને ૬૦ વર્ષે મનની મોજના માર્ગ એનાથી પણ અલગ હોઈ શકે. ખરેખર તો સતત અવિરત પ્રત્યેક પળને માણવાની વાત મનમાં મમળાવાય એ જરૂરી છે.

જ્યારે કંઈક પામવું છે તો કંઈક આપવું પડશે. જ્યારે ખુશી જોઈએ છે તો સામે ખુશી આપતા શીખવું પડશે. મનમાં એમ થાય કે મારી સાથે લોકો બેસે, વાતો કરે તો એ પહેલા તમારે લોકો વચ્ચે જઈને બેસવું પડે, એમની સાથે વાતો કરવી પડે. કોઈના જીવનમાં તમે કેટલો રસ લો છો, એ પ્રમાણે કોઈ તમારા જીવનમાં રસ લેશે. હા, એટલું ધ્યાન રાખવું પડે કે, કોઈના જીવનમાં રસ લેવો એટલે એમના જીવનમાં ખોટો ચંચુપ્રવેશ કરવો એમ નહીં.

વાણી અને વર્તનથી અન્યને પ્રભાવિત કરવાની એક ભાઈને ટેવ. એ હંમેશા બોલતા કે વર્તતા સભાનપણે પ્રયાસ કરે કે બીજા લોકો એનાથી અંજાઈ જાય અને આફરીન થઈ જાય. આ એક પ્રકારની ભયંકર માનસિકતા છે. જેને માટે અંગ્રેજીમાં સુપરિયારીટી કોમ્પલેક્સજેવો શબ્દ ઉપયોગમાં લેવાય છે. ક્યારેય બીજાને પ્રભાવિત કરવાના પ્રયાસમાં સમય ન બગાડવો જેવો નથી. બીજાને ઇમ્પ્રેસ કરવામાં વ્યક્તિ પોતાની ખુશીને ક્યારે સપ્રેસ કરી બેસે છે એની ખબર જ નથી પડતી. ક્યારેય દુઃખી ન થવું હોય તો એક નિયમ યાદ રાખવો કે, બહુ ક્રોધમાં હોવ કે બહુ આનંદમા હોવ ત્યારે કોઈ નિર્ણય ન લેવો. સૌથી શ્રેષ્ઠ નિર્ણયો શાંત અને પ્રફુલ્લિત મન હોય ત્યારે લેવાતા હોય છે. અતિ નકારાત્મકતા અને અતિ સકારાત્મકતા મનને અવળે માર્ગે લઈ જાય છે અને ત્યારે નિર્ણય સાચો કેવી રીતે હોઈ શકે ?

મુળ વાત તો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાની છે. વ્યક્તિ જે રીતે પોતાની જાતને જૂએ છે એ જ રીતે એ પોતાની સાથે વર્તન કરતો હોય છે. જીવનમાં અનેક પ્રસંગો બને, અસંખ્ય લોકો સાથે સંવાદ કે વિવાદ થાય પરંતુ આ બધામાં કેન્દ્ર સ્થાને તો તમે સ્વયં હોવ છો. તમારા આનંદ માટે પહેલી શરત તમે તમારી જાતને ઓળખો. પોતાની સાથે સંવાદ સાધો પછી જૂઓ વર્તનમાં કેવા બદલાવ આવે છે.


ધબકાર :

અભ્યાસ કરવામાં આખી યુવાની પસાર કરી દીધી અને શીખ્યા માત્ર બીજાને નીચે પાડવાનું !



https://gs.cdn.betanet.in/gnrsmc/epaper/2022/march/22032022-4.pdf

No comments:

Post a Comment