કબીરનુ ‘પીથી-અર્થી’ સર્જન : જેટલુ સરળ એટલું સ્પષ્ટ
-
પુલક
ત્રિવેદી
ઈતિહાસ ગવાહ છે કે, દુનિયામાં જેમણે જેમણે જનતા
સાથે જોડાઈને જે કહ્યું, થોડામાં ઘણું કહ્યું છે એ દરેક સર્જક સદીઓ સુધી જનમાસન
ઉપર રાજ કરતાં રહ્યા છે. કાળની થાપટ આવા સર્જકો-વિચારકોને કેમેય કરીને વિસારે ન
પાડી શકી. આવા સર્જકોની પરિભાષાનું મૂળ તત્વ ‘બ્રેવીટી ઈઝ સોલ ઓફ ધ રાઈટીંગ’માં સમાયેલું છે. ‘કબીર’. સદીઓથી
જાગતું એક નામ. એક એવા સર્જક-વિચારક, કે જેમના વિચારો અને રચનાઓ સતત છેલ્લી છ
સદીઓથી ખીલેલા તાજા પુષ્પ જેવાં મનમોહક અને સુગંધની મહેક ફેલાવી છે અને આગામી
કેટલીય સદીઓ એ વિચારો ચીર સ્મરણીય બની રહેશે. કબીરના વિચારો અને સર્જન જીવનના
મૂળથી જોડતાં અને થોડામાં ઘણી સમજ આપતાં. કબીરની રચનાઓ અને અભિવ્યક્તિની પરિભાષાને
‘પીથી-અર્થી રાઈટીંગ સ્ટાઈલ’ તરીકે વિશ્વ સમસ્ત જાણે છે. ‘પીથી’ એટલે થોડામાં ઘણું
અને ‘અર્થી’ એટલે લોકોના હૃદયથી જડથી જોડાયેલું.
લોકોને પોતાની ભાષા અને પોતીકી ભાવના કબીરની
રચનાઓમાં અને વાણીમાં લાગતી. કબીરની રચનાઓની ભાષા સાધુકડી ભાષા કહેવાય. કબીરજીના
સર્જનમાં હિન્દી ભાષાની બધી જ બોલીઓ સમ્મિલિત હોય છે. રાજસ્થાની, હરિયાણવી,
પંજાબી, ખડી, અવધિ, વ્રજ, ભોજપુરી વગેરે ભાષાઓનો શંભુમેળો કબીરના સર્જનમાં વહેતો.
ટૂંકમાં કબીરની ભાષા ‘ખીચડી’ ભાષા કહેવાય. ‘ખીચડી’ એટલે જનસામાન્યનો પ્રિય આહાર.
‘ખીચડી’ ભાષામાં પ્રસ્તુત થયેલા તેમના સર્જનને લોકોના હૃદયમાં અદભુત સ્થાન મળ્યું
છે. ખોટા રીતરિવાજો અને કોઈપણ ધર્મમાં રહેલી અણસમજ અને ગેરસમજને ફેલાવતી વાતોનું
કબીરે તેમના સર્જનમાં બેબાક રીતે ખંડન કર્યું. લોકોને સમજ પડે એવી ‘ખીચડી’ ભાષામાં
જીવનનો મર્મ અને સત્યની સમજ એમણે પૂરી પાડી. તદ્દન સરળ અને સ્પષ્ટ એવા ‘રામ’ નામના
મંત્રને લઈને કબીરે સામાજિક ચેતના જગાડવાનો ભગીરથ યજ્ઞ આરંભ્યો હતો. સંત
રામાનંદજીથી પ્રભાવિત કબીરની અદ્વૈતવાદની ફિલોસોફીને જનમાનસમાં જરબજસ્ત સ્થાન
પ્રાપ્ત થયું છે.
સંત કબીરના વિચારોનો અદભુત અને મજબૂત પ્રભાવનુ
એક પ્રમાણ એ છે કે, ૧૫મી સદીમાં જન્મેલા કબીરના વિચારો છેક ૧૭મી સદીમાં ‘કબીર
બીજક’ ગ્રંથમાં પ્રગટ થયાં. એટલે કે બે સદીઓ સુધી કબીરના વિચારો કંઠોપકંઠ વહેતા
રહ્યા. સંત કબીરના અનુયાયીઓએ તેમની વાણીના સંગ્રહને બીજક એવમ્ અનુરાગ સાગર નામના
ગ્રંથમાં સંકલિત કર્યા અને સાખી, શબદ અને રમયની એમ ત્રણ ભાગમાં પ્રસ્તુત કર્યાં.
સાખી સંસ્કૃત શબ્દ સાક્ષી ઉપરથી અપભ્રંશ થઈને આવેલો શબ્દ છે. કબીરજીની વાણી,
શિક્ષણ અને સિદ્ધાંતોનું નિરૂપણ આ સાખી વિભાગમાં નિરૂપાયેલા છે. શબદ વિભાગ લયબદ્ધ
ગીતોથી બનેલો છે. જેમાં સંત કબીરે પ્રેમ અને અંતરંગ સાધનાની કરેલી અભિવ્યક્તિની
લયબદ્ધતા છે. જ્યારે ત્રીજો વિભાગ રમયની ચોપાઈ છંદમાં લખાયો છે. જેમાં કબીરજીએ
રહસ્યવાદી સાત્વિક વિચારોને સુપેરે પ્રગટ કર્યા છે. ભક્તિ, જ્ઞાન અને સંદેશ
કબીરજીએ પ્રસ્તુત કરેલા વિચારો-સર્જન આ ત્રણ મહત્વના આધારસ્તંભો ઉપર અડગ ઉભા છે.
સંત કબીરજીનું હિન્દી સાહિત્યમાં સર્જક તરીકે
એક વિશિષ્ટ સ્થાન છે. જીવનના ગુઢ રહસ્યોની ખૂબ મોટી વાતો અત્યંત સરળતાથી ટૂંકમાં
સમજાવતાં સંત કબીર જનસામાન્યના હૃદયમાં સીધા ઉતરી જાય છે. કબીરના દોહા શું કરવું
જોઈએ અને શું નહીં એની સમજ તદ્દન સરળ અને તળપદી ભાષામા કહે છે. જીવનની ફીલોસોફીને
સાદગીથી સમજાવતાં કબીરના અનેક દોહાઓ પૈકી કેટલાંક ખૂબ પ્રચલિત દોહાઓ મમળાવીએ.
‘કલ
કરે સો આજ કરે, આજ કરે સો અબ,
પલ
મેં પ્રલય હોયેગી, બહુરી કરે વો કબ’
આ દોહામાં માત્ર બે લીટીમાં કર્મના સિદ્ધાંતને
સંત કબીરદાસજી અદભુત રીતે અભિવ્યક્ત કરે છે. તેઓ કહે છે કે, ભવિષ્યની રાહ જોઈને
કામનું આયોજન ન કરાય. જે કામ કાલે કરવાનું છે એ આજે નહીં બલ્કે અત્યારે જ શરૂ કરો.
જીવન બહુ ટૂંકુ છે અને જો એક પળમાં જીવન સમાપ્ત થશે તો ક્યારે કામ કરશો?
‘ધીરે
ધીરે રે મના ધીરે સબ કુછ હોય,
માલી
સિંચે સો ઘડા, ઋતુ આયે ફલ હોયે. ’
કબીરદાસજી કહે છે કે, હંમેશા ધૈર્યપૂર્વક કામ
લેવું જોઈએ. વૃક્ષને એક દિવસમાં માળી ભલે સો ઘડા પાણી આપે તોય ફળ તો એની સીઝન આવે
ત્યારે જ મળી શકે.
‘દુઃખ
મેં સુમીરન સૌ કરે, સુખ મેં કરે ન કોઈ,
જો
સુખમેં સુમીરન કરે, દુઃખ કાહે કો હોય.’
સુખ દુઃખની પરિભાષાને અદભુત રીતે અભિવ્યક્ત
કરતાં સંત કબીર કહે છે કે, સુખમાં ઈશ્વરને કોઈ યાદ કરતું નથી અને દુઃખમાં બધા જ બે
હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે. પણ જો સુખમાં ભગવાનને યાદ કરવામાં આવે તો
દુઃખ આવે જ નહીં.
‘માલા
ફેરત જુગ ભયા, ફીરા ન મન કા ફેર,
કર
કા મનકા ડાર દે, મન કા મનકા ફેર.’
કબીરજી કહે છે કે, કેટલાક લોકો વર્ષો સુધી
હાથમાં માળા ફેરવે છે, પણ એનું મન બદલાતું નથી. આવા લોકોએ માળા છોડીને મન બદલવું
જોઈએ. અને સચ્ચાઈના રસ્તા પર ચાલવું જોઈએ.
‘જૈસા ભોજન ખાઈએ, તૈસા હી મન હોય,
જૈસા પાની પીજીએ, તૈસી બાની હોય.’
અન્ન તેવો ઓડકારની મૂળતઃ પરિભાષા કબીરદાસજી
સમજાવતાં કહે છે જેવું ભોજન લેવામાં આવે, જેની સાથે ભોજન લેવામાં આવે તેના વિચારો
મનમાં પ્રવેશે અને જેની સાથે જેવું પાણી પીવામાં આવે તેના જેવી વાણી વિકાસ પામે
છે.
મોટા મોટા ભારેખમ શબ્દો, છંદો, શબ્દાનુપ્રાસ,
વર્ણાનુપ્રાસ, શબ્દોની ચમક-દમક, વિદ્વતા દર્શાવા માટે ચોક્કસ સારા હોઈ શકે.
જનસામાન્યના હૃદયમાં ઉતરે એવું ટૂંકું પણ ચોટદાર, સરળ અને હૃદયસ્પર્શી વિચાર હોય એ
કબીરજીની માફક અનંતકાળ સુધી જનસામાન્યના હૃદય ઉપર રાજ કરે છે. સર્જન તો એ કહેવાય
જે હૃદયમાં ઉતરે જનતાને જોડે.
ધબકાર :
‘રાઈટ
ટુ એક્સ્પ્રેસ નોટ ટુ ઈમ્પ્રેસ’... અર્થાત સર્જન તો અભિવ્યક્તિ માટે છે નહીં કે
આકર્ષણ જમાવવા માટે.
http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/september2016/20092016-6.pdf

No comments:
Post a Comment