Wednesday, 16 November 2016

જીવનમાં શું જોઈએ, ઉદાસી કે આનંદ... ?

જીવનમાં શું જોઈએ, ઉદાસી કે આનંદ... ?
-    પુલક ત્રિવેદી

ગૌતમ બુદ્ધનો એક મઝાના પ્રસંગની વાત છે. ગૌતમ બુદ્ધ એક ગામથી બીજા ગામ સતત-અવિરત પરિભ્રમણ કરી માનવ જાતના કલ્યાણ અર્થે ઉપદેશ આપતા. વિચરણ કરતા કરતા બુદ્ધ એક ગામમાં પહોંચ્યાં.
આ ગામના લોકો બુદ્ધ માટે પહેલેથી જ ખોટી ધારણાઓ બાંધીને બેઠા હતા. આ ગામના લાકો બુદ્ધને એમનો દુશ્મન સમજતા. જેવા બુદ્ધ ગામમાં પ્રવેશ્યા કે તરત ગામ લોકો બુદ્ધને જેમ તેમ બોલવા લાગ્યા. ન સંભળાય તેવા વેણ અને ન જોવાય એવા મ્હોં મચકોડીને ગામ લોકો બુદ્ધ સામે કરતા રહ્યા. બુદ્ધ બિલકુલ શાંતિપૂર્વક ગામ લોકોની અપશબ્દોથી ભરેલી ગંદી વાણી સાંભળતા રહ્યા. આખરે જ્યારે લોકો બોલતા બોલતા થાક્યા અને બોલતા બંધ થયા તયારે ગૌતમ બુદ્ધે સ્મીત સાથે કહ્યું, ‘જો આપની બધાની વાત સમાપ્ત થઈ હોય અને હવે કશું કહેવાનું બાકી ન હોય તો હું અહીંથી આગળ પ્રસ્થાન કરું.’
બુદ્ધને સાંભળીને ગામજનોને જબરૂ આશ્ચર્ય થયું. એમાંથી એકે કહ્યું કે, ‘અમે તમારા સદગુણોની વાત નથી કરતા કે અમે તમારા કોઇ વખાણ નથી કરતા. અમે તો તમને બદદુઆ આપીએ છીએ. તમને આનાથી કોઈ ફર્ક નથી પડતો ?’
ગૌતમ બુદ્ધે બિલકુલ વિચલિત થયા વિના સૌમ્યતાથી જવાબ આપ્યો. ‘‘તમે અપશભ્દો અને ગાળો મને આપો છો પણ હું એનો સ્વીકાર જ નથી કરતો ભાઈ. જ્યાં સુધી હું એ ગાળોનો સ્વીકાર ન કરું ત્યાં સુધી એની કોઈ અસર જ નથી. તમે આપો જરૂર પણ હું ન લઉં તો એનો કોઈ અર્થ જ ન સરે. થોડા સમય પહેલા એક ગામમાં વિચરણ કરતાં હું પહોંચ્યો ત્યાંના લોકોએ મને ઉપહાર આપ્યા પણ મેં એ ન લીધા. તો એ લોકો ઉપહાર પાછા લઈ ગયા.’’ બુદ્ધે ખૂબ વિનમ્રતાથી પૂછ્યું કે, ‘‘તમારી ગાળો અને પેલા ગ્રામજનોના ઉપહાર બન્ને જો હું ન સ્વીકારું તો એ કોની પાસે રહે ?’’
ભગવાન બુદ્ધના જીવનના આ એક નાના પ્રસંગની સાચી સમજણ આપણા જીવનમાં ઘણો મોટો બદલાવ લાવી શકે છે. આપણે માનીએ કે, આપણાં દુઃખ અને મુશ્કેલીઓનું કારણ અન્ય કોઈ વ્યક્તિના વર્તન કે વેણ ન હોઈ શકે, તો કોઈ પ્રશ્ન જ  રહે નહીં. એ આપણા ઉપર નિર્ભર કરે છે કે, આપણે ખોટી વાતોનાં કોથળાનો ભાર આપણા ખભા ઉપર કેટલો અને કેવી રીતે ઉંચકીને દુઃખી થઈએ છીએ. કોઇ ઘટના કે વાત પ્રતિ આપણો અભિગમ કેવો છે એ અગત્યની વાત છે. જીવનને જોવાનો દ્રષ્ટીકોણ-અભિગમ મહત્વનો છે. જીવનમાં આનંદ અને ઉત્સાહનો ફુવારો ત્યારે જ અનુભવાય જ્યારે ઘટનામાં વહી જવા કરતા ઘટનાને નિરખીને ‘દ્રષ્ટાભાવ’ કેળવાય.
અસહિષ્ણુતા અને અભિગમની ખામીને કારણે જ જીવનમાં નિરાશા અને ખોટ લાગે. જો મનને કેળવીએ અને એ મુજબ વર્તીએ તો જ અનુભવીએ કે, જીવન તો ઉડતા પંખી દ્વારા ગવાતા મધુર ગીત જેવું લાગે, તો ક્યારેક પહાડની ટોચ ઉપરથી પગ તળેથી પસાર થતા વાદળની ભીનાશ જેવું છે. વળી ક્યારેક સાગરની લહેરો જેવું તો ક્યારેક ખળભળ વહેતા ઝરણાના મીઠા નાદ જેવું લાગે.
ગઈકાલે જ એક મિત્રએ જીવનના અભિગમના મહત્વને ઉજાગર કરતી મઝાની વાતનો સંદેશ મોકલ્યો. એક ભાઈ કહે છે કે, ‘‘જીવન તો રણ છે.’’ જ્યારે બીજો ભાઈ આ જ વાતને કહે છે કે ‘‘જીવન તોરણ છે.’’ વાત એક જ, પણ ‘અભિગમ’ની કેળવણીના ભાથાથી કેટલો મઝાનો અર્થ સર્યો !
સંસારમાં જો કોઈ સૌથી મૂલ્યવાન વાત હોય તો એ માનવીનો ‘અભિગમ’ છે. ‘નિરાશા’ અને ‘હતાશા’ના મૂળમાં મનની નબળાઈને કારણે સ્વયં ‘ડેવલપ’ કરેલો નકારાત્મક દ્રષ્ટિકોણ-અભિગમ છે. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ના એક અહેવાલ અનુસાર વિશ્વમાં પ્રતિ ૪૦ સેકંડે એક વ્યક્તિ આપઘાત કરે છે. જીવનને સમાપ્ત કરવા જેવું અત્યાંતિક પગલું જીવનમાં ઉત્સાહનો ફુવારો ઉડાડતા દ્રષ્ટિકોણની સમજના અભાવની જ દેન છે. જીવનમાં ઘટતી ઘટનાઓના નકારાત્મક અભિગમની અસર વિનાશ જ નોતરે.
જીવનમાં આપણે શું લેવું છે, ઉદાસી કે, આનંદની મુસ્કાન...? નક્કી આપણે પોતે જ કરવાનું છે. થોડી આંકડાઓની માયાજાળથી આ વાત સમજવાની કોશિશ કરીએ. વિશ્વ બેન્કના એક આકલન અનુસાર માણસનું સરેરાશ આયુષ્ય ૭૮ વર્ષનું ગણવાનું આવ્યું છે. જેમાંથી ૩૫૦૦ દિવસ એટલે કે, ૯ વર્ષ અને ૬ મહિના આપણે આપણા માટે જીવીએ છીએ. બાકીના વર્ષો પૈકી ૨૯ વર્ષ તો માત્ર સુવામાં પસાર કરીએ છીએ અને ૩થી ૪ વર્ષ અભ્યાસ કરવા માટે, ૧૦થી ૧૨ વર્ષ રોજગારી રળવા માટે, ૯થી ૧૦ વર્ષ મનોરંજન માટે અને રોજિંદી કાર્યવાહી જેવી કે ખાવું-પીવું, પ્રવાસ, નિત્યકર્મ વગેરે માટે ૧૫થી ૧૮ વર્ષ આપણે ખર્ચ કરીએ છીએ.
મહત્વનો સવાલ એ છે કે આપણે આપણી માટે, આપણા સપનાં પૂરા કરવા માટે, જીવનના અભિગમને ઘડી એને ચોક્કસ માર્ગે વાળવા માટે આપણી પાસે ૩૫૦૦ દિવસ એટલે કે ૮૪૦૦૦ કલાક છે. આપણે આ ૮૪૦૦૦ કલાકની એકેએક પળને મોજથી જીવીએ છીએ ખરા ? પ્રત્યેક ક્ષણે ઉત્સાહના ફૂવારાની સેરને આપણા અભિગમ દ્વારા વધુને વધુ બુલંદ બનાવીએ. મન, હૃદય અને શરીરના રોમેરોમમાં આનંદ અસ્ખલિત વહેતો જ રહે એવો મજાનો ‘પોઝીટીવ એટીટ્યુડ’ કેળવીએ. કોઈ કહે એમ નહીં, પણ કોઈ આપણા અભિગમનો ધડો લઈ એને અનુસરે એમ જીવન જીવીએ...
ધબકાર – ‘સબસે બડા રોગ, ક્યાં કહેંગે લોગ’ – ઓશો



No comments:

Post a Comment