Wednesday, 16 November 2016

એક આઇડીયા, બદલ દે આપકી દુનિયા...

એક આઇડીયા, બદલ દે આપકી દુનિયા...
-     પુલક ત્રિવેદી
     જીવન વિચારોથી રચાયેલું અદભૂત પિંડ છે. માણસ જેવો દેખાય છે તેના મૂળમાં હોય છે એના વિચારો. સ્વામી વિવેકાનંદે માણસને સમજવા માટે સુંદર વ્યાખ્યા કરી છે. તેઓ કહે છે કે, ‘‘આપણે જેવા છીએ એવા આપણને આપણા વિચારોએ ઘડ્યા છે. આપણે આપણા વિચારોની વિશેષ કાળજી લેવી જોઈએ. શબ્દો અને ઉચ્ચારણો તો પછી આવે. વિચારો જીવંત છે અને તે જ લાંબો સમય ટકે છે.’’
       વિચારોની સમૃદ્ધિ અને શુદ્ધિ સાથેની સ્પષ્ટતા જીવનને સજાવે-સવારે છે. આપઘાત કરવા રેલવે લાઈન ઉપર સૂતેલા વ્યક્તિને એક સબળ અને હકારાત્મક વિચાર સૌ પ્રથમ બેસ્ટ સેલર પુસ્તક ‘હાઉ ટુ વીન ફ્રેન્ડસ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ‘નો સફળ લેખક બનાવે છે. હમણા હમણા છેલ્લા કેટલાક વર્ષોથી લોકજીભે ચડેલી પેલી વિજ્ઞાપનની પંચ લાઇન ‘ એક આઇડીયા, બદલ દે આપકી દુનિયા...’ વૈચારિક તાકાતને મસ્ત રીતે સમજાવે છે. જો કે એ પંચલાઇન એ કંપનીના નામ અને દામ રળવાની વાત સાથે જોડાયેલી છે. અહીં એનો ઉલ્લેખ વિચારોના સામર્થ્યને સ્પષ્ટ કરવા પુરતો યોગ્ય છે.
દુનિયામાં બે પ્રકારના વ્યક્તિઓ હોય છે. એક તો જેણે જીવનમાં મેળવી લીધું છે અને સફળ થયા છે, બીજા એ કે જેણે ભવિષ્યમાં સફળતા મેળવવી છે અને કંઈક બનવું છે. મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોની એક બહેન સાથેનો સંવાદ યાદ આવે છે.
પાબ્લો પિકાસો એક કોન્ફરંસમાં ભાગ લેવા માટે જતા હતા. પ્રવાસ દરમિયાન એક રળિયામણું શહેર એમણે જોયું. કલાકાર જીવ એટલે શહેરનુ સૌંદર્ય જોઇને ત્યાં તે રોકાઇ ગયા. એક બહેન દુરથી પિકાસોને ઓળખી ગયા. બહેન ઝડપથી પિકાસો પાસે આવ્યા.
તેમણે પિકાસો પાસે આવી કહ્યું ‘ હું તમારી બહુ મોટી પ્રશંસક છું. મેં તમારા બધા જ પેઈન્ટિંગ જોયા છે. મને તમારા પેઈન્ટિંગ ખૂબ ગમે છે.’
સ્વાભાવિક રીતે જ પિકાસો એમની વાત સાંભળી આભારવશ નયને એ બહેનને જોઈ રહ્યા.
આ બહેને પિકાસોને કહ્યું, ‘‘મને તમે તમારી યાદગીરી સ્વરૂપે કાંઈક આપો.’’
પિકાસો કહે કે, ‘મારી પાસે તો અત્યારે તમને આપવા લાયક કશું નથી.’
બહેન કહે, ‘એમ નહીં, મને તમારી સ્મૃતિમાં કશુંક તો જોઈએ જ... તમે કંઇ પણ મને આપો જ આપો... પ્લીઝ...’
પિકાસોએ એક કોરો કાગળ કાઢી એના ઉપર થોડી સેકન્ડમાં એક સ્કેચ બનાવે છે. એ પેઇન્ટિંગ બહેનને આપીને કહે છે, ‘ આ મિલિયન ડોલર પેઈન્ટિંગ આપને મારી સ્મૃતિમાં અર્પણ છે. ’ અને પછી પિકાસો ત્યાંથી અને એ શહેરમાંથી વિદાય લઇ જે શહેરમાં એમની કોન્ફરંશ હતી એ શહેરની વાટે નિકળે છે.
આ બાજુ આ બહેન રાત આખી સુઈ નથી શખતા. બહેન તો વિચારોના ચકરાવે ચઢી ગયા કે, ૩૦-૩૫ સેકંડમાં બનાવેલું આ પેઈન્ટિંગ ‘મિલીયન ડોલર પેઇન્ટિંગ’ કેવી રીતે ? બહેન ખાતરી કરી જુએ છે અને પીકાસોની વાત સાચી ઠરે છે. માત્ર થોડી ક્ષણોમાં પીકાસોએ બનાવેલો એ સ્કેચ મિલિયન ડોલર પેઇંટિંગ જ હતું. હવે આ બહેનને પીકાસોને મળીને ચિત્રકળા શિખવાની તમન્ના જાગી.
આ બહેન તપાસ કરે છે કે, પિકાસો ક્યાં છે ? તેમને ખબર પડી કે બાજુના શહેરમાં પિકાસો એક કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે. આ બહેન તો ત્યાં પહોંચી જાય છે.
પિકાસોને મળીને કહે છે, તમારી વાત બિલકુલ સાચી છે. તમે મને આપેલું પેઈન્ટિંગ ‘મિલિયન ડોલર પેઇન્ટિંગ’ છે. મારે પૈસા નહીં પણ મારે તો તમારી જેવા સફળ ચિત્રકાર બનવું છે ? તમે મને ચિત્રકલા શિખવો.
પિકાસોએ આ બહેનને ખૂબ સરસ જવાબ આપ્યો કે, ‘બહેન ૩૦ સેકંડમાં આ પેઈન્ટિંગ બનાવવા માટે મેં મારા જીવનના ૩૦ વર્ષ આપ્યા છે. મારી કલ્પના અને વિચારોના સત્યએ મને ઘડ્યો છે, ત્યારે તેના અર્ક સ્વરૂપે ૩૦ સેકંડમા આ ચિત્ર બની શક્યું છે. તમે પણ ૩૦ વર્ષ વિચારો અને કલ્પનામાં વિહાર કરો. વિચારો જ તમને ઘડશે અને તમે પણ આસાનીથી આવા ચિત્રો બનાવી શકશો.’
દેશદાઝ અને સ્વાતંત્ર્યનો એક વિચાર મહાત્મા ગાંધીની પહેચાન છે. અબ્રાહમ લિંકન, સોક્રેટિસ, ગુર્જ્યેફ, ઑશો, શ્રી અરવિંદ ઘોષ, જે. કૃષ્ણમુર્તિ જેવા અનેક ચિંતકોના વિચારો જ એમની ઓળખ છે. વિચારોનુ સામર્થ્ય અને વૈચારિક સમૃધ્ધિ જ માનવીના જીવનનો અર્ક છે એમાંથી જ અર્થ સરે છે. વિચારો જ જિવનનુ તત્વ છે અને એમા જ સાચુ સત્વ સમાયેલુ છે.
ધબકાર – એક વાર એક યુવાને સ્વામીજીને પૂછ્યું કે, મે મારા બિઝનેસમાં બહુ મોટી ખોટ કરી છે એનાથી વધુ ખરાબ શું હોય? સ્વામીએ કહ્યું, હા એનાથી પણ ખરાબ વાત તો એ છે કે, તુ ભવિષ્યમાં નફો રળી શકીશ જ નહી એવા તારા વિચારોની નિર્બળતા.





http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/august2016/23082016-6.pdf

No comments:

Post a Comment