Wednesday, 16 November 2016

એ યુવાને શારીરિક અક્ષમતાઓને હાવી ન થવા દીધી અને આત્મવિશ્વાસથી ઇતિહાસ સર્જ્યો...

એ યુવાને શારીરિક અક્ષમતાઓને હાવી ન થવા દીધી અને આત્મવિશ્વાસથી ઇતિહાસ સર્જ્યો...
-     પુલક ત્રિવેદી
દાવ છેલ્લો રાખજે મારો મને મંજુર છે
જેટલા પણ આપ પડકારો મને મંજુર છે
સાથ આપે કે ન આપે ફર્ક કૈ પડતો નથી
મારી અંદરનો જ સથવારો મને મંજુર છે

દિનેશ કાનાણીની આ રચના આત્મવિશ્વાસનો 'વિકાસ' સાથેનો સીધો સંબંધ બખુબી રજુ કરે છે. 'આત્મવિશ્વાસ' શબ્દમાં બે મઝાના શબ્દોના અર્થ સમાયેલા છે. એક 'આત્મ' અને બીજો 'વિશ્વાસ'. બીજી તાત્વિક રીતે જોઈએ તો 'આત્મ' એટલે સ્વયં. સ્વયં ઉપર વિશ્વાસ એટલે 'આત્મવિશ્વાસ'. એક ફુલના જીવનમાં સુંગધનું જેટલું મહત્વ છે એટલું બલ્કે એથીયે વધુ મનુષ્યના જીવનમાં આત્મવિશ્વાસનું મહત્વ છે. કોઈ વ્યક્તિ ગમે એટલી પ્રતિભાશાળી હોય, વાચક હોય, વિચારક હોય, પણ જો 'આત્મવિશ્વાસ' નહીં હોય તો એ કશુ કરી શકશે નહીં. બહુ સ્વભાવિક છે કે, આત્મવિશ્વાસના અભાવે એણે કરેલા કાર્યો ઉપર એને પોતાને જ સંદેહ રહેશે. પરિણામે વિકાસ તો દુરની વાત, પાછા પડવાની તૈયારીઓ રાખવાની રહે છે. વિકાસના વિશ્વાસના પાયામાં છે, 'આત્મવિશ્વાસ'.
ઑક્સપર્ડ શહેરના એક સામાન્ય પરિવારમાં જન્મેલા બાળકની વાત યાદ આવે છે. આ બાળકનું જીવન આત્મવિશ્વાસથી હર્યુ-ભર્યુ અને સુંગધીદાર છે. જબરજસ્ત પ્રેરણાદાયી છે. વર્ષ ૧૯૪૨નાં જાન્યુઆરી મહિનાનાં શરૂઆતના દિવસોની આ વાત છે. ફ્રેન્કનો પરિવાર શિક્ષિત પરંતુ આર્થિક રીતે સામાન્ય. ફ્રેન્કનાં ખોરડે ફુલડા જેવા બાળકનું અવતરણ થયુ. પૈસા કમાવવા- આર્થિક ઉપાર્જનના હેતુથી ફ્રેન્ક પરિવાર ઑક્સપર્ડ આવીને વસ્યુ. આ સામાન્ય પરિવારનું બાળક ૧૧ વર્ષની ઉંમરે શાળાએ ગયું અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે યુનિવર્સિટી ઓફ ઑક્સપર્ડમાં પહોંચ્યુ.
આ બાળકનું શાળા જીવન તદ્દન સામાન્ય કક્ષાનું હતું. ભણવામાં એણે કાંઈ બહુ કાઠુ કાઢ્યુ નહતુ. એને ક્દી હોંશિયાર વિદ્યાર્થીઓને મળતા એવા ગુણ નહોતા મળતા. પરંતુ એને 'બોર્ડગેઈમ' અને 'ગણિત'ના વિષયમાં ભારે દિલચસ્પી હતી. ભણવામાં સામાન્ય એવા આ બાળકને શાળા જીવન દરમિયાન જ એના રસના વિષય ગણિતમાં આવતા ગાણિતિક સમીકરણોના પ્રશ્નો હલ કરવા માટે કેટલાક મિત્રોની મદદથી જુના ઈલેકટ્રોનિક ઉપકરણોની તડજોડ કરીને કમ્પ્યુટર બનાવી કાઠ્યું.
ઑક્સપોર્ડનાં એના ઉચ્ચ અભ્યાસનાં છેલ્લા વર્ષમાં આ બાળક શારીરિક અક્ષમતાઓનો શિકાર બન્યુ. દાદરા ચડવામાં પણ એને તકલીફ પડતી - સખત હાફ ચડતો. એની જીભ તોતડાવા માંડી. બોલવામાં પણ એને ભારે તકલીફ પડવા માંડી. આ યુવાનનાં ૨૧માં જન્મદિવસની ઉજવણી બાદ તરત જ ડોક્ટરોએ એમ્યોટ્રોપિક લેટરલ ક્લેરોસીસ(એએલએસ) નામની ગંભીર બીમારીનો એ શિકાર હોવાનું જણાવ્યું. આ એવી બિમારી છે, જેમાં માણસનાં શરીરનાં એક પછી એક બધા જ અંગો કામ કરતા બંધ થઈ જાય છે, અને અંતમાં માણસનું મૃત્યુ થાય છે. એ સમયે, આ યુવાનને તમામ ડોક્ટરોએ તપાસીને જણાવ્યું કે, તેની જીંદગી વધુમાં વધુ બે વર્ષ છે.
ત્યાર પછી બે-ચાર મહિનામાં તો આ યુવાનની હાલત ખરાબ થતી ગઇ. એ વધુને વધુ અશક્ત બનતો ગયો. હવે તો એ ઘોડીના સહારા વગર ચાલી પણ નહ્તો શકતો. પછે થોડા દિવસોમાં તો એના શરીરનાં તમામ અંગોએ સાથ આપવાનું છોડી દીધું. એના શરીરનાં તમામ અંગો કામ કરતા બંધ થઈ ગયા. આ યુવાન એક જીવતી લાશ જેવો બની ગયો.
પણ આ યુવાને એની શારીરિક અક્ષમતાઓ અને વિકલાગંતાને પોતાના ઉપર હાવી થવા ન દીધી. એણે એના સંશોધન કાર્યને અને એની સામાન્ય જીંદગીને અટકવા ન દીધી. જ્યારે આસપાસના સૌ કોઈએ આ યુવાન માટે આશા છોડી દીધી ત્યારે આ યુવાન એના અતુટ આત્મવિશ્વાસ સાથે ઈતિહાસ સર્જવાની દિશામાં મક્કમતાપૂર્વક આગળ વધતો હતો.
એ કહેતો કે, “ મારી બિમારી વિશે ખબર પડી એ પહેલા જીવનથી એ ઉબાઈ ગયો હતો. એવું લાગતું હતું કે, હું જીવનમાં કશુ જ કરી નહી શકું. “ કે જબરજસ્ત માનસિક તાકાત અને આત્મવિશ્વાસ...! પણ જ્યારે એને લાગ્યું કે, એ પીએચડીનો અભ્યાસ પણ પૂર્ણ કરી શકશે નહી, ત્યારે એણે સમગ્ર શક્તિ સંશોધનની દિશામાં ડબલ જોરથી લગાવી દીધી. વ્હીલચેરમાં બેઠાંબેઠાં અને કોમ્પયુટર દ્વારા વાતચીત કરતા-કરતા એના સંશોધનોએ દુનિયાને નવી ખગોળીય દ્રષ્ટિ આપી.
આ યુવાન બીજો કોઈ નહી પણ આ સદીનો વિશ્વનો મહાન વૈજ્ઞાનિક સ્ટિફન વિલિયમ હોકીંગ. ૨૧ વર્ષની ભર યુવાનીમાં જે યુવાનને તબીબોએ કહી દીધું હોય કે, 'ભાઈ, તું હવે વધુમાં વધુ બે વર્ષનો જ મહેમાન છે'. અને એ જ યુવાન આત્મવિશ્વાસપૂર્વક બીજા ૫૫ વર્ષ કાઢીને ૭૫ વર્ષની વયે નોટઆઉટ બેટીંગ કરતા કરતા વિશ્વ સમસ્તને બ્રહ્માંડનાં અગાધ રહસ્યો સુલજાવી આપે છે. વ્હીલચેર પર બેઠા બેઠા કોમ્પયુટરની મદદથી હૉકિંગ આખી દુનિયાને તેમના અદભૂત સંશોધનોનો લાભ આપી માનવ જાતને વધુ વિકાસની દિશામાં પ્રેરિત કરી રહ્યા છે.
આત્મવિશ્વાસથી ભરપુર એવા સ્ટિફન હોકીંગે માનવ જાતને જાણે કે નવો રાહ બતાવતા એક સરસ વાત કરી હતી કે, હું શારિરીક રીતે અશક્ત હોવાથી બીલકુલ હાલીચાલી શકતો નથી, બોલી પણ શકતો નથી - કોમ્પ્યુટરથી જ વાત કરી શકુ છુ. શારીરિક અક્ષમતાઓથી ચોક્કસ બંધાયેલો - જકડાયેલો છું. પણ મારા દિમાગ અને મનથી હું આઝાદ છું. મારો આત્મવિશ્વાસ કોઈ - ક્યારેય ડગાવી શકે નહિ.” સ્ટિફનને, ‘હોકીંગ વિકિરણ’, ‘વિચિત્રતા પ્રમેય’, ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ જેવાં પ્રસિદ્ધ શોધ કાર્યોથી દુનિયા હંમેશા યાદ કરતી રહેશે.   
શારીરિક અક્ષમતાઓને અતિક્રમીને આત્મવિશ્વાસ દ્વારા વિકાસનાં નવા સીમાડાઓ લાંઘી દુનિયાને નવી દિશા આપનાર સ્ટીફન વિલિયમ હોકિંગને ૧૯૭૮માં આલબર્ટ આઈનસ્ટાઈન, ૧૯૮૮માં વોલ્ફ પ્રાઈઝ, ૧૯૮૯માં પ્રિન્સ ઓફ હોસ્ટુરિયસ એવોર્ડ, ૧૯૧૨માં વિશિષ્ટ મુળભુત ભૌતિકી પુરસ્કાર જેવાં કેટલાય ગણમાન્ય સન્માનોથી નવાજવામાં આવ્યાં છે.
જે વ્યક્તિ પોતાનાથી સંતુષ્ટ હોય, જેને પોતાના કાર્યો પર વિશ્વાસ હોય એની પાસે જ આત્મવિશ્વાસ હોય. જેની પાસે દ્રઢ વિશ્વાસ, ચોક્કસ લક્ષ્ય, સાહસની તૈયારી, કાર્ય કરવાની લગન, પૃથ્થકરણની તાકાત, નિષ્ઠા જેવાં સંસ્કારોના બીજ  હોય એનામાં જ આત્મવિશ્વાસનું વટવૃક્ષ ફુલે-ફાલે છે.
સૌથી અગત્યની વાત એ છે કે, આત્મવિશ્વાસ વધારવો કેવી રીતે? આત્મવિશ્વાસ વધે એ માટે ૭ પગલાઓનો સતત રિયાઝ જે માણસ કરતો રહે એ વ્યક્તિ જીવનમાં વિશ્વાસપૂર્વક વિકાસના ફળ મેળવી શકે.
પગલું – ૧ : સૌથી પહેલાં લક્ષ્ય નક્કી કરી પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીને નિષ્ઠાપૂર્વક નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં પ્રયાસ કરવાનો આરંભ કરવો જોઈએ.
પગલું – ૨ : અસફળતાઓથી ડરીને પાછા પડવાનું  કે દુઃખી થવાની મનોવૃતિ ન રાખવી જોઈએ. પોતાની જાતને પ્રેરિત કરી 'સેલ્ફ મોટિવેટ' હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. જંગલનાં રાજા સિંહ જેવા સિંહના પણ ૧૦ શિકારમાંથી ૭ શિકારમાં તે સફળ થતો નથી.
પગલું – ૩ : મનમાં એ ગાંઠ વાળી દેવી જોઈએ કે જીવનમાં કશું જ અશક્ય નથી.
પગલું – ૪ : હંમેશા સકારાત્મક અને હકારાત્મક વિચારોથી મન ભરેલું રાખવું જોઈએ.
પગલું – ૫ : અન્યને ઉપયોગી થવાય એવો સ્વભાવ અને “પાવર ઓફ પોઝિટીવિટી” અનુભવવાની આદત કેળવવી જોઈએ.
પગલું – ૬ : આપણો રસ શેમાં છે એ સંશોધિત કરીને તે ક્ષેત્રમાં જ આગળ ધપવા માટે પ્રયાસ કરતા રહેવું જોઈએ.
પગલું – ૭ : સાચા-સારા અને તમને સમજે એવા મિત્રો બનાવવા માટે હર હેમેંશ તત્પર રહેવું જોઈએ. ભૂતકાળ અને ભવિષ્ય છોડીને સદા વર્તમાનમાં જીવવું જોઈએ.
જીવનમાં સલાહકારોની ક્યારેય કમી રહેવાની નથી. સલાહ આપવી ખૂબ સસ્તી અને આસાન છે. એવુ પણ નથી કે અન્ય દ્વારા અપાયેલી સલાહ હંમેશા વાતોના વડા જ હોય. પરંતુ પહેલાં સાચી દિશામાં પોતાના લક્ષ્ય માટે નિષ્ઠાપૂર્વક મહેનતથી આત્મવિશ્વાસથી આગળ વધવું સૌથી મહત્વનું છે. આત્મવિસ્વાસની મહેક જીવનને વધુ બહેતર અને સંગેમરમર જેવું પાક-સાફ બનાવે છે, વિકાસનો પર્યાય બનાવે છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયમાં આત્મવિશ્વાસ સાથે જીવનને ઉદ્વગામી કેવી રીતે બનાવવુ એ નિશ્ચિતપણે આપણા પોતાના હાથમાં છે.

ધબકાર : ભગવાન પણ એવા વ્યક્તિની પડખે ઊભા રહેવાનું પસંદ કરે છે કે, જે આત્મવિશ્વાસ દ્વારા સ્વયં પોતાનો માર્ગ કંડારવા માટે કટીબદ્ધ હોય છે.




http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/august2016/30082016-6.pdf

No comments:

Post a Comment