મનમાં ધરબાયેલા વૈચારિક વિશ્વને વિસ્તારીએ...
- પુલક ત્રિવેદી
એક
મિત્રએ તેના બાળપણના ગોઠીયા અને પરમ મિત્રને કહ્યું, ‘હમણાં હમણાંથી તમે નવા
વિચારો કે નવા કોઈ આઈડિયા નથી લાવતાં બંધુ.’
પેલા
મિત્રએ કહ્યું, ‘જવા દો ને યાર, હું જે કંઈ પણ વાત કરું છું તેને કોઈ સાચી દિશામાં
સમજતું જ નથી.’ આપણી વાત સામે કોઈ ધ્યાન જ દેતું નથી. મારી વાત શબ્દોના ગુબ્બારા
માત્ર બનીને રહી જાય છે.’
એ
મિત્રની અકળામણમાં વજુદ છે અને ગંભીરતાપૂર્વક વિચાર માંગી લે એવી વાત પણ છે.
સામાન્ય રીતે જ્યારે પણ કોઈ નવી વાત-વિચાર આવે ત્યારે તેનો સહજ સ્વીકાર ન જ થાય.
હું એક એવા મિત્રને ઓળખું છું કે જે, હંમેશા નવા ખ્યાલો-વિચારોને વહેતા કરવામાં
માને છે. અને એ મિત્ર તેને આવતા નવતર ખયાલોને બેબાકપણે નિર્ભયતાથી રજૂ કરતાં રહે
છે.
સીસ્ટમમાં
સુધારાની વાત હોય કે, સામાજિક ચેતનાની વાત હોય, આર્થિક મિમાંસાની વાત હોય કે,
શૈક્ષણિક સોપાનોની વાત હોય. કોઈપણ વિષય પરત્વે એમને સૂજેલા નવતર ‘કોન્સેપ્ટ’ એ
મિત્ર બેબાક રીતે વહેતા મૂકે છે. પછી એની ચિંતા નથી કરતાં કે કેટલાં અંશે એ
સ્વીકારાયા કે પછી ન સ્વીકારાયા... એની કોઈ નોંધ જ ન લેવાઈ વગેરે વગેરે. પણ એ
મિત્રને બિરદાવવા જરૂર પડે કે, એને આવતાં નવાં વિકાસોન્મુખ ખ્યાલોનો સંદેશ સમાજને
આપતાં રહે છે. ગાંધીનગરના યુવાન ગઝલકાર ડૉ. મુકેશ જોષીની એક રચના યાદ આવી ગઇ.
કહેવાનું
તો કહી દીધું અવતરણમાં,
નથી હવે એ રહ્યું સ્મરણમાં.
દરિયામાં જેને શોધી ના શક્યો,
મળ્યું
છે અહી કૈંક એવું જ સ્મરણમાં.
આ
આખી વાતના પાયામાં માણસની પોતાના મનની સીમારેખાને લાંઘીને કશુંક નવું અને સર્જનશીલ
સત્વ સમાજને, મિત્રોને, સંબંધીઓને આપવાની શુભ લાગણીના સંકેત છે. દરેકને જીવનમાં
કશું સત્વશીલ પ્રાપ્ત કરવું છે. અને એ સમાજમાં વહેતું પણ કરવું છે. સમાજ, પ્રદેશ,
અને આખી દુનિયા સત્વશીલ વિચારો કરવાવાળાઓથી જ ભરેલી છે.
આ
જગતમાં જે કોઈ ‘અનિષ્ટ’ છે એ વાસ્તવમાં ‘ઈષ્ટ’ના વિચાર સાથે આગળ વધેલાઓની હારના
પરિણામે સર્જાયેલી નકારાત્મકતા માત્ર છે. જ્યારે જ્યારે ‘ઈષ્ટ’ની વાતનો સ્વીકાર
થાય ત્યારે ચોમેર પ્રકાશ જ હોય, હવામાં સુગંધ જ પ્રસરે અને કર્ણપ્રિય સંગીત જ
રેલાય. પણ આપણે ‘અનિષ્ટ’ના તત્વ-વિચાર અને વર્તનથી એવા તો ટેવાઈ ગયા છીએ કે,
‘અનિષ્ટ’ આપણી આદત બની જવા સુધી વિકસી ગઈ છે. આપણી મૂળ ‘ઈષ્ટ’ની પ્રકૃતિને
સંકોચાવા ન દઈએ, દબાવા ન દઈએ એને તો હૃદયમાં ખૂબ ફેલાવીએ અને મનના માંડવે સજાવીએ.
એક બીજને પણ વિકાસ પામવા માટે જમીનના દાબમાં આવવું પડે. પાણી અને ખાતર નાખવું પડે
અને પછી જ એ જમીનને ફાડીને બહાર આવે. મજાનો છોડ બને. એના ઉપર રંગબેરંગી સુગંધ
રેલાવતાં પુષ્પ પાંગરે. પતંગિયા અને ભમરા એ સુગંધનો સંદેશ લઈ આખા ગામમાં પમરાટ
કરે.
જ્યારે
જ્યારે નવો વિચાર આવે ત્યારે ત્રણ પડાવ પરથી પસાર થવું પડે. પહેલો પડાવ અપમાનનો.
બીજો પડાવ વિરોધનો અને છેલ્લો – ત્રીજો પડાવ સ્વીકારનો. સામાન્ય રીતે ઘણાખરા લોકો
અપમાનના પ્રથમ પડાવથી જ પાછા વળી જતાં હોય છે. હા, આવાં મિત્રોના માનસપટ ઉપર સતત
અને અવિરત વૈચારિક ચેતનાના વમળો નિરંતર સર્જાતા હોય છે. પરંતુ અપમાનના કડવા ઘુંટડા
ગળા નીચે ઉતારવાની એમની ક્ષમતાના અભાવના પરિણામે ઘણી બધી નવી દિશા અને ક્ષેત્રોના
નવા ખ્યાલો ધરબાઈ જતાં હોય છે.
અપમાનના
પ્રથમ ચક્રવ્યૂહને ગમે તેમ સહનશક્તિથી ભેદીને જે મિત્રો આગળ વધે છે તેમને નવા
વિચાર સામે સજ્જડ વિરોધનો સામનો કરવાનો વારો આવે છે. અને વિરોધ સાહજિક પણ છે. કારણ
કે, જ્યારે જ્યારે વ્યવસ્થા-પરિસ્થિતિમાં બદલાવની વાત આવે ત્યારે, કોઠે પડી ગયેલી
‘મોનોટોનસ’ (પરંપરા) કાર્યપદ્ધતિને બદલવાનો વિચાર માત્ર વિરોધનું મૂળ હોય છે. અને
આ એક અત્યંત સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ પણ છે. શા માટે વિરોધથી ડગી જવું ? વિરોધ
થાય એટલે નવા ખ્યાલ-વિચારના યુવાવસ્થાએ મૃત્યુનો ડર લાગે. નકારાત્મકતા ઘેરી વળે
અને વિચારનો ત્યાગ થાય. એક નવી નક્કોર કુંપળ અકાળે મુરઝાઈ જાય. વિરોધથી ડરવાવાળા
મિત્રોની મજાની વિચારધારા અધવચ્ચે અટકી જાય. વિરોધના કડવા ઘુંટડાનો પડાવ ગળાની
નીચે ઉતરે પછી સ્વીકારનો શ્રીકાર કરવો પડે.
સ્વીકારના
સત્કાર માટે સદાય તૈયાર રહેવામાં નવી દિશા અને નૂતન માર્ગે પ્રસ્થાનની સાનુકૂળતા
સર્જાય. સત્ય, પડકાર, ભૂલ અને ખામીઓના ચતુષ્કોણનો સ્વીકાર ન કરી શકાય ત્યારે કોઈપણ
સંજોગોમાં આ ત્રીજો પડાવ પસાર ન કરી શકાય. ભૂલ, ખામી અને પડકારોના સત્વના સત્યને
સહર્ષ સ્વીકારી નવા વિચારના આયામો સર કરવા માટેનો અંતિમ અને આખરી અંતરાય પાર થયા
પછી જ ‘નવા વિચાર‘નો વિજય છે.
સાચો
વિજેતા જીમમાં નથી બનતો કે, કોઈ પ્રયોગશાળામાં તૈયાર નથી થતો. પોતાના મનમાં
ધરબાયેલી તીવ્ર ઇચ્છાશક્તિ અને લક્ષ્ય નિર્ધારણ માટે અપાર સાહસ અને અખૂટ શૌર્ય
સાથે વિજેતા ઘડાતો હોય છે. એથલેટની દસ વર્ષની મહેનતની સાથે એના અખૂટ સાહસ-શૌર્ય
મિશ્રિત અદભૂત લક્ષ્ય નિર્ધારણ દસ સેકન્ડની વર્લ્ડ ચેમ્પિયનશીપ ઈવેન્ટમાં
વિશ્વવિજેતા બનાવે છે.
નવતર
વિચાર માટે અપમાન, વિરોધ અને સ્વીકારના પડાવને પાર કરવા પ્રબળ ઇચ્છાશક્તિ જોઈએ.
અંતે વિજય તો આપણો જ છે, પણ શરત માત્ર એટલી કે કોઈપણ પડાવ ઉપર ગભરાઈને અટકી ન જઈએ.
આપણી અંદર આકાર લેતું, વિકસતું મજાનું વૈચારિક વિશ્વ વધુ ને વધુ વિસ્તારીએ... આપણે
અને સૌ કોઈ વૈચારિક વિશ્વના સૌંદર્ય અને સુવાસને ઓળખીએ-જાણીએ અને માણીએ...
ધબકાર – ‘તમે ત્યાં સુધી અસફળ નથી, કે
જ્યાં સુધી તમે કોશિષ કરવાનું
છોડી
દો’ - આલ્બર્ટ આઈનસ્ટાઈન
http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/july2016/26072016-6.pdf





