ધ્યાન રાખજો બુદ્ધિના પ્રભાવમાં
સ્નેહની સચ્ચાઈ છૂપાઈ ન જાય
-પુલક ત્રિવેદી
જિંદગી ઝીંદાદિલીનું નામ છે. જીવનની ઝીંદાદિલી-જવામર્દીના મૂળમાં
પ્રેમનું અમૃત હોય છે. તાજેતરનો એક પ્રસંગ યાદ આવે છે. મુંબઈની ગોરેગાવ સ્પોર્ટસ ક્લબનો બેન્કવેટ
હોલ. સાંજના
ચારેક વાગ્યાનો સુમાર. ઢોલ, ત્રાંસા
અને શરણાઈના સૂર રેલાતા હતાં. સૂરવાલ અને કેસરીયાળા સાફા સાથે જોમ અને જુસ્સાપૂર્વક
૭૫ વર્ષનો યુવાન કમર પર કટાર લગાવીને હોલમાં પ્રવેશવાની તૈયારીમાં હતો. જાનમાં દુલ્હાની સાથે ૪૫-૫૦ વર્ષના તેના બે દીકરાઓ, દીકરાઓની ધર્મપત્નીઓ, એમના બાળકો, મિત્રો, સગાંવહાલાંઓ બધાંજ ખૂબ મોજમાં હતાં. દુલ્હાને
લઈને બેન્કવેટ હોલના દરવાજે દુલ્હનની પ્રતિક્ષામાં બધા ઊભા હતાં.
આ યુવાન દુલ્હા ડૉ. નરેશની આંખો શોધતી
હતી એની દુલ્હન અનિલાને. હોલની અંદરની બાજુ બેસબરીથી ઈંતજાર કરતી ૭૫ વર્ષની ફૂટડી યુવાન
દુલ્હન અનિલા પણ ડો. નરેશને વરમાળા પહેરાવવા ઉત્સુક હતી. ડો. નરેશ અને અનિલાબહેન બન્નેના હૃદયમાં
લગ્નજીવનના પાંચ પાંચ દાયકા પછી પણ એક બીજા માટેનો સતત-અવિરત વહેતાં સ્નેહ અને લાગણીને સૌકોઈ આદરપૂર્વક
અનિમેષ નયને જોતાં હતાં.
પચાસ વર્ષના લગ્નજીવન બાદ પણ સ્નેહની
આટલી તિવ્રતા અને સંબંધોના પ્રગાઢપણાની અનુભૂતિ જીવનમાં અદકેરો આનંદ આપે છે. સ્ટેજ ઉપર વરમાળા પહેરાવ્યા પછી ડો. નરેશે ‘હિરોઈક સ્ટાઈલ’માં ગોઠણ પર
બેસીને એક હાથ હવામાં રાખીને ‘યંગ ઈન્ડિયા સ્ટાઈલ’માં ‘આઈ લવ યુ અનિ...’ જ્યારે કહ્યું... (ડોકટર અનિલાબહેનને
પ્રેમથી અનિ કહે છે.) અને અનિલાબહેન પણ એક મસ્ત અંદાજમાં શરમાઈને કહે
છે ‘આઈ
લવ યુ ટુ... ડોકટર’. આજુબાજુ ઊભેલા આ દંપતિના પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો, પૌત્રીઓ, સગાંવહાલાંઓ, મિત્રો બધાંજ જોરદાર ચીચીયારીઓ પાડીને આ
અનોખા જાનદાર અને શાનદાર લગ્નના જશનને ઓર મજાદાર બનાવી દીધો. પછી તો ડોકટર અને અનિલાબહેનના બાળકોએ
બોલીવુડ સ્ટાઈલમાં રોમેન્ટિક ગીતો, કવિતાઓ, શાયરીઓથી આ દંપતિના દામ્પત્યજીવનના વિવિધ
પાસાઓને સંગીતમય રીતે ઊજાગર કર્યાં. બધા જ હાજર રહેલાં ૨૦૦-૫૦૦ મિત્રોએ આ લગ્ન સમારંભને દિલથી
માણ્યો અને સાથે બેસીને મોજથી ભોજન કર્યું.
આ આખો પ્રસંગ જીવનના મજેદાર
દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. કવિ સુરેશ દલાલની એક રચના છે કે, ‘એક ડોસો
ડોસીને હજી વહાલ કરે છે, કમાલ કરે છે...’ ખરેખર સાચા અર્થમાં જો જીવનની કમાલ કરવાની ચાવી
મેળવવી હોય તો પતિ-પત્નીના
સ્નેહમાં જ એ સમાયેલી છે. સ્નેહ એક એવી જડીબુટ્ટી છે કે જે વધતી ઉંમરને રોકે છે. સ્નેહ જીવનમાં ઉત્સાહના ફૂવારા સમાન છે. જેના જીવનમાં ઉત્સાહ નથી એનું જીવન
મમરાના કોથળા જેવું છે મમરાનો કોથળો દેખાય બહુ મોટો પણ હોય બહુ ફોફો. સમય તો એક સતત વહેતું પરિબળ છે. એક
અર્થમાં એ અનાદિ પણ છે, કાળ પૌરાણિક અને પુરાતન પણ છે અને કાળ સનાતન પણ
છે. કેલેન્ડર
ઉપર ફરફર વહેતા વાયરાની જેમ તારીખના પાના ફરતા જાય. પણ એનાં કરતાં સ્નેહના અતૂટ
સથવારે તારીખ હંમેશા તવારિખ બનીને જીવી જાય એનું નામ જ સાચુ જીવન.
સમય ન કદી પકડાયો છે. સમય ન કદી પકડાશે. પણ સમયને જીવંત બનાવવા જો કોઈ મજબૂત
તત્વ છે તો એ તત્વનુ નામ સ્નેહ છે. એટલે જ સ્નેહનું સત્વ ૭૫ વર્ષની આયુએ પણ ૨૫
વર્ષના યુવાન જેવું થનગનતું મન અને ધડકતું હૃદય આજીવન યુવાનીનો અહેસાસ કરાવે છે. યુવાનીને વય સાથે કોઈ લેવા દેવા નથી. યુવાની આચાર-વિચાર અને વય આ ત્રણેય રીતે અલગ અલગ
મુલવાતી હોય છે. ઢીલી
ઢાલી, નિસ્તેજ વિચારસરણીવાળા, કોઈપણ પ્રકારના ઉત્સાહ વગરના ૨૦-૨૨ વર્ષની વયના યુવાન બુઢ્ઢાઓ પણ આ
દુનિયામાં હોય છે, અને ઘરેડમાં ન જીવતાં સદાય નવું કરવાની તમન્નાવાળા તરવરીયા અને
ઉત્સાહથી હર્યાભર્યા ડો. નરેશભાઈ અને અનિલાબહેન જેવા ૮૦ વર્ષના યુવાનો પણ આ દુનિયામાં છે.
તે પછી જે થયું તે સુંદર
થયું...’
-
અવંતિકા ગુણવંત
પ્રેમનું તો એવું છે કે, એ સદાય આદિ-અનાદિ કાળથી અસ્ખલિત વહેતું પવિત્ર, જાજરમાન ઝરણું છે. પ્રેમ-સ્નેહ ક્યાં કોઈ દિવસ કોઈને પૂછીને થાય
કે સમજીને થાય છે ? સ્નેહની વાત હોય એટલે કવિ તુષારભાઈ શુક્લની પેલી યાદગાર રચના યાદ
આવ્યા વગર ન રહે. ‘દરિયાના
મોજા કંઈ રેતીને પુછે તને ભીંજાવું ગમશે કે કેમ ? એમ પૂછીને થાય નહીં પ્રેમ...’ હંમેશા જીવનમાં પ્રીતનું સંગીત રેલાવે.
સ્નેહ મગજની ટ્યુનીંગ સિસ્ટમ છે અને હૃદયની સ્માઇલીંગ સીસ્ટમ છે.
ઘડપણ શબ્દ જ ત્રાસજનક છે. ઘડપણ એ બીબાઢાળ ઘરેડ પદ્ધતિથી બનતું
વ્યક્તિત્વ છે. ઘરડાં
થવું એ ભયંકર વાત છે. કદી માફ ન કરી શકાય એવો ગુનો એ છે. વિચારોનું વૃંદાવન વિકસે, અનુભવોની અગાશી ઉપર શાંત મને બેસાય. સંસ્કાર અને શિક્ષણની શાતા હોય એ
અવસ્થા વૃદ્ધિ પામતાં પામતાં વૃદ્ધ બનાય. વૃદ્ધ થવું એ જ સાચા અર્થમાં સનાતન સત્ય છે. જાણીતા ચિંતક પદ્મ પુરષ્કૃત શ્રી ગુણવંતભાઈ
શાહે એક જગ્યાએ કહ્યું છે કે, ‘વિચાર અને વિવેકથી સતત વૃદ્ધ થતો રહે એ જ વૃદ્ધ. ખીસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી
ક્યાં પડે છે...’
કોઈપણ વયે જિંદાદીલી, ઉત્સાહ, ઉમંગ, સ્નેહમાં
પાછા પડવાનું પાલવે જ નહીં. કોઈપણ પુષ્પ ખરવાની અણી ઉપર હોય તો પણ ખૂશ્બુ
ફેલાવવાની છોડી દીધી હોય એમ ક્યાં બને છે ?
વિનોબા ભાવેએ ગૃહસ્થાશ્રમ વિશે કહ્યું
છે કે, સંયમ, સેવા અને સત્ય આ ત્રણ બાબતોનો સરવાળો
થાય એ જ સાચું સંન્નિષ્ઠ ગૃહસ્થાશ્રમ જીવન. જીવનમાં ભૌતિક સુખ પ્રાપ્તિના સમાન હેતુઓ માટે
સાથે મળીને એક રાહ પર ચાલવું એ લગ્નજીવનનો પાયો છે. સમસ્યાઓ, સફળતા, પરાજ્ય અને વિજયમાં એક મેકની સાથે
મળીને ઝૂમવું અને ઝઝૂમવું એ લગ્નજીવનની મોજ છે. જીવનના દરેક પહેલુંમાં એક સરખો
પ્રેમ રહે એ પણ સંભવન નથી. કદાચ જો એમ બને તો એ જીવન રસપ્રદ પણ ન રહે. એટલે જ ક્યારેક ગુસ્સો, કંટાળો, નિરાશા અને થથરાટ પણ જરૂરી છે. પરંતુ આ સર્વ બાબતોના કેન્દ્રમાં છે, સ્નેહ. સ્નેહ સાથે આવે સ્મિત અને
સ્મિતની દ્વારા જ સદાય સુખ.
નરસિંહભાઈ પટેલની એક સરસ વાત યાદ આવે
છે એમણે કહ્યું છે કે, આપણો પુરુષપ્રધાન ધર્મ એ રહ્યો છે કે, સેવાભાવે લગ્ન કરીએ, વિલાસ ભાવે નહીં. પત્નીને ‘શ્રેયસી’ માનીએ અને બનાવીએ, પ્રેયસી નહીં. બન્ને મળીને ગૃહ સેવા કરીએ, કુટુંબ સેવા કકરીએ, સમાજ સેવા કરીએ, સંસાર સેવા કરીએ, પ્રજાને જન્મ આપીએ અને તે સમાજને ચરણે
ધરીએ. પ્રજાને
વાત્સલ્ય ભાવે ઉછેરીએ અને કેળવીએ. બ્રહ્મચર્ય પાળી સંમિલિત જીવન જીવીએ અને
ત્યાગવૃતિ, ભાતૃભાવ, સમાનભાવ વગેરે કલ્યાણસાધક ભાવનાઓ
પોતાનામાં અને પ્રજામાં કેળવણીએ.
દાંપત્યજીવનમાં પુરુષ એકલો અધૂરો છે,
એમ સ્ત્રી પણ એકલી અધૂરી છે. પ્રાકૃતિએ બન્નેનું સ્વરૂપ એકબીજાની પૂર્ણતા માટે
જ ઘડ્યું છે. ગમા
અણગમા, રસ-ઋચિ
અલગ અલગ રહે જ પરંતુ પ્રેમના આ યોગને બિલકુલ ઉની આંચ ન આવે એમ તેને મઠારવાનું, સજાવવાનું અને ચમકાવવાનું કામ નિરંતર
થતું રહે એ જરૂરી છે. સ્નેહની સરવાણી વહે એ અગત્યનું છે. દરમિયાન બુદ્ધિની બોલતી બંધ થાય
અને હૃદયમાંથી વાણી વહે તો જીવનમાં કોઈ સમસ્યા જ ન રહે.
એક વાત દ્રઢ પણે મનમાં કોતરાયેલી હોવી
જોઈએ કે, આપણા જીવનમાં બે જ દિવસો અગત્યના છે. એક તો જે દિવસે આપણો જન્મ થયો હોય અને
બીજો એ દિવસ કે જ્યારે આપણને સમજ પડે કે આપણો આ જન્મ સ્નેહ લેવા માટે અને સ્નેહ
કરવા માટે થયો છે. જો
બીજાની ભૂલનો સ્વીકાર નથી કરી શકાતો, માફ નથી કરી શકતા તો પછી આપણી ભૂલને બીજા માફ
કરે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આ સિદ્ધાંત ઉપર દાંપત્યજીવનની સુવાસ પ્રસરતી
હોય છે. બુદ્ધિ
તો કઠપૂતળી છે. ધ્યાન
રાખજો બુદ્ધિના પ્રભાવમાં સ્નેહની સચ્ચાઈ છૂપાઈ ન જાય. હંમેશા બુદ્ધિના સથવારે ઘટનાઓનું
મૂલ્યાંકન કરવું યોગ્ય હોતું નથી. સ્નેહ સદાય શક્તિનો અને સત્યનો જીવંત પર્યાય
બનીને રહે છે. સ્નેહમાં
ક્યારેય છળ-કપટને
સ્થાન નથી. હિતેન
આનંદપરાજીએ સરસ વાત કરી છે કે, હંમેશા પાસબુકમાં જ સુખ હોય એવી માન્યતા ન
રાખવી, સુખ
તો પ્રેમબુકમાં પણ હોય. શ્વાસને ચાલુ રાખવાની અથવા હોવાની ઘટનાને જીવન સમજવાની ભૂલ ન કરવી. સ્નેહથી શ્વાસને સાર્થક કરવાની ઘટનાને
જ જિંદગી કહેવાય.
ધબકાર :
સાથે ગાજો અને
નાચજો તથા હર્ષથી ઊભરાજો, પણ બેય એકાકી જ રહેજો- જેમ વીણાના તારો એક જ
સંગીતથી કંપતાં છતાં પ્રત્યેક છૂટો જ રહે છે તેમ. તમારાં હૃદયો એકબીજાને અર્પજો, પણ એકબીજાને તાબામાં સોંપશો નહીં.
– ખલીલ જિબ્રાન



No comments:
Post a Comment