Wednesday, 19 April 2017

પોતાના ઉપર હસવા માટે માણસ પાસે બહુ મોટી હિંમત જોઇએ

પોતાના ઉપર હસવા માટે માણસ પાસે
બહુ મોટી હિંમત જોઇએ
                             -   પુલક ત્રિવેદી

૧૬, એપ્રિલ એટલે એક યાદગાર દિવસ. જી હા, ચાર્લ્સ સ્પેન્સર એટલે કે, ચાર્લી ચેપ્લીનનો જન્મ દિવસ. તમે જ્યારે આ વાચતા હશો ત્યારે આજથી બરાબર ૧૨૬ વર્ષ અને એક દિવસ પહેલાં આ પૃથ્વી પર અવતરેલા ‘મલ્ટી ટેલેન્ટેડ’ ચાર્લી ચેપ્લીનના ૧૨૬મી બર્થ-ડેને ૨૪ કલાક પૂરા થયા હશે. જીવનમાં સુખ-દુઃખના જબરા ઉતાર ચઢાવ ચાર્લ્સ સ્પેન્સરે જોયા છે. ૧૮૯૯થી કલાની દુનિયામાં પ્રવેશ કર્યા બાદ આજ પર્યંત પોતાના ઉપર હસીને વિશ્વ સમસ્તના કરોડો લોકોના મુખ ઉપર સ્મિત લાવવાનું કામ આ વ્યક્તિએ ભગીરથ કામ કર્યું છે. એકટર, ડાયરેકટર, કમ્પોઝર, સ્ક્રીપ્ટ રાઈટર, પ્રોડ્યુસર, એડિટર, રાઇટર, સ્પીકર જેવી અનેક પ્રતિભાઓ  આ ચાર-સાડાચાર ફૂટના વામનના શરીરમાં ઈશ્વરે ઠાંસી ઠાંસીને ભરી હતી.



        અત્યંત ગરીબ પરિવારમાં ઉછરેલા ચેપ્લીનને બાળપણમાં પિતાનો પ્યાર અને હૂંફ નસીબમાં ન હતા. માતા હાના હીલ લંડનના એક થિયેટરમાં સિંગર અને ડાન્સર હતા. માતા હાના ગીતો ગાઈ અને નૃત્ય કરીને જે કમાતી તેમાંથી સંસાર ચલાવતી. પિતા ચાર્લ્સ સ્પેન્સર સિનિયર પણ અભિનય કરતાં. પરંતુ એમને દારૂના વ્યસનના જબરજસ્ત આદી હતાં. સિનિયર ચાર્લ્સ સ્પેન્સરને પરિવારમાં કોઈ રસ નહોતો. એ તો બસ એમની દારૂની બાટલીને જ ચાહતા. હાના અને જુનિયર ચાર્લ્સને છોડીને ચાર્લ્સ સ્પેન્સર સિનિયર જતાં રહ્યા. દારૂણ ભયાનક ગરીબી અને મુશ્કેલીઓનો બાળપણમાં સામનો કરતા ચાર્લ્સ સ્પેન્સર જુનિયરનો ઉછેર થયો. તેમના જીવનને જોતાં ૧૯૭૦માં આવેલી લોકપ્રિય ફિલ્મ મુકદ્દર કા સિકંદરના દુ:ખ કો હસકે ગલે લગાલેવાળો પેલો પ્રસિદ્ધ ડાયલોગ યાદ આવી જાય. ‘‘દુઃખ કો હસકે ગલે લગા, તકદીર તેરે કદમોમેં હોગી ઔર તું મુકદ્દર કા બાદશાહ હોગા...’’ ૭૦ના દસકમાં અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં ફકીરના કીરદારમાં કાદરખાને સિકંદર નામના કીરદારને આ ફિલ્મી શીખ આપી હતી. ચાર્લી ચેપ્લીનના જીવનમાં બિલકુલ આ જ પ્રકારની ઘટના ઘટી. ૮૮ વર્ષના આયુષ્યમાં ચાર્લી ચેપ્લીને કલા જગતના કેટલાય શિખરો સર કર્યા. પરંતુ, આજે ચાર્લી ચેપ્લીનની ૧૨૬મી વર્ષગાંઠ નિમિત્તે ચેપ્લીનના કલા જગત ઉપરાંત એક લેખક, વિચારક અને વકતા તરીકે અભિવ્યક્ત કરેલાં તેમના વિચારોને મમળાવવા છે.



        જીવનમાં હાસ્યનું મહત્ત્વ સુપેરે સમજતાં ચાર્લી હંમેશા કહેતાં કે, ‘ જ્યારે હસ્યા વગરનો દિવસ પસાર થાય છે, ત્યારે એમ માનવું જોઈએ કે ઈશ્વરે આપેલા આ મહાન જીવનમાંથી ૨૪ કલાકનો એક દિવસ બરબાદ થઈ ગયો. ‘ કારમી ગરીબી ઝેલીને ઉછરેલા ચાર્લીએ વિચાર આપ્યો હતો કે, ‘ સુખ-સવલત અને વૈભવ ભોગવવાની આદતની કલ્પના જ મારા જીવનની સૌથી દુઃખદ બાબત છે. ‘ જીવનની નક્કર વાસ્તવિકતાઓ સુપેરે સમજતાં તેમણે કહ્યું હતું કે, ‘માણસ હંમેશા વિચરતો બહુ હોય છે પણ વિચારોના અમલીકરણ બાદ પરિણામની અનુભૂતિ બહુ ઓછી કરતો હોય છે. બાળપણથી જ નશામાં ધૃત પિતાને જોયેલા ચાર્લીએ વ્યસન અંગેના વિચારો અભિવ્યત કરતાં કહ્યું કે, ‘કોઈપણ માણસ નશામાં હોય ત્યારે એનું અસલી ચરિત્ર સામે આવે છે.’ જીવન વિશેનો એક અદભુત દ્રષ્ટિકોણ અભિવ્યક્ત કરતાં ચાર્લીએ લખ્યું છે કે, ‘જિંદગીને નજીકથી જોવામાં એક આફત સમાયેલી છે, પણ જો જીવનને દૂરથી જોવામાં આવે તો એ ‘કોમેડી’ જેવુ લાગે છે.’
‘ એક આવારા, એક સજ્જન, એક કવિ, એક સપનાનો સોદાગર, એક એકલો અટૂલો માણસ હંમેશા રોમાંસ અને રોમાંચની કલ્પના લઈને જ બેઠો હોય છે. ‘ ચાર્લીના આ વિચારને ફિલ્મોના ઘણા કીરદારમાં અદભુત રીતે અભિવ્યક્ત થયો છે. જીવનની સૌથી મોટી હિંમત વિશે બોલતાં એકવાર ચાર્લીએ કહ્યું હતું કે, ‘અસફળતાનું જીવનમાં કોઈ મહત્ત્વ નથી પરંતુ પોતાના ઉપર હસવા માટે માણસ પાસે બહુ મોટી હિંમતની આવશ્યકતા રહે છે.’ ભગવાન માટે ચાર્લીએ એક જગ્યાએ લખ્યું છે કે, ‘હું ઈશ્વર સાથે ખૂબ શાંતિથી અને આનંદમાં રહી શકુ છું. મારી લડાઈ તો હંમેશા માણસોની સાથે થતી રહી છે.’
એક જાહેર કાર્યક્રમમાં હાસ્ય સંદર્ભે ચાર્લીએ કહ્યું કે, ‘હાસ્ય એક ટોનિક છે, રાહત છે, અને દર્દ રોકવા માટેની સર્વોત્તમ દવા છે.’ પોતાના વિશે મૂલ્યાંકન કરતાં તેમણે એક વાત સ્પષ્ટ કહી હતી કે, ‘હું માત્ર ને માત્ર એક જોકર છું અને આજ વાતે મને મોટા મોટા રાજકીય પદાધિકારીઓની તુલનામાં ખૂબ ઊંચા સ્થાન ઉપર પ્રસ્થાપિત કર્યો છે.’



એકલતા અંગે ખૂબ મનનીય અને અદભુત વિચાર અભિવ્યક્ત કરતાં ચાર્લ્સ સ્પેન્સર કહે છે કે ‘જ્યારે લોકો તમને એકલાં છોડી દેશે ત્યારે તમારી જિંદગી વધુ રળિયામણી, સુંદર અને જીવવાલાયક બનાવી શકવાની તમારામાં તમન્ના જાગૃત થતી હોય છે.’ સમય અંગે ચાર્લીએ કહ્યું છે કે, ‘સાચા સમય પર ખોટું કામ કરવું એ જીવનની સૌથી મોટી વિડંબણાઓ પૈકીની એક છે.’ માણસના મુળત: સ્વભાવ માટે ચાર્લી કહેતાં કે, ‘મનુષ્ય એક વ્યક્તિરૂપે ખૂબ પ્રતિભાશાળી હોય છે પણ જ્યારે એ ટોળામાં ભળે છે, ત્યારે નેતૃત્વહીન મહારાક્ષસ બની જાય છે અને એક એવો મહામૂર્ખ જાનવર બની જાય છે કે એને જ્યાં હંકારવામાં આવે ત્યાં પહોંચી જાય છે.’
પોતાના જીવનની સચ્ચાઈને કોઈપણ આવરણ વગર ચાર્લી ચેપ્લીને અભિવ્યક્ત કરતા કહ્યું છે કે ‘હું માત્ર પૈસા કમાવાના આશયથી જ આ ફિલ્મો અને એક્ટિંગના ક્ષેત્રમાં આવ્યો છું અને પછી કલા મારી જિંદગીમાં આવી છે. મારી આ ટીપ્પણી જો કોઈને ન ગમે તો પણ હું તેમાં કાંઈ કરી શકું એમ નથી કારણ કે મારા જીવનની નક્કર વાસ્તવિકતા જ આ છે.’ હૃદયના ઊંડાણ સુધી અસર કરી દે એવી ચાર્લી ચેપ્લીનની ટીપ્પણી જગમશહુર છે. કે, ‘હું હંમેશા વરસાદમાં ફરવાનું એટલા માટે પસંદ કરું છું કે, મારા આંસુ કોઈ જોઈ ન શકે’ અને એવો જ એક અસરકારક વિચાર એમણે અભિવ્યક્ત કર્યો છે કે, ‘ મારા દર્દ કોઈના માટે હસવાનું કારણ બની શકે છે પણ મારું હસવાનું બીજા કોઈના દર્દનું કારણ બને એ મને હરગીઝ મંજૂર નથી.‘
લગભગ નવ દાયકા સુધી વિશ્વના લોકોને નિર્મળ હાસ્યથી ભીંજવી દેનાર બ્રિટીશ કલાકાર ચાર્લ્સ સ્પેન્સર ચેપ્લીન અંગત જીવનમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક તમામ પ્રકારના મસમોટા દુઃખો સહન કરીને પણ જગ આખાને જીવ્યા ત્યાં સુધી હસાવતાં રહ્યાં. સાચો અને મજબૂત માનવી તો એ જ છે કે જે સમય વર્તે સાવધાન હોય. યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય ક્ષેત્રમાં આગળ વધે. જો કે, એક ફિલોસોફી એવી પણ છે કે, સફળ થયા પછી સફળ વ્યક્તિની દરેક વાત સાચી, સારી અને ઊંચી લાગે. ચાર્લીના એમની બાજી એ જીત્યા એમને ઇશ્વરે આપેલા નબળા પત્તાથી. આર્થિક ઉપાર્જન માટે કલાની દુનિયામાં આવ્યા પણ સંપૂર્ણ રીતે કલાની દુનિયાને પચાવી અને એક આદર્શ વ્યક્તિ બનીને એમનું વ્યક્તિત્વ નીખરી આવ્યું. જીવનના તમામ દુઃખોને મક્કમતાપૂર્વક પોતાની સમજથી પાછા ઠેલ્યાં. પાખંડ અને દેખાવ સાઈડ પર રાખીને જિંદગીની વરવી વાસ્તવિકતાને વિચારોમાં રજૂ કરવાની ચાર્લીની તાકાતને દુનિયા આખીએ એક અવાજે વખાણી. ચાર્લી ચેપ્લીનના ૧૨૬મા જન્મદિને ચાર્લ્સ સ્પેન્સર ચેપ્લીનના વિચારોને દિલથી સલામ.
ધબકાર :
જ્યારે દુ:ખ અને કડવા વેણ મીઠાં લાગવા માંડે એ જીવન જીવતાં સરસ ફાવી ગયું હોવાનો મજબુત પુરાવો છે.

ફોટોલાઇન :
ભારતના હૈદરાબાદ સહિત ચેકોસ્લોવકીયા, પોલેન્ડ, આયરલેન્ડ, લંડન, બાર્સેલોના, ઇટાલી વગેરે આખા વિશ્વના મોટા મોટા શહેરોમાં ચાર્લી ચેપ્લીનની યાદગીરી અને એમને આદરાંજલી આપવા માટે ‘સ્ટેચ્યુ’ મુકવામાં આવ્યા છે. દુનિયાના કોઇપણ રાજદ્વારી નેતાને મળ્યું હોય એના કરતાં વિષેશ એક કલાકાર અને એક વિચારકને વિશ્વમાં મળતું આ સર્વશ્રેષ્ઠ સન્માન હશે.





No comments:

Post a Comment