Tuesday, 25 April 2017

પ્રેમ એટલે પ્રેમ, એટલે બસ પ્રેમ…

પ્રેમ એટલે પ્રેમ, એટલે બસ પ્રેમ…
-પુલક ત્રિવેદી

કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરે છે, કારણ કે બસ પ્રેમ કરવામાં આવે છે. પ્રેમ કરવા માટે કોઈ કારણની આવશ્યકતા ક્યાં હોય છે. પ્રેમ તો માત્ર ને માત્ર આપવાની જ બાબત છે. જો કોઈ એવી અપેક્ષા સાથે પ્રેમ કરે છે કે, સામેથી મને પ્રેમ મળશે તો ખરેખર એ સમય બરબાદ કરે છે. પ્રેમ તો અહેસાસની અભિવ્યક્તિ છે. પ્રેમમાં તો પડાય, પ્રેમમાં પડ્યા રહેવાય, પ્રેમમાં ઊભા ન થવાય, પ્રેમમાં તો પડ્યા પડ્યા વહેતા રહેવાય.
બ્રાઝીલના પ્રસિદ્ધ લેખક-ચિંતક પાઓલો કોહેલોએ લખ્યું છે કે, ‘બુદ્ધિમાન એટલા માટે બુદ્ધિમાન છે, કારણ કે, એ પ્રેમ કરે છે. મુર્ખ એટલા માટે મુર્ખ છે કારણ કે, એ એમ વિચારે છે કે, હું પ્રેમને સમજી શકું છું.’ પ્રેમ સમજવાનો ક્યાં હોય. પ્રેમમાં તો પાગલપન છે. પ્રેમ તો સતત-અવિરત આપવાનો હોય. આપતા આનંદ આવે એ પ્રેમ છે. પ્રેમમાં તો જઝબાતનું મહત્ત્વ હોય. હૃદયથી હૃદયની વાત સમજી લેવાતી હોય છે. ભાષા પહેલાં તો આંખોથી અનુભૂતિ થઈ જતી હોય છે. પ્રેમતો જંગલ જેવો ગાઢ હોય પ્રગાઢ હોય. એનો અંત ન હોય. એ તો અનંત અને અફાટ હોય.



પ્રેમ એટલે પ્રેમ, એટલે પ્રેમ, એટલે બસ પ્રેમ. રોજ સાંજે પાર્કમાં આંટો મારી દાદા બરાબર સાડા સાતથી આઠ વચ્ચે ઘરે આવી જાય. એ દિવસે સવા આઠ વાગ્યા સુધી દાદા ઘરે ન આવ્યા. બાર વર્ષનો પૌત્ર જૈમિન બુટ પહેરી ઘરની બહાર નીકળી ગયો. પાર્કમાં-રસ્તામાં હાંફળો-ફાફળો થઈને જે મળે એને પુછવા લાગ્યો. ‘મારા દાદાને જોયા...?’ બીજી બાજુ એ નીકળ્યો ને થોડીવારમાં જ દાદા ઘરે પહોંચી ગયા. નિત્યક્રમ મુજબ પૌત્રને ન જોતા દાદા વ્યાકુળ થઈ ગયા.
વહુ, જૈમિન દીકરો ક્યાં છે ?’
એ તો તમને ખોળવા ગયો.’ વહુએ કહ્યું: ચપ્પલ કાઢ્યા વગર દાદા આવ્યા હતા તેના કરતાં ડબલ સ્પીડમાં ઘરની બહાર નીકળી ગયા. રસ્તા ઉપર જૈમિને દાદાને જોયા જોરથી બુમ પાડી દદ્દુઅને દોડતો આવી દાદાને વળગી પડ્યો. ‘ કેમ આટલું મોડું કર્યું, ક્યાં રોકાઈ ગયા હતા ? ‘ ‘ મને કેટલી તમારી ચિંતા થઇ. તમને ખબરછે હું તમને કેટલો પ્રેમ કરૂ છું દદ્દુ...? ’વગેરે વગેરે પ્રશ્નોની ઝડી જૈમિન રોતા રોતા વરસાવવા લાગ્યો. આ પ્રેમ છે. અહીં કાંઈ અપેક્ષા, ઇચ્છા, માગવાની કોઈ વાત નથી. માત્ર ને માત્ર પ્રેમ અને એને જાનદાર અભિવ્યક્તિ છે. આ પારિવારિક પ્રેમનો સેગમેન્ટ છે.
મિત્રના આનંદમાં આવતો આનંદ મૈત્રિપૂર્ણ પ્રેમ છે. મિત્રની ઇચ્છા પૂરી થતા જે સંતોષ થાય એ પ્રેમ છે. દોસ્તની અપેક્ષા અને આવશ્યકતા એના કહ્યા વગર સમજ પડી જાય અને એ હાંસલ કરવા માટે હૃદયપૂર્વકના પ્રયત્ન થાય એ પ્રેમ છે.
પ્રેમની વાત નીકળે અને હિર-રાંઝા, શીરી-ફરાહ, રોમિયો-જુલીયટની વાત ન આવે એમ ક્યાંથી બને ? ઠેસ એકને વાગેને દર્દ બીજાને થાય. અપમાન એકનું થાય અને હૃદયમાં ચીરાડો બીજાને પડે. રોમાન્સપૂર્ણ પ્રેમની વાત નિરાળી હોય છે. જ્યારે પ્રેમીઓ એક-મેકની પડખે હોય ત્યારે સમયની સવારી એવી તો ફટાફટ સ્પીડે દોડતી હોય છે કે, પ્રેમીઓ હવાની સાથે વાતો કરવા લાગતા હોય છે. રોમાંસપૂર્ણ પ્રેમની વિશેષતા એ છે કે, પ્રેમીના શ્વાસમાં ગુલાબની સુગંધનો અહેસાસ થાય. રોમાંસપૂર્ણ પ્રેમમાં આખી દુનિયા ખૂબ હસીન લાગે. ચારેય દિશાઓમાં રંગબેરંગી ફૂલો ઉગેલા લાગે. હવામાંથી મધુર સંગીત સંભળાયા કરે. બધુ જ સુંદર અને મઝાનું લાગે ઇશ્વરની તમામ રચના થનગનતી અને ઝગમગતી લાગે. રોમાંસપૂર્ણ પ્રેમની તાકાત અંતરાત્મામાં પરમાત્માના દર્શન જેવી લાગે. પ્રેમ એક પૂર્ણતા છે. પ્રેમમાં જે હોય એને બધું જ પરમતત્વ જેવું લાગે.
જીવનનું પરમ સત્ય તો પરમાત્મા જ છે. જિવનના જે અધ્યાયમાં આધ્યાત્મિકતાનો આવિર્ભાવ થાય એ પ્રેમનું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ છે. આધ્યાત્મિક પ્રેમ માનવીય સંવેદનનું સંપૂર્ણ સ્વરૂપ ઉજાગર કરે છે. એરિસ્ટોટલ પ્રેમને ડિફાઈન કરતાં કહે છે કે, સારું અને મજાનું થાય એ જ પ્રેમ છે. પ્રેમની અભિવ્યક્તિ જીવનની ડગરને એટલા આનંદથી ભરી દેતો હોય છે કે, માણસ પાંખો ફફડાવી ખુલ્લા આસમાનમાં ઉડવા લાગે છે.



પ્રેમને સતત વહેવડાવો પડે. વિલિયમ સેક્સપિયર તો ત્યાં સુધી કહે છે કે, જ્યાં પ્રેમની અભિવ્યક્તિ નથી એ પ્રેમ નથી. યાદ કરો છેલ્લે ક્યારે દિલ ખોલીને પ્રેમની અભિવ્યક્તિ કરી હતી ? ક્યારેક માતા કે પિતાને કહી તો જુઓ કે, ‘યુ આર માય લાઇફ. આઇ લવ યુ અ લોટ.’ મિત્રને કહો તો ખરા કે, ‘ તુ મારો હીરો છે, લવ યુ ડીયર. ‘ બહાર ગામ અભ્યાસ કરતાં કે નોકરી કરતાં દીકરો કે દીકરી જ્યારે આવે ત્યારે તેને ભેટીને કહી તો જુઓ કે, ‘ આઇ મીસ યુ બેટા, હું તને ખુબ પ્રેમ કરૂં છું. ‘ લગન પહેલાં પ્રેયસી સ્વરૂપે અનેક વાર કદાચ કીધું હશે, ‘ હું તને ચાહુ છું પણ લગનના વીસ પચીસ વર્ષ પછી પત્ની માટેનો પ્રેમ લેશમાત્ર ન ઘટે બલ્કે પ્રતિદિન એમાં વધારો થાય એમાં જિવનની અસલી મિઠાશ છે એ વાત શબ્દોમાં વહેવડાવી જુઓ. એને કહોને કે, ‘ તારા વગરની જિંદગી હું કલ્પી શકતો નથી. તું જ મારુ જિવન છે, આઇ લવ યુ...’ મિત્ર મેહુલ ભટ્ટે થોડા સમય પહેલા ડૉ. નિમિત્ત ઓઝાનો એક પીસ મોકલ્યો હતો. ‘ એઝ ઈટ ઈઝ ડૉ. ઓઝાની કલમે લખાયેલી પ્રેમની અભિવ્યક્તિની અદભૂત વાત અહીં મુકી છે.
પેલા ડૂબતા સૂરજને થોડી વાર માટે ક્ષિતિજ ઉપર Push કરીને, આકાશમાં સંધ્યાના રંગોનો થોડો Contrast વધારીને, દરિયાની બરોબર વચ્ચે એક ગુલમહોરનો હિંચકો બનાવી, એના ઉપર તને બેસાડી, દરિયાના અવાજોને Mute કરી... બસ, તમને એટલું જ કહેવું છે... ‘I Love U… યાર
દરિયાના બે કાંઠાઓ વચ્ચે એક Fly Over બનાવી, એના ઉપર આખી વસંત પાથરીને, તારી સાથે ચાલતા ચાલતા, બસ, તને એટલું જ કહેવું છે... ‘I Love U… યાર
એક ખાલી વાદળામાં અઢળક ગુલાબ ભરીને, એ વાદળાને આકાશમાં ઉડાડી, તારા ઉપર ગુલાબનો વરસાદ કરીને... મારે તો ફક્ત એટલું જ કહેવું છે...‘Don’t Mind, I Love U… યાર
રોજ સવારે તારા ચહેરા ઉપર ઝાકળ પથરાવી, મારી આંખોમાં સૂરજ ઉગાડી, તારા ગાલ ઉપર મેઘધનુષ રચીને, મારે તો તને એટલું જ કહેવું છે...‘Really, I Love U… યાર’.
ફક્ત ૨ મિનિટ માટે, તું મારી સાથે ચંદ્ર પર આવીશ ? ચંદ્ર એ કેટલાય વર્ષોથી અરીસો જોયો જ નથી... તો મને થયું કે એને તારો ચહેરો જ બતાવી દઉં... પછી ભલેને ચંદ્ર થોડા દિવસ Over Confidenceમાં ફરે કે... ‘આપણામાં ડાખ છે જ નહિ’... એ ખુશ ખુશાલ ચાંદનીના આછેરા ઉજાસના સમ ખાઈને કહેવું છે તને...‘I Love U… યાર
૫૦૦ ગ્રામ વાદળના ટુકડા ઉપર એક સળગતી મીણબત્તી મૂકીને ઝગમગતા તારાઓની વચ્ચે, પેલા પૂનમના ચંદ્રની સાક્ષીએ Backgroundમાં વીજળીના કડાકા અને વરસાદના અવાજની Special Effectની સાથે કહેવું છે તને...‘I Love U… યાર
સૂરજની લાલાશને એક રીફીલમાં ભરી, એ લાલ પેનથી સફેદ વાદળ ઉપર બધા વાંચી શકે એવી રીતે લખવું છે...‘Honestly, I Lov U…યાર
શું શુભ કે લાભ ? મારા જીવતરના પંચાંગમાં, તારા નામના ચોઘડિયા બનાવી, તને અનુકૂળ નક્ષત્રો રચીને એક વાર કહેવું છે...‘I Really Love U… યાર’.
વસંત હશે ફૂલોને ખીલવા માટેનું કારણ. અમે તો તારા નામની મોસમથી ખુલીએ અને ખીલીએ. વહેલી પરોઢે, ફૂલોની એકલતા જોઈ એને વળગી પડતી ઝાકળ જેવી એક કવિતાની જેમ તને જીવીએ છીએ. Boss, તું કવિતા છે. હવામાં જેનો પ્રાણવાયુ હશે એ બીજા... મારો પ્રાણવાયુ તો કવિતા છે... એ કવિતાના સમ...‘I Love U… યાર
ડૉ. નિમિત્ત ઓઝાના આ મઝાના શબ્દો જિવનમાં કેમ ના ઉતારી શકાય ? જિવનસાથીને આ પ્રેમભર્યા શબ્દોના ટહૂકારથી કેમ ભિંજવી ન શકાય ?

ધબકાર :
ઈશ્વરે દરેકના હૃદયમાં છલોછલ માત્ર પ્રેમ ભર્યો છે, જે દિવસે એની સમજ પડવાની શરૂ થાય છે, ત્યારથી જ દુનિયા બદલાવાની શરૂ થઈ જાય છે.

----------------------------





No comments:

Post a Comment