Sunday, 22 April 2018

બાળકનો તમારામાં રસ સમાપ્ત થાય એ પહેલા જાગી જજો


બાળકનો તમારામાં રસ સમાપ્ત થાય 
એ પહેલા જાગી જજો

ડિસેમ્બર તારીખ 11, 2007ના રોજની આ સત્ય ઘટના છે. ગુરૂગ્રામની એક ઇન્ટરનેશનલ સ્કૂલમા અભિષેક ત્યાગી નામનો એક વિદ્યાર્થી આંઠમા ધોરણમાં ભણે. એના સહપાઠી સાથે એની બોલા ચાલી થઇ ગઇ. બસ આટલી વાતમાં આ મિત્રએ અભિષેકની છાતીમા ધાય... ધાય... કરતી ગોળીઓ ધરબી દીધી. અભિષેકનું પ્રાણ પંખેરૂ તત્કાળ ઉડી ગયું. આવી જ એક બીજી ઘટના ચેન્નઇની સેંટ એંગ્લો ઇન્ડિયન હાયર સેકંડરી સ્કૂલમાં ફેબ્રુઆરી તારીખ 9, 20012ના રોજ ઘટી. ધોરણ નવમાં ભણતા એક વિદ્યાર્થીને શિક્ષિકાએ ભણવાની બાબતમાં ઠપકો આપ્યો તો આ 14 વર્ષના વિદ્યાર્થીએ ટીચર ઉપર ચાકુના ઘા મારી તેને મોતને ધાટ ઉતારી દીધી. દિલ્હીની એક સ્કૂલમાં સાતમામાં ભણતો એક વિદ્યાર્થીએ એના સહપાઠીને રોજ ચિઢવતો હતો. એણે ઑક્ટોબર તારીખ 16, 2017ના રોજ ચિઢવણી કરતા આ સહપાઠીને દિવાલ સાથે જોરથી ધક્કો મારી લોહી લુહાણ કરી મારી નાખ્યો. હજી હમણાની આ વર્ષના આગાઝમા જ બનેલી વાત છે. જાન્યુઆરી તારીખ 1, 20018ના રોજ ઉત્તર પૂર્વીય દિલ્હીની કરવાલનગરના સાદતપુરમા આવેલી જીવન જ્યોતી પબ્લિક સ્કૂલમા નવમા ધોરણમાં ભણતા તુષારની લાશ શાળાના ટોયલેટમાંથી મળી. એના ત્રણ ક્લાસમેટ્સે એને નજીવી વાતમાં માર માર્યો હતો.




અહી મુકેલી આ ચાર ઘટનાઓ તો માત્ર પ્રતિકરૂપે છે. રોજ રોજ આવી તો સેંકડો ઘટનાઓની ખબરોથી અખબારના પાના ભરેલા પડ્યા હોય છે. ટીવી એંકરો ગળુ ફાડીને આવી ઘટનાઓ વર્ણવે જાય છે. ભારતીય ઉપમહાદ્વીપ માટે આવી ઘટનાઓ વોર્નિંગ એલારામ જેવી છે. પાશ્ચાત્ય દેશોની ભૂમિ ઉપર આ પ્રકારની વાત કદાચ એ દેશોની જીવન પધ્ધતીનુ પરિણામ કહી શકાય. પરંતુ ભારતવર્ષમાં આવી અસહિષ્ણુતા અવશ્ય ચિંતાજનક છે અને ચિંતન કરવા પ્રેરે છે. ભારત એટલે આદર, માન, સત્કાર અને નસ્કારની સહિષ્ણુતામાં બરકરાર રહેતો પ્રદેશ. અહીં આવી ઘટનાઓ વિદેશના આંધળા અનુકરણની દેન ઉપરાંત પણ કેટલીક બદલાઇ રહેલી માનસિકતા વિષે વિચારવા પ્રેરે છે.



        શાળાઓમા બેધડક ધનાધન ફાયરીંગ, કન્યાઓની છેડતી, નાબાલિક કિશોરીઓનુ ગર્ભવતી બનવુ, શાળાઓમાં બાળાત્કાર, ચાકુ-તલવાર જેવા ઘાતક હથીયારો સાથે શાળામાં જવુ જેવી બાબત અમેરિકા, કેનેડા કે યુરોપના દેશોમા અવારનવાર જોવા મળે છે. પણ સવાલ મોટો એ છે કે, બાળકોમાં આ પ્રકારની ભયંકર માનસિકતા ભારતમાં પણ છાને ખુણેથી પ્રવેશી ગઇ છે. જ્યારે આવી ઘટના નજર સામે આવે ત્યારે મનમાં સહજ વિચાર આવે કે, આની માટે બાળક કેટલા અંશે જવાબદાર ?
અપરાધીકરણના ખપ્પરમાં બહુ ઝડપથી હોમાતા ભારતના બાળપણ માટે કોઇ એક પરિબળ જવાબદાર નથી. આ પરિસ્થિતિ પાછળ અનેક કારણો છે. દેશની અલગ અલ્ગ પ્રાંતની શાળાઓમાં વિદ્યાર્થીઓની અસહિષ્ણુતાના કિસ્સાઓ જોઇને એમ લાગે કે ભારતના ભવિષ્ય સમુ યૌવન કઇ દિશામાં જઇ રહ્યું છે ? નાગ ડંશ મારે અને જીવનુ જોખમ ઉભુ કરે એ પહેલા એ ફેણ ઉઠાવે કે તરત એને દબોચી લેવામાં જ ભલાઇ છે. આપણા દેશમાં હજુ પશ્ચિમના દેશો જેટલી ભયાનક પરિસ્થિતિ નથી, બાળકોમાં ફેલાતો જતો અસહિષ્ણુતાનો આ નાગ ફેણ ઉઠાવવા જઇ રહ્યો છે એને આજે જ દબોચી લેવો પડશે.



આજનો યુગ ઇન્ફર્મેશન બ્લાસ્ટનો યુગ છે. ટીવી, અખબાર, ઇન્ટરનેટ, સોશીયલ મિડીયા વગેરે માહિતી માટે ખુબ આવશ્યક છે. પણ એના વિવેકપૂર્ણ ઉપયોગની આવશ્યકતા છે. આ માધ્યમો ઉપર પિરસાતી તમામ સામગ્રી કુમળી વયમા યોગ્ય મુલ્યાંકન માટે અસમર્થ હોય એ સમજી શકાય એવી વાત છે. સ્વભાવિક રીતે જ બાળક ટીવી, ફિલ્મો, ઇન્ટરનેટ, સોશીયલ મિડીયા ઉપર આવતી સામગ્રીઓથી જબરજસ્ત પ્રભાવિત થતુ હોય છે. માતા-પિતા પાસે બાળકો માટે સમય ન હોઇ બાળકોના કુમળા ટેરવાઓને એન્ડ્રોઇડ અને ટીવી રીમોટના નંબરો લાગણીવિહિન બુઠ્ઠા અને બરડ બનાવી દે છે. અધુરામાં પૂરું ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરો બિઝનેસની કટથ્રોટ કોમ્પિટિશનમાં પોતાના વ્યવસાયને વધુ આગળ વધારવાની લ્હાયમાં ખુબ નજીવા દરે ઇન્ટરનેટ ડેટા પેક સર્વિસ પૂરી પાડવા લાગ્યા છે. આજનુ બાળક ઇન્ટરનેટથી જેટલું ઝડપથી જોડાઇ જાય છે એટલુ જ ઝડપથી ફેમિલિનેટથી વિખુટુ પડતુ જાય છે.
સંયુક્ત કુટુંબની પરિભાષા હવે વિસરાતી જાય છે. કાકા-બાપા, મામા-માસીના પરિવારો એકસાથે મોજથી રહેવાની વાત હવે ફેન્ટસી જેવી લાગવા માંડી છે. છ બાર મહિના સુધી ભાણેજ મામા એક બીજાને ફેસ ટુ ફેસ મળતા પણ નથી. સાથે રહેવામાં અને વડીલોને માન આપવાની વાત ઝંઝાળ જેવી લાગવા માંડી છે. પત્ની અને બાળક સાથે અલગ રહી આઝાદ જીંદગી જીવવાનો ટ્રેંડ થઇ ગયો છે. પરિણામે મમ્મી-ડેડી રૂપિયા રળવા વહેલી સવારથી ઘરની બહાર નીકળી પડે અને મોડી સાંજે પાછા આવે. અને આખો દિવસ બાળક આયાના સહારે ટીવી અને ઇન્ટરનેટના હવાલે... મા-બાપની લાગણી અને પ્રેમની હૂફ મહેસુસ કર્યા વગર બાળકના માનસપટ ઉપર ટીવી અને ઇન્ટરનેટ ઉપર આવતી અઢળક બીનજરૂરી માહિતી અડ્ડો જમાવી દે છે. એક તબક્કો એવો આવે છે કે બાળક હિંસક બની અણછાજતી હરકતો કરવા પ્રેરાય છે.



આ સમશ્યાનો સીધો અને સચોટ ઉપાય દરેક મા-બાપ પાસે હોય જ છે. એવુ પણ નથી કે મા-બાપ સમજતા નથી, પણ સવાલ માત્ર એટલો જ છે કે મા-બાપને જ્યારે સમજ પડવી જોઇએ ત્યારે એ સમજાતુ નથી. અને જ્યારે સમજ પડે છે ત્યારે ઘણું મોડુ થઇ ગયું હોય છે. માતા પિતાએ રોજ આખા દિવસમા અડધો કલાક કે કલાક બાળક પાસે બેસી એને સાંભળવુ જોઇએ. એની દિનચર્યામાં રસ લેવો જોઇએ. જ્યારે બાળક નાનુ હોય ત્યારે શાળામાં, રમતના મેદાનમાં, રસ્તા ઉપર, ભાઇબંધો સાથે થયેલી મસ્તી વગેરે નાની નાની વાતો પણ મા બાપને કહેતુ હોય છે. જમતી વેળા ડાઇનિંગ ટેબલ ઉપર કે સાંજે સમાચાર જોતી વખતે કે પછી સુતી વખતે બેડ ઉપર પણ એની બોબડી ચાલુ જ હોય છે. પણ ત્યારે માતા પિતા પાસે એની વાત સિન્સ્યરલી રસપૂર્વક સાંભળવાનો સમય નથી કે પછી એની વાત ઉપર ધ્યાન આપવાની ઇચ્છા નથી થતી. આ જ બાળક જેમ જેમ મોટું થતું જાય એમ એની બોલતી બંધ થતી જાય છે. જ્યારે માતા પિતાની યુવાની ઢળતી જાય અને બાળક તરૂણ અવસ્થામાં પહોંચે એ સમયે બાળકની વાતો સાંભળવા મા બાપ આતુર હોય છે ત્યારે બાળકનો રસ મા બાપમાં સમાપ્ત થઇ ગયો હોય છે. એણે એના જીવનમા બીજા ક્ષેત્રોને પ્રવેશ આપી દીધો હોય છે. માતા પિતાના બદલે બહારના પાત્રોએ બાળકના મનમા અને હદયમા સ્થાન જમાવી નાખ્યું હોય છે.
આપણી શિક્ષણ પ્રથા પણ આ જવાબદારીમાંથી છટકી શકે એમ નથી. શિક્ષકોએ પણ બાળકને ન આવડતી બાબત માટે એને જાહેરમા ઉતારી પાડવાની જગાએ એના મનમા વિશ્વાસ જગાવવો પડે કે, આ ઉમરમા ભલભલાની આવી ભુલો થતી હોય છે. તું પહેલો એવો વ્યક્તી નથી કે જેની આ ભુલ થઇ છે. આવા વિશ્વાસથી બાળકમાં આગળ આવવાની શક્તિનો સંચાર થતો હોય છે અને નકારાત્મક વલણ એના મનમા કબજો જમાવતુ નથી.
બાળકને ટીવી, ઇન્ટરનેટ કે સોશીયલ મિડીયા ફોર્સફુલી બંધ કરાવવા  કરતાં ટીવી, ઇન્ટરનેટથી વધુ રસ પરિવારમાં પડે એવુ વાતાવરણ નિર્માણ કરવું પડે. જ્યારે પણ બાળક નિષ્ફળ જાય ત્યારે તેને ટોકી કે ઠોકીને રસ્તો ક્યારેય ન બતાવાય. લેનીન, કેનેડી, આઇનસ્ટાઇન જેવા સફળ થયેલા લોકોની પ્રારંભિક નિષ્ફળતાઓના કિસ્સા વર્ણવી એમની સફળતાની કહાની કહીને બાળકના આગળ આવવાનો માર્ગ પ્રશસ્ત કરવો પડે. ટીવી, ઇન્ટરનેટ, સોશીયલ મિડીયાના ઝડપી યુગમાં જરા સંભાળપૂર્વક આજની પેઢીનો ઉછેર કરવો પડશે. આજથી જ પ્રયાસો કરવા પડશે. કાલે કદાચ બહુ મોડુ થઇ જશે. મારુ બાળક વેસ્ટર્ન કલ્ચરથી સિવિલાઇઝ્ડ લાગે છે એનુ આજે ગૌરવ લેવા જતા કાલે ભારતીય સંસ્કારોના સાગરથી વિમુખ થવાની મોટી કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડશે. હજુ કશુ મોડુ થયું નથી જાગ્યા ત્યારથી સવાર. નવા યુગના માહિતીપ્રદ વૈજ્ઞાનિક ઉપકરણોનો સત્કાર અને એના વિવેકપૂર્ણ ઉપયોગનો સ્વીકાર જરૂર પણ આદરપૂર્વક સન્માન અને સલામ તો આપણા ભારત વર્ષના સંસ્કાર અને સાંકૃતિક વિરાસતને જ હોય.

ધબકાર : તમારા પરિવાર સાથે પ્રતિપળ ઉત્સવ ઉજવો, તહેવારોની રાહ શા માટે જોવાની ?







No comments:

Post a Comment