Monday, 13 August 2018

ગુમનામીમાં રહેતી સેહમત આખરે લેખક સિક્કા સાથે વાત કરવા સંમત થઇ


ગુમનામીમાં રહેતી સેહમત આખરે લેખક સિક્કા સાથે વાત કરવા સંમત થઇ

દેશપ્રેમના ઈન્જેકશન ન હોય. રાષ્ટ્રભાવનાનો એક ડોઝ આપ્યો અને એક વર્ષ ચાલે. દેશપ્રેમ તો લોહીમાં વણાયેલો હોવો જોઈએ. કોઈપણ રાષ્ટ્રનો પ્રાણ દેશના નાગરિકોની દેશદાઝ છે. જે દેશના નાગરિકોના લોહીમાં પેટ્રોઈટિઝમની ઉણપ હોય એ રાષ્ટ્ર ક્યારેય વૈશ્વિક નકશા ઉપર બુલંદ સ્થાન પ્રાપ્ત ન કરી શકે. સમસ્યાઓના બે સ્વરૂપ હોય. એક ભૌતિક સમસ્યા કે, જેને પ્રત્યક્ષ જોઈ શકાય. અને બીજી આંતરિક સમસ્યા, જેને માત્ર અનુભવી શકાય. ગરીબી, બેકારી, વસતીવધારા જેવી અનેક ભૌતિક સમસ્યા છે. આ સમસ્યાઓના ઉકેલ માટે પ્રયાસો થાય અને આ સમશ્યાઓનું કોઈ એક તબક્કે નિરાકરણ પણ આવી જાય. જ્યારે દેશદાઝની કમીની આંતરિક સમસ્યા છે. આ અત્યંત વિકરાળ સમસ્યા કહેવાય. આ સમસ્યાના દૂરગામી પરિણામો કોઈપણ રાષ્ટ્ર માટે ખતરનાક જ નીવડે. એક તબક્કે ગરીબાઈ, બેરોજગારી જેવી સમસ્યાઓ ચલાવી લઈ શકાય પણ દેશદાઝની કમી ક્યારેય ચલાવી ન લઈ શકાય. દેશપ્રેમ એક એવો એવરગ્રીન વિષય છે કે, કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ દેશમાં સદાકાળ લોકોના હૃદયમાં હમેશા ધબકતો હોય છે. સિનેમા લોકલાગણીઓને ઝીલતું પ્રબળ માધ્યમ છે. મનોજકુમારથી માંડીને અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરૂખ ખાન, અક્ષયકુમાર જેવા બોલીવુડના ઘણા કલાકારોએ રાષ્ટ્રપ્રેમના વિષય ઉપર ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં દેશદાઝને સુપેરે પ્રસ્તુત કરતી ફિલ્મ રાઝીરીલિઝ થઈ એ પહેલાં યુ ટ્યુબ ઉપર આ ફિલ્મનું ટ્રેલર લોંચ થયાના ૨૪ કલાકમાં જ ૧૦ મિલિયનથી વધુ લોકોએ આ ટ્રેલર જોયું.


આલીયા ભટ્ટ અભિનિત રાઝીફિલ્મ થિયેટરોમાં ખૂબ ચાલી એની પાછળ આલીયાની દમદાર એકટિંગ કરતાં વધારે દેશદાઝથી ઠસોઠસ ભરેલુ આ ફિલ્મનુ કથાનક છે. મહિલા જાસુસના વાસ્તવિક કિરદાર ઉપર આધારિત આ ફિલ્મની વાર્તા હૃદયસ્પર્શી બની છે. વાસ્તવિક વાત ઉપરથી હરિન્દર સિક્કાએ કોલિંગ સેહમતનામની નવલકથા લખી છે. રાઝી ફિલ્મ આ નકલકથા ઉપરથી બની છે. હરિન્દર સિક્કા ભારતીય નેવીના નિવૃત્ત અધિકારી છે. સિક્કા કારગીલ યુદ્ધ ઉપર સંશોધન કરતા હતા. સિક્કા તેમના સંશોધનના ભાગરૂપે આર્મીના એક ઓફિસર સાથે ચર્ચા કરતા હતાં ત્યારે સિક્કાને ભારતની રૉ સંસ્થાની એક મહિલા જાસુસની દિલધડક કામગીરી વિશે આર્મી ઑફિસરે વાત કરી. જો કે આ અધિકારીએ હરિન્દર સિક્કાને એ મહિલા જાસુસનુ નામ નહોતું આપ્યું. એમણે સિક્કાને કહ્યું કે, કાશ્મીરી એક છોકરીએ પાકિસ્તાની સેનાના એક આધિકારી સાથે લગ્ન કરીને ભારતીય સેનાને પાકિસ્તાન આર્મીના પ્લાન અંગે અગત્યની ગુપ્ત માહિતી આપીને કાબિલે તારીફ કામ કર્યું છે. આ ગુપ્ત માહિતીથી ભારતીય લશ્કરને ખુબ મહત્ત્વપૂર્ણ સફળતાઓ મળી છે. હરિન્દર સિક્કાને આ મહિલા જાસુસની વાતમાં રસ પડ્યો.


સિક્કા મહાપ્રયત્ને આ મહિલા જાસુસનુ સરનામું મેળવ્યું. જ્યાં અજ્ઞાતવાસમાં રહેતી હતી એવા પંજાબના નાનકડા ગામ મલેરકોટલા હરિન્દર સિક્કા પહોંચ્યા. પહેલાં તો આ મહિલા જાસુસે સિક્કા સાથે વાત કરવાનો જ નનૈયો ભણ્યો. સિક્કાની ખૂબ વિનંતી કર્યા પછી એ વાત કરવા તૈયાર થઈ. એણે સિક્કા સામે શરત રાખી કે, એ આ વાતચીત કોઈને નહીં કહે. સિક્કાએ કોઈને આ વાત ન કહેવાનું વચન આપ્યું. પછી આ મહિલા જાસુસે એની જીવનકથાના પાના સિક્કા સામે ખોલવાના શરૂ કર્યા.
હરિન્દર સિક્કાએ મહિલા જાસૂસને આપેલું વચન બરાબર નિભાવ્યું. એમણે નવલકથામા મહિલા જાસુસનુ નામ બદલીને સેહમત રાખ્યું. સેહમતનું ખરું નામ તો કોઈનેય ખબર નથી. દેશપ્રેમી પિતાએ ફુલ જેવી દીકરીને જાસૂસ બનાવી પાકિસ્તાન આર્મીના ઓફિસર સાથે પરણાવી. ભારતીય સેના માટે ખુફીયા જાણકારી મેળવવાની મસમોટી જવાબદારી હેહમતના નાજુક ખભા ઉપર વિશ્વાસપૂર્વક મુકી. સેહમતે એ કામ બખુબી નિભાવી જાણ્યું.
લગ્ન કરીને પાકિસ્તાન પહોંચેલી સેહમતે ચાલાકીપૂર્વક પાકિસ્તાન આર્મીના જનરલ યુસુફખાનના પૌત્ર-પૌત્રીઓનું ટ્યુશન કરવાનુ કામ પણ હાથમાં લીધું. જનરલ યુસુફ ખાનના ઘરેથી જ સેહમતને ભારતીય સેનાને ઉપયોગી એવી ઘણી મહત્ત્વની ખુફીયા જાણકારીઓ મળતી. એ સમયમાં ભારતીય નૌસેનાનો આઈએનએસ વિરાટ ઉપર બહુ મોટો દરોમદાર હતો. પાકીસ્તાનનો પ્લાન આઇએનએસ વિરાટને તોડી પાડવાનો હતો. સહેમતને યુસુફખાનના ઘરેથી જ આઈએનએસ વિરાટ ઉપર પાકિસાતાની સેનાના આક્રમણ કરવાના પ્લાનની ખબર પડી. સહેમતે ભારતના આઈએનએસ વિરાટના સંદર્ભમાં ભારતીય સેનાને ગુપ્ત માહિતી વેલ ઈન એડવાન્સ પુરી પાડતાં આઈએનએસ વિરાટને ઊની આંચ ન આવી.
ભારત માટે જાસૂસી કામ કરતાં કરતાં સહેમતને તેના પાકિસ્તાની મિયા સાથે દિલથી મહોબ્બત થઈ ગઈ. સહેમતના પેટમાં પાકિસ્તાની આર્મી ઓફિસરનું ફરજંદ પનપતું હતું. જોકે આ દેશપ્રેમી મહિલા જાસુસે મહોબ્બતને તેની દેશ દાઝ - દેશપ્રેમમાં ક્યારેય આડે ન આવવા દીધી. ભારત આવીને એણે બાળકને જન્મ આપ્યો. સહેમતનો દીકરો મોટો થઈને ભારતીય સેનામાં ઓફિસર બન્યો. આજે તો સહેમત ખાન જન્નતનશીન થઈ ગઈ છે. એનો પુત્ર પણ ભારતીય લશ્કરમાંથી નિવૃત્ત થઈ ગયો છે. ત્યારે હરિન્દર સિક્કાએ તેનું વચન પાળીને સેહમત જીવી ત્યાં સુધી કોલિંગ સેહમત પુસ્તક પ્રકાશીત ન કર્યું. ભારતીય રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગની આ મહિલા જાસૂસનુ નામ બદલીને સહેમતના નામે સિક્કાએકોલિંગ સેહમતનવલકથાની નાયિકા બનાવીને હિન્દુસ્તાનની આવામ સામે પ્રસ્તુત કરી. હરિન્દર સિક્કા દ્રઢપણે માનતા કે સહેમતની વાત જનતા સમક્ષ એટલા માટે મુકાવી જોઈએ કે દેશપ્રેમ અને દેશદાઝ દેશનો પ્રાણ છે. સહેમત જેવા અલભ્ય નગિના સમાન ચરિત્ર દેશની જનતા માટે આઈકોનિક પુરવાર થતાં હોય છે. ‘કોલિંગ સેહમત’ પુસ્તક કોઈ સનસનાટીભરી જાસૂસી કાલ્પનિક કથા નથી પણ ‘રિયલ હિન્દુસ્તાની પર્લ’ને અભિવ્યક્ત કરતું અદભુત નજરાણું છે.
દેશભક્તિ અને દેશપ્રેમ રાષ્ટ્રીય દિવસો પૂરતો સિમિત રહે એવા દેશોના નાગરિકોની દેશદાઝ હાસ્યાસ્પદ બની જાય છે. ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરીએ રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને ત્રિરંગો ઝંડો લહેરાવીને બેસી રહેવા કરતાં પ્રતિદિન નાની નાની વાતોમાંથી દેશપ્રેમનો પ્રતિઘોષ આપતા જવાંમર્દો આ દેશમાં છે. ગમે ત્યાં કચરો ન ફેંકીને દેશને સ્વચ્છ બનાવવામાં યોગદાન આપવામાં આવે તો એ પણ દેશભક્તિનું જ કામ છે. કોઇ ઇજનેર માર્ગ કે મકાન નિષ્ઠાપૂર્વક બનાવે તો એ દેશપ્રેમ જ છે. દર્દીની પ્રેમથી સેવા કરતો તબીબ કે સમયનો વ્યય કર્યા વગર નિષ્ઠાથી કામ કરતો સરકારી કર્મચારી પણ દેશપ્રેમી જ કહેવાય. નાની નાની વાતોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જે દેશના નાગરિકોમાં છલકતી હોય તે રાષ્ટ્ર નિઃસંદેહ પણે વિકાસ માર્ગે મક્કમતાથી આગળ વધવાનો જ છે. નાનું કે મોટું કોઇ પણ કાર્ય મારા રાષ્ટ્રના નિર્માણનું કાર્ય છે, એમ સમજીને કરવામાં આવે તો કાર્ય અનોખો નિખાર આવે.
દેશના સૈનિકો સરહદ ઉપર જાગે છે એટલે આપણે નિરાતે ઉંઘી શકીએ છે. સૈનિકોને જ્યાં અને જ્યારે મળીએ ત્યારે સસ્મિત ગર્વથી સલામ કરીએ. જેમ સૈનિકો સરહદ પર લડીને રાષ્ટ્રની સેવા કરે છે, એમ આપણા જે કોઈ કામ છે તેને સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરીને દેશના નિર્માણમાં યોગદાન આપતા આપણે પણ રાષ્ટ્રના સૈનિક જ છીએ એવી ભાવના બળવત્તર કરવી પડે. આપણી ઉપર દુશ્મનનો કોઈ ખતરો ન આવે એવી પ્રાર્થના કરવા કરતાં મુશ્કેલીઓનો મક્કમતાથી મુકાબલો કરવાની ઈશ્વર મને શક્તિ આપ એ પ્રકારની પ્રાર્થના હોવી જોઇએ.

ધબકાર -
જિંદગી તો પોતાના બાવડાના બળ ઉપર જ જીવાય છે, બીજાના ખભે તો નનામી જતી હોય છે.

શહીદ વીર ભગતસિંહ




No comments:

Post a Comment