Monday, 13 August 2018

યુવાન મિત્રોમાં ઘરડા મા-બાપનો પરિચય આપતાં એ ગર્વ થતો


યુવાન મિત્રોમાં ઘરડા મા-બાપનો પરિચય આપતાં એ ગર્વ થતો

એક બાપ - દીકરીના સંવાદની વાત છે. ચોમાસાની ઋતુમાં પિતા-પુત્રી શહેરથી દૂર ગામડે વીકએન્ડ મનાવવા ડ્રાઇવ ઉપર નિકળ્યા. ધીમી ધારે વરસાદ પડતો હતો. વાતાવરણ સરસ હતું. પિતા-પુત્રી અલક મલકની મજાની વાતો કરતા ગાડીમાં ડ્રાઈવ કરતા કરતા વરસાદી મોસમ માણતાં એક પુલ ઉપર આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી હતી. દ્રશ્ય ખૂબ સોહામણું હતું. વીસેક વર્ષની દીકરીએ પપ્પાને કહ્યું, ‘પાપા, પુલ ઉપર કોઈ વાહન નથી. નદી બે કાંઠે છે. આપણે કાર સાઈડમાં પાર્ક કરી થોડીવાર ચાલીએ તો ?’


પિતાએ કહ્યું, ‘એક્સેલન્ટ આઈડિયા છે બેટા. મજા પડશે ચાલવાની.’ કાર પુલની સાઈડ ઉપર પાર્ક કરીને બાપ-દીકરી પુલ ઉપર વાતો કરતા ચાલવા લાગ્યા. જોત જોતામાં નદીમાં પાણીનું સ્તર વધી ગયું. ઘૂંટણ સમાણા પાણી પુલ ઉપરથી પસાર થવા લાગ્યા. બાપે દીકરીને કહ્યું, ‘બેટા લાવ તારો હાથ હું પકડી રાખુ.’ ત્યારે દીકરીએ કહ્યું, ‘ના, પાપા હું તમારો હાથ પકડી રાખું.’ પિતાએ હસતા હસતા કહ્યું, ‘હું તારો હાથ પકડુ કે, તું મારો હાથ પકડે એમા શો ફરક છે બેટા ?’ ત્યારે દીકરીએ ખૂબ સરસ જવાબ આપ્યો. ‘ન કરે નારાયણ પાણીનુ લેવલ વધી જાય. હું તણાવા લાગું તો તમે તમારો હાથ પકડ્યો હોય તો તમે કદી ન છોડો અને મારા કારણે તમે જોખમમાં મુકાઈ જાવ. પણ જો મેં તમારો હાથ પકડ્યો હોય તો હું આવી પરિસ્થિતિમાં તમારો હાથ સહેલાઈથી છોડી દઈ શકું અને તમને જોખમ મુક્ત કરી દઉં.’


ચાર દીવાલોથી બનેલું મકાન પ્રેમ, લાગણી, આદર અને સમર્પણથી ઘર બનતું હોય છે. કોઈ ચોક્કસ નીતિ નિયમો, કાયદા કાનૂન વગર પણ આદર, માન અને સત્કારનું સામ્રાજ્ય એટલે પરિવાર. જ્યાં એકમેક માટે સમજણનું સરોવર હોય અને વડીલો માટે આદર અને પ્રેમનો મહાસાગર હોય એ પરિવાર એટલે ગુલાબના ફુલોથી મહેકતો આખે આખો બગીચો. મારી મચડીને અનુશાસનના પાઠ નહીં પણ સમર્પણની સરવાણી જ્યાં ફુટતી હોય ત્યાં ઈશ્વરનો વાસ હોય છે.
મોર્નિંગ વોક દરમિયાન બગીચામાં બે મિત્રો ભેગા થયા. એક મિત્રએ કહ્યું, યાર, ક્યાં હતો આટલા દિવસ ? દેખાયો જ નહીં.’ બીજા મિત્રએ કહ્યું, ‘પપ્પાને મોઢાનું કેન્સર ડિટેક્ટ થયું છે. એસ.જી. હાઈવે ઉપરની કેન્સર હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું અને હવે રેયઝમાટે અઠવાડીયામાં ચાર દિવસનો શિડ્યુલ છે. એટલે આવી ન શક્યો.’
પેલા મિત્રએ કહ્યું, ‘કેટલો ખર્ચો થયો?’ એણે જવાબ આપ્યો,ઓપરેશનમાં નવેક લાખ અને રેયઝના ત્રણેક લાખ મળીને કુલ બાર લાખ જેટલા થયા.’
આ સાંભળીને પેલા મિત્રએ સલાહ આપી, ‘સિવિલમાં સરકારી રાહે ૭૦-૭૫ હજારમાં પતી જાય. ત્યાં જવું જોઈએ ને ?’
પેલા મિત્રએ કહ્યું, ‘દોસ્ત, બાળપણમાં જે રમકડા ઉપર હાથ મૂક્યો એ પપ્પાએ અપાવ્યું. સામાન્ય શરદી સળેખમ થયું હોય તો પણ મમ્મી-પપ્પા સુપર સ્પેશ્યાલીસ્ટ પાસે લઈ જતાં. મોંઘામાં મોંઘી શાળા-કોલેજમાં અભ્યાસ કરાવ્યો છે. આજે જ્યારે એમની સેવા કરવાનો ઈશ્વરે મને અવસર આપ્યો છે ત્યારે હું પૈસા સામે કેવી રીતે જોઈ શકું ?’ આ મિત્ર એના યુવાન મિત્રોમાં ઘરડા મા-બાપનો પરિચય કરાવતાં હમેશા ગર્વ અનુભવતો.
લગભગ ૮૦ વર્ષની આસપાસ પહોંચેલા પિતાજીની સેવા કરતા યુવાન મિત્રનો ધીકતો ધંધો છે. ધંધો માણસોને સોંપી રીતસર મહિના દિવસથી પિતાની સેવામાં લાગેલા યુવાનને બિમાર પિતાએ ઘણીવાર કહ્યું, ‘મને હવે સારું છે. તું તારા શો-રૂમ ઉપર જા. જરૂર પડશે તો બોલાવી લઈશ.’ પણ આ યુવાન સવાર-સાંજ અડધો કલાક શો-રૂમ ઉપર જઈ અગત્યના કામ નિપટાવી પિતાની પડખે બેસી સેવા કરે.
માણસના જીવનમાં બે તબક્કા એવા આવતા હોય છે જેમાં એ તદ્દન નાદાન અને બીજા ઉપર અવલંબિત હોય છે. એક બાળપણ અને બીજું વૃદ્ધાવસ્થા. જન્મ થાય ત્યારે હસતાં રમતાં નાનકડા ખોળીયાની ભુખ-તરસ, સુખ-દુઃખનું તમામ પ્રકારનું ધ્યાન મા-બાપ રાખે અને એ જ બાળક ૭૦-૮૦ વર્ષનું વૃદ્ધ થાય ત્યારે એનું સંપૂર્ણ ધ્યાન એનું બાળક રાખે એ કુદરતી નિયમ છે. ઈશ્વર ઘરે ઘરે નથી પહોંચી શકતો એટલે એણે દરેક ઘરમાં મા-બાપની ઐશ્વરીય ભેટ આપી છે.
   માની મમતા અને બાપની કુરબાની ઉપર ખૂબ લખાયું, વંચાયું અને બોલાયું, સંભળાયું છે. પિતા એટલે કાળજીપૂર્વક સચવાયેલા કલેજામાં કડકાઈ અને કરૂણાનું અદભુત સમાયોજન સાથે સુરક્ષાના કવચથી બાળકને મળતી વિશ્વાસપૂર્વકની હૂંફ. જ્યારે મા એટલે સ્નેહના સરનામા સાથે મમતાનું અસ્ખલિત વહેતું એવું ઝરણું કે જ્યાં નિરાંતનો શ્વાસ ભરી શકાય. મા-બાપના સ્નેહાળ ઉછેરના મુળમાં આ સંસ્કારીતા બાળકમાં માતા-પિતા માટે અતુટ શ્રદ્ધા, અખૂટ આદર અને અપાર સ્નેહ ભરી દેતા હોય છે. બાળકોના મા-બાપની સેવાના કિસ્સા ઘણા છે અને નજરે પણ પડતા હોય છે, શરત એટલી કે એ માટેની દ્રષ્ટી હોવી જોઇએ. સામાન્ય રીતે બાળકો મા-બાપને સાચવતા ન હોય એવા ‘બાગબાન’ ટાઇપ્સ કિસ્સાઓ લોકોની સંવેદના જંકૃત કરી હદયમાં ઉંડે સુધી અસર કરતા હોય છે એટલે આવી વાતો વધુ પ્રકાશમાં આવતી હોય છે. નાલાયક બાળકોની વાતો જેમ બહાર આવે એમ લાયક બાળકોની વાતો પણ વાગોળવી જોઇએ. એનાથી સમાજમા નવી ચેતના અને તાજગી આવતી હોય છે.
કહેવાય છે ને કે, પિતા જ એક એવી વ્યક્તિ હોય છે, કે જે પોતાના કરતાં એના દીકરા-દીકરી આગળ વધે તેનો આનંદ થાય. છોકરી પતિની ગમે તેટલી સેવા કરે, પ્રેમ કરે પણ એ પતિ માટે રાણી બની શકતી નથી, હજારો ભૂલો કરી હોય તો પણ બાપ માટે દીકરી જન્મે તે દિવસથી રાજકુંવરી જ હોય છે. દરેક દીકરો મા-બાપ માટે રાજકુંવરથી કમ નથી હોતો. દેશ હોય કે વિદેશ યુવાનીના ઉંબરે પગ મૂકતા કમાતા ધમાતા દીકરા કે દીકરીએ ઉંમરલાયક મા-બાપની લાકડી બનવાનું ગૌરવ લેવું જોઈએ. એમના યુવાન દોસ્તોમાં માતા-પિતાનો ગર્વથી પરિચય કરાવતા આનંદ થવો જોઈએ. જે દિવસે માતા-પિતાની આંખમાં બાળકના કારણે આંસુ આવે ત્યારે સમજી લેવું જોઈએ કે જીવનપર્યંત કરેલા મંદિરોના ફેરા અને પુજા-અર્ચનાનો કોઈ અર્થ જ નથી.
એક ચિંતકે સરસ કહ્યું છે કે, જ્યારે પરિવારમાં કોઈ નવાગંતુકનો જન્મ થાય ત્યારે જો તે દીકરો હોય તો ઈશ્વર એમ કહીને એ આત્માને મોકલે છે કે જા તારા પિતાને તું મદદ કર’, પણ જો દીકરી હોય તો ભગવાન કહે છે કે, ‘હું તારા પિતાને મદદ કરીશ.’ મા-બાપની બાળકો માટે અને બાળકોની મા-બાપ માટેની લાગણી અને આદર પરિવારનો પરમાર્થ છે. કોઈ પરિવારમાં બાળકો દ્વારા મા-બાપની ઉપેક્ષાનો ધડો લઈને ક્યારેય જાતે દુઃખ ન વહોરવું. આદર્શ સ્થિતિ તો એ કહેવાય કે ક્યાય ઘરડા ધરની આવશ્યકતા જ ન પડે. આમ પણ જ્યારે આંકડાકીય વિગતો જોઇએ તો દસ લખની વસતી ધરાવતા શહેરમા બે કે ત્રણ ઘરડા ઘર હોય તો ટકાવારી પ્રમાણે એક ટકો બાળકો પણ એવા નથી કે મા બાપનો આદર ન કરતા હોય. એવા અનેક પ્રસંગોથી વિશ્વ ભર્યું પડ્યું છે જ્યાં બાળકો મા-બાપને આદર, માન, સત્કાર અને સ્નેહથી પૂજે છે. શા માટે આદર્શ દીકરા - દીકરીનો દાખલો ન લઇએ. વૃદ્ધાશ્રમોના દાખલા લીધા કરતાં હસતાં ખેલતાં સંસ્કારી પરિવારના દાખલા હદયમાં શાતા આપે છે.

ધબકાર :
બડે બુઝુર્ગ કી ઉંગલીયો મેં કોઈ તાકત તો ન થી, મગર જબ સર જુકા, સીર પર રખ્ખે કાંપતે હાથોને જમાનેભર કી દૌલત દે દી.







No comments:

Post a Comment