‘તોત્તો-ચાન’ની વિક્રમજનક
૬૦ લાખ ઉપરાંત નકલો ચપોચપ વેચાઈ ગઇ
અડધી પોણી સદી પહેલાની વાત છે. એક જાપાની દંપતિને ત્યાં દીકરી અવતરી. આવનારું બાળક તેમનું પ્રથમ સંતાન હતું. દંપતિના મિત્રોએ ભવિષ્ય ભાખેલું કે, એમને ત્યાં દીકરો જ આવશે. દંપતિને પણ લોકોની વાત ઉપર જબરો વિશ્વાસ
બેસી ગયેલો. એમણે
તો આવનારા બાળકનુ નામ ‘તોરુ’ પાડવાનું
નક્કી કરી લીધું. પણ ઇશ્વરને
કંઇક બીજુ જ મંજુર હતું. એમના ઘરે દીકરીના પગલાં પડ્યાં. દંપતિ થોડું નાસીપાસ થઈ ગયું. કારણ કે એ સમયે જાપાનમાં જમાનો
પુરૂષપ્રધાન હતો. બન્નેને
‘તોરુ’ શબ્દ ખૂબ ગમતો. ચાઇનીઝ શબ્દ ‘તોરુ’નો અર્થ દૂર દૂર લઈ જવું એમ થાય. એટલે એમણે આ ચાઇનીઝ શબ્દને છોકરીના
નામમાં ફેરવવા ‘તેત્સુ’માં નારીવાચક ‘કો’ જોડીને દીકરીનું નામ પાડ્યું ‘તેત્સુકો’. બધા આ પ્યારી છોકરીને ‘તેત્સુકો-ચાન’ કહેવા લાગ્યા. ‘ચાન’ એ ‘સાન’નું જાણીતું રૂપ છે અને તે કોઈપણ
વ્યક્તિ પાછળ જોડી શકાય.
આ નાનકડી દીકરી ‘તેત્સુકો-ચાન’ શબ્દ બરાબર બોલી ન શકતી. કોઈપણ એનું નામ શું છે એમ પુછે તો એ
ફટાક દઇને કહેતી ‘તોત્તો-ચાન’. આમ આ દીકરી ‘તોત્તો-ચાન’ તરીકે જ ઓળખાવા લાગી. આ છોકરી મોટી થઈને ટેલિવિઝન ઉપર ‘તેત્સુકોઝ રૂમ’ નામે દૈનિક ઈન્ટરવ્યૂ કાર્યક્રમ બનાવતી
અને જાપાનની પોપ્યુલર અદાકારા થઈ ગઈ. એકવાર કોઈ મહિલા સામયિકમાં ‘તોત્તો-ચાન’નો ‘તોમોએ’ શાળા ઉપર લખેલો લેખ પ્રસિધ્ધ થયો. એ લેખ વાંચીને સામયિકના તંત્રી
કાશુહિસા કાતોએ ‘તોત્તો-ચાન’ને કહ્યું આ લેખનો વિસ્તાર કરીને એક
પુસ્તક લખો તો મઝા પડશે. અને પછી શરૂ થઈ ‘તોત્તો-ચાન’ પુસ્તક લખવાની અદભુત યાત્રા. આ પુસ્તક વિશ્વના મોટાભાગના શિક્ષણવિદો
અને એજ્યુકેશન ક્ષેત્રે પડેલા માંધાતા અને બુદ્ધિજીવીઓએ વાંચી કાઢ્યું છે. પોણી સદી પહેલા શિક્ષણની આઝાદ પ્રણાલિ
લઈને આવેલા કોબાયાશી નામના શિક્ષણવિદે ‘તોમોએ’ નામની શાળાને આકાર આપ્યો. ‘તોત્તો-ચાન’ આ શાળાનું ફરજન.
‘તોત્તો-ચાન’ વિશે આટલી પ્રાથમિક વિગતો સાથે વાત
કરવી છે ‘તોત્તો-ચાન’ પુસ્તક પ્રકાશનના આખો પહોળી કરી નાખે
એવા વૈશ્વિક સ્વીકારની. ‘તોત્તો-ચાન’ પુસ્તકે આખી દુનિયાના વાચકોને હલબલાવી મૂક્યા. પુસ્તકમાં વર્ણવાયેલા પ્રસંગો, એની રસગુલ્લા જેવી સરળ અને મીઠી ભાષા વિશ્વભરના
લોકોને સ્પર્ષી ગઈ. આ પુસ્તક
પ્રકાશનના પ્રથમ ત્રણ વર્ષમાં જ ‘બેસ્ટ સેલર’ બની ગયું. પુસ્તક પ્રસિદ્ધ થયું એના પ્રથમ
વર્ષમાં જ એની ૪૫ હજાર નકલો વેચાઈ ગયેલી. પુસ્તકની ૬૦ લાખ ઉપરાંત નકલો વેચાઈ છે. કોઈપણ જાપાની પુસ્તક વેચાણનો આ
સર્વોત્તમ વિક્રમ છે. જાપાનના ખૂણે ખૂણામાંથી લેખિકા ઉપર પ્રતિદિન હજારો પત્રો આવવા લાગ્યા
હતા. મઝાની
વાત તો એ હતી કે લેખિકાને મળેલા પત્રોમાં પાંચ વર્ષથી માંડીને ૧૦૩ વર્ષના વડિલોની
લાગણીઓ પત્ર સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. તોત્તો-ચાન સ્વયં કહે છે કે, લાખો પત્રો ઉપરથી એ સાબિત થાય છે કે, વિશ્વના ઘણા બધા લોકો કોબાયાશીના
શિક્ષણ પ્રણાલિના વિચારોને સ્વીકારી રહ્યા છે. પુસ્તકની લોકપ્રિયતાની કીર્તિ અને યશ
કોબાયાશીના શિક્ષણ પ્રણાલિના વિચારોને આપવાની તેત્સુકો કુરોયાનાગી ઉર્ફે તોત્તો-ચાનની નિખાલસતા અને ખેલદિલીને દિલથી
સલામ મારવાનુ મન થાય એવી વાત છે. શિક્ષણ જગત સાથે જોડાયેલા અનેક લોકો આ પુસ્તકનો
અલગ અલગ દ્રષ્ટિકોણથી રચનાત્મક ઉપયોગ કરી રહ્યા છે.
‘તોત્તો-ચાન’ બેસ્ટ સેલર કેમ બન્યુ એના પાયામાં પણ
કેટલાક મહત્વપૂર્ણ ખ્યાલ છે. અખબારો, ટીવી ચેનલો અને ઈન્ટરનેટના માધ્યમોએ ‘તોત્તો-ચાન’ પુસ્તકના વિષયને જબરજસ્ત પકડી લીધો. એના વિચારોને બરાબર મમળાવ્યા, સહેલાવ્યા અને બહેલાવ્યા. ‘આસાહી’ નામના એક અખબારે તો ‘તોત્તો-ચાન સિન્ડ્રોમ’ નામની કોલમ શરૂ કરી. ‘તોત્તો-ચાન’ પુસ્તક ઉપરની આ લેખમાળા પછી પુસ્તકના ગંજાવર
વેચાણની કથા આલેખતું એક પુસ્તક પ્રસિદ્ધ થયું. એમાં ‘તોત્તો-ચાન’ પુસ્તકના વિક્રમજનક વેચાણની નાની નાની
બાબતોનું પણ મજેદાર વિવરણ આપવામાં આવ્યું છે. કોઇ પુસ્તકના વેચાણની વાત કહેતુ કોઇ
પુસ્તક લખાય અને એ પણ માર્કેટમાં ચપોચપ ઉપડે એ વિશ્વના સર્જકો, તત્ત્વચિંતકો અને વાચકો સામે આવેલો
પ્રથમ કિસ્સો હતો.
કોઈ મહિલા દ્વારા લખાયેલું પુસ્તક જાપાનમાં ‘બેસ્ટ સેલર’ બન્યું હોય એની પહેલ વહેલી ઘટનાનો આખા
જાપાનમાં એ સમયે ભારે રોમાંચ હતો. ‘તોત્તો-ચાન’ પુસ્તકની આટલી મોટી ચાહના ઊભી થતાં જાપાન સહિત
વિશ્વભરના ઘણા પ્રોડ્યુસરો એની ઉપરથી ફિલ્મ બનાવવા માગતા હતા. કેટલાકે તો એનિમેશન ફિલ્મ અને નાટક
બનાવવા પણ લેખીકા સમક્ષ દરખાસ્ત કરી. પરંતુ તોત્તો-ચાને નમ્રતાપૂર્વક આ બધી ઓફરનો ઇનકાર
કર્યો.
પરિણામે દુનિયાભરમાં આટલુ પોપ્યુલર પુસ્તક હોવા છતાં એના ઉપર કોઈ ફિલ્મ આજદિન સુધી
નથી બની. માત્ર
શિનશોઈ નિહોત સિંફની ઓરકેસ્ટ્રાને એણે સળંગ વાર્તાને લયબદ્ધ સંગીતે મઢવા અનુમતિ આપી. એની રેકોર્ડ પણ બની. રેકોર્ડ એટલે બની કે, એ જમાનામાં સીડી, યુ-ટ્યુબ, એન્ડ્રોઇડ વગેરે નવા જમાનાના
રેકોર્ડીંગના ટુલ્સનુ અસ્તિત્વ જ નહતું.
‘તોત્તો-ચાન’ પુસ્તકનું ડોરો બ્રિટોને અંગ્રેજી
અનુવાદ કર્યો. એની
પણ ચાર લાખ નકલો વેચાઈ. અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયા બાદ લેખિકા તોત્તો-ચાનને અમેરિકાની અનેક ટીવી ચેનલોએ
ઈન્ટરવ્યૂ લેવા માટે પડાપડી કરી મુકી. ટાઈમ જેવા પ્રતિષ્ઠિત મેગેઝીનને ‘તોત્તો-ચાન’ ઉપર એક પાનું બનાવવાની ફરજ પડી. ચાઈનીઝ અને કોરિયન ભાષામાં પણ ‘તોત્તો-ચાન’નો અનુવાદ પ્રકાશિત થયો. યુરોપના ઘણા દેશોએ પણ ‘તોત્તો-ચાન’નો અલગ અલગ ભાષામાં અનુવાદ કર્યો. મોટા ગજાની બની ચૂકેલી લેખિકા તોત્તો-ચાનને
૧૯૮૪માં યુનિસેફે સદભાવના દૂત તરીકે નિયુક્ત કરી. આ પુસ્તકનો રમણભાઈ સોનીએ ગુજરાતીમાં કરેલો
અનુવાદ નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયો છે. એનો પણ લાખો ગુજરાતી ચિંતકો અને
શિક્ષણશાસ્ત્રીઓએ રસપૂર્વક લાભ લીધો છે.
તેત્સુકો કુરોયાનાગી ઉર્ફે ‘તોત્તો-ચાન’ નામની બારીએ ઊભી રહેતી નાનકડી એક
તોફાની છોકરીના જીવનમાં કોબાયાશી જેવા પ્રેમાળ ગુરુનો પ્રવેશ થતાં તેના
ટ્રાન્સફોર્મેશનની કથા અત્યંત હૃદયસ્પર્શી છે. નીલની શિક્ષણની આઝાદીવાળી ‘સમરહીલ’ શાળાની વાતને મેં મારા એક લેખમાં મૂકી
ત્યારે મારા સર્જક મિત્ર પ્રજ્ઞાબહેને મારા હાથમાં ‘તોત્તો-ચાન’ મૂકી વાંચવા આગ્રહ કર્યો. મેં લગભગ એક બેઠકે ‘તોત્તો-ચાન’ પૂરી કરી. આખા પુસ્તકની લયબદ્ધતા અને રસાળતા
હાથમાંથી તેને મૂકવા નથી દેતી. પુસ્તકનું દળ અને અર્થ અત્યંત દમદાર તો છે જ પણ
આ પુસ્તકનો દુનિયાભરના લોકોએ જે હદે સ્વીકાર કર્યો એની કહાની પણ જબરજસ્ત છે. હા, એકવાત જરૂર છે કે, પુસ્તકમાં આવતા જાપાની નામો થોડા
મૂંઝવણ જરૂર કરે છે, પણ એ સ્વભાવિક બાબત છે કારણ કે જે દેશની વાત હોય એ દેશના જ નામ. જોકે એનાથી પુસ્તકના મુળ હાર્દ કે
રસતત્વમાં લેશ માત્ર ફરક પડતો નથી.
જે વાતમાં દમ હોય એને દુનિયાની કોઈ તાકાત રોકી
શકતી નથી. જે સોનું
છે એને કાટ લાગતો જ નથી. એટલે જ તો ‘તોત્તો-ચાન’
જેવા પુસ્તકો લોકોના હૃદયમાં સૌથી ઉપર સ્થાન મેળવી શકે છે. ગઈકાલની નાનકડી, તોફાની, એક શાળામાંથી કાઢી મૂકેલી ‘તોત્તો-ચાન’ આજની તેત્સુકો કુરોયાનાગી નામે આખા
જાપાનમાં ટેલિવિઝનની દમદાર અદાકારા તરીકે પ્રસિદ્ધ છે. એના જીવનની કથા કહેતા લોકોની જીભ
સુકાતી નથી.
ધબકાર :
જીવનમાં ‘રિહર્સલ’ નહીં 'પરફોર્મન્સ'નુ મહત્ત્વ હોય છે.
જીવનમાં ‘રિહર્સલ’ નહીં 'પરફોર્મન્સ'નુ મહત્ત્વ હોય છે.

No comments:
Post a Comment