જેને મળવા ની મોજ પડે એ મેળાનો માનવી
‘હર કોઈ ચાહતા હૈ એક મુઠ્ઠી આસમાન, હર કોઈ ઢૂંઢતા હૈ એક
મુઠ્ઠી આસમાન, જો સીને સે લગા લે હો ઐસા ઈક જહાં, હર કોઈ ચાહતા હૈ એક મુઠ્ઠી
આસમાન...’ ત્રણેક દાયકા પહેલાં રીલીઝ થયેલ ફીલ્મ ‘એક મુઠ્ઠી આસમાન’નું ગીતકાર
ઈન્દીવરે સ્વરબદ્ધ કરેલું અને કિશોર‘દાએ દીલથી ગાયેલું આ ટાઈટલ સોંગ સૌ કોઈના
હૃદયમાં ધરબાયેલી સુખની સોચને ધમરોળીને બહાર ખેંચી લાવે એવું ગીત છે. દરેકને મનમાં
એમ થતું હોય કે, મારું એક અલાયદું સુખનું, મોજનું અને મસ્તીનું લીલુંછમ્મ વૃક્ષ
હોય. અને એ વૃક્ષની છાયામાં બેસીને આનંદ કરુ. ક્યાંય દૂર દૂર સુધી સંતાપના
સાપોલીયાનું નામ સરખું ન હોય. ઉત્સાહના ફૂવારા, તન-મનને સદાય ગલીપચી કરતાં હોય.
આસપાસ પ્રેમના મધુર સૂર કાનના રસ્તે થઈને મનને મંત્રમુગ્ધ કરી દેતાં હોય.
પણ, જીવનની એકધારી ઘટમાળમાં શું આ આનંદ-મોજ અને મસ્તી એટલી સસ્તી
છે ? આનો જવાબ બિલકુલ ‘હા’માં જ છે. જીવનનું સાચું સ્મિત અને મસ્તીનું સંગીત તો
પ્રકૃતિની આગોશમાં અને તહેવારોના બાહુપાશમાં સમાયેલું છે. પૂર્વનો પ્રદેશ હોય કે
પશ્ચિમના દેશો હોય, કોઈપણ પ્રદેશમાં પ્રકૃતિના આહલાદનો પ્રતિઘોષ એના રંગબેરંગી
તહેવારોમાં છલકાતો હોય છે. એમાંય, આપણી પૂર્વની સંસ્કૃતિની વાત કરીએ તો, એની ધરોહર
પ્રકૃતિના ખોળામાં પાંગરેલી છે. મોટા ભાગના લોકો સવલતોને સુખ માની લેતાં હોય છે.
ખરેખર તો એકધારા જીવનમાં તહેવારો, ઉત્સવો અને મેળાઓ સુખની સાચી પરિભાષા પૂરી પાડે
છે. આલિશાન વોશરૂમમાં જગૂઆરના આકર્ષક ફૂવારામાં ન્હાવાના સુખ કરતાં અષાઢ-શ્રાવણનાં
જન્માષ્ટમી કે શિવરાત્રિના મેળામાં રીમઝીમ વરસતાં વરસાદમાં મનમૂકીને પલળવાનો આનંદ
અનેરો હોય છે. આપણી પ્રકૃતિને અંકુરિત કરી તેને પોષતી અને વિકસાવતી તહેવારો અને
મેળાઓની સંસ્કૃતિ ભીતર પડેલા ઉત્સાહને ખોબલે ખોબલે ઉલાળીને મનને પ્રફૂલ્લિત કરી
મૂકે છે.
હમણાં યુ-ટ્યુબ ઉપર રોમાંચિત કરી મૂકે એવો સરસ વિડીયો જોયો.
અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા ફેમસ ‘ટાઈમ્સ સ્કવેર’ની સડક ઉપર આપણો એક ગરવો
ગુજરાતી ભાયડો એક અમેરિકનને ગરબાના સ્ટેપ શીખવાડતો હતો. પેલો અમેરિકન પણ આનંદથી
આપણા આ ગુજરાતી ભાયડા સાથે કદમથી કદમ મિલાવી ગરબાનો આનંદ લેતો હતો. એ જોઇને રસ્તે
ચાલતા બીજા ધોળીયાઓ ગરબા રમવામાં જોડાવા લાગ્યા. આ નાનકડા વિડીયોનું મૂળ તત્વ
ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પ્રકૃતિના આહલાદના ત્રિવેણી સંગમના અદભુત નજારાનું
પ્રસ્તુતિકરણ હતું. કદાચ એટલે જ મારા જેવા લાખો ગુઅરાતીઓ માટે આ વિડીયો મનલુભાવન
બન્યો.
અષાઢ મહિનો તહેવારોના ગુલદસ્તાનો છડીદાર છે. જન્માષ્ટમી,
શિવરાત્રિ, રક્ષાબંધન, રામનવમી, દિવાળી, ઈદ, પોંગલ, ક્રિસમસ, હોળી વગેરે કેટકેટલા
રંગબેરંગી મજેદાર તહેવારો છે. પ્રત્યેક તહેવારનો અલગ રંગ, અલગ ઉજવણી, અલગ ઉત્સાહ,
અલગ સીસ્ટમ, અલગ કસ્ટમ પણ બધાય તહેવારોમાં એક વાત કોમન ફેક્ટર... ‘મળવાનો આનંદ’.
એકમેકની સાથે રહેવાનો ઉત્સાહ. જેટલાં તહેવારો એટલાં મેળાઓ. લોકો મળે એટલે ‘મેળો’.
આમ તો ‘મેલા’ સંસ્કૃત શબ્દ એનો સીધો સાદો અર્થ છે ‘ભેગા થવું’. ભારત વર્ષમાં
ધાર્મિક, આર્થિક, સાંસ્કૃતિક, ખેલકૂદલક્ષી, ઔદ્યોગિક, રાષ્ટ્રીય વગેરે અલગ અલગ
મેળાઓની નોખી નોખી શૈલિ. મેળાઓમાં માત્ર લોકો સ્થૂળ અર્થમાં મળતાં નથી પણ મેળામાં
લોકો ‘મસ્તીથી મળે છે’. ભારત દેશમાં ઉજવાતા જેટલાં તહેવારો અને લોકોત્સવોના મેળાઓ
છે એટલાં ભાગ્યે જ વિશ્વના કોઈ દેશ કે પ્રદેશમાં જોવા મળતાં હશે. તહેવારો અને
મેળાઓ ભારતીય સંસ્કૃતિની આગવી પહેચાન છે.
ગુજરાતની જ વાત કરીએ તો, એક અંદાજ પ્રમાણે આખા વર્ષમાં જુદા
જુદા ગામો, વિસ્તારો અને શહેરોમાં અંદાજિત ૧૫૦૦ જેટલાં મેળાઓ અને તહેવારો ગુજરાતીઓ
મન મૂકીને ઉજવે છે. ગુજરાતનો ભવનાથનો મેળો, વૌઠાનો મેળો, ચિત્રવિચિત્રનો મેળો,
ડાંગ દરબાર, ભાદરવી પૂનમનો મેળો, તરણેતરનો મેળો, શામળાજીનો મેળો વગેરે દેશ
વિદેશમાં જાણીતા છે. ગુજરાતે ઉત્સવો સાથે જનજનના વિકાસને વણી લઈને તહેવારો, મેળા
અને ઉત્સવોની આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતનું તોરણ સમુ કચ્છનું રણ અને એનો
રણોત્સવ, અમદાવાદનો પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ,
ઉદ્યોગ મેળા, વ્યાપાર મેળા વગેરે ગુજરાતની ઉત્સવપ્રિયતા અને વિકાસની વાયબ્રન્સીના
સમન્વયની દેશ અને દુનિયાને જાણકારી આપે છે. ભારતીય મહાદ્વીપમાં પણ અલગ અલગ
રાજ્યોના મનલુભાવન મેળા ભાતીગળ ભારતીયોની મનની મોજને બખુબી અભિવ્યક્ત કરે છે. આસામના
અંબુબાસી મેળાની વાત હોય કે જોધપુરના પુષ્કર મેળાની, લદાખના હેમીસ ગેમ્ફાની વાત
હોય કે બિહારના સોનપુર મેળાની વાત હોય, બિકાનેરના કોલાયત મેળાની વાત હોય કે
કોણાર્કના ચંદ્રભાગા મેળાની વાત હોય, કોલકતાના ગંગાસાગર મેળાની વાત હોય કે ગોવા
કાર્નિવલની વાત હોય આ બધા મેળાઓ હિન્દુસ્તાનની માટીની મહેંક પ્રસરાવે છે.
એક જમાનો હતો જ્યારે ટી.વી., સિનેમા, કોડલેસ-મોબાઈલ ફોન ન
હતાં કે પછી નહીંવત હતાં, ત્યારના મેળા અને આજના મેળાના સ્વરૂપ અને અંદાજમાં ઘણું
પરિવર્તન આવ્યું છે. જો કે, દરેક સમયનો એક અલગ પ્રભાવ હોય છે અને એનું અલગ સૌંદર્ય
હોય છે. પણ એમાં રહેલું મૂળતત્ત્વ ‘મળવાની મોજ અને મસ્તી’ ક્યારેય વિસરાઇ નથી.
પ્રહલાદ પારેખે એમની એક રચનામાં સરસ કહ્યું છે કે, ‘આજ અમે અંધારું શણગાર્યું, હે
જી અમે શ્યામલને સોહાવ્યું... ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને
દીવા, ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું...’ આ ચાર લાઇનોમાં કેટલી
અદભુત સાંપ્રત સભ્યતાની તરસને અભિવ્યક્ત કરાઇ છે. તહેવારો આપણા ભીતરમાં પડેલા ઉલ્લાસ
અને સ્નેહાદરને જગાવતી અસલ માણસ બનાવતી અદભુત પરિભાષા છે. તહેવારો મન-હૃદયમાં
આનંદનો ફૂવારો બની ઉછળે છે. મળવાની ઔપચારિકતા કરતાં મળવાની મોજને તહેવારો અને મેળા
અલૌકિક બનાવી દે છે. ઘીના દિવાની સુગંધ અને આંગળામાં રંગબેરંગી રંગોળી ઉત્સાહને
અભિવ્યક્ત કરવાં થનગનતા હોય છે. સંભવ છે કે, અગાઉના તહેવારો અને મેળાની મીઠાઈની
મોજ કદાચ આજના ફેસ્ટીવલોમાં ચોકલેટ સ્વીટ બની ગઈ હોય. પણ એમાં રહેલું મધુરતાનું
મૂળ તત્ત્વ ક્યારેય મરી ન શકે.
ઘણાં લોકો એવા હોય છે કે, સુંદર મજાના બાગમાં જાય પણ એને
રંગબેરંગી ફૂલો ન દેખાય. એની નજર પેલા કાંટાઓ ઉપર જ ચોંટેલી રહે છે. આવા લોકો તહેવારોના હકારને નકારમાં બદલી નાખતાં હોય છે.
માણસ સ્વયં શું માને છે અને જીવન પ્રત્યેનો એનો અભિગમ કેવો છે ? એ સૌથી મહત્વની
વાત છે. માણસના જીવનમાં રસ અને શ્રદ્ધા આ બે મુખ્ય પીલર છે. જીવન જીવવા જેવું છે.
પ્રકૃતિની આગોશમાં અને તહેવારોના બાહુપાશમાં મોજ અને મસ્તીના મહાસાગરમાં મહાલવાનું
છે. સવારે સુરજ ઊગે ત્યારે ઉત્સાહપૂર્વક આગળ વધવાની અને ભીતરથી આનંદ છલકાવવાની
જગ્યાએ જો કોઈ એમ વિચારે કે, રાત પડવાની છે, અંધારું થવાનું છે, તો તહેવારનો આનંદ,
મેળામાં મળવાની મોજનું ત્યાં કોઈ સ્થાન નથી. જાણીતા તત્વચિંતક વિલિયમ્સ જેમ્સે
ત્યાં સુધી કહ્યું છે કે, માનવીની મોટામાં મોટી શોધ એ છે કે, મનમાં પડેલાં આનંદના
અભિગમને ઉજાગર કરવાની એનામાં તાકાત છે એનાથી જીવન બદલાઈને પ્રફુલ્લીત થઇ જતું હોય
છે.
સદાય આનંદમાં રહેવા, હંમેશા સ્મિતના ફૂલડા વેરવા માટે
તહેવારો અને મેળાઓ જીવનના મુખ્ય પાસા બની જાય છે. એક ચિંતકે સરસ કર્યું છે કે, દુ:ખથી
દૂર ભાગવાની જરૂર નથી, માત્ર આનંદને આવકારવાની જ જરૂર છે. આનંદને આવકારવા માટે
તહેવારો અને મેળાઓ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. હસતાં ચહેરે ફરવું અને મોજના મોગરાની
સુગંધ ઉડાડતાં ફરવું એ કલા છે. આ કલા ગુજરાત અને ભારતના તહેવારોમાં હસ્તગત થયેલી
છે. તહેવારો અને મેળાઓને દીલથી માણો. જીવતાં શીખો. યાદ રાખો કે, દિવેલીયું ડાચું
રાખીને વિશાદગ્રસ્ત ચહેરે ભટકતાં રહેવાથી દુઃખ અને ચિંતા ક્યારેય કેડો મૂકશે નહીં.
શા માટે મોજ અને મસ્તીથી તહેવારો અને મેળાઓને ના આવકારીએ ? જિંદગી જીવવાનો આ
શ્રેષ્ઠ તરીકો કેમ ન અપનાવીએ ? જે વ્યક્તિ જિંદગીને પ્રેમ કરે છે એ મળવાની
મહોબ્બતને ક્યારેય વિસારતો નથી. જે મળે છે એ મેળાનો માનવી છે. એ રાત્રિના અંધકારની
નહીં, શરદપૂનમના ચંદ્રની શીતળતાના અહેસાસ સાથે તહેવારની મસ્તીની વાત કરે છે.
રથયાત્રામાં પડતાં વરસાદને કારણે થતાં કિચડથી ગંદા થતાં કપડાંની નહીં, પણ
ધરતીમાંથી ઊઠતી માટીની મીઠી મીઠી મહેંકને અને અંકુરીત થયેલા લીલાં તૃણની વાત કરે
છે. એમ નથી લાગતું કે, જે લોકો મેળામાં મહાલી નથી શકતાં એ લોકો જીવનને ક્યાંક ખોટી
રીતે જીવી રહ્યાં છે ? જે દિવસે લોકોને મળીએ અને એમની આંખોમાં આપણાં સપના સાચા
પડતાં દેખાય ત્યારે સમજવું કે જીવન ઉત્સવ બની ગયું છે... જીવન મેળો બની ગયું છે...
જે મળતો રહે એ ખીલતો રહે, વિકસતો રહે અને મરે નહીં ત્યાં સુધી સાચા અર્થમાં જિવતો
રહે.
ધબકાર
:
સુખની
સુવાસ આપણી આસપાસ છુટે હાથે પથરાયેલી છે, એને પામવાની દ્રષ્ટી કેળવાય એટલે આપોઆપ
આનંદનો માર્ગ દેખાવા લાગે.

No comments:
Post a Comment