Saturday, 27 October 2018

જે સૌને મિત્ર કહેતો ફરે છે એ કોઈનો મિત્ર નથી...


જે સૌને મિત્ર કહેતો ફરે છે 
એ કોઈનો મિત્ર નથી...

બપોરનો સમય હતો. -૬ના બસ સ્ટેન્ડ ઉપર એકલ-દોકલ વ્યક્તિઓ બસની રાહ જોતા ઊભા હતા. બે ભાઈઓ પાંચ-દસ મિનિટ બસ સ્ટેન્ડના બાંકડે બેઠા હતા. એમાંથી એક ભાઈ જરા વાચાળ પ્રકૃતિના હતા. લાંબો સમય વાતો કર્યા વગર બેસવું એમના સ્વભાવમાં ન હતું. બન્ને મુસાફર ભાઈઓ વચ્ચે ઔપચારિક ઓળખાણ થઈ અને વાત-વાતમાં મૈત્રીનો વિષય છેડાયો. સાચા મિત્રો અને નિકટના મિત્રો ઉપર ફિલોસોફીકલ ચર્ચાઓ ચાલી. અચાનક પેલા બહુ ચર્ચા કરતાં ભાઈને પૂછ્યું તમારે કેટલા મિત્રો છે ?
પેલા વાચાળ ભાઈએ કહ્યું મારે તો ઘણા મિત્રો છે?’ એ ભાઈ આમ પણ નગરના કોઈ પણ કાર્યક્રમમાં હાજર હોય જ. એટલું જ નહીં એમની હાજરીની સોશ્યલ મીડિયા અને અન્ય રીતે જાણકારી લોકોને મળે એ માટે એ સજ્જન પૂરતા સભાન પણ ખરા. પેલા ભાઈએ ફરી પૂછ્યું, ‘તમારા ચારેક મિત્રોના નામ આપો તો.’ હવે પેલા વાચાળ ભાઈ થોડા મુંઝાયા. ફેસ સેવિંગ માટે એમણે આઠ દસ નામ ફટાફટ આપ્યા ખરા પણ એમનો ચહેરો સ્પષ્ટ કહેતો હતો કે, એ નામ માત્ર ઓળખાણ પુરતા હતા. હું આ લોકોને ઓળખુ છું એ પ્રકારની કીર્તિના કટોરામાં ટુકડા નાખવા પૂરતા જ એ બધા નામો હતા.
ઉપરની વાસ્તવિક ઘટના હવાના એક જોરદાર સુસવાટાની માફક હૃદય ઉપરના આવરણો અને સુકા પાનને ઉડાડીને સાફ કરી નાખે એવી છે. આપણે બધા લગભગ મિત્ર વિહોણા થઈને ઊભા છીએ. મજાની વાત તો એ છે કે, આ વાતનો આપણને અહેસાસ સુદ્ધા પણ નથી થતો. કાર્યક્રમો અને કીર્તિની ભીડભાડમાં એટલા ભરાઈ ગયા હોઈએ છીએ કે, મિત્ર નામનો અહેસાસ નામશેષ થતો જાય છે. એમ લાગે છે કે, દુનિયા સાવ એકલી અટુલી થઈ ગઈ છે. લોકો ભીડમાં પણ એકલા ફરી રહ્યા છે. સાચા મિત્રનો ખાલીપો હૃદયના એક ખૂણે ડાચુ ફાડીને દિન પ્રતિદિન સતત વિકરાળ બનતો જાય છે. જે સૌનો મિત્ર છે એ કોઈનો મિત્ર નથી.
જન્મ લેતાંની સાથે ઈશ્વરદત્ત સંબંધોની ભરમાળ પેદા થઈ જતી હોય છે. પણ દોસ્તી એક માત્ર એવો સંબંધ છે, જે વ્યક્તિ પોતાની મરજી અને મહોબ્બતથી બનાવતો હોય છે. એક સુહાની અને પ્યારી મિત્રતા આત્માનો હાઈજેનિક ખોરાક છે. સાચી મિત્રતા આત્માને હંમેશા તાજા ખીલેલા ફુલની જેમ તરોતાજા રાખે છે. પણ મિત્રોની ખોટ કેમ મહેસુસ થાય છે એ ક્યારેય જાણવાની હદયપૂર્વક કોશિષ થાય છે ખરી ?
બે ખૂબ સારા ભાઈબંધો હતાં. બન્ને વચ્ચે અદભુત સ્નેહનું બંધન હતું. સમય જતાં બન્ને પોત-પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધતા જતા હતા. એકબીજાની પ્રગતિ અને વધતાં બાહ્ય સંપર્કોએ ખુબ ભૂમિકા ભજવી. એક જમાનામાં દરેક સારા માઠા પ્રસંગે સાથે રહેતા ભાઇબંધો હવે એક બીજાની હાજરીમાં અત્યંત ઔપચારિક બની ગયા હતાં. પ્રેમ, લાગણી, ત્યાગ અને ભાતૃભાવની ભિનાશનું દુર દુર સુધી નામોનિશાન દેખાતું નથી. મિત્રતા અને પૈસાનો સંબંધ તેલ અને પાણી જેવો છે. ક્યારેય એનો મેળ ન બેસે. દોસ્ત તો પ્રેમનું પ્રાગટ્ય સ્વરૂપ છે. મિત્રતા તો પેદા થતી હોય છે. બનાવી નથી શકાતી. સત્તા, પૈસા અને ભીડ તો સંપર્કો છે મિત્રતા થોડી છે.
એક મજબૂત મૈત્રી રોજ મળવા અને વાતો કરવાની કે સાથે રહેવાની મોહતાજ ક્યારેય નથી હોતી. જ્યાં સુધી એક સાચી લગન અને લાગણીપૂર્વકની કસક દિલમાં જીવિત હોય ત્યાં સુધી દોસ્ત ક્યારેય દિલથી અલગ ન હોઈ શકે. તમારા હૃદયના આંસુઓની પરખ સમજનારો, તમારા સ્મિતને જાણવાવાળા હજારો લોકો કરતા અનેકગણો મુલ્યવાન છે. સેકંડ વર્લ્ડ વોર માં બ્રિટીશ હોમગાર્ડના કેપ્ટન રહી ચૂકેલા ‘ટેડ્ડીબેર બીન્ની ધ પુહ’ પુસ્તક અને સંવેદનશીલ કાવ્ય રચનાઓથી વિશ્વમાં જાણીતા બનેલા બ્રિટીશ ઓથર એ. . મિલન મિત્રને સંબોધીને કહે છે કે, ‘જો તું સો વર્ષ જીવવાનો હોય તો હું સો વર્ષમાં એક દિવસ ઓછું જીવવાનું પસંદ કરીશ કારણ કે, દોસ્ત તારા વગરની દુનિયા મારે નથી જોવી.’
મિત્રતાની કોઈ ભાષા નથી એ તો જીવનનો અર્થ છે. દોસ્ત તો બે શરીરમાં મોજથી વિસ્તરતું આત્માનું અલૌકિક સ્વરૂપ છે. દોસ્તી અને શિષ્ટાચાર સુખના શિખર ઉપર જ્યાં લઈ જઈ શકે છે ત્યાં દોલત અને દંભ એની તળેટીની આસપાસ પણ નથી ફરકી શકતા.
આજકાલ કોઈને કોઈની દોસ્તી ઉપર વિશ્વાસ નથી રહ્યો. હૃદયના ઉંડાણની વ્યથા કે આનંદનો ટહુકાર વહેંચી નથી શકતા. બ્રાઝીલીયન બેસ્ટ સેલર પોલો કોહેલો કહે છે કે, આપણામાંથી કોઈને નથી ખબર કે આગલી ક્ષણે શું થવાનું છે છતાં પણ જીવન ઉપર ભરોસો રાખીને આગળ વધીએ છીએ. આપણી ભરોસો રાખવાની શક્તિ જ આપણા જીવનનું મુખ્ય ચાલકબળ છે. દોસ્ત ઉપરનો ભરોસો દોસ્તીનો પ્રાણ છે. જે ભરોસામાં વિશ્વાસ નથી રાખતા એની ઉપર ભરોસો ક્યારેય ન કરી શકાય. જીવનના હાઈ-વે ઉપર ઘણા લોકો આવતા હોય છે અને જતા હોય છે. બસ, એમાંથી તારવણી કરીને ભરોસાને લાયક વ્યક્તિ જોઈને એનામાં વિશ્વાસ મૂકવાની હિંમત થાય તો મિત્રતાની મહેક આવી શકે છે. સંભવતઃ ક્યારેક ભરોસો ચકનાચૂર પણ થાય એના ડરથી ભરોસાની છાતીમાં ખંજર ન ભોંકાય.
અંગત કીર્તિ, આર્થિક લાભની ચાહત દોસ્તીનો આંચળો ઓઢીને ડોળા ફાડીને ઊભો રહેતો રાક્ષસ છે. મૈત્રી તો ત્યાગ માંગે છે. નિ:સ્વાર્થ સમય માંગે છે. જીવનની ખરી ખુશી તો તમે શું આપી શકો છો એમાં સમાયેલી હોય છે. કોઈપણ વ્યક્તિ પોતાના માટે સુંદર મજાનું ફુલ નથી ખિલવતો. ફુલનું સૌદર્ય તો બીજા સાથે મળીને માણવા માટે સર્જાયું હોય છે. આનંદની વૃદ્ધિ તો મિત્રો સાથે સૌંદર્ય વહેંચવામાં હોય છે. કશું પણ મેળવતા પહેલાં આપતાં શીખવું પડે.
ગૌતમ બુદ્ધ કહેતા કે, જંગલી અને ખુંખાર જાનવરથી પણ વધારે મિત્રના આડમાં પનપતા એક કપટી, દુષ્ટ અને કીર્તિભુખ્યા વરૂ જેવા વ્યક્તિથી ડરવું જોઈએ. જંગલી જાનવર તો માત્ર શારીરિક હાની પહોંચાડતું હોય છે પણ દુષ્ટ મિત્ર બુદ્ધિ અને આત્માને ભ્રષ્ટ કરી નાખતો હોય છે. મિત્ર તો તમે જેવા છો એ સ્વરૂપે સ્વીકારીને માત્ર મહોબ્બત કરે. એને અપેક્ષા અને ઉપેક્ષા સાથે કોઈ લેવા દેવા જ ન હોય.
જીવનના કોઈપણ પડાવ ઉપર તમને સમજનારો એક દોસ્ત મળી જાય એટલે બે જણમાં આખું વિશ્વ સમેટાઈને આવી જાય. અહેમદ ફરાઝ મઝા દોસ્તની વાત કરતા કહે છે કે, જીવનમાં મને માત્ર આ જ તો મળ્યું છે, તું બહુ સમય પછી મળ્યો, જીવનમાં સમજદાર હમસફર જોઈએ ટોળા નહીં. એક સાચો મિત્ર પણ હજારોનો કાફલો બની શકે છે. ઓળખાણો અને ઔપચારિક કાર્યક્રમોમાં થયેલી વાતચીતને ભાઇબંધી કહેનારા મુર્ખોની સભામાં મહાલવા કરતાં લાગણીઓને સમજતો એકાદ મિત્ર હજારોની ગરજ સારતો હોય છે. બાકી તો હજારોની ભીડમાં પણ માણસ એકલો હોય છે.

ધબકાર :
જે વ્યક્તિ તમારી સાથે દિલ ખોલીને વાત કરતો હોય એની સાથે દિમાગથી વાત કરવાની ભુલ ક્યારેય ન કરવી.




પરિશ્રમથી ટપકેલા પ્રસવેદનું પારસ એટલે જીત


પરિશ્રમથી ટપકેલા પ્રસવેદનું પારસ એટલે જીત

પ્રતિપળ જીવનમાં બે ચહેરા સામે આવતા હોય છે, એક હાર અને બીજી જીત. સફળતા અને નિષ્ફળતા જીવનમાં આવતાં બદલાવના અલગ અલગ પડાવ છે. નદીના વહેણની જેમ જીવન પણ સતત – અવિરત બદલાતું હોય છે. જે જીવનના બદલાવને સમજે છે, સ્વીકારે છે અને એને અનુરૂપ જીવનને ઘડે છે એ સફળ થાય છે. જે પરિવર્તનને અપનાવી નથી શકતા, પુરાણી પરિસ્થિતિઓની સવલતોના ચોકઠામાં જ પડ્યા રહે છે તેવા લોકો હમેશાં દુખડા રડવામાંથી ઊંચા નથી આવતાં.
એક પિસ્તાલીસેક વર્ષના બહેનની વાત છે. ઈશ્વરે એમને સૌંદર્યની ખાસી એવી બક્ષીસ આપી હતી. ચહેરે મહોરે એ બહેન જરા રૂપકડાં લાગતાં હતાં. કેટલાક સમયથી એમના માથાના વાળ થોડા સફેદ અને ઓછાં થતાં જતાં હતાં. આમ છતાં પણ આ બહેન જાજરમાન લાગતાં હતાં. હવે માથાના વાળની સફેદી અને વાળની ઘટ માટે આ બહેનની ચિંતા દિન-પ્રતિદિન વધવા લાગી. દિવસે દિવસે એ સુકાતા જવા લાગ્યાં અને શ્યામ પણ થવા લાગ્યાં. પહેલાં તો માત્ર વાળ સફેદ થતાં હતાં હવે વ્યક્તિત્વમાંથી જાજરમાનપણાનું તત્વ પણ નષ્ટ થઈ ચૂક્યું હતું. આ બહેને બદલાવને પોઝિટિવિટીથી ન સ્વીકાર્યો અને પરિણામે ન જોઈતી આફત નોતરી.
સામાન્ય રીતે અપેક્ષાઓના જંગલને સાથે લઈને ફરવા માટે આપણે ટેવાયેલા છીએ. અપેક્ષાઓનું જંગલ જ ખળખળ વહેતા પરિવર્તનના પ્રવાહને સ્વીકારવા નથી દેતું. પાકા ફળ જેવું બનવું પડે. પાકું ફળ નરમ હોય, ગળ્યું હોય અને રંગ બદલીને હસતું હોય છે. એ જ પ્રમાણે સ્વભાવમાં નમ્રતા, વાણીમાં મીઠાશ અને મનમાં આત્મવિશ્વાસના બદલાવને આવકાર આપવા માટે હંમેશા તૈયાર રહે એની જીત ઢુકડી હોય.
જીવનમાં ચાર માન્યતાઓને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવી જોઈએ. સૌથી પહેલાં તો, ‘મારા માટે પેલા ભાઈ શું ધારશે’ કે પછી ‘ફલાણા ભાઈ શું કહેશે’ જેવા વિચારોને ઉછાળીને એક ઝાટકે પીઠ પાછળ ફેંકી દેવા જોઈએ. બીજું, ‘હું આ કાર્ય કરી શકીશ ?’ ‘મારામાં આ કાર્ય કરવાની ક્ષમતા છે ખરી ?’ ‘આ મારાથી નહીં થાય તો ?’ વગેરે જેવા ખ્યાલો જીવનની સૌથી મોટી નિષ્ફળતાની નિશાની છે. પોતાની જાત ઉપર સંપૂર્ણ ભરોસો અડધી સફળતા છે. જેને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય એને કોઈ પણ મુશ્કેલી મહાત ન કરી શકે. બ્રાયન એકટનને ફેસબુકે એક તબક્કે રિજેક્ટ કર્યા હતા. બ્રાયને નાસીપાસ થયા વગર વોટ્સએપ બનાવીને પોતાની ક્ષમતા સિદ્ધ કરી. એક તબક્કે જેણે રિજેક્ટ કર્યા હતાં એ ફેસબુકને ૧૯ મિલીયન ડોલરમાં વોટ્સએપ ખરીદવા બ્રાયને મજબૂર કર્યું. દશરથ માંઝીએ નિષ્ફળતાના ડર વગર એકલે હાથે પહાડ ખોદીને રસ્તો બનાવી દાખલો બેસાડ્યો. એક તબક્કે  પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરતાં ધીરૂભાઈ અંબાણીએ રિલાયન્સ એમ્પાયર ઊભું કર્યું.  
ત્રીજો મુદ્દો એ છે, ઘણા લોકોને એવું કહેતાં સાંભળતા જોવા મળે છે કે, ‘મારું નસીબ જ ખરાબ છે.’ ‘હું કામ કરવા જાઉં છું પણ નસીબ મને યારી નથી આપતું...’ આવા વિચારો આગળ વધવામા બાધારૂપ હોય છે. જે વ્યક્તિ પોતાના મનથી હાર માની લે છે એને દુનિયાની કોઈ તાકાત જીતાડી નથી શકતી. જો જીત પાક્કી જ હોય તો કાયર અને નિર્બળ પણ જીતી શકે. પણ હાર નિશ્ચિત હોય છતાં પણ જીતના આત્મવિશ્વાસથી રણ મેદાનમાં ઉતરે એ જ સાચો વીર હોય છે. જેની હાર પણ જીતથી વધુ શાનદાર હોય છે.
ચોથો અને અંતિમ ખયાલ માનસિક સ્થિતિનો છે. ઘણાં લોકો એમ કહેતાં હોય છે કે, ‘યાર મારો અત્યારે મૂડ નથી... અત્યારે મગજ ઠેકાણે નથી એટલે આ કામ નહીં થાય...’ આવા વિચારો હંમેશા નાસીપાસ કરવામાં મોટો ભાગ ભજવતાં હોય છે. દરેકમાં કોઈને કોઈ કમજોરી હોય જ છે. માછલી માર્ગો ઉપર ક્યાં દોડી શકે છે ? સિંહ પાણીમાં રાજાશાહી ન ભોગવી શકે. દરેકની અલગ અલગ પુષ્ટભૂમિ છે અને અલગ માહોલ  હોય છે. ઈશ્વરે બધાને જીવન બદલવા સમય આપ્યો છે, પણ સમયને બદલવા માટે કોઈને ફરીથી જીવન મળી શકતું નથી. નસીબ કદાચ અવસર ઊભો કરી શકે પણ પરિશ્રમનો પ્રસવેદ હંમેશા પારસ બનીને ચમકતો જ હોય છે.
મુશ્કેલીના સમયને નીકટથી નિરખીને હસતા હસતા મુકાબલો કરનારા જીવનનો જંગ જીતતા હોય છે. બીઝનેસ પ્રોબ્લેમ, દીકરા-દીકરીના પ્રશ્નો, બ્રેકઅપ, કચેરીમાં બોસ સાથે ચડ-ભડ વગેરે તકલીફોમાં સ્વાભાવિક રીતે જ પોતાની ક્ષમતા ઉપરના વિશ્વાસને ડગમગાવી મુકે શક પેદા કરે છે. રેસલર બે પાંચ મિનિટમાં હરીફને પછાડીને જીતી જાય છે. જીતની એ બે-પાંચ મિનિટ પહેલાં હરીફ રેસલરનું કલાકો અને દિવસો સુધી જીણવટભર્યું નિરિક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. અમેરિકાના ચિંતક પ્રમુખ અબ્રાહમ લિંકને એકવાર કહ્યું હતું કે, ‘સફળતા માટે લીધેલો સંકલ્પ અન્ય કોઈપણ સંકલ્પ કરતાં સૌથી મહત્વનો છે.’
કોઈપણ બાબતમાં મળેલી પછડાટ એ ક્યારેય નિષ્ફળતા ન માની શકાય. જીત માટે પ્રયાસ જ ન થાય એ સૌથી મોટી નિષ્ફળતાની નિશાની છે. વિદ્વાન ચાઈનીઝ ફિલોસોફર કન્ફ્યુશિયસના મતે સફળતા પૂર્વતૈયારીઓ ઉપર નિર્ભર હોય છે. પૂર્વતૈયારી વગરના કાર્યમાં નિષ્ફળતા નિશ્ચિત હોય છે. દૂર ક્ષિતિજ ઉપર દેખાતી નિરાશાજનક એક અસફળતાને, થોડાં વધુ પ્રયાસ અને થોડી વધુ દ્રઢતા શાનદાર સફળતામાં પરિવર્તત કરી દેતી હોય છે.
કેટલાક લોકો તમારી ટીકા કરવા અને તમને નીચે પાડવા હમેશા તૈયાર જ હોય છે. આવા લોકો સર્ફ એક્સેલ જેવા હોય છે. મનનો મેલ ધોવા માટે આવા લોકો જીવનમાં ખૂબ અગત્યની ભુમિકા ભજવતા હોય છે. જીવનમાં આગળ વધવા માટે હંમેશા ખરી-ખોટી વાત સાંભળવાની આદત વિકસાવવી પડે. દુનિયામાં સંભળાવવાવાળાની ક્યારેય કમી નથી હોતી. નિંદા, ટીકા, ખરાબી સાંભળવાનું સામર્થ્ય હોય તો જીતની પાક્કી તૈયારી થઈ ગઈ છે એમ સમજવું.
ટીવી અને મોબાઈલ કરતાં વધુ સમય પરિવાર, પુસ્તકો અને મિત્રોને આપનારા લોકો નિશ્ચિતપણે ચેતનાસભર હોય છે. સંપતિ જીવન જીવવા જરૂરી છે, પણ સર્વસ્વ નથી. સંપત્તિ મેળવવાની દોડ કરતાં આત્મસન્માનને આત્મસાત કરવા સજ્જતા કેળવાય એ મહત્વનું છે. સ્વતંત્રતા ચોક્કસ પ્યારી-દુલારી લાગે પણ સંસ્કાર વગરની સ્વતંત્રતા દોજખ જેવી હોય છે. સ્વતંત્રતામાં સંસ્કાર ભળે તો એ સુગંધીદાર લાગે. જીવનમાં પ્રતિપળ બનતાં પ્રસંગો અંતિમ લક્ષ્ય કે ભાગ્ય નથી જ. બનતાં પ્રસંગોને અપાતો પ્રતિસાદ ભાવિ સુનિશ્ચિત કરે છે. પ્રસંગો વ્યક્તિના હાથમાં નથી હોતા. પ્રસંગ ઉપરની પ્રતિક્રિયા વ્યક્તિના હાથમાં હોય છે. કોઈ વ્યક્તિ અપમાન કરે તો એ પ્રસંગ વ્યક્તિના હાથમાં નથી હોતો પણ કરેલા અપમાન ઉપર આપવામાં આવતી પ્રતિક્રિયા બે વ્યક્તિના સંબંધોની જીત કે હારનુ ભાવિને ઘડતી હોય છે. ધંધો કે વ્યવસાય પૈસા કમાવા માટે ચોક્કસ હોઈ શકે પણ ધંધા કે વ્યવસાયનું અંતિમ લક્ષ્ય દરરોજ બે-ચાર નવી સારી બાબતો પ્રાપ્ત કરીને વધુ સારા વ્યક્તિ બનવાનું હોય ત્યારે જીવનની ઉપલબ્ધિની જીતનો આનંદ અનોખો બની જતો હોય છે.

ધબકાર :
આગળ વધવાનો ઇરાદો તમારો સાફ હોય તો, કેટલાક મુઠ્ઠીભર લોકો હંમેશા તમારી ખિલાફ હોય.







મારે શું અને મારું શુંની ભાવનામાંથી બહાર આવવુ પડે


મારે શું અને મારું શુંની ભાવનામાંથી બહાર આવવુ પડે

ઓકટોબર, તારીખ ૨ ગાંધીબાપુના તાજેતાજા હેપ્પીવાલા બર્થડેના દિવસના બે પ્રસંગો માનસપટ પરથી કેમેય કરીને ખસતા જ નથી. સવારનો સૂરજ ઉગતાં જ કેટલાક લોકોએ ગાંધીજીને યાદ કરીને ઈસ્ત્રી ટાઈટ ખાદીના કપડાં પહેરીને ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ...’ જેવા ભજનો ગાયા અને ઘણાં બધાંએ તલ્લીન થઈને આ ભજનો સાંભળ્યાં. આ સીન શહેરના મોટા ભાગના જાહેર સ્થળોએ સવારના ફેઝમાં જોવા મળ્યો.
બરાબર આઠ-દસ કલાક પછી સાંજે નવ-સાડા નવના સુમારે શહેરના હૃદયસમા વિસ્તાર સેન્ટ્રલ વિસ્ટાના ટાઉનહોલ તરફના પ્રવેશદ્વાર પાસે બે ચમચમાતી લકઝુરીયસ કારમાંથી કેટલાક યુવાનો હાથમાં મોટા પેક્ટ્સ અને બેવરેજીસના ટીન લઈને ઉતરી પડ્યા. ઉભી રહેલી બન્ને કારમાંથી ખૂબ લાઉડ પોપ મ્યુઝીક વાગતું હતુ. આ ગ્રુપમાં ચારેક યુવાન છોકરીઓ પણ હતી. જીન્સ, ટી-શર્ટ અને શોર્ટસ જેવા આધુનિક વસ્ત્રોમાં સજ્જ આ યુવક-યુવતીઓએ સેન્ટ્રલ વિસ્ટાના ગેટની બાજુની સરસ મજાની પોર્ચ જેવી ખુલ્લી જગ્યામાં એમની સાથે લાવેલા પેકેટો ધડાધડ ખોલવા માંડ્યા.
આ વૃંદના એક યુવાન મિત્રનો ગાંધી જયંતિના દિવસે જ બર્થ-ડે હતો. બધા મિત્રો એના બર્થ-ડેના સેલિબ્રેશન માટે કેક, પીત્ઝા, પેપ્સી ટીન વગેરે લઈને આવ્યા હતા. નાચતાં ગાતાં કેકનું કટીંગ કર્યું અને મન મુકીને બધાએ કેક, પીત્ઝા, સેન્ડવીચીઝ અને પેપ્સીની જ્યાફત ઉડાવી. એક-બે કલાક ધીંગા મસ્તી કરીને યુવાનોનું આ ગ્રુપ ગાડીઓને સેલ મારતુંકને ફુરર કરતું ઉડી ગયું. અને પાછળ રહ્યાં કેક, પીત્ઝા, સેન્ડવીચીઝના ખોખા, પેપ્સીના ખાલી ટીન અને મસ્તીમાં ઉડાડેલાં ખાદ્ય સામગ્રીના ટુકડાં... સો-દોઢસો મીટર વિસ્તાર દોઢ-બે કલાક પહેલાં ચોખ્ખો ચણક હતો તે હવે ગંદો, ભદ્દો અને વરવો લાગતો.
આ એજ જગા છે જ્યાંથી હાર્ડલી બસો ત્રણસો મીટરના અંતરે વિધાનસભાની સામે ગાંધીજીની વિશાળ પ્રતિમા છે. અને સોએક મીટરના અંતરે આંબેડકરજી અને સરદાર સાહેબનુ સ્ટેચ્યુ છે. જો કે, પ્રતિમા હોય કે ન હોય સ્વચ્છતા અને સંસ્કાર એ સ્વાભાવિક રીતે સ્વભાવમાં વણી લેવાની બાબત છે. ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી એટલા માટે હતા કે, સ્વચ્છતાનો સીધો સંબંધ આરોગ્ય અને જનસુખાકારીના વિકાસના પરિમાણો સાથે છે. બાપુએ ખૂબ દીર્ઘદ્રષ્ટિપૂર્વક સ્વચ્છતાને આઝાદીની લડત સાથે જોડીને એને સૌથી અગ્ર હરોળમાં મૂકીને જનતાના હૃદયમાં ઊંડે સુધી ઉતારવા માટેનો એક મહત્વપૂર્ણ મુદ્દો બનાવ્યો હતો.
આજે ગુજરાતના બીજા એક દીર્ઘદ્રષ્ટા સપૂત અને ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભરમાં સ્વચ્છતાની ઝૂંબેશ આરંભી છે ત્યારે મનમાં સહેજે વિચાર ઉદભવે કે, આઝાદીના સાત-સાત દાયકાઓ પછી પણ પ્રધાનમંત્રીશ્રીને સ્વચ્છતા માટે દેશમાં ઝૂંબેશ ચલાવવી પડે ! વર્તમાન સમાજ માટે આ એક વિચારવા જેવી બાબત નથી ? શું સ્વચ્છતા માત્ર સરકારની જ જવાબદારી હોય ? દેશના નાગરિકો તરીકે સૌ કોઈની આ ફરજ ન હોવી જોઈએ ? આઝાદી પછી કદાચ દેશમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છતા માટે અભિયાન ઉપાડીને સંન્નિષ્ઠ પ્રયાસનો ઉપક્રમ આરંભ્યો હશે. સ્વચ્છતા અભિયાન સરકારી છે અને સરકાર એ ચલાવશે એવી વિચિત્ર પ્રકારની માનસિકતામાંથી લોકોએ બહાર આવી જવું પડશે.
પ્રસંગનો આનંદ ચોક્કસ હોય અને આનંદ કરવો જ જોઈએ. જાહેર સ્થળોએ ભાઈબંધ દોસ્તારો સાથે મળીને મોજમજા અને મસ્તી કરવી જ જોઈએ અને જીવનનો સાચો આનંદ પણ મિત્રો સાથે મોજમાંથી જ ટપકતો હોય છે, પરંતુ સ્વચ્છતાની ગરીમા જળવાય અને મોજ થાય તો તેનો અર્થ સરે. સેન્ટ્રલ વીસ્ટાના ગેટ પાસેનો કચરો જોઈને બીજા દિવસે મોર્નિંગ વોકમાં આવેલા એક સજ્જને હૈયા વરાળ કાઢતાં એમના મિત્રને કહ્યું, ‘આ છોકરાઓ એમના ઘરમાં પણ આમ જ ગંદકી કરતાં હશે ને ?’ એમના મિત્રએ કહ્યું, ‘આ લોકો બિલકુલ સંસ્કારહીન છે, કંઈ સમજ જ નથી...’ આમ બબડતાં બન્ને સજ્જનોએ મોર્નિંગ વોક માટે ચાલતી પકડી. અહીં સમજવાની વાત એ છે કે, યુવાનોને ભાંડીને ચાલતી પકડવાની જગ્યાએ આ બે સદગૃહસ્થોએ ગેટવાળી જગાએ પડેલો કચરો એકઠો કરી ટોપલીમાં નાખ્યો હોત તો તેમની ટીકા લેખે લાગી હોત. સો વાતની એક વાત એ છે કે, સ્વચ્છતા પ્રતિ જાગૃતિ કેળવાય તેમજ કોઈએ કરેલી ગંદકીને હસતા મોંએ સાફ કરવાની માનસિકતા પણ કેળવાય એ જરૂરી છે.
રસ્તા સાફ કરવા એ તો સરકારનું કામ છે, પાર્ક-ગાર્ડનમાં ગંદકી દૂર કરવી એ સરકારે જોવાનું, સરકારી માલ-મિલકતોમાં ચોખ્ખાઈ એ સરકારની ફરજ છે... આવા બેઢંગા ખ્યાલો લઈને ક્યાં સુધી ચાલ્યા કરવાનું ? ‘સુખનું સ્ટેશન’ પુસ્તકનો એક પ્રસંગ યાદ આવે છે. મેકસિકોના નિર્જન દરિયા કિનારે એક વ્યક્તિ ચાલતો જતો હતો. તેની નજર દૂર એક વ્યક્તિ ઉપર પડી. આ વ્યક્તિ વારે ઘડીએ નીચો નમીને કશુક ખોબામાં ભરીને દરિયામાં નાખતો હતો. આ વ્યક્તિને કુતુહલ થયું. નજીક જઈને તેણે જોયુ તો એક મેક્સિકન ખોબામાં સ્ટાર ફીશને ઉંચકીને દરિયામાં નાખી રહ્યો હતો. આ વ્યક્તિએ મેક્સિકનને પૂછયું ‘દોસ્ત, આ શું કરી રહ્યો છે ?’ ત્યારે પેલા મેક્સિકને જવાબ આપ્યો, ‘અત્યારે ઓટનો સમય છે અને દરિયામાંથી તણાઈ આવેલી સ્ટાર ફીશને પાછી પાણીમાં નહીં નાખું તો એ બચી નહીં શકે ? ‘ આ જવાબ સાંભળીને પેલા વ્યક્તિને આશ્ચર્ય થયું એણે કહ્યું કે, ‘ હજારો સ્ટારફીશ તણાઈને આવી છે એમાં થોડી ઘણી સમુદ્રમાં પાછી નાખવાથી શો ફેર પડશે ? ‘ ત્યારે પેલા મેક્સિકન સજ્જને એ વ્યક્તિની સામે જ વધુ એક સ્ટાર ફીશને દરિયામાં નાખીને કહ્યું ‘આ એકનો તો ફેર પડશે ને...’ સ્વચ્છતાની બાબતમાં પણ આવી સ્પીરીટ ડેવલપ થવી જોઈએ. ગાંધીજી અને પ્રધાનમંત્રીજીએ તો સ્વચ્છતાની ચેતના જગાવી આપી. પણ એને વધુ પ્રજ્જવલિત કરી સ્વભાવમાં વણવાની જવાબદારી પ્રત્યેક ભારતવાસીની છે.
નિયમો બનાવી એની કડક અમલવારી થાય ત્યાં સુધી ધકેલપંચા દોઢસો ચલાવ્યે જવાની આપણી માનસિકતા હોય છે. મારે શું ? અને મારું શું ?ની ભાવનામાંથી બહાર આવવુ પડે. જાહેર સ્થાન અને માર્ગો ઉપર કાગળ, કચરો, થુંકીને કે પાનની પીચકારી મારી ગંદકી કરનારને રૂ. ૧૦,૦૦૦નો દંડ અને છ મહિનાની સખત કેદની સજા જેવો કાનૂન બને અને એનો કડક અમલ થાય પછી જ સ્વચ્છ ભારત બની શકે ?
વધતી જતી વસતી ચોક્કસ સમસ્યા છે ? પણ આ જ સવાસો કરોડ ઉપરાંતની વસતી સ્વચ્છતા માટેની નાની-નાની બાબતો સ્વયં શિસ્તથી અપનાવે તો ‘ અભિશાપ ‘ ‘ આશીર્વાદ ‘ બની જાય. ‘ શેરી વળાવી સજ્જ કરુ, ઘેર આવો ને, આંગણીએ ફૂલ વેરું, મારે ઘેર આવોને....’ જેવા અનેક આપણાં લોકગીતો અને શાસ્ત્રોમાં સ્વચ્છતાનો મહિમા ગવાયો છે. સ્વચ્છતાના ઉપદેશો અને સંદેશાઓ, પુસ્તકો-શાસ્ત્રો કે ધર્મગ્રંથોના પાને અને ગુરુઓના મુખે હોય એના કરતાં જનજનના સ્વભાવમાં હોય એની પરિણામલક્ષિતા વધુ હોય છે. માનસિક, શારીરિક, બૌદ્ધિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં સ્વચ્છતાની સમજ વધે તો એના નક્કર પરિણામો મળે.
જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા કહેતાં કે, સ્વચ્છતાની પરિભાષા એ મનની પવિત્રતા છે. દેશને સાફ-સુથરો રાખવાની જવાબદારી માત્ર સફાઈ કર્મચારીઓની નથી. જેમ મારું ઘર અને મારું આંગણું ચોખ્ખું રાખવાની માનસિકતા હોય છે. એવી જ લાગણી આગળ વધારીને મારું રાજ્ય, મારો દેશ સ્વચ્છ હોય એ માટેની મારી સંપૂર્ણ જવાબદારી છે, એવી ભાવના પ્રત્યેક દેશવાસીના મનમાં વિકસિત થાય ત્યારે ૩૬૦ ડિગ્રીએ બદલાવ આવે. ગાંધીજી તો ત્યાં સુધી કહેતાં કે, સ્વચ્છતા ન રાખવાની બાબત એ એક મહાન પાપ છે. ગંદકી ફેલાવવા માટે હંમેશા તૈયાર રહેવું એના કરતાં સ્વચ્છતા માટે સજ્જતા કેળવાય અને તત્પરતા રહે ત્યારે સમજવું કે હવે સાચી દિશા પકડાઇ છે.

ધબકાર :
દુનિયાને ગંદી કહેતા પહેલાં પોતાના ચશ્મા સાફ કરી લો.



અલૌકિક આનંદની યાત્રા નૃત્યના પ્લેટફોર્મ ઉપરથી આરંભાતી હોય છે


અલૌકિક આનંદની યાત્રા નૃત્યના પ્લેટફોર્મ ઉપરથી આરંભાતી હોય છે

પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઈઝ હોલ્ડર અને અમેરિકાના ખૂબ જાણીતા કોલમિસ્ટ અને લેખક ડેવિડ મેકલિસ્ટર બેરીની હ્યુમર કોલમ અમેરિકન્સ બડા આદરથી વાંચતા હોય છે. ડેવિડના સેટાયરમાં પણ હાસ્યની સાથે ચિંતનાત્મક ગહન વાત લોકોને હૃદય સોંસરવી ઉતરી જાય. ડેવિડે મન અને હૃદયના ઉત્સાહને અભિવ્યક્ત કરતા માધ્યમ નૃત્ય સંદર્ભે સરસ વાત કરી છે. એક વાર ડેવિડને કોઈએ પૂછ્યું કે, ‘ મને નાચતા નથી આવડતું પણ મને મારી ખુશી તો વ્યક્ત કરવી જ છે તો હું શું કરું ? ડેવિડ બેરીએ આ ભાઈને કહ્યું, ‘ તમારું નૃત્ય ઉત્કૃષ્ટ છે કે ભંગાર છે, એની સાથે કોઈને કશી લેવા દેવા જ નથી. માત્ર તમારી જગા ઉપરથી ઊભા થઈ હાથ પગ હલાવી મોજ કરવા માંડો એ જ સાચું નૃત્ય છે અને જીવનનું સાચુ સંગીત છે. જેમ કોસ્મિક લવ શબ્દની એક અલગ ઉચાઇ છે એમ જ કોસ્મિક પ્લેઝર (અલૌકિક આનંદ) શબ્દની અલગ પહેચાન છે. ખરેખર તો અલૌકિક આનંદ એક અવસ્થા છે. અલૌકિક આનંદની આ અવસ્થાએ પહોંચવાની યાત્રા નૃત્યના પ્લેટફોર્મ ઉપરથી આરંભાતી હોય છે.
ગુજરાતના ગગનમાં નવરાત્રી ગોરંભાઇ છે. ખેલૈયાઓ અવનવા ગરબા દાંડીયા સ્ટેપની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતી કેલેન્ડરમાં ચૈત્રી પ્રતિપદાથી વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રીની છડી પોકારાય છે. નવરાતનુ કાઉંટ ડાઉન શરૂ થઇ ગયું છે. નૃત્ય એ આંતરિક ઉત્સાહનું પ્રગટીકરણ માટેનું સૌથી સહજ અને સશક્ત માધ્યમ છે. નવરાત દરમિયાન ભક્તિ અને શક્તિના સમાયોજનથી આનંદના ઓવારણા લેવાતા હોય છે. આમ તો નવરાત્રીનો સમયગાળો વસંત અને પાનખર ઋતુઓનો હોય છે. સૂર્યના હુંફાળા તાપથી ધરતી પણ પ્રસન્ન હોય છે. નવરાત્રિ એટલે દેવી દુર્ગાની આરાધના કરી ઉજવાતો મઝાનો નૃત્ય ઉત્સવ.
વસંત નવરાત્રી, શરદ નવરાત્રી, અષાઢ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી એમ ચાર નવરાત્રીઓની વર્ષ દરમિયાન રંગે ચંગે ઉજવણી થતી હોય છે. ગુજરાતી બંધુઓ શરદ અને ચૈત્રી નવરાત્રી ઉમંગથી ઉજવતા હોય છે. સામાન્ય રીતે શરદ નવરાત્રીમાં ગરબા, રાસના નૃત્યનો મહિમા હોય છે. જ્યારે ચૈત્રી નવરાત્રી વ્રત-તપ માટે વધુ પ્રચલિત છે. પૂર્વ ભારતના પ્રદેશોમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોની હોંશભેર ઉજવણી થતી હોય છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાની બડી ધુમધામ હોય છે.
નવરાત્રીનું નામ પડે એટલે પ્રત્યેક ગુજરાતીઓના હૈયા થનગનવા લાગે, મનમાં મોજ અને મસ્તીની છોળો ઉડે, પગ થીરકવા લાગે, આનંદ ઉલ્લાસથી હૃદય ફુલ્યું ન સમાય. ‘ગરબોશબ્દનો અર્થ કાણાવાળી માટીની માટલીમાં દીવો પ્રગટાવી માતાજીની પુજા કરવી. જો કે ગરબો મૂળ શબ્દ સંસ્કૃત શબ્દ ગર્ભદીપઉપરથી ઉતરી આવ્યો છે. ભગવદ્ ગો મંડળે ગરબોશબ્દાર્થને સમજાવતાં લખ્યું છે કે, અંદર દીવો હોય એવો કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. આમ તો આનો તાત્વિક અર્થ એવો કરી શકાય કે હૃદયમાં સત્યનિષ્ઠા અને સતકર્મનો દીવો પ્રગટાવી ભક્તિભાવપૂર્વક નાચતા ગાતા શક્તિની આરાધના કરવાનો અદભુત સમય એટલે નવરાત્રી.
નૃત્ય માણસની ખુશીની અભિવ્યક્તિ માટેની સ્વાભાવિક શૈલી છે. એવી કોઇપણ વ્યક્તિ નહીં હોય કે, જેણે જીવનમાં ક્યારેય નૃત્ય નહીં કર્યું હોય. નૃત્યના પ્રકાર જુદા જુદા જરૂર હોઈ શકે પણ આનંદ દર્શાવવાનો માર્ગ તો એક જ છે. કોઈ કસરતના ભાગરૂપે એરોબિક નૃત્ય કરે તો કોઈ ગરબા-રાસ કરે, કોઈ બંધ બારણે ઓરડામાં સંગીતના તાલે નાચી લે તો કોઈ પાર્ટીમાં મોજથી થીરકી લેતા હોય છે. પણ સો વાતની એક વાત જીવનને રંગીલું બનાવે છે નૃત્ય.
વિશ્વના અલગ અલગ દેશોની આનંદની અભિવ્યક્તિમાં નૃત્યની નોખી અનોખી પરિભાષા હોય છે. બ્રાઝીલના રીયો-ડી-જાનેરોના કાર્નીવલ મહોત્સવમાં સાંબાનૃત્ય બ્રાઝીલીયનો ખૂબ મસ્તીથી કરતા હોય છે. બ્રાઝીલમાં ખૂબ લોકપ્રિય એવું સાંબાનૃત્યનું મૂળ ગોત્ર આફ્રિકામાં કામ કરતા બ્રાઝીલીયન ગુલામો દ્વારા પ્રચલિત કરવામાં આવ્યું છે. આવી જ રીતે ઈંગ્લેન્ડના ગ્રામ વિસ્તારોમાં પગમાં પેડ અને નાના નાના ઘુંઘરુ બાંધી કરાતો મોરીસડાન્સ આપણા ગરબા જેવો જ લોકપ્રિય છે. ‘મોરિસ નૃત્યના ચોક્કસ ઇતિહાસની લોકોએ જાણકારી ઉપલબ્‍ધ નથી પણ મોરીસદ્વારા ઈંગ્લેન્‍ડના ગ્રામજનો આનંદ કરે છે.
     ફ્રાંસ દેશના નૃત્યની વાત રોમાંચકારી છે. ફ્રાંસના રાજા લુઈસ ચોથાને ડાન્‍સનો જબરો શોખ હતો. લુઈસે ૧૬૬૧માં વિશ્વની સૌથી પહેલી બેલે ડાન્સ સ્‍કૂલ ખોલી હતી. આ સ્‍કૂલ ધ એકેડમી રોયલ ધ ડાન્‍સ તરીકે ઓળખાય છે. કલાસિકલ બેલે ડાન્‍સનુ જન્‍મ સ્‍થળ આ સ્‍કૂલ ધ એકેડમી રોયલ ધ ડાન્‍સજ કહેવાય છે.   સ્‍કૂલના પ્રથમ નિર્દેશક તરીકે લુઇસે મશહુર ડાન્‍સર પિયરે બ્‍યૂએપ્સને જવાબદારી સોપી. પિયરે એ જમાનામાં બેલે નૃત્યમાં જે પગની પાંચ મુવમેન્ટનો આવિસ્કાર કરેલો તે આજે પણ બેલે ડાન્સરોની શાન છે.
અમેરિકન મીડિયા ટાયફૂન લેડી અને વિશ્વમાં સૌથી વધુ જોવાતા ટોક શોની હોસ્ટ ઓપ્રાહ ગેઈલ વિન ફ્રે ઘણીવાર એના શોમાં કહેતી હોય છે કે, પ્રતિદિન સવારે ઉગતો સૂરજ તમારા માટે નવું કેનવાસ લઈને આવે છે. તમારા શ્વાસોથી એમાં મઝાનું ચિત્ર દોરો અને બુટની દોરી બાંધી, હસતા મોંએ ઉમંગથી નૃત્ય કરવા સજ્જ થઈ જાવ.
માણસની સાચી મજા તો એની સર્જનશીલતામાં રહેલી છે. જે માણસ જિંદગીથી પ્રેમ કરતો હોય તે સર્જનાત્મક દ્રષ્ટિકોણ ધરાવતો હોય છે તો જ એ જીવનના સૌંદર્યના વ્યાપને વધારવા તત્પર રહેતો હોય. જીવનમાં થોડું વધુ સંગીત, થોડી વધુ કાવ્યાત્મકતા અને થોડુ વધુ નૃત્ય લાવવાથી આપોઆપ સર્જનશીલતાની સુવાસ પ્રસરતી હોય છે. ભાવનાઓના રંગમંચ ઉપર શબ્દો, કવિતા અને ગઝલનું રૂપ ધારણ કરી મનમોહક નૃત્ય કરે છે. એવી રીતે જીવનની પ્રત્યેક પળ સંગીતમય બની રહે અને પગ થીરકતા રહે ત્યારે જીવનમાં ઉમંગ અને ઉત્સાહનો સરવાળો નહીં ગુણાકાર થતો હોય એમ લાગે. માત્ર નવરાત્ર જ નહીં રોજે રોજ ગરબા અને દરરોજ દાંડીયા કેમ ન થાય ? કહેવાનો મતલબ છે કે, નૃત્ય સ્વરૂપે આનંદની અભિવ્યક્તિ રોજે રોજ હોવી જોઇએ. પછી ભલે એ ગરબા, દાંડીયા હોય કે પછી સાંબા, બેલે કે કોઇ પણ ડાન્સ ફોર્મ હોય પણ જીવનમાં નૃત્ય હોવુ જોઇએ. આનંદનો માર્ગ નૃત્યના પ્લેટફોર્મ ઉપરથી આરંભાતો હોય છે.

ધબકાર :
જીવનની સર્વોત્તમ પળો નૃત્યાચ્છાદીત હોય છે.




‘સ્નેક લવર્સ’ મિત્રોએ કમાલની સર્પ જાગૃતિ એપ બનાવી


 ‘સ્નેક લવર્સ’ મિત્રોએ કમાલની સર્પ જાગૃતિ એપ બનાવી

ગ્લોબલ વોર્મિંગની વાત હવે અજાણી નથી. અને હમણા હમણાથી મૌસમની આડોડાઇ પણ ઓછી નથી. ચીન અને ફિલિપાઇન્સમાં જોરદાર પવન સાથે વરસાદે ખાના ખરાબી સર્જી. હિન્દુસ્તાનના કેરલ અને કેટલાક રાજ્યો પાણીથી તરબતર તહ્યાં તો કેટલાક રાજ્યોમાં ખુબ ઓછો વરસાદ પડ્યો. જો કે ચામાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે શહેરની એક કોલેજમાં બનેલી એક ઘટનાએ ધ્યાન ખેચ્યું. પત્રકારત્વના ડિપ્લોમા અભ્યાસક્રમના ક્લાસમાં લેખન કૌશલ્ય અંગે ફેકલ્ટીના વક્તવ્યને વિદ્યાર્થીઓ તલ્લીન થઈને આત્મસાત કરતા હતા. આ ક્લાસમાં ઊંચા કદ-કાઠીના ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી પણ પત્રકારત્વના અભ્યાસ માટે આવે. આમ તો ધર્મેન્દ્રભાઈ સરકારી કર્મયોગી છે. વાર્તા લખવાના પણ જબરા શોખીન છે. એ દિવસે સાંજે ચારેક વાગે અચાનક ‘‘સાપ આવ્યો... સાપ આવ્યો...’’ એવી બુમો પડી અને ધર્મેન્દ્રભાઈ ક્લાસમાંથી સફાળા ઊભા થઈ મુઠ્ઠીઓ વાળીને જે દિશામાંથી બુમો સંભળાતી હતી એ ભણી રીતસર દોડ્યા. નીચે જઈને જોયું તો દસ-પંદર છોકરાઓનું ટોળું એક સેન્ટ્રો કારની આસપાસ ઊભું હતું. કારના આગલા વ્હીલમાં એક સાપ જતો વિદ્યાર્થીઓએ જોયો હતો. પળનોય વિલંબ કર્યા વગર ધર્મેન્દ્રભાઈએ વ્હીલમાંથી સાપને પકડી સલામત રીતે એક હવાદાર પ્લાસ્ટિકની બરણીમાં એને મૂકી દીધો.
આસપાસ ઊભેલા વિદ્યાર્થીઓને હાશથઈ. એક વિદ્યાર્થીએ ધર્મેન્દ્રભાઈને પૂછ્યું પણ ખરું આ કયો સાપ છે ? ધર્મેન્દ્રભાઈએ ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો. ‘સૌથી ઝેરી સાપ કોબ્રા.’ પેલા વિદ્યાર્થીના શરીરમા લખલખુ પસાર થઇ ગયું. ચોમાસાની સિઝનમાં ઠંડા લોહીની પ્રકૃતિવાળા સાપ ઈંડા મૂકવા અને બચ્ચા પેદા કરવા જમીનની બહાર આવતા હોય છે. વળી ચોમાસામાં દેડકા, ગરોળી, નાના સાપ વગેરેનો મોટા પ્રમાણમાં ખોરાક પણ ઉપલબ્ધ થતો હોઈ સાપ દરની બહાર આવતા હોય છે.
આમ પણ દરમાં હોય કે ટોપલામાં હોય ત્યાં સુધી સાપ જોવા સારા લાગે. જેવા એ બહાર આવે કે, લોકોની ચીસાચીસ શરૂ થઈ જાય. સાપ દેખાય એટલે ડરના માર્યા એને પતાવી જ દેવાનો ટ્રેન્ડ સામાન્ય રીતે જોવા મળે છે. ધર્મેન્દ્રભાઇ જેવા સ્નેક લવર્સસાપ વિશે અવનવી વાતો કહીને સાપના ખોફને જનમાનસમાંથી દૂર કરવા સતત મથતા રહે છે. મઝાની વાત તો એ છે કે, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદીએ સ્નેક લવર્સ ક્લબનામની મોબાઈલ એપ બનાવી છે. આ ઉપયોગી એપ ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉન લોડ કરી શકાય છે. https://play.google.com/state/apps/ details!id:com.vishrjpt.android.snackloversclub નામની એપ દ્વારા નજીકમાં ઉપલબ્ધ સ્નેક લવરનું સંપર્ક સ્થાન અને ટેલિફોન નંબર આસાનીથી મળી શકે છે.
ધર્મેન્દ્રભાઈ સાથે લેખન કલા સંબંધી કે પછી પત્રકારત્વ અને વાર્તાલેખન સંબંધી ઘણીવાર ચર્ચા થઈ છે પણ સાપ અને આ પ્રજાતિના પ્રેમી સંદર્ભે પહેલી વાર ચર્ચા કરવાનો અવસર મળ્યો. આ સર્પપ્રેમીઓ સાપના ડરથી થતા સાપના મોતથી દ્રવી ઊઠે છે. ધર્મેન્દ્રભાઈ જેવા ઘણા સર્પપ્રેમી ગાંધીનગર અને સમગ્ર રાજ્યમાં સાપોની પ્રજાતિની દિલથી સેવા કરવામાં આનંદ અને ગૌરવ અનુભવે છે. આ મિત્રોની સર્પપ્રેમ સાથે જનસેવા તો છે જ ઉપરથી પ્રકૃતિની પણ સેવા લટકામાં.
ઇતિહાસ ગવાહ છે કે, ૧૩૦ મિલીયન વર્ષો પૂર્વે ડાયનોસોરના જમાનાથી પૃથ્વી ઉપર સાપ જોવા મળે છે. આટલા લાંબા સમયથી ધરતી ઉપર વિચરણ કરતી સરીસૃપોની આ પ્રજાતિ વિશે ઘણું લખાયું અને કહેવાયું છે. આમ છતાં સાપની દુનિયા હમેશા ભારે રોમાંચકારી અને રહસ્યમયી લાગતી હોય છે. પશ્ચિમ અને પૂર્વના ફિલ્મ મેકર્સ પણ સાપની શ્રુષ્ટી પ્રત્યે આકર્ષિત રહ્યાં છે. નાગીન, નગીના, એનાકોન્ડા, બ્લેક કોબ્રા વગેરે વગેરે હોલિવુડ અને બોલીવુડની ફિલ્મોએ પણ સાપોની દુનિયાનો અજબનો રોમાંચ લોકોમા ઊભો કર્યો છે.
આમ તો દુનિયાભરમાં ૨૫૦૦થી વધુ સાપની જાતો છે. જો કે આમાંથી માત્ર ૨૦ ટકા જ સાપ ઝેરી હોય છે. ભારતમાં ૩૦૦ પ્રકારના સાપ જોવા મળે છે. જેમાંથી ૫૦ જાતિના સાપ ઝેરી છે. જાણીને આશ્ચર્ય થાય કે, ન્યુઝીલેન્ડ, આઈસલેન્ડ અને એન્ટાર્ટિકા પ્રદેશમાં એક પણ સાપ નથી જોવા મળતા. સુંદરીઓની નગરીના દેશ બ્રાઝીલમાં એક ‘સ્નેક આઈલેન્ડ’ નામનો પ્રદેશ છે. અહીં સાપોની વસતી ખૂબ વધારે છે. પ્રત્યેક એક વર્ગ મીટરમાં પાંચ સાપ જોવા મળે છે. સાદા શબ્દોમાં કહીએ તો, અહીં દસ બાય દસના એક ડબલબેડ જેટલી જગ્યામાં ૨૦ સાપ આમ તેમ ફરતા જોઈ શકાય છે. અને એ પણ ‘ગોલ્ડન બીટ વાઈપર’ જેવા ખૂંખાર ઝેરીલા સાપ...!
સ્નેક લવર્સ’ કહે છે કે, સામાન્ય રીતે કોઈ સાપ છંછેડ્યા વગર કરડતો નથી. મહદંશે તો સાપ ઉપર પગ પડે ત્યારે જ એ કરડતો હોય છે. દુનિયાભરમાં દર વર્ષે એક લાખ લોકો સર્પદંશથી મૃત્યુ પામે છે. ભારતમાં સરેરાશ અઢી લાખ લોકોને સાપ કરડતા હોય છે. જેમાંથી ૫૦,૦૦૦ લોકોનું મૃત્યું થતું હોય છે. ઈશ્વરે સાપને એવી બક્ષીસ આપી છે કે, એણે ખોરાકને ચાવવાની જરૂર નથી પડતી એ શિકાર ચાવ્યા વગર ગળી જાય છે. નેશનલ જીયોગ્રાફી ચેનલે સાપ ઉપરની ડોક્યુમેન્ટ્રીમાં ભીમકાય અજગરને નાની નીલ ગાય ગળી જતા બતાવ્યો હતો. મોટા અજગરો તેમના કરતાં ૫૦થી ૧૦૦ ટકા મોટા પ્રાણીઓને ઓહીયા કરી જતા હોય છે.  
કેટલીક જાતિના સાપોની વિશેષતા છે. પાણીના સાપ તેની ત્વચાથી શ્વાચ્છોશ્વાસ કરતા હોય છે અને એટલે જ એ લાંબો સમય પાણીની સતહની નીચે રહી શકે છે. કિંગ કોબ્રા જેવા ખતરનાક ઝેરીલા સાપ મહિનાઓ સુધી ભૂખ્યા રહી શકે છે. સાપોની ૭૦ ટકા પ્રજાતિ ઇંડા આપે છે જ્યારે ૩૦ ટકા જાતિ સીધા બચ્ચાને જન્મ આપે છે. વિશ્વમાં સૌથી તગડા સાપોમાં લીલા રંગના એનેકોન્ડાની પ્રજાતિનો સમાવેશ થાય છે. આ સાપ ૫૫૦ પાઉન્ડ વજનના જાડાપાડા હોય છે. કિંગ કોબ્રા એના નામ પ્રમાણે ઝેરની માત્રાનો રાજા છે. એની લંબાઈ ૧૮ ફૂટ જેટલી જોવા મળતી હોય છે. કિંગ કોબ્રાનું માત્ર સાત મિલી ઝેર એક સાથે ૨૦ વ્યક્તિઓ કે એક વિશાળકાય હાથીનું કામ તમામ કરવા પૂરતું છે. સાપ નાકથી નહીં જીભથી સુંઘે છે. સાપ વર્ષમા ઓછામાં ઓછી ત્રણવાર કાંચળી ઉતારે છે.
એક રિસર્ચ એવું કહે છે કે, અન્ય જાનવરોની જેમ સાપને ક્યારેય કેળવી શકાતા નથી. સામાન્ય રીતે મગજમાં સેરિબ્રલ હેમી રિફયર નામનું પ્રવાહી શીખવાની અને કેળવાવાની વૃત્તિને પ્રબળ કરતું હોય છે. પ્રત્યેક જાનવરના મગજમાં સેરિબ્રલ હેમી સ્ફિયર નામનું તત્ત્વ તેને છથી સાત વર્ષના બાળક જેટલી સમજશક્તિ આપે છે. સાપના મગજમાં સેરિબ્રલ હેમી સ્ફિયર નામનું તત્ત્વ હોતું જ નથી. તેથી સાપને કેળવી શકાતા નથી. ધર્મેન્દ્રભાઈ જેવા સ્નેક લવર્સસાપની દુનિયામાં ડોકીયું કરાવવા હમેશા તત્પર હોય છે. આ સ્નેક લવર્સ મિત્રોના પ્રયાસોના કારણે લોકો અને સાપ વચ્ચે કોઇપણ કારણ વગર દુશ્મનાવટનુ વાતાવરણ સ્વાભાવિક રીતે ઘટશે.

ધબકાર :
અજ્ઞાન ડરની જનેતા છે, જીવનમાં ડરથી વધુ ખતરનાક ખરાબ કોઇ બાબત છે જ નહીં.