Saturday, 20 April 2019

યુવાનીમાં આજે આનંદનો માર્ગ નહીં શોધો તો કાલે કદાચ બહુ મોડુ થઇ જશે


યુવાનીમાં આજે આનંદનો માર્ગ નહીં શોધો તો કાલે કદાચ બહુ મોડુ થઇ જશે



યુવાની જીવનમાં નવું શિખવાનો સૌથી મોટો તબક્કો છે. યુવાની શિખવાડે છે જ્યારે વૃદ્ધત્વ સમજાવે છે. યુવાની એટલે આનંદનો માર્ગ સંશોધિત કરવાનો અદભુત સમય. યુવાની સૌથી સમજદાર એટલે હોય છે કે, એનામાં હંમેશા નવા મુદ્દાઓ ઝીલી લેવાનો થનગનાટ હોય છે. યુવાનીમાં ભરપુર આનંદ લેવાનો હોય. આજે અને આ પળે તમે જેટલા યુવાન છો એટલા ભવિષ્યમાં ક્યારેય નથી રહેવાના.



યુવાની એટલે લક્ષ્ય નિર્ધારીત કરવાની ઉત્તમ વય. જો યુવાનીમાં કોઈ લક્ષ્ય નક્કી ન કરવામાં આવે તો જીવનના મેદાનમાં આમ તેમ દોડા દોડી કરી સમય પૂરો થઈ જશે અને આખા જીવન કાળમાં કોઈ ગોલ કરી નહીં શકાય.
ગાંધીનગર શહેર પાસે આવેલા વાવોલના પચીસ ત્રીસ યુવાનોએ ભેગા થઈને આનંદ કરવાનો અનોખો માર્ગ અપનાવ્યો છે. આ યુવાનોએ હેપ્પી યુથ ક્લબ બનાવી પોતાનો અને સમાજ માટે આનંદના પ્રાપ્તિ સ્થાનો ખોળી કાઢ્યા છે. ક્યારેક વડીલો માટે આનંદ શિબિર તો ક્યારેક સ્મશાન સફાઈ, તો વળી કોઈ દિવસ હરતી-ફરતી લાઈબ્રેરી અને સફાઈના આનંદ જેવા વિવિધ કાર્યક્રમોથી આ યુવાનો એમની યુવાનીના આહલાદનો આસ-પાસ, ચોપાસ સૌ કોઇને અનુભવ કરાવે છે.
હેપ્પી યુથ ક્લબના ઉત્સાહથી ભરેલા યુવાનો ભાઈ સમીર રામી, સંજય અને ગૌરાંગ કહે છે કે, અમારા સંગઠનમાં કોઈ પ્રમુખ કે પદ, પ્રતિષ્ઠા નથી. અમે તો મનની મોજના માર્ગે મહાલીએ છીએ. અમે બધા મિત્રો મળીએ અને જ્યારે જે મિત્ર આનંદ માટેનો કોઈ વિચાર રજૂ કરે ત્યારે તે કાર્યક્રમની જવાબદારી એને સોપીને એ કાર્યક્રમ પૂરતો એ મિત્રને લીડર બનાવી દઇએ છીએ. પછી બધા જ સાથીઓ એ મિત્રની દોરવણી મુજબ મોજ કરીએ છીએ.
તાજેતરમાં જ આ યુવાનોએ વાવોલની સોસાયટીના બસો જેટલા વડિલો માટે એક દિવસની આનંદ શિબિર યોજી. આખો દિવસ વડિલો સાથે હસ્યા, રમ્યા, આરોગ્ય જાળવણી માટે તજજ્ઞ તબીબો અને યોગ પ્રશિક્ષક સાથે વડિલોનો વાર્તાલાપ યોજ્યો. વડિલોને જોમ અને જુસ્સાથી જીવન જીવવા માટે દમદાર વિચારોના સેશન રાખ્યાં.
સલામ છે વાવોલ વિસ્તાર વિકાસ સમિતિ અને હેપ્પી યુથ ક્લબના સમીર, સંજય અને ગૌરાંગ જેવા આ ત્રીસ યુવા મિત્રોના વિચાર અને આચારને. યુવાનીમાં સકારાત્મક દ્રષ્ટિકોણના સાક્ષાત્કારની સોચમાં મોજ કરતા આ યુવાનોએ એમની યુવાનીને સાચા અર્થમાં આનંદના માર્ગે વાળી છે.
ફ્રાન્સના દાદુ કવિ અને નવલકથાકાર, પ્રસિદ્ધ નાટ્ય લેખક વિકટર હ્યુગો તેમના ભાવનાત્મક લખાણોથી સમગ્ર વિશ્વમાં જાણીતા છે. હ્યુગો કહે છે કે, ચાલિસની ઉંમર વૃદ્ધત્વની યુવાની છે. પચાસની ઉંમર વૃધ્ધાવસ્થાની યુવાની છે. જીવનના સાચા આનંદની ખોજ યુવાનીમાં થાય એ જરૂરી છે.
સત્યનિષ્ઠાથી કરેલા કાર્યોના સત્વની ચમક અલગ હોય છે. એક અંધારી ઘોર અને વિકટ એવી વિકરાળ સુરંગમાંથી દસ-બાર યુવાનો પસાર થતા હતા. એમને પગમાં કાંકરા વાગતા હતા. આ યુવાનોએ નક્કી કર્યું આપણને પગમાં કાંકરા વાગે છે તો આપણા પછી આવનારા લોકોને એ ન વાગે એવુ કંઇક કરવુ જોઇએ. એ બધાએ નક્કી કર્યું ભલે અંધારૂ હોય, કશુ પણ દેખાતુ ન હોય પણ પગમાં જો કાંકરો વાગે તો એ ઉઠાવી લઇએ અને ભેગા કરી બહાર નાખી દઇએ. સુરંગની બહાર નીકળી આ કાંકરા દૂર ફેંકી દેવાથી આપણા પછી સુરંગમાં આવનારાને કષ્ટ નહીં પડે.
અંધારામાં કશું દેખાતું ન હતું એટલે જેને જેટલાં પથ્થરો વાગ્યાં એ ઉપાડી લેવાનું શરૂ કર્યું. સુરંગ પસાર કરીને જ્યારે આ યુવાનો સૂર્ય પ્રકાશમાં આવ્યા ત્યારે જોયું તો જેને કાંકરા સમજી ઉઠાવેલા એ તો સાચા હિરા હતા. જેણે સચ્ચાઈને અચ્છાઈથી ધોઇને અપનાવીને વધુ કાંકરા ઉઠાવ્યા એને વધુ હીરા મળ્યા. જેણે લુચ્ચાઈથી કાંકરા ન ઉપાડ્યા એ એના કર્મને કોસતા રહ્યા. ચાણક્ય કહે છે કે, દુનિયાની સૌથી મોટી શક્તિના સ્ત્રોત બે છે એક યુવાની અને બીજું નારીની સુંદરતા. યુવાનીની તાકાતને બીજાના આનંદ સાથે વહેંચવાના માર્ગે વાળવાનો સંકલ્પ જ આનંદની પ્રાપ્તિનો મહાયજ્ઞ છે.
યુવાનીમાં સૌથી મોટી વિચારધારા એ હોય છે કે, કોઈનાથી વધુ સારું કરવાથી કોઈ ફરક પડતો નથી પણ કોઈનું સારું કરવામાં આવે તો બહુ મોટો ફરક પડતો હોય છે. જવાની એક શમણા જેવી હોય છે. આ સમયગાળામાં રાસાયણિક ગાંડપણ થતું હોય છે. એક દિવાથી હજારો દિવડા પ્રજ્વળી શકે છે. જે દિપકથી બીજા દિવડા પ્રગટાવવામાં આવ્યા હોય છે એનો પ્રકાશ ક્યારેય ઓછો નથી થતો. એ જ રીતે બીજાના આનંદની જ્યોતને પ્રજ્વલિત કરવાથી પોતાના આનંદની જ્યોત વધુ પ્રકાશિત થતી હોય છે. માણસનું મન એના આનંદનો સૌથી મોટો સ્ત્રોત છે. જેવું વિચારવામાં આવે એવું જ લક્ષ્ય નિર્ધારણ થતુ હોય છે. મન સંસ્કારોના સમૂહનું પોટલું છે અને આદતોનો અખાડો પણ છે. મનની મોજનો માર્ગ નક્કી કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની છે. કોઈના આનંદ માટે કરવામાં આવેલા નાના સરખા પ્રયાસથી મોટી બીજી કોઈ શક્તિ નથી.

ધબકાર :
સાચો આનંદ ત્યારે જ થાય જ્યારે એ બીજા સાથે વહેંચવામાં આવે.




No comments:

Post a Comment