Saturday, 20 April 2019

દહીં માણસનો દમદાર દોસ્ત…


દહીં માણસનો દમદાર દોસ્ત

દિવસે દિવસે ધરતીના હવામાનમાં અકલ્પનીય પરિવર્તન થતું જાય છે. હજી તો ઊનાળાની શરૂઆત છે અને ટેમ્પરેચર જોત જોતામાં ૪૦ ડિગ્રી થઈ જાય છે. શરીરના મેટાબોલીઝમમાં પણ હલચલ મચી જતી હોય છે. આહાર અને વિહારની કેટલીક સાદી સમજ ઉપકારક બની જતી હોય છે. કાળઝાળ ગરમીની મોસમમાં દહીં એક ઉત્તમ આહાર છે. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, હાઈબોફ્લેવિન, વિટામીન બી-, બી-૧૨ વિપુલ માત્રામાં હોય છે. દહીંને માત્ર ગરમીમાં જ નહીં બારે માસ આહારમાં પ્રમુખ સ્થાને રાખવુ જોઈએ. ભારતીય ભોજનમાં દહીંને હમેશા અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું છે. દહીં સંસ્કૃત શબ્દ દધીઉપરથી આવ્યો છે. ‘દધીએટલે ખાટુ દૂધ. પંચામૃતના પાંચ અમૃત પૈકીનું એક દહીં છે. ગાયના દૂધમાંથી બનતું દહીં અત્યંત ગુણકારી હોય છે.



મહાભારત કાળ પૂર્વે કૃષ્ણ બાળલીલાના સમયમાં દહીં અને માખણના ઉલ્લેખો જોવા મળે છે. વિશ્વ સમસ્તમાં ૪૫૦૦ વર્ષોથી લોકો તેમના આહારમાં દહીંનો ઉપયોગ કરતા આવ્યા છે. બલ્ગુરીયામાં દહીંને કિસેલો મ્લિઆકો કહે છે. દહીંને અમેરિકામાં અને તુર્કીમાં યોગર્ટ’, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને સંયુક્ત રાષ્ટ્રમાં યોગહર્ટતરીકે ઓળખવામાં આવે છે. કેનેડિયનો દહીંને યોગૌર્ટકહે છે. આમ તો દહીં અને યોગર્ટ એક જ છે પણ ફોર્મેશનની પ્રક્રીયા થોડી જુદી છે. એટલા પુરતો દહી અને યોગર્ટ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. દહીં દૂધના બેકટેરીયલ ફોર્મેન્ટેશન દ્વારા બનાવાય છે એટલે કે, દૂધને જમાવવા એસીડીક કર્ડલી એજન્ટ ઉમેરવામાં આવે છે. દહીંમાં લેક્ટિક એસીડ બેક્ટેરિયા હોય છે. યોગર્ટ બનાવવામાં બે પ્રકારના બેકટેરિયા દૂધમાં મેળવવામાં આવે છે. યોગર્ટમાં દહીના મુકાબલે પ્રોટીનની માત્રા ઓછી હોય છે. જેને દહી પચવામાં તકલીફ હોય એને યોગર્ટ આસાનીથી પચી જાય છે.
અગીયારમી શતાબ્દીમાં મધ્યકાલીન તુર્કીઓ દ્વારા લખાયેલા પુસ્તકોમાં દહીંના ઉલ્લેખો જોવા મળે છે. મહમૂદ કશ્ગારીએ લખેલા દીવાન લુઘત-અલ-તુર્ક અને યુસૂફ હાસ હાઝીબના પુસ્તક કુતુદ્રુ બિલિગમાં દહીંના સ્પષ્ટ ઉલ્લેખો છે. તુર્કીશ વણઝારાઓના આહારમાં દહીંના ઉપયોગનુ વર્ણન છે. યુરોપ દેશના ઇતિહાસમાં દહીંના ઔષધિય ઉપયોગના મજબુત આધાર પુરાવા આપે છે. ફ્રાન્સીસી ઇતિહાસમા પ્રાપ્ત ઉલ્લેખો છે. ફ્રાંસના રાજાને એક વખત સખત ડાયેરીયા થઈ ગયો. કોઈપણ ફ્રાન્સીસી તબીબ એનો ઇલાજ નહોતો કરી શકતો. ત્યારે એમના સાથી મિત્ર સુલેમાન ડી. મેગ્નિફિકેંટે એક ચિકિત્સકને રાજાના ઈલાજ માટે મોકલ્યો. આ ચિકિત્સકે દહીંના ઉપયોગથી રાજાની બિમારીનો ઇલાજ કર્યો. ત્યાર પછી ફ્રાંસના રાજાએ દહીંના સ્વાદ અને ઔષધિય ગુણોને કારણે આખા યુરોપમાં દહીંને પ્રચલીત કર્યું. પછી તો દક્ષિણ એશિયા, મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણ પૂર્વીય યુરોપ અને મધ્ય યુરોપીય અસંખ્ય દેશોના લોકોના આહારમાં દહીંને મુખ્ય સ્થાન મળ્યું.
પેરીસના સંશોધક પાસ્ચર અને રશિયન જીવ વૈજ્ઞાનિક ઇલ્યા મેક્નિકોવે એમના સંશોધનમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, બલ્ગેરીયાના ખેડૂતોના તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્ય પાછળ તેમના આહારમાં દહીંનુ નિયમિત સેવન પ્રમુખ કારણ છે. વર્ષ ૧૮૭૮-૧૯૪૫ દરમિયાન ગ્રિગોરોવે દહીંમાં માઈકોફ્લોરા હોવાની વાતની સૌ પ્રથમ શોધ કરી હતી. વર્ષ ૧૯૦૫માં લેક્ટિક બેક્ટેરીયા દહીંમાં પ્રાપ્ય છે એવું સંશોધન થયું.
યહુદી ઉદ્યોગકાર આઈઝેક કરાસોએ દહીંના સદગુણોને પારખી એના પુત્રના નામ દોનોનેથી દહીંનો વેપાર શરૂ કર્યો. ‘દાનોને’ એટલે નાનો ડેનિયલ. ત્યાર બાદ દન્નોનબ્રાન્ડ નેમથી યુરોપ અને અમેરિકામાં એણે દહીંનો જબરજસ્ત વેપાર કર્યો. ભારતમાં ઉત્તરના પ્રદેશોમાં દહીં તરીકે ઓળખાતો આ પદાર્થ ભારતના દક્ષિણના પ્રદેશોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. તેલુગુમાં પેરુગુ, તામિલમાં તપિર, કન્નડમાં મોસરુ અને મલયાલમમાં તૈરે કહેવાય છે.
દહીંથી સુરત અને સેહત બન્નેને ફાયદો થાય છે. દૂધ કરતાં દહીં વધુ ઝડપથી પચી જય છે. સ્વાદની સાથે સાથે દહીંના ઔષધિય ગુણો પણ અદભુત છે. ડાયાબિટોલોજિયા જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર બપોરના ભોજનમાં નિયમિત રીતે દહીં લેવામાં આવે તો ટાઈપ-૨ ડાયાબિટિસનું જોખમ ૨૮ ટકા ઘટી જતું હોય છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના મેડિકલ રિસર્ચ કાઉન્સિલ યુનિટના વૈજ્ઞાનિક ડો. નીતા ફોરૌહી કહે છે કે, દહીંમાં પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ, સેચ્યુરેટેડ ફેટ હોવાથી ડ્યાબિટિસ ટાઈપ-૨ને દૂર રાખવામાં તે ઉપકારક છે.
દહીં ખાવાથી કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં મળતાં શરીરના હાડકાની મજબુતી માટે તે ફાયદાકારક છે. દહીં સાંધાના દુઃખાવા જેવી બિમારી સામે રક્ષણ આપે છે. દાંત મજબૂત બનાવે છે. અપચો અને ગેસ જેવી પેટની તકલીફોમાં દહી રામબાણ છે. ગરમીમાં લૂથી બચવા દહીંનું સેવન કરવું જોઈએ. શરદી અને ખાંસીમાં શ્વાસનળીના ઈન્ફેકશનમાં દહીં રાહત આપે છે. મોઢાના છાલા દૂર કરવા દહીંના કોગળા ખૂબ કારગત નીવડે છે. હાઈ બ્લડપ્રેશર અને આંતરડાના રોગોને નાથવામાં દહીં અકસીર છે. અનિંદ્રાના રોગમાં પણ દહીં અને છાશનું સેવન ફાયદાકારક છે. દહીં ચરબી અને કોલોસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. જો કે આયુર્વેદ અનુસાર દહીંનું સેવન સૂર્યાસ્ત પછી ન કરવું જોઈએ. ખાટુ દહીં પણ ન ખાવુ જોઇએ.
દીકરો કે દીકરી પરીક્ષા આપવા જાય કે નોકરીના ઈન્ટરવ્યૂ માટે જતા હોય ત્યારે ઘરના વડિલ ઘરનો ઉંબરો ઓળંગતા પહેલાં દહીંની ચમચી એના મોંમાં મૂકી શુભેચ્છા પાઠવે છે. ખરેખર તો મહત્વની પરીક્ષામાં કે અગત્યના કામ ટાણે પેટમાં કોઈ ગડબડ ન થાય અને શરીરમાં લૂ કે અન્ય કોઈ તકલીફ ના થાય એ માટે દહીં ખાવુ જોઇએ. આપણા શાસ્ત્રોમાં દહીંના ગુણોને બખુબી સ્વીકારાયા છે. દરેક શુભ કાર્યમાં દહીંનું સ્થાન સર્વપ્રથમ રહ્યું છે. પચાસ વર્ષ પછી રોજ બપોરના ભોજનમાં પચાસથી સો ગ્રામ દહીં સ્વાસ્થ્યવર્ધક છે. સો વાતની એક વાત છે, સ્વસ્થ શરીર માટે દહીં માણસનો દમદાર દોસ્ત બની અડીખમ ઉભું રહે છે.

ધબકાર :
પ્રતિદિન ભોજનમાં હશે જો દહીંનું સ્થાન તો એ સદા રાખશે તમારા સ્વાસથ્યનું ધ્યાન.




No comments:

Post a Comment