Saturday, 20 April 2019

દહીં માણસનો દમદાર દોસ્ત…


દહીં માણસનો દમદાર દોસ્ત

દિવસે દિવસે ધરતીના હવામાનમાં અકલ્પનીય પરિવર્તન થતું જાય છે. હજી તો ઊનાળાની શરૂઆત છે અને ટેમ્પરેચર જોત જોતામાં ૪૦ ડિગ્રી થઈ જાય છે. શરીરના મેટાબોલીઝમમાં પણ હલચલ મચી જતી હોય છે. આહાર અને વિહારની કેટલીક સાદી સમજ ઉપકારક બની જતી હોય છે. કાળઝાળ ગરમીની મોસમમાં દહીં એક ઉત્તમ આહાર છે. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, હાઈબોફ્લેવિન, વિટામીન બી-, બી-૧૨ વિપુલ માત્રામાં હોય છે. દહીંને માત્ર ગરમીમાં જ નહીં બારે માસ આહારમાં પ્રમુખ સ્થાને રાખવુ જોઈએ. ભારતીય ભોજનમાં દહીંને હમેશા અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું છે. દહીં સંસ્કૃત શબ્દ દધીઉપરથી આવ્યો છે. ‘દધીએટલે ખાટુ દૂધ. પંચામૃતના પાંચ અમૃત પૈકીનું એક દહીં છે. ગાયના દૂધમાંથી બનતું દહીં અત્યંત ગુણકારી હોય છે.



મહાભારત કાળ પૂર્વે કૃષ્ણ બાળલીલાના સમયમાં દહીં અને માખણના ઉલ્લેખો જોવા મળે છે. વિશ્વ સમસ્તમાં ૪૫૦૦ વર્ષોથી લોકો તેમના આહારમાં દહીંનો ઉપયોગ કરતા આવ્યા છે. બલ્ગુરીયામાં દહીંને કિસેલો મ્લિઆકો કહે છે. દહીંને અમેરિકામાં અને તુર્કીમાં યોગર્ટ’, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને સંયુક્ત રાષ્ટ્રમાં યોગહર્ટતરીકે ઓળખવામાં આવે છે. કેનેડિયનો દહીંને યોગૌર્ટકહે છે. આમ તો દહીં અને યોગર્ટ એક જ છે પણ ફોર્મેશનની પ્રક્રીયા થોડી જુદી છે. એટલા પુરતો દહી અને યોગર્ટ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. દહીં દૂધના બેકટેરીયલ ફોર્મેન્ટેશન દ્વારા બનાવાય છે એટલે કે, દૂધને જમાવવા એસીડીક કર્ડલી એજન્ટ ઉમેરવામાં આવે છે. દહીંમાં લેક્ટિક એસીડ બેક્ટેરિયા હોય છે. યોગર્ટ બનાવવામાં બે પ્રકારના બેકટેરિયા દૂધમાં મેળવવામાં આવે છે. યોગર્ટમાં દહીના મુકાબલે પ્રોટીનની માત્રા ઓછી હોય છે. જેને દહી પચવામાં તકલીફ હોય એને યોગર્ટ આસાનીથી પચી જાય છે.
અગીયારમી શતાબ્દીમાં મધ્યકાલીન તુર્કીઓ દ્વારા લખાયેલા પુસ્તકોમાં દહીંના ઉલ્લેખો જોવા મળે છે. મહમૂદ કશ્ગારીએ લખેલા દીવાન લુઘત-અલ-તુર્ક અને યુસૂફ હાસ હાઝીબના પુસ્તક કુતુદ્રુ બિલિગમાં દહીંના સ્પષ્ટ ઉલ્લેખો છે. તુર્કીશ વણઝારાઓના આહારમાં દહીંના ઉપયોગનુ વર્ણન છે. યુરોપ દેશના ઇતિહાસમાં દહીંના ઔષધિય ઉપયોગના મજબુત આધાર પુરાવા આપે છે. ફ્રાન્સીસી ઇતિહાસમા પ્રાપ્ત ઉલ્લેખો છે. ફ્રાંસના રાજાને એક વખત સખત ડાયેરીયા થઈ ગયો. કોઈપણ ફ્રાન્સીસી તબીબ એનો ઇલાજ નહોતો કરી શકતો. ત્યારે એમના સાથી મિત્ર સુલેમાન ડી. મેગ્નિફિકેંટે એક ચિકિત્સકને રાજાના ઈલાજ માટે મોકલ્યો. આ ચિકિત્સકે દહીંના ઉપયોગથી રાજાની બિમારીનો ઇલાજ કર્યો. ત્યાર પછી ફ્રાંસના રાજાએ દહીંના સ્વાદ અને ઔષધિય ગુણોને કારણે આખા યુરોપમાં દહીંને પ્રચલીત કર્યું. પછી તો દક્ષિણ એશિયા, મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણ પૂર્વીય યુરોપ અને મધ્ય યુરોપીય અસંખ્ય દેશોના લોકોના આહારમાં દહીંને મુખ્ય સ્થાન મળ્યું.
પેરીસના સંશોધક પાસ્ચર અને રશિયન જીવ વૈજ્ઞાનિક ઇલ્યા મેક્નિકોવે એમના સંશોધનમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, બલ્ગેરીયાના ખેડૂતોના તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્ય પાછળ તેમના આહારમાં દહીંનુ નિયમિત સેવન પ્રમુખ કારણ છે. વર્ષ ૧૮૭૮-૧૯૪૫ દરમિયાન ગ્રિગોરોવે દહીંમાં માઈકોફ્લોરા હોવાની વાતની સૌ પ્રથમ શોધ કરી હતી. વર્ષ ૧૯૦૫માં લેક્ટિક બેક્ટેરીયા દહીંમાં પ્રાપ્ય છે એવું સંશોધન થયું.
યહુદી ઉદ્યોગકાર આઈઝેક કરાસોએ દહીંના સદગુણોને પારખી એના પુત્રના નામ દોનોનેથી દહીંનો વેપાર શરૂ કર્યો. ‘દાનોને’ એટલે નાનો ડેનિયલ. ત્યાર બાદ દન્નોનબ્રાન્ડ નેમથી યુરોપ અને અમેરિકામાં એણે દહીંનો જબરજસ્ત વેપાર કર્યો. ભારતમાં ઉત્તરના પ્રદેશોમાં દહીં તરીકે ઓળખાતો આ પદાર્થ ભારતના દક્ષિણના પ્રદેશોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. તેલુગુમાં પેરુગુ, તામિલમાં તપિર, કન્નડમાં મોસરુ અને મલયાલમમાં તૈરે કહેવાય છે.
દહીંથી સુરત અને સેહત બન્નેને ફાયદો થાય છે. દૂધ કરતાં દહીં વધુ ઝડપથી પચી જય છે. સ્વાદની સાથે સાથે દહીંના ઔષધિય ગુણો પણ અદભુત છે. ડાયાબિટોલોજિયા જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર બપોરના ભોજનમાં નિયમિત રીતે દહીં લેવામાં આવે તો ટાઈપ-૨ ડાયાબિટિસનું જોખમ ૨૮ ટકા ઘટી જતું હોય છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના મેડિકલ રિસર્ચ કાઉન્સિલ યુનિટના વૈજ્ઞાનિક ડો. નીતા ફોરૌહી કહે છે કે, દહીંમાં પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ, સેચ્યુરેટેડ ફેટ હોવાથી ડ્યાબિટિસ ટાઈપ-૨ને દૂર રાખવામાં તે ઉપકારક છે.
દહીં ખાવાથી કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં મળતાં શરીરના હાડકાની મજબુતી માટે તે ફાયદાકારક છે. દહીં સાંધાના દુઃખાવા જેવી બિમારી સામે રક્ષણ આપે છે. દાંત મજબૂત બનાવે છે. અપચો અને ગેસ જેવી પેટની તકલીફોમાં દહી રામબાણ છે. ગરમીમાં લૂથી બચવા દહીંનું સેવન કરવું જોઈએ. શરદી અને ખાંસીમાં શ્વાસનળીના ઈન્ફેકશનમાં દહીં રાહત આપે છે. મોઢાના છાલા દૂર કરવા દહીંના કોગળા ખૂબ કારગત નીવડે છે. હાઈ બ્લડપ્રેશર અને આંતરડાના રોગોને નાથવામાં દહીં અકસીર છે. અનિંદ્રાના રોગમાં પણ દહીં અને છાશનું સેવન ફાયદાકારક છે. દહીં ચરબી અને કોલોસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. જો કે આયુર્વેદ અનુસાર દહીંનું સેવન સૂર્યાસ્ત પછી ન કરવું જોઈએ. ખાટુ દહીં પણ ન ખાવુ જોઇએ.
દીકરો કે દીકરી પરીક્ષા આપવા જાય કે નોકરીના ઈન્ટરવ્યૂ માટે જતા હોય ત્યારે ઘરના વડિલ ઘરનો ઉંબરો ઓળંગતા પહેલાં દહીંની ચમચી એના મોંમાં મૂકી શુભેચ્છા પાઠવે છે. ખરેખર તો મહત્વની પરીક્ષામાં કે અગત્યના કામ ટાણે પેટમાં કોઈ ગડબડ ન થાય અને શરીરમાં લૂ કે અન્ય કોઈ તકલીફ ના થાય એ માટે દહીં ખાવુ જોઇએ. આપણા શાસ્ત્રોમાં દહીંના ગુણોને બખુબી સ્વીકારાયા છે. દરેક શુભ કાર્યમાં દહીંનું સ્થાન સર્વપ્રથમ રહ્યું છે. પચાસ વર્ષ પછી રોજ બપોરના ભોજનમાં પચાસથી સો ગ્રામ દહીં સ્વાસ્થ્યવર્ધક છે. સો વાતની એક વાત છે, સ્વસ્થ શરીર માટે દહીં માણસનો દમદાર દોસ્ત બની અડીખમ ઉભું રહે છે.

ધબકાર :
પ્રતિદિન ભોજનમાં હશે જો દહીંનું સ્થાન તો એ સદા રાખશે તમારા સ્વાસથ્યનું ધ્યાન.




લાગણીને ઉમરનો બાધ અને સરહદના સિમાડા નથી હોતા


લાગણીને ઉમરનો બાધ અને સરહદના સિમાડા નથી હોતા

સમસ્યા છે તો એનું સમાધાન છે. જે દિવસથી જીવનમાં સમસ્યાઓ સમાપ્ત થઈ જાય એ દિવસે જીવન સમાપ્ત થઈ જાય. સમસ્યા છે તો જીવન છે. જ્યારે જ્યારે સમસ્યા સામે આવે ત્યારે જીવન પણ દ્રઢતાપૂર્વક માર્ગ કાઢવા આપોઆપ સજ્જ બની જતું હોય છે.
સમસ્યાને લાગણી અને હકીકત એમ બે એંગલથી મુલવવામા આવે છે. સમસ્યા જ્યારે લાગણીના ત્રાજવે તોળાય ત્યારે તે વધુ નકશીકામ સાથે જીવનને નિખારવાનું કામ કરતી હોય છે. ફિલિંગ્સ વર્સીસ ફેક્ટ્ના ઈક્વેશનમાં ફિલિંગ્સ હંમેશા વિજેતા બનતી હોય છે. લાગણીની કોઈ ઉંમર નથી હોતી. ૧૫ વર્ષે લાગણીની માત્રા ઓછી હોય અને ૩૫ વર્ષે વધુ હોય એવું ન બને. લાગણીઓને સરહદના સીમાડાઓ નથી હોતા. લાગણી ક્યારેય મરતી નથી. લાગણી હંમેશા હૃદયના આકાશમાં વિસ્તરતી રહે છે. લાગણી જીવનને ભીનું ભીનું અને હરિયાળું રાખે છે.
કોઈની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવે એ મધદરિયે સ્ટીમરમાંથી પથ્થર ફેંકવા જેવી વાત છે. કોઇની લાગણીને વાગેલી ઠેસ હૃદયના સમુદ્રમાં કેટલે ઊંડે પહોંચી જશે એનો અંદાજ લગાવવો અઘરો હોય છે. લાગણીઓના તુટેલા ટુકડાઓ ઉપર આંસુઓના પ્લેટફોર્મ બની જતા હોય છે. આંસુ દુનિયાનું સૌથી મૂલ્યવાન દ્રાવણ એટલે કહેવાય છે કે એમાં માત્ર એક ટકો પાણી અને નવ્વાણું ટકા લાગણી હોય છે.
દુનિયાના સૌથી મોટા સાંસ્કૃતિક મસિહા રવિન્દ્રનાથ ટાગોરની અંતિમ ક્ષણોની એક લાગણીપ્રધાન વાત છે. રવિન્દ્રનાથ બંગાળના સૌથી ધનાઢ્ય જમીનદાર દેવેન્દ્રનાથ ટાગોરના પૌત્ર હતા. નોબલ પ્રાઈઝ વિજેતા હતા. જેમને ગાંધીજી ગુરુદેવ કહેતા એવા રવિન્દ્રનાથ ટાગોરે ૬૪ વર્ષની ઉંમરે માટીથી મકાન બનાવવાનું એટલા માટે શીખ્યું કે સામાન્ય માણસોની લાગણીઓને સમજી શકાય. એમણે નદી કિનારે કાળી માટીથી ઝુંપડી બનાવી અને એનું નામ શ્યામલીરાખ્યું. એમાં ગુરુદેવ રહ્યાં પણ ખરાં.
જીવનભર લાગણીઓના મહાસાગરમાં મહાલતા ટાગોરે સતત વાંચન, લેખન અને નવું શીખવાનો ઉપક્રમ જારી રાખ્યો. રવિન્દ્રનાથે દેહ છોડ્યો એના આગલા દિવસે ક્ષિપેન્દ્ર મોહન સેન એમને મળવા ગયા. ક્ષિપેન્દ્ર મોહને ટાગોરની આંખમાં દડદડતા આંસુ જોઈને કહ્યું, ‘દાદા તમને મૃત્યુનો ભય લાગે છે ?’ ત્યારે ટાગોરે ક્ષિપેન્દ્ર મોહનને જવાબ આપ્યો કે, ‘ઈશ્વરનો લાગણીસભર ઉપહારનો સાગર એટલો વિશાળ છે કે એમાંથી હું ખૂબ ઓછું લઈ શક્યો, કારણ કે મારી ડોલ ખૂબ નાની હતી અને ઈશ્વર તો મને મહાસાગર આપવા માંગતો હતો.’
દુનિયાના મહાન ચિંતકોમાં જેની ગણના થાય છે. જેમણે ગીતાંજલી જેવું મહાકાવ્ય વિશ્વને આપ્યું છે, ચિત્રકાર, શિલ્પકાર, લેખક, વાંચક, શિક્ષક એવી બહુમુખી પ્રતિભાના માલિક રવિન્દ્રનાથ ટાગોર જીવનના અંતિમ તબક્કે લાગણીવશ બની એમ કહે છે કે, ઈશ્વર તો દરિયો ભરીને મને આપવા ઊભો છે અને એક નાની ચમચી જેટલું જ એ મેળવી શક્યા. જ્યારે બીજી બાજુ કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી બિઝનેસ મેનેજમેન્ટના સ્નાતક થયેલા કે પ્રસિધ્ધ ડોકટર, સફળ ઈજનેર કે જાણિતા બિઝનેસમેન બન્યા એટલે દુનિયાના ખલિફા બની ગયા હોય એવા ગર્વિષ્ઠ લોકોને જોઇએ ત્યારે એમ લાગે કે આવા લોકો માટે લાગણી નામનો પ્રદેશ એમની સમજને પેલે પારનો વિષય છે.
દુનિયામાં માણવા જેવું, શીખવા જેવું એટલું બધું છે કે જીવનભર પ્રયાસ કરીએ તો પણ એક અંશ માત્ર પ્રાપ્ત થઈ શકે. એક વિશ્વ પ્રસિદ્ધ હાર્ટ સર્જને હજારો ઓપરેશનો કરીને અનેકની જિંદગીને મોતના મુખમાંથી ઉગારી હતી. આ હાર્ટ સર્જન રોજ સવારે ઈશ્વર આગળ બે હાથ જોડી નતમસ્તકે લાગણીસભર પ્રાર્થના કરે છે કે, ‘હે પ્રભુ એવી કેટલીય સરળ અને સહજ લાગતી હાર્ટ સર્જરીમાં હું દર્દીનું જીવન બચાવી ન શક્યો. જ્યારે અશક્ય લાગતી એવી કેટલીય સર્જરી હતી કે જેમાં જીવ બચવો શક્ય જ ન હતો તેમ છતાં દરદીનુ જીવન મારા હાથે પુનઃ અંકુરીત થયું છે ત્યારે મારી આવડત કરતાં પણ વધુ એક અનોખી અને અલૌકિક ઐશ્વરિય શક્તિનો અનુભવ મને સતત થયા કરે છે. હે પ્રભુ તારા અસ્ખલિત વહેતા લાગણીના પ્રવાહમાંથી હું શક્ય એટલો ભિંજાતો રહુ એવી મોજ આપતો રહેજેસમસ્યાઓના સમાધાનમાં વાસ્તવિક પરિસ્થિતિ કરતાં લાગણીનું માધ્યમ હંમેશા કારગત રહ્યું છે.

ધબકાર :
જેને બીજાની લાગણીની સમજણ નથી એને બીજાનું વર્તન નૌટંકીથી વિશેષ કશું નથી લાગતું.







ચાહે લાખ બિછા લો બંદિશે, ફીર ભી આસમાન મે આપની જગહ બનાઉંગી મૈં...


ચાહે લાખ બિછા લો બંદિશે, ફીર ભી આસમાન મે આપની જગહ બનાઉંગી મૈં...

એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર
ફુલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી
બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ
પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યું
એમ એક દી સર્જકે એક નારીનું સર્જન કર્યું
દેવદુર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી
નારી શક્તિના સામર્થ્યને શૂન્ય પાલનપુરી સાહેબે ગઝલોમાં ધારદાર શબ્દે મઢીને અદભુત રીતે વર્ણવી છે. આમ તો એપ્રિલ મહિનાની પહેલી તારીખ એટલે એપ્રિલ ફુલનો મજાકનો દિવસ. પણ એના પછી તરત આવતો બીજો દિવસ એટલે વિયેટનીસ અમેરિકન મહિલા ફાન થી કીમ ફુકનો જન્મ દિવસ. એસોસિએટેડ પ્રેસના વિયેટનીસ અમેરિકન તસવીરકાર નીક યુટીએ નાપામ હુમલામાં દોડતી ફાન થી કીમ ફુક નામની નવ વર્ષની બાળકીને કચકડે કંડારી હતી. ‘ધ ટેરર ઓફ વોરનામની આ તસવીર કે જેને ૧૯૭૩માં તસવીરકળા માટે પુલીત્ઝર પ્રાઈઝ ફોર સ્પોટ ન્યુઝજેવું ફોટોગ્રાફીનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું હતું. આ નવ વર્ષની બાળકી થી કીમ મોટી થઈને લેખિકા બની. એણે યુદ્ધમાં અસરગ્રસ્ત બાળકોના પુનઃસ્થાપન માટે એક એનજીઓની પણ સ્થાપના કરી છે.



ફાન થી કીમનો એપ્રિલ ૨ જન્મ દિવસ છે ત્યારે સમગ્ર વિશ્વમાં થતી મહિલા સશક્તિકરણની વાતો અને નારી શક્તિ બળવત્તર કરવાના પ્રયાસો માનસપટ ઉપર સહજ તરવરવા લાગે છે. વાત કરવી છે મહિલા વૈજ્ઞાનિકોની. સામાન્ય રીતે જ્યારે પણ વૈજ્ઞાનિકો વિશે વાત નીકળે ત્યારે આઈઝેક ન્યુટન, સી.વી. રામન, સ્ટીફન હોકિંગ્સ, .પી.જે. અબ્દુલ કલામ જેવા પુરુષ વૈજ્ઞાનિકો ફટાફટ યાદ આવવા લાગે. પણ જ્યારે વિશ્વની મહિલા વૈજ્ઞાનિકો વિશે કોઈ પુછે તો સ્વાભાવિક રીતે જ વિચારમાં પડી જવાય. અને એમાં પણ જો કોઈને ભુલેચુકે પણ ભારતીય મહિલા વૈજ્ઞાનિકો વિશે કહેવાનું થાય તો તે શૂન્યમનસ્ક જ રહે.
વિજ્ઞાનથી જ વિકાસની રાહ ઉપર તેજ રફતારથી દોડવાનું શક્ય બન્યું છે. એક સમયે જ્યાં પહોંચવુ અસંભવ લાગતું હતું એવા ચંદ્ર કે આકાશના તારા સુધીની આજે માનવીની પહોંચ વિજ્ઞાનને આભારી છે. વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રે મહિલા વૈજ્ઞાનિકોએ બુલંદીના શિખરો જરૂર સર કર્યા છે પણ સાથે સાથે એ પણ વાસ્તવિકતા છે કે, મોટા સંશોધન પ્રકલ્પો ઉપર બુદ્ધિશક્તિને સિદ્ધ કરવા માટે મહિલાઓએ અનેક કસોટીઓ સામે ઝઝુમવું પડે છે.
સંયુક્ત રાષ્ટ્ર પરિષદે ડિસેમ્બર-૨૦૧૫માં એક ક્રાંતિકારી નિર્ણય કર્યો. યુએને પ્રતિવર્ષ ૧૧મી ફેબ્રુઆરીને ઈન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઈન સાયંસતરીકે વિશ્વભરમાં ઉજવવા માટે એલાન કર્યું. વિજ્ઞાન અને પ્રદ્યોગિકી ક્ષેત્રે કાઠુ કાઢનારી મહિલા અને કિશોરીઓના વિચારોને પવનવેગે બહાર આવવા માટે એક નવી દિશા મળી. આમ પણ યુનેસ્કો માટે પહેલેથી જ જેન્ડર ઈક્વાલીટી પ્રાથમિકતાનો વિષય રહ્યો છે. પ્રતિવર્ષ મહિલા અને કિશોરીઓનું વિજ્ઞાનમાં પ્રદાન ઉજાગર કરવાનો આ આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવા પાછળ યુએનનો મુખ્ય આશય છે. આ વર્ષે ૨૦૧૯માં ઉજવણીનો થીમ ઈન્ક્લુઝીવ ગ્રીન ગ્રોથ હતો.
આ પ્રકારનો આંતરરાષ્ટ્રીય દિવસ શા માટે ઉજવવો પડે એની આવશ્યક્તાનો ખ્યાલ યુનેસ્કોના ૨૦૧૪થી ૧૬ના સંશોધન અહેવાલના આંકડાઓ ઉપરથી વધુ સ્પષ્ટ થાય છે. વિશ્વમાં વૈજ્ઞાનિક સંશોધનો ક્ષેત્રે મહિલાઓની ૩૦ ટકાથી પણ ઓછી ભાગીદારી જોવા મળી છે. સમસ્ત વિશ્વમાં વિજ્ઞાન સંલગ્ન અભ્યાસમાં પુરુષોની તુલનામાં મહિલાઓની હિસ્સેદારી ખૂબ ઓછી છે. વિજ્ઞાન, ગણિત, ટેકનિકલ ક્ષેત્રો, ઈજનેરી વગેરેમાં નારીશક્તિની ભાગીદારી ૨૮ ટકાથી પણ ઓછી રહી છે. કોમ્યુનિકેશનના ક્ષેત્રે માત્ર ત્રણ ટકા, પ્રાકૃતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્રમાં પાંચ ટકા, એન્જિનિયરીંગ અને મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રકશન ક્ષેત્રે આઠ ટકા મહિલાઓનું પ્રદાન જણાયું છે. આખી દુનિયામાં મહિલા પેટંટ ધારકો માત્ર ૧૬ ટકા જ છે.
આ આંકડાકીય વિગતો માનસિક રીતે વાચકબંધુઓને અને ખાસ કરીને મહિલા વાચકોને નાસિપાસ કરી નાખે એવી ચોક્કસ છે. પણ સાથે સાથે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડે કે, વનસ્પતિ વિજ્ઞાનથી માંડીને મિસાઈલ ટેકનોલોજી, અંતરિક્ષ વિજ્ઞાનથી માંડીને મરીન ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય મહિલા વૈજ્ઞાનિકોએ જબરો ડંકો વગાડ્યો છે. નવેમ્બર, ૪ ૧૯૮૭માં કેરાલામાં જન્મેલા પદ્મશ્રી જાનકી અમ્માલ વનસ્પતિ શાસ્ત્રના દાદુ વૈજ્ઞાનિકોમાં સ્થાન ધરાવે છે. એમણે સાઈટોજનિક એટલે કે કોષિકા વિજ્ઞાન અને ફોટોજ્યોગ્રાફિ ઉપર સંશોધન કર્યું છે. એવા જ એક બીજા ભારતીય મહિલા વૈજ્ઞાનિક આનંદીબાઈ જોષીના મેડિકલ સાયંસ ઉપરના શોધ કાર્યને વિશ્વ ક્યારેય ભુલી નહીં શકે. કાર્બનિક રાસાયણ અને ફાઈટો મેડિસિન ઉપર અસિમાજી ચેટર્જીનું અદભુત સંશોધન પ્રદાન રહ્યું છે. પહેલા ટેસ્ટ ટ્યુબ બેબીના પ્રણેતા ડો. હિન્દુજા ઇંદિરાજી જ તો હતા. હિન્દુસ્તાની મહિલા વૈજ્ઞાનિક ડો. અદિતી પંતે સમુદ્રી વિજ્ઞાનમાં તેમના સંશોધનોથી વિશ્વને અચંબિત કરી નાખ્યું હતું.
ભારતની મહિલા વૈજ્ઞાનિક અગ્નિપુત્રી ટેસી થોમસના નામથી દુનિયામાં કોણ અજાણ હશે ? ભારતની લોંગ રેન્જ અગ્ની મિસાઈલના સંશોધનમાં ટેસી થોમસજીનો સિંહ ફાળો રહ્યો છે. મિસાઈલ ટેકનોલોજીમાં એમણે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. અંતરિક્ષ વિજ્ઞાન અને મહિલા અંતરિક્ષ યાત્રીમાં ભારતની કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સના નામ મોખરે છે.
વૈશ્વિક ફલક ઉપરની મહિલા વૈજ્ઞાનિકોમાં મેડમ મેરી ક્યુરીને અવશ્ય યાદ કરવા પડે. મોબાઈલ એક્સ-રે મશીનની વિશ્વને ક્યુરીએ ભેટ આપી. મેડમ ક્યુરીની આ વૈજ્ઞાનિક શોધ યુદ્ધના મેદાનમાં ઘાયલ સૈનિકોના ઉપચાર માટે અત્યંત ઉપકારક બની. થોરિયમ અને યુરેનિયમથી પણ તાકાતવર એવા પીચ મિશ્રણની શોધ માટે પણ દુનિયા એમને નવાજે છે. પીચ મિશ્રણ વીકિરણનો સ્ત્રોત બની પરમાણુ બોમ્બની સંરચનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મેડમ ક્યુરીને પરમાણુ બોંબની જનની તરીકે પણ ઓળખવામાં આવે છે. શિન-શુંગ-વુને યુરેનિયમ-૨૩૫ અને યુરેનિયમ-૨૩૮નું શોધ કાર્ય કર્યું છે. વુને ચીની મેડમ ક્યુરી કહે છે.
ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ૨.૮ લાખ જેટલા શોધકર્તાઓ કાર્યરત છે. જેમાં માત્ર ૧૪ ટકા મહિલા શોધકર્તા છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં પ્રતિ ૧૦ શોધકર્તાઓમાં માત્ર બે મહિલા શોધકર્તા હોય છે. આ પરિસ્થિતિમાં ઝડપભેર બદલાવ આવવાની દિશામાં મંડાણ થઇ ચૂક્યું છે. આમ પણ કોઈપણ રાષ્ટ્ર ત્યારે જ યશસ્વી બની શકે જ્યારે એ દેશમાં પુરુષો અને મહિલાઓ એકમેકની સાથે ખભે ખભા મિલાવી કાર્ય કરતા હોય. આજે તો વિશ્વના ખૂણે ખૂણામાંથી મહિલા સશક્તિકરણનો અવાજ વધુને વધુ બુલંદ બની રહ્યો છે. પુરુષપ્રધાન સમાજને ચેલેન્જ આપીને બુલંદ અવાજે દુનિયાની પ્રત્યેક મહિલા ગાતી હોય એમ લાગે છે કે, ‘તોડ કે હર પિંજરા, જાને કબ મૈં ઉડ જાઉંગી, ચાહે લાખ બિછા લો બંદિશે, ફીર ભી દૂર આસમાન મે આપની જગહ બનાઉંગી મૈં... હા, ગર્વ હૈ મુઝે મૈં નારી હું...’

ધબકાર :
કોઈને એવું કહેવાનો મોકો ન આપો કે તમે મહિલા છો એટલે અબળા છો...’ – મેરી કોમ