Monday, 14 September 2020

પારિજાતને કલ્પવૃક્ષ કેમ કહેવાય છે ?

 



ઓગષ્ટ મહિનાની પાંચમી તારીખના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ભૂમિપૂજન વેળા મંદિર પરિસરમાં પારિજાતનો છોડ રોપ્યો ત્યારથી પારિજાત વિશે જાણવાની લોકોમાં જિજ્ઞાસા વધી ગઇ છે. પારિજાતના વૃક્ષના આરોગ્ય વિષયક ગુણો અને પૌરાણિક મહાત્મ્યનો ખ્યાલ આવવા લાગતા નર્સરીઓમાંથી પારિજાતના છોડનો ઉપાડ વધવા લાગ્યો. પારિજાતના વૃક્ષ વિષે મિત્ર કનુભાઈ યોગીના એફબી પેજ વનવગડો ઉપર અનાયાસે સરસ વાત વાંચવા મળી. કનુભાઇ પર્યાવરણ પ્રેમી તો છે જ, એની સાથે સાથે સારા સર્જક પણ છે. એમના પેજ ઉપર પર્યાવરણ પ્રેમીઓના વિચારો અવાર નવાર માણવાનો અવસર મળી જાય છે.





મુળ વાત કરવી છે પારિજાતની. પારિજાતનું વૃક્ષ કેમ કલ્પવૃક્ષ કહેવાય છે ? આ વૃક્ષ કેવી રીતે આવ્યું ? એનો મહિમા કેમ અનેરો છે ? આ તમામ પ્રશ્નોના તાર શાસ્ત્રો અને પુરાણો સાથે જોડાયેલા છે. હરિવંશ, વિષ્ણુ અને ભવિષ્ય એમ ત્રણ પર્વો વર્ણવતા ૩૧૮ અધ્યાયમાં આલેખાયેલા હરિવંશપુરાણમાં પારિજાતનાં વૃક્ષનો ઉલ્લેખ જોવા મળે છે. પારિજાત વૃક્ષનો છેડો સમુદ્ર મંથનમાં મળે છે. પુરાણ કથા અનુસાર મહર્ષિ દુર્વાસાના શ્રાપથી ઈન્દ્રલોકમાં લક્ષ્મી, વૈભવ અને ઐશ્વર્ય સમાપ્ત થઈ ગયા હતા. તમામ દેવી દેવતાઓ અત્યંત વ્યથીત અને દુઃખી થઈ ગયા હતા. વિષ્ણુ ભગવાને આ મુશ્કેલીના ઉપાય માટે સમુદ્ર મંથન કરવાની સલાહ આપી. સમુદ્ર મંથન માટે દાનવોની મદદ લેવા પણ સુચવ્યું. દેવો અને દાનવોએ સાથે મળીને સાગરને વલોવવાનું કામ શરૂ કર્યું. સમુદ્ર મંથનમાં સૌથી પહેલા વિષ બહાર આવ્યું. શંકર ભગવાને વિષ પીધુ અને એ કંઠમાં ભરી રાખ્યું. પરિણામે એમનું ગળુ આસમાની થઈ જતા શીવજી નિલકંઠ કહેવાયા. ત્યારબાદ કામધેનુ, ઉચ્ચેશ્રવા અશ્વ, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, કલ્પવૃક્ષ પારિજાત, રંભા, માતા લક્ષ્મી, મદિરા, ચંદ્રમા, શંખ, ધનવંતરી, અમૃત અને કલ્પદ્રુમ ૧૪ રત્નો સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયાં.





સમુદ્ર મંથનમાંથી મળેલા પારિજાતને ઇન્દ્ર દેવ સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગના બગીચામાં એને સ્થાન આપ્યું. પારિજાતના પુષ્પોની સુવાસ અને નયનરમ્ય પાને દેવી દેવતાઓના મન મોહી લીધા હતા. પારિજાત વૃક્ષ સ્વર્ગથી ધરતી ઉપર કેવી રીતે આવ્યુ એની પણ એક રોચક પુરાણ કથા છે. પારિજાતના પુષ્પો લઈને એક વાર નારદજી કૃષ્ણ ભગવાનને મળવા આવ્યા હતા. આ તમામ ફુલ કૃષ્ણ ભગવાને તેમની પત્ની રૂકમણીજીને આપ્યા. આ વાતથી સત્યભામાજી નારાજ થયા. ભગવાન શ્રીકૃષ્ણ પાસે પારિજાતનું આખુ વૃક્ષ લઈ આપવા જીદ પકડીને સત્યભામાજી બેઠા. કૃષ્ણ ભગવાને સત્યભામાને ખુબ સમજાવ્યા કે આ સ્વર્ગલોક્નું કલ્પવૃક્ષ છે એ ધરતી ઉપર ના લાવી શકાય. પણ સત્યભામા એકના બે ન થયાં. અંતે શ્રી કૃષ્ણે ઈન્દ્ર દેવ પાસે પારિજાતનું વૃક્ષ આપવા રજૂઆત કરી. ઈન્દ્ર દેવે પારિજાત આપવાની કૃષ્ણને ના પાડી. ના છૂટકે કૃષ્ણ ભગવાને ઈન્દ્રને પરાજીત કરી પારિજાતનું વૃક્ષ સ્વર્ગમાંથી લાવીને ધરતી ઉપર એમના મહેલમાં રોપ્યું. જો કે કૃષ્ણએ સત્યભામાને પાઠ ભણાવવા પારિજાત એવી રીતે સત્યભામાના મહેલમાં વાવ્યું કે તેના બધા ફુલો પડતા રુકમણીજીના કંપાઉન્ડમાં.





પારિજાત વૃક્ષ પાછળ બીજી પણ એક પ્રચલિત દંત કથા છે. પારિજાત નામની એક સ્વરૂપવાન રાજકુમારી હતી. આ રાજકુમારી સૂર્ય દેવને પ્રેમ કરતી. સૂર્ય પારિજાત રાજકુમારીને ભાવ નહોતા આપતા. સૂર્યને પામવાના રાજકુમારીના અથાક પ્રયત્નો છતાં સૂર્ય દેવ પારિજાતને કોઠુ નહોતા આપતા. રાજકુમારીએ આખરે આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો. કહેવાય છે કે, રાજકુમારીને જ્યાં દફનાવવામાં આવી હતી એની કબર ઉપર એક સુંદર વૃક્ષ થયું. એને પારીજાતનું વૃક્ષ કહેવાય છે.





પારિજાતના વૃક્ષ અને પુષ્પોની પૌરાણિક તથ્યોના આધારે લોકો માને છે કે, જ્યાં પારિજાતના પુષ્પ હોય ત્યાં સમૃદ્ધિનો નિવાસ હોય છે. મા ભગવતી અને માતા લક્ષ્મીના પૂજન વેળા પારિજાતના પુષ્પો અર્પણ કરવામાં આવતા હોય છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા અને કાલી પૂજામાં પારિજાતના પુષ્પોનું વિશેષ મહત્વ હોય છે. જો કે પારિજાતના પુષ્પો વૃક્ષ ઉપરથી તોડીને નહીં એની મેળે જમીન ઉપર પડેલા પુષ્પ જ માતા લક્ષ્મી અને ભગવતીની પુજામાં ઉપયોગમાં લેવામાં આવે છે.





 

આમ તો પારિજાતના વૃક્ષ સમગ્ર ભારતના તમામ પ્રદેશમાં જોવા મળે છે પરંતુ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલા કિંટુર ગામના પારિજાતના વૃક્ષનો મહિમા અનેરો છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ માતા કુંતી સાથે આ ગામમાં થોડો સમય પસાર કર્યો હતો. માતા કુંતીના નામ ઉપરથી આ ગામનું નામ કિંટુર પડ્યું છે. કહેવાય છે કે, કિંટુરના પારિજાતના વૃક્ષના સ્પર્ષ માત્રથી થાક અને બેચેની દૂર થઈ જાય છે. સામાન્ય રીતે પારિજાતનું વૃક્ષ ૧૦ થી ૧૫ ફૂટનું હોય છે પરંતુ કિંટુરનું પારિજાત ૪૦થી ૪૫ ફૂટ ઊંચું અને ૫૦ ફૂટના ઘેરાવામાં પથરાયેલું છે. કિંટુરના પારિજાતના વૃક્ષની વિષેશતા એ છે કે, આની ઉપર બી થતા નથી અને એની કોઈ ડાળી તોડી અન્ય સ્થળે કલમ કરવામાં આવે તો પણ થતી નથી. પ્રતિ વર્ષ જૂન મહિનામાં કિંટુરના પારિજાતના વૃક્ષ ઉપર સફેદ રંગના સુગંધીદાર ફુલો આવતા હોય છે. ભગવાન કૃષ્ણ ઈન્દ્રને પરાજીત કરીને જે પારિજાત ધરતી ઉપર લાવ્યા હતા તે કિંટુરમાં છે એવી માન્યતા છે. આ જ વાતનો ઉલ્લેખ હરિવંશ પુરાણમાં જોવા મળે છે.

આ તો વાત થઈ પારિજાતની હિન્દુ માન્યતા અનુસાર મહાત્મ્યની. આ ઉપરાંત પારિજાતના વૃક્ષની આયુર્વેદાચાર્યોના ઉલ્લેખો અનુસાર આરોગ્ય સંબંધી અઢળક ઉપયોગીતાના પ્રમાણો પણ ઉપલબ્ધ છે. આયુર્વેદમાં પારિજાતને એક ઉત્તમ ઔષધિ તરીકે નવાજવામાં આવે છે. પાચનતંત્ર, કૃમિનિવારણ, ઋતુજન્ય રોગ નિવારણ, તાવ, લીવરની તકલીફોમાં પારિજાત લાભકારક ઈલાજ છે. પારિજાતના પાંદડા પાણીમાં ઉકાળીને કાઢો બનાવીને પીવાથી ઘુંટણના દર્દમાં રાહત મળે છે. આ કાઢો ડાયાબિટીસ માટે પણ ગુણકારી છે. પેટના કૃમિઓથી આ કાઠો તાત્કાલિક છૂટકારો અપાવે છે. પારિજાતના પાંદડા સાઈટીકાના દર્દમાં અને હૃદય રોગમાં અકસીર પુરવાર થયા છે.

પારિજાતનુ વૃક્ષ દુર્લભ હોઈ એને સંરક્ષિત વૃક્ષ જાહેર કરવામાં આવ્યું છે. આયુર્વેદમાં પારિજાતના વૃક્ષને હરિસિંગાર કહેવાય છે. એના ફુલ, પાન અને છાલ ત્રણેયને આયુર્વેદ ઔષધિ તરીકે ઉપયોગમાં આવે છે. પૌરાણિક, ધાર્મિક અને આયુર્વેદિક ત્રણેય દ્રષ્ટિકોણથી પારિજાતનું વૃક્ષ અનન્ય મહત્ત્વ ધરાવે છે. કલ્પવૃક્ષ પારિજાત ઉપર ભારત સરકારે ડાક ટીકીટ પણ જારી કરી છે. ભારત વર્ષની ભવ્ય અને દિવ્ય ભૂમિનું પ્રમાણ પારિજાત છે. પૌરાણિક કથાઓ ઉપર કદાચ કોઇને વિશ્વાસ બેસે કે ન બેસે પણ પારિજાતના વૃક્ષનો બહુઆયામી મહિમા એને કલ્પવૃક્ષનો દરજ્જો આપવા માટે પુરતો છે. રાત્રે ખીલીને સવારે ખરી પડતા પારિજાતના નાજુક નમણા અને સુગંધથી મઘમઘતા પુષ્પોને આજીવન યૌવન મળે એવી મનોકામના સેવતા પ્રકૃતિ પ્રેમીઓને પારિજાતના પુષ્પો ખુશી ખુશીથી ખોબલે ભરી આનંદ લેતા હોય છે.

 

ધબકાર :

દિવ્ય કલ્પવૃક્ષ પારિજાતના નાજુક નમણા સ્પર્ષની પરિધિમાં ખુશીઓનું આકાશ મળે છે.





https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/sep2020/15092020-4.pdf

2 comments:

  1. પારિજાત વિશે સુંદર પૌરાણિક ઉલ્લેખ સાથે માહિતી વાંચી ખૂબ જ સુંદર

    ReplyDelete
  2. Valuable information about Paripat flower.

    ReplyDelete