એક ભાઈ પાસે ઑલ્ટો કાર હતી. એમને નવી સિટી હોન્ડા કાર લેવાની ઇચ્છા હતી. આર્થિક મુશ્કેલી હોવાથી એ ભાઇ હોન્ડા સિટી કાર લઈ નહોતા શક્યા. આ વર્ષે ધંધામાં સારી એવી કમાણી થતાં એમને થયું કે, હોન્ડા સિટી કાર લઈ લેવાશે. સિટી હોન્ડા કારમાં સુખ અને આનંદ એમને લાગતો હતો. એ ભાઈએ મન પસંદ સિટી હોન્ડા કાર લઇ લીધી. એમની જુની ઑલ્ટો કાર બીજા ભાઈને વેચી દીધી. જે ભાઈએ ઑલ્ટો કાર લીધી એમની પાસે પલસર બાઈક હતું. એમનું સુખ ઑલ્ટો કારમાં હતું. ઑલ્ટો કાર લઈને એમણે પલસર બાઈક વેચી દીધું.
બાઈક ખરીદનાર ભાઈ પાસે સાઈકલ હતી. એમને
સુખ પલસર બાઈકમાં લાગતું હતું. બાઈક લઈને એમણે સાઈકલ એક શ્રમિકને વેચી દીધી.
શ્રમિકનું સુખ સાઈકલમાં હતું. આ ઘટનાક્રમમાં સાધનથી મળતા સુખના અલગ અલગ દ્રષ્ટિકોણની
વાત છે. જેને સિટી હોંડામાં સુખ લાગતુ હતુ અને ઑલ્ટો કારમાં સુખ નહતુ લાગતુ એનાથી
વિપરીત બીજાને ઑલ્ટો કારમાં સુખ દેખાતુ હતુ. ખરેખર સુખ એટલે શું ? આપણે સુખ માટે
દિવસ રાત રઝળપાટ કરતા હોઈએ છીએ. આપણી ઇચ્છાઓ સંતોષાય એ સુખ છે એવું માનીએ છીએ. સામાન્ય
રીતે જગતના પ્રત્યેક વ્યક્તિ કોઈક પ્રકારનું સુખ કે શાંતિની શોધમાં હોય છે. ઝઘડાઓ
અને યુદ્ધો, સંઘર્ષો, પ્રશ્નો તથા ભરપુર ધાંધલ-ધમાલ વચ્ચે વ્યક્તિને એક એવો સમય કે
એવું સ્થળ જોઈએ છે કે જ્યાં શાંતિનો પોરો મળે.
શાંતિ અને આનંદ મેળવવા માટે પ્રબુદ્ધ
જ્ઞાની મહાપુરુષોથી માંડીને આચાર્યો, સંતો મહંતોના ઓટલા ફંફોસી નાખવામાં આવતા હોય
છે. જે સુખ અને સંતોષની શોધ છે તે કોઈ ગુરુ કે કોઈ ભૌતિક સાધનમાંથી મળી જશે એ
વાતમાં વિશ્વાસ બેસે છે ખરો ? સુખ મળી જાય તો ખરેખર સંતોષ થાય છે ? સુખ અને સંતોષ બે
અલગ અલગ બાબતો છે. જેમ ઑલ્ટોવાળાનું સુખ સિટી હોન્ડામાં હતું એમ પલસર બાઈકવાળાનું
સુખ ઑલ્ટો કારમાં હતું. પહેલાં તો એ વિચારી લેવું પડે કે આપણે જે હૃદયપૂર્વક
ઇચ્છિએ છીએ શું ? સુખ કે સંતોષ ?
સામાન્ય રીતે બહુ ઓછા લોકો કોઈપણ
બાબતનો આનંદ લઈ શકતા હોય છે. ઉગતો સૂરજ, ઉડતું પંખી, લીલી છમ વનરાજી ખુલી આંખે
સહજતાથી જોઈ જરૂર લઈએ છીએ પણ એનો આનંદ નથી લેવામાં આવતો. ઉપલક દ્રષ્ટિએ જોવાયેલાં
દ્રષ્યોને આપણે આનંદ કહીએ છીએ. આનંદ તો એક પરમ સત્ય છે. આનંદને આગોશમાં લેવા એને
સમજવો પડે. જેમ જેમ વય વધતી જાય એમ જુદી જુદી વસ્તુઓ ગમવા લાગતી હોય છે. પરંતુ
અંદરથી આનંદનું પરમતત્ત્વ ઊડી જતું હોય છે. પછી સત્તા, પૈસા, હોદ્દા, કામેચ્છા જેવી
સંવેદનાઓમાં આનંદ લેવાની જ મથામણ હોય છે. આ તમામ બાબતો ઉપરછલ્લી છે. એની ટીકા
ટીપ્પણીમાં પડવા કરતા જીવનમાં આ બાબતોને કેટલું અને કેવું સ્થાન આપવું એ વિષે સમજ
કેળવવી પડે.
આનંદ મનની સંવેદનાઓનો એક પીંડ નથી. આનંદ
મનની નખશીખ પરિશુદ્ધતાનું સ્વરૂપ હોવું જોઈએ. મહદંશે પોતાના અહમને પોષતી વાત આનંદ
ગણી લેવાની ભૂલ બધા કરતા હોય છે. ‘અહમ્’ ફેલાવવાની વાત કરનાર વ્યક્તિ આનંદની
અનુભૂતિ ન કરી શકે, કારણ કે જ્યારે અહમનુ સામ્રાજ્ય હોય ત્યારે ખરો આનંદ
માહ્યલામાં રહેતો જ નથી. આ સમજ નહીં કેળવાય તો બેની બદલે ચાર નવી કંપની ખોલવી, હિલ
સ્ટેશન ફરવા જવું, ફોટા પાડવા, નાટક સિનેમા જોવા, બઢતી મેળવવી, સત્તા-પૈસા મેળવવા
વગેરે ચક્કરોમાં ફરી છેલ્લે દુનિયા છોડી દેવા જેવી ક્ષુલ્લક બાબતોને જીવન સમજી
લેવામાં આવશે.
પ્રશ્ન એ છે કે, સુખ એટલું શું ?
મહદંશે માનવામાં આવે છે કે, ઇચ્છાઓની પુર્તી એટલે સુખ અને અપેક્ષા મુજબ ન થાય તો
દુઃખ. વાસ્તવિકતા એ છે કે, જ્યારે એમ લાગે કે સુખી છીએ તે ક્ષણે સુખ જતુ રહેતું
હોય છે. કોઈ એમ વિચારે કે, હું વિનમ્ર છું તે જ મિનિટે નમ્રતા ધીમા પગલે બહાર ચાલી
જતી હોય છે. સુખ પાછળ પડવાની વાત જ નથી. સુખની શોધ કરનારાના હાથમાંથી એ ક્યારે
છટકીને ચાલ્યું જાય છે, એની એને ખબર સુદ્ધા નથી પડતી.
‘ધ બુક ઓફ લાઈફ’માં જે. કૃષ્ણમુર્તીજીએ
સુખ અને સંવેદનાનો તાત્વિક ભેદ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, વ્યક્તિ જે જાણે છે તે
ભુતકાળ છે, વર્તમાન નથી. ભુતકાળ સંવેદનાઓથી ભરેલો હોય છે. ભુતકાળ સ્મૃતિઓનો કોથળો
છે. વ્યક્તિને યાદ હોય છે કે, ભુતકાળમાં એ ખુશ હતો. પણ એ ભુતકાળ કહી શકે ખરો કે, એ
સુખ હતું ? ભુતકાળ યાદ જરૂર કરી શકાય પણ સુખ શું છે એ વર્ણવી નહીં શકાય. સત્તા,
પૈસા, હોદ્દાના કારણે ઊભી થતી ઓળખ સુખ નથી. સુખી થવું કે ખુશ રહેવું કે પછી સુખ
અને ખુશી વિશે જાણવું એ સુખ નથી. ઓળખ તો સ્મૃતિનો પ્રતિભાવ માત્ર છે. સ્મૃતિના
પડળો અને અનુભવોના થેલાથી ભરેલું મન સુખી હોઈ શકે નહીં. ખરેખર તો ઓળખ પાછળની દોડ
સુખની અનુભૂતિને પ્રવેશ કરતા અટકાવે છે.
કલ્પના કરવાની મજા પડે એવી વાત છે કે,
જ્યારે વ્યક્તિને અહેસાસ થાય કે એ સુખી છે ત્યારે ત્યાં ખરેખર સુખ હોય છે ખરું ? એ
વાત સનાતન સત્ય છે કે, જ્યાં સુખ હોય ત્યાં સભાનતા હોય જ. સભાનતા સંઘર્ષના બળે
આવતી હોય છે. જે મળ્યું છે એનાથી વધુ મેળવવાનો નિરંતર સંઘર્ષ ચાલ્યા જ કરતો હોય
છે. સુખ એ વધારે મેળવવાની સ્મૃતિથી પર હોય છે. સુખ હોય ત્યાં ક્યારેય સંઘર્ષ ન
હોય. વિચારો સ્મૃતિઓને પડઘો છે. વિચાર સંઘર્ષની જનની છે. વિચારો સંવેદના છે અને
સંવેદના સુખ ન કહેવાય. સુખ શોધી ન શકાય કે બાંધી ન શકાય.
સામાન્ય રીતે વિચારો, વસ્તુઓ, સંબંધો
અને ધારણાઓમાં સુખ શોધવામાં આવતું હોય છે. પરિણામે આ ચાર પાસા જીવનમાં હંમેશા હાવી
થઈ જતા હોય છે. સુખ પાછળ હડસેલાઈ જાય છે. કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય
ત્યારે એ વસ્તુ જ અગત્યની બની જાય છે, સુખ નહીં. એ જ રીતે કોઈ સંપત્તિ, પદ કે
સત્તાની ઇચ્છા હોય ત્યારે એ સંપત્તિ પદ અને સત્તા મહત્ત્વની બની જાય છે, સુખ નહીં.
ધારણાઓ, ઇચ્છાઓ અને અપેક્ષાઓ ક્યારેય સ્થિર હોતી નથી. આમ છતાં એમાં જ સુખ મેળવવાના
અવિરત ફાંફાં મારવામાં આવે છે. પછી દુઃખના ભરડામાં ભરાઈ તેમાંથી બહાર નીકળવાની
મોટી સમસ્યા ઉભી થઇ જતી હોય છે. જ્યારે મન ‘સ્વયં હોવાની’ ભાવનાથી આગળ જાય ત્યારે અવિનાશી
સુખની સંભાવનાઓના પ્રદેશમાં જવાનું સામર્થ્ય કેળવાતુ હોય છે. મનની ઇચ્છાઓ અને
વિચારોના સૈન્યને પરાસ્ત કરવામાં આવે ત્યારે સુખનું સૌંદર્ય મળે છે.
ધબકાર :
સુખને જેટલું મજબૂતાઈથી પકડી રાખવાની કોશિષ કરવામાં આવે એટલું એ રેતીની
જેમ મુઠ્ઠીમાંથી સરકી જાય છે.







No comments:
Post a Comment