Wednesday, 12 May 2021

દાદ બાપુ સદીઓ સુધી ગુજરાતીઓના હૃદયમાં રાજ કરતાં રહેશે

 


એકાદ સપ્તાહ પહેલાં આવેલા સમાચાર પર નજર પડતા વેંત હૃદય એક ધબકારો ચૂકી ગયું. પદ્મશ્રી કવિ દાદ બાપુ આપણી વચ્ચે હવે નથી રહ્યાં. ગુજરાતનાં લોક કલાકારોનાં કંઠે જેમના શબ્દો સતત રેલાતાં રહે છે, જેમની કલ્પનાઓ અને અનુભૂતિઓ ગુજરાતના ગામેગામ ડાયરાઓમાં ઝીલાતી હોય છે, ડાયરાઓમાં જેણે વર્ષો સુધી ગુજરાતના સંસ્કાર અને સંસ્કૃતિને જન માનસ ઉપર અંકિત કરી છે એવા દાદ બાપુની વિદાયે સમસ્ત ગુજરાતને આંસુ સારતું કરી દીધું છે.


ગઢ ગીરનાર જેની શોભા છે એવા શહેર જૂનાગઢે ચાર અણમોલ રતન આપ્યાં. દિવાળીબહેન ભીલ, વલ્લભભાઈ મારવણીયા, ભીખુદાન ગઢવી અને કવિ દાદ બાપુ. દાદ બાપુનું આખું નામ દાદુદાન પ્રતાપદાન ગઢવી. શબ્દોનુ લાલિત્ય અને અદભુત કલ્પનાના સમન્વયની સર્જનશક્તિ દાદ બાપુને પિતા પાસેથી વારસામાં મળી છે. પિતા પ્રતાપદાન ગઢવી જૂનાગઢની નવાબી હકૂમતમાં રાજ દરબારના રાજકવિ પદને શોભાવતાં હતાં. એમની સર્જનશક્તિને પોંખીને રાજાએ એમને ઈશ્વરીયા અને સાપર ગામ ભેટમાં આપેલાં. કૌટુંબિક સંસ્કારની સરવાણીએ દાદુદાનને ૧૪-૧૫ વર્ષની ઉંમરે જ કવિતા રચતા કરી દીધા હતાં. મામાના અવસાન વેળા દાદુદાનને હૃદયમાં ખૂબ લાગી આવ્યું અને એમણે એક છંદ લખ્યો હતો. ત્યારબાદ એમણે માતાજીની સ્તુતિ લખવાનું  શરૂ કર્યું.


સર્જનશીલતા, કલ્પનાશીલતા અને અભિવ્યક્તિને શિક્ષણનો ક્યારેય બાધ નડ્યો નથી. દાદ બાપુ માત્ર ચાર ચોપડી પાસ હતાં. પરંતુ ગુજરાતી સાહિત્યમાં તેમના શબ્દો અને સર્જનશીલતાની એક આગવી છાપ છે. દાદ બાપુ ઉમદા કવિ, મોટા ગજાના લેખક, કર્ણપ્રિય ગાયક અને અદભુત વકતા હતા. આંઠ ભાગમાં પ્રકાશિત થયેલાં ‘ટેરવા’ નામના ગ્રંથમાં તેમણે ગરવા ગુજરાતની સંવેદનાસભર પહેચાન કરાવી છે. મજાની વાત તો એ પણ છે કે, જે વ્યક્તિ ચાર ચોપડી ભણેલો છે એની ઉપર આજે ગુજરાતી સાહિત્યમાં લોકો સંશોધન કરીને પીએચડી થયા છે. છ દાયકાની તેમની સર્જનયાત્રામાં ૧૫ જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે. પદ્મશ્રી ઉપરાંત કવિ દાદ બાપુને ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી જેવા અનેક પ્રતિષ્ઠીત એવોર્ડથી નવાજાયા છે.


‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો...’ આ પ્રસિદ્ધ રચના ગુજરાતના ખૂણે ખૂણામાં અત્યંત લોકપ્રિય બની છે. દાદ બાપુની સૌથી મોટી ખૂબી એ હતી કે, તે તળથી જોડાયેલા લોકોની સંવેદનાને શબ્દોમાં ઉતારીને સરળ ભાષામાં પ્રસ્તુત કરતાં હતાં. નારાયણ સ્વામીના કંઠે સ્વરબદ્ધ થયેલું ‘કૈલાસ કે નિવાસી...’ અને પ્રાણલાલ ભાઈ વ્યાસના સુરીલા કંઠે ઘર ઘરમાં પહોંચેલું ‘ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે...’ કવિ દાદને ક્યારેય ભૂલાવા નહીં દે. વર્ષ ૧૯૭૫માં શેતલના કાંઠે ફિલ્મમાં દાદ બાપુની રચના ‘કાળજા કેરો કટકો...’ જ્યારે રજૂ થયું ત્યારે ગુજરાતના પ્રત્યેક દીકરીના બાપની આંખમાંથી આંસુ રોકાતા ન હતાં. તે જ રીતે શેઠ શગાળશા ફ્લ્મમાં ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’  ગીત જ્યારે રજૂ થયું ત્યારે ગુજરાતભરમાં તેને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો.

દાદ બાપુ સાથે પત્રકાર હનિફ ખોખરે વર્ષો પહેલાં મુલાકાત લઈને સૌરાષ્ટ્રના પ્રાચિન ચારણી સાહિત્યને અનોખી અને અદભુત રીતે રજૂ કરનારા દાદ બાપુને પ્રસ્તુત કરતાં લખ્યું હતું કે, ‘ગુજરાતનો કોઈપણ ડાયરો કે કલાકાર એવો નહીં હોય કે જ્યા કવિ દાદની રચનાઓ પ્રસ્તુત થઇ ન હોય.’ પત્રકાર ખોખર લખે છે કે, ‘૧૯૭૧માં જ્યારે આજનું બાંગ્લાદેશ અને તે વખતનું પૂર્વ પાકિસ્તાન છૂટું પડ્યું તે સમયે ભારતે બાંગ્લાદેશને અનેક પ્રકારની સહાય કરી હતી. તે વખતે દાદ બાપુએ ‘બંગાળ બાવની’ નામના પુસ્તકમાં ૫૨ કવિતાઓ લખી હતી. સરકારે આની લાખો નકલો છપાવીને વિતરણ કરી હતી. આ માટે દાદ બાપુનું તે સમયે વિશેષ સન્માન પણ થયું હતું.


‘શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે, જનક જેવા આવી હજુ જો હળ હાંકે, તો આ ધરતીમાંથી હજી પણ સીતા  નીકળે...’ અને ‘હજુ ધબકે છે ક્યાંક  લક્ષ્મણ  રેખા, કે રાવણ જેવા ત્યાંથી બીતા નીકળે...’ જેવી મર્મસભર ચોટદાર અમર રચના દાદ બાપુની સ્મૃતિને અવિસ્મરણીય બનાવે છે. જવામર્દીની વાતને ખુમારીથી પ્રસ્તુત કરવાની દાદ બાપુની શૈલીની જોડ મળી શકે એમ નથી. નવી પરણીને આવેલી રજપુતાણી ભાલે કુમકુમ તીલક કરીને જ્યારે એમ કહે, ‘મારજો કે મરજો પીયુ, ન દેજો પીઠ લગાર... નહિંતર સાહેલી મેણા મારશે, તુ તો કાયર કેરી નાર...’ ત્યારે ભલભલાના રૂવાડા ખડા થઇ જાય.

ચિંતક, લેખક અને ચારણી સાહિત્યના એનસાઈક્લોપીડીયા જેવા વસંતદાન ગઢવીએ એક વાર વિશ્વ કોશમાં કવિ દાદની સર્જન યાત્રા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, દાદ બાપુની રચનાઓ તેના સરળ અને પ્રવાહી કાવ્ય તત્વ તેમ જ ગેય હોવાથી તેની રજૂઆત ચિત્ત આકર્ષક બની જાય છે. વસંતદાન ગઢવી સાહેબે સ્વામી આનંદે સાંઈ મકરંદને લખેલા એક પત્રનો સંદર્ભ ટાંકી સ્વામી આનંદે દાદ બાપુ માટે કરેલી સરસ વાત ઉજાગર કરી. સ્વામી આનંદે કહ્યું કે, ‘દાદલ કોઈ મધ્ય યુગના સંત કવિ નથી પણ નૂતન  યુગનો ચારણ  કવિ છે. ભાતીગળ રંગની કવિતાઓનો સર્જક છે.’ સ્વામીએ દાદ બાપુની જે રચનાને હૃદયથી પોંખી એ હતી, ‘ટોચો મા ટાંકણું લઈ ભાઈ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...’

દાદ બાપુના દુહાઓ દીલો દિમાગ પર હંમેશા છવાયેલા રહેશે. એમના દુહાની અલગ ભાત હોય  છે. ‘દાદ કહે આ જગતમાં સંતોષી એક ઝાડ, એક મૂળીએ પાણી પાવ ત્યાં રાજી સઘળી ડાળ...’ જેમની રચનામાં ગુજરાતની માટીની મહેંક અને ગરવા ગુજરાતની છબી ઝીલાતી હોય છે, જેની પ્રત્યેક રચનામાં સૌ કોઈને એમ લાગે કે આ તો મારી જ વાત છે. એવા કવિ દાદ બાપુ સદીઓ સુધી ગુજરાતીઓના હૃદયમાં રાજ કરતાં રહેશે.


ધબકાર

‘કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું...’  – કવિ દાદ બાપુ



No comments:

Post a Comment