Sunday, 22 August 2021

જગતને સમુળગુ બદલવા એક નવો આવિષ્કાર દરવાજો ખખડાવતો ઉભો છે




ધરતી ઉપરના તમામ જીવોમાં ઈશ્વરે મનુષ્યમાં બુદ્ધિનું તત્વ જરા વિશેષ નાખ્યું છે. માનવીની બુદ્ધિના ચમકારાથી સમયાંતરે જગતમાં જબરજસ્ત બદલાવ આવ્યા છે. સમય સાથે બદલાવ આવે એ જરૂરી છે. એમાં પણ ટેકનોલોજીના આવિષ્કાર પછી વિશ્વ અત્યંત ઝડપથી કરવટો લેવા માંડ્યું છે. હજુ દોઢ બે દાયકા પહેલાની જ વાત કરીએ તો સ્માર્ટ ફોન અને એન્ડ્રોઈડ બેઇઝ ટીવી કોને કહેવાય એ કોઈને ખબર સુદ્ધા ન હતી અને આજે સ્માર્ટ ફોન અને એન્ડ્રોઈડ ફ્રેન્ડલી ટીવી આપણા જીવનના અભિન્ન અંગ બની ગયા છે.

કોઈપણ બદલાવ એક ધડાકે ક્યારેય નથી આવતો. દરરોજ થોડા થોડા અનુભવો, સંશોધનો, અમલીકરણ બદલાવને જન્મ આપે છે. પ્રતિદિન થતા થોડા થોડા બદલાવથી સમય જતા પ્રભાવક પરિણામ પ્રાપ્ત થતું હોય છે. જે સમય સાથે બદલાતા નથી સમય મારીમચડીને એને બદલી નાખે છે. અંતે તો બદલાવનો સ્વીકાર કરે જ છૂટકો.

છેલ્લી સદીમાં થયેલી પાંચ શોધે વિશ્વ આખાનો સિનારીયો બદલી નાખ્યો છે. એમાં સૌથી પહેલા ઉલ્લેખ કરવો પડે તબીબી જગત અને ગુનાખોરીની પરિભાષાને અનફોલ્ડ કરતી ડીએનએની શોધનો. જેમ્સ વોટ્સન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએ ડબલ હેલીક્સ સ્ટ્રકચરને વિશ્વ સમક્ષ મૂકીને જીવ વિજ્ઞાનની નવી દિશાને ઉઘાડ આપ્યો. બીજી સૌથી મોટી ક્રાંતિકારી શોધ ઈન્ટરનેટની કહી શકાય. ઈન્ટરનેટની ટેકનિકલ શોધે માહિતીના આદાન પ્રદાન અને વિવિધ ક્ષેત્રે સંશોધન કાર્યને અત્યંત સરળ બનાવી દીધું. એલેકઝાન્ડર ફ્લેમિંગેની વિશ્વને બદલી નાખતી ત્રીજી મહાન શોધ અન્ટિબાયોટિક્સ પેનેસીલીનની છે. એમઆરઆઈ, રેડિયોગ્રાફી, એક્સ-રે વગેરે ક્ષેત્રે ઉપયોગી મેડિકલ ઇમેજીંગની ચોથી શોધ ક્લિનિકલ વિશ્લેષણ માટે અત્યંત પ્રભાવક પુરવાર થઇ છે. પાંચમી આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની શોધ છે.


પરંતુ આ પાંચ આવિષ્કારો ઉપરાંત એક એવો આવિષ્કાર જગતનો દરવાજો ખખડાવવા તૈયાર ઊભો છે. ક્વાંટમ કમ્પ્યુટિંગના આ આવિષ્કાર આખી દુનિયાને ઝડપથી બદલાવા જઇ રહી છે. આગામી બે અઢી દાયકામાં વિશ્વમાં બહુ મોટો બદલાવ આવી રહ્યો છે. ક્વાંટમ કમ્પ્યુટિંગથી વૈશ્વિક ક્રાંતિ સર્જાવાની છે.

ક્વાંટમ કમ્પ્યુટિંગ હાલના કોમ્પ્યુટરની જેમ ૦ અને ૧ના બાઈટ્સના સ્થાને ક્યુબાઈટ્સના આધાર ઉપર કામ કરે છે. સાદા શબ્દોમાં કહીએ તો બાઈટ્સની જે ચાલુ બંધ એટલે કે ઓન ઓફ થવાની બાબત ઉપરાંત ક્યુબાઈટ્સ સુપરપોઝીશનમા કામ કરે છે. ‘સુપરપોઝીશનએટલે એવી સ્થિતિ કે જ્યાં એક જ સમયે ઓન, ઓફ કે બન્નેની વચ્ચેની સ્થિતિમાં પણ કામ કરવાની ક્ષમતા હોવી. આ એક અદભુત પરિમાણ કહેવાય.

ક્યુબાઈટ્સની સુપર પોઝીશન જ ક્વાંટમ ટેકનિકને અત્યંત શક્તિશાળી અને ઝડપી બનાવે છે. સુપર કોમ્પ્યુટરને જે પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે લાખો વર્ષો લાગે તેને ક્વાંટમ કમ્પ્યુટિંગ ઘડીના છઠ્ઠા ભાગમાં ઉકેલીને માનવજાતને નવી દિશા આપી શકશે. ક્વાંટમ મિકેનિક્સ દ્વારા ક્વાંટમ કમ્પ્યુટિંગના ક્વાંટમ આઉટપુટની ગણતરી માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. ભૌતિકશાસ્ત્રમાં ક્વાંટમ એ કોઈપણ ભૌતિક સંપત્તિનું સૌથી નાનુ સંભવિત એકમ છે. તે સામાન્ય રીતે ઈલેક્ટ્રોન, ન્યુટ્રોટ અને ફોટોનના અણુઓ અને સબટોમિક પાર્ટીકલ્સના ગુણધર્મો પ્રસ્તુત કરે છે.

ક્વાંટમ કમ્પ્યુટિંગની વર્કીંગ મેથડોલોજી પણ સમજવા જેવી છે. એના એક ભાગમાં ક્યુબાઈટ્સ હોય છે. બીજી બાજુ ક્યુબાઈટ્સમાં સંદેશા સ્થાનાંતરિત કરવાની પદ્ધતિ હોય છે અને ત્રીજુ પરિમાણ પ્રોગ્રામ રન કરવા અને સૂચનાઓ આપવા માટે એક ક્લાસિકલ કોમ્પ્યુટર કામ કરતુ હોય છે.

ક્વાંટમ કમ્પ્યુટિંગથી દવા બનાવતી દુનિયામાં ગજબનુ પરિવર્તન આવશે, સંચાર માધ્યમો અને આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સનીની દુનિયામાં અકલ્પ્ય તહલકો મચી જવાનો છે. આઈબીએમ, માઈક્રોસોફ્ટ અને ગુગલ જેવી કંપનીઓ ક્વાંટમ કમ્પ્યુટર બનાવવા રીતસર આકાશ પાતાળ એક કરી રહ્યા છે. મુળ ભારતીય અને ગુગલ કંપનીના સીઇઓ સુંદર પીચાઇ તો સ્પષ્ટ કહે છે કે, આગામી સમય ક્વાંટમ કંપ્યુટિંગ અને આર્ટિફિશીયલ ઇંટેલિજન્સીનો જ છે. બીઝનેસ અને રૂપિયા દેખાય એટલે લાળ પાડીને દોડતા રહેતા ચીને તો ક્વાંટમ કોમ્પ્યુટરો માટે અબજોનું રોકાણ પણ કરવાનુ શરૂ કરી દીધું છે.

ક્વાંટમ કમ્પ્યુટિંગનુ હોલીવુડની ધમાકેદાર ફિકશન ફિલ્મ એવેન્જર જેવું છે. આ ઉભરતા ક્ષેત્રમાં જબરજસ્ત સંભાવનાઓ પડેલી છે. વર્ષ ૨૦૨૧માં ૪૭૨ મિલિયન યુએસડીથી વધીને વર્ષ ૨૦૨૬માં ૧૭૬૫ મિલિયન યુએસડી થવાનો પ્રાથમિક અંદાજ છે. સાદી ભાષામાં સમજીએ તો ક્વાંટમ કમ્પ્યુટિંગ પ્રતિવર્ષ ૩૦ ટકાના દરે આગળ વધી રહ્યું છે. બેંકિંગ અને ફાઈનાન્સ સેકટરમાં ક્વાંટમ કમ્પ્યુટિંગનો સ્વીકાર નવા સિમાચિહ્ન પ્રાપ્ત કરશે. આગ, વીજળી, ચક્ર, ખીલ્લી, હોકાયંત્ર, ઈન્ટરનેટ, પ્રિન્ટીંગ પ્રેસ, ટેલીફોન, પેનિસિલિન જેવી શોધ બાદ વર્ષો સુધી માનવ જાતને જે ગતિશીલતા મળી હતી તેની સરખામણીમાં ક્વાંટમ કમ્પ્યુટીંગ એક હજાર ગણી ગતિશીલતા આપવા જઇ રહ્યું છે એ નક્કી.

પુનરાવર્તન અને પરિવર્તન સિક્કાની બે બાજુ છે. આ બન્ને બાજુ અત્યંત ઉપયોગી છે. સમય નાજૂક પણ છે અને અત્યંત કઠોર પણ છે. સમય સાથે બદલાવવું જ પડશે, નહીંતર જે સમાજમાં રહીએ છીએ એ સમાજ જ સમુળગો નાશ પામશે અથવા તો આપણે સ્વયં ખૂબ પાછળ છૂટી જઇશુ. પ્રકૃતિના પરિવર્તનના મિજાજને પારખવાના પમરાટને પોંખવાનો હોય. રીત, રિવાજ, રૂઢી, પરંપરા, કાયદા, અનુશાસન, તમામે તમામ બાબતમાં સમય સાથે પરિવર્તન આવવું એ કુદરતી છે. જો બદલાવ ન આવે તો એ અકુદરતી છે.

 

ધબકાર :

બદલાવના અસ્વીકારમાં પછડાટ અને સ્વીકારમાં વિકાસનો રણકાર હોય છે.



https://cdngp.betanetcdn.com/gnrsmc/epaper/21august/03082021-4.pdf

No comments:

Post a Comment