Sunday, 22 August 2021

પોતાના એકાંતને ઉઘાડ માટે એક અવસર આપો...

 

 


અમેરિકા, ભારત, બર્મા, થાઈલેન્ડમાં પ્રબુદ્ધોના પ્રિય લેખક અને ખૂબ વંચાતા જેક કોર્નફિલ્ડનું એક સરસ ચિંતન છે. એ કહે છે કે, એકાંતમાં ફક્ત ત્રણ બાબતોનો ફરક પડતો હોય છે. તમે કેવું જીવ્યા, તમે કેવો અને કેટલો પ્રેમ કર્યો અને તમે કેટલો ત્યાગ કરી શક્યા ? માત્ર આ દસ પંદર શબ્દોના ત્રણ વાક્યોમાં જેકે જીવનની અદભૂત ફિલોસોફી મૂકી દીધી છે.

એમણે બૌદ્ધ ધર્મ અને વિપશ્યના ઉપર દાયકાઓ સુધી અભ્યાસ કર્યો છે. બૌદ્ધ સાધુઓને એમણે વિપશ્યનાના પાઠ શીખવ્યા છે. અમેરિકામાં વિપશ્યના મુવમેન્ટના જેક ભીષ્મ પિતામહ ગણાય છે. એકાંત અને એમાંથી પ્રાપ્ત થતા ખજાનાને જેક બખૂબી શબ્દ દેહ આપી વર્ણવે છે. ધ વાઈઝ હાર્ટ, અ પાથ વીથ હાર્ટ, નો ટાઈમ લાઈક ધ પ્રેઝન્ટ, અ લેમ્પ ઈન ડાર્કનેસ, બુદ્ધા ઈઝ સ્ટીલ ટીચીંગ જેવા જેકના અનેક પુસ્તકો બેસ્ટ સેલર શ્રેણીમાં આવે છે. વિશ્વમાં ઘણા જેકના ડાઇ હાર્ડ રીડર કમ ફેન છે.


એકાંતમાં વ્યક્તિ સંપૂર્ણ રીતે પોતાની સાથે જ હોય છે. પોતાની જાત સાથે ચિક્કાર આનંદ કરે છે. એકાંતમાં વ્યક્તિ જબરજસ્ત તાકાતવર બની ઊભરી શકે છે. પોતાનો પરમ મિત્ર બની શકે છે. શક્ય છે કદાચ એનાથી વિપરીત પણ બને. વ્યક્તિ પોતાનો દુશ્મન પણ બની જાય. એકાંતમાં અત્યંત નબળો બની ભયભીત પણ થઈ જાય.

એકાંત અને એકલતા આ બન્ને શબ્દોમાં આસમાન જમીનનો ફરક છે. એકાંત એટલે હું મારી સાથે મજબૂત રીતે ઊભો છું. એકલતા એટલે મારું કોઈ નથી. મારી પડખે કોઈ ઊભું રહેવા તૈયાર નથી. એક પણ શબ્દ ન બોલીને ચુપ રહીને એકાંત માણવાની મજા છે. આત્માનો કોઈ સર્વશ્રેષ્ઠ સાથી હોય તો એ નિશબ્દ મૌન અને એકાંત છે. એકાંતને તો ભર્યા ભર્યા મને માણવાની મોજ આવે. એકલતા ન છૂટકે ભોગવવી પડતી મજબૂરી છે.

એક ચિંતકે એકાંતની પરિભાષા સમજાવતા કહ્યું છે કે, એકાંત એટલે એક સાત્વિક ક્ષણનો અંત થાય અને એની સાથે જ પરમ સાત્વિક ઉલ્લાસનો આરંભ થાય. આધ્યાત્મના અલૌકિક આનંદની ભોર એકાંતના અમૃતના ઘુંટડે ઘુંટડે દ્રશ્યમાન થતી હોય છે. એકાંતમાં આત્માની પ્યાસ અને મૌનનું મૂલ્યવાન ભાથુ મળે છે. એકાંતને ન સમજી શકનારા, ન માણી શકનારા એકાંતથી ડરી જાય છે. આદિલ સાહેબનો આ સંદર્ભમાં સદાય પરમ આનંદ આપે એવો અદભૂત શેર છે.

હા, ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,

એકાંતમા તો જાતને સામે મળી જવાય...

કોઈ કવિ, લેખક, વિચારક કે ચિંતક જ્યારે મધ્ય રાત્રિએ કલમ અને કાગળ લઈને લખવા બેસતો હોય ત્યારે એને એનું એકાંત સૌથી પ્રિય સ્નેહીજન જેવું લાગે. જગતની જદ્દોજહદ, હુંસાતુંસી, ટાંટીયા ખેંચ અને રૂપિયા પૈસા, સત્તાની દોટંદોટનો થાક લાગે ત્યારે એકાંતનો એકતારો અલૌકિક લાગે. હંમેશા મિત્રો અને મુશાયરા, મહેફિલો અને પાર્ટીઓમાં ગુલતાન વ્યક્તિ જ્યારે અચાનક એકાંતમાં આવે ત્યારે પોતાની જાત સાથેની દોસ્તી એને ગમે છે. પોતાની સાથે સંવાદની ક્ષણો સ્વયં મહેફિલનો આનંદ આપતી હોય એવું લાગે.

વ્યક્તિએ દિવસમાં થોડો સમય પોતાની જાતને મળવા માટે કાઢવો જોઈએ. એકલા પડી જઈએ ત્યારે એકાંતમાં છીએ એમ સમજવાની ભૂલ જ ભયાનક સ્વરૂપ ધારણ કરી પોતાની જાતને મળવાનો અવસર નથી પેદા થવા દેતી. પોતાના વ્યક્તિત્વના ઘડતર અને આંતરિક ચેતનાની જાગૃતિ માટેનું પહેલું મહત્વપૂર્ણ પગલું એકાંત છે. સમયનું યોગ્ય આયોજન કરી થોડો સમય એકાંત પાળવા પોતાની જાતને રચનાત્મક એંગલ ઉપર લઈ જવાની નિષ્ઠાપૂર્વકની કોશિષ કરવા જેવી છે.

એક વાત તો સ્પષ્ટ છે કે, એકાંતના સમયમાં વ્યક્તિનું મન લક્ષ્ય કેન્દ્રિત અને વૈચારિક રીતે વધુ સ્પષ્ટ હોય છે. એકાંતના સમયમાં મૌલિક વિચારો અને ઊર્ધ્વગામી સંકેતો મળતા હોય છે. દિવસના થોડો સમય એકાંતમાં રહેવાની કોશિષ કરી જૂઓ. આ સમય સૌથી વધુ એનર્જેટિક અને નવા અદભુત વિચારોની ખાણ બની જતી હોવાનો અનુભવ થયા વગર નહીં રહે. પોતાના મનમાં આવતા વિચારોને દ્રષ્ટા બનીને નિખરવાની મોજ લઈ જૂઓ. આધ્યાત્મિક ધ્યાન અને ઐશ્વરિય ચેતના માટે કોઈ ખાસ પ્રયાસની ક્યાં જરૂર છે ? પોતાના એકાંતને ઉઘડવાનો એક અવસર તો આપો. પછી જૂઓ તમારા મન અને આત્મા બન્ને સાથે મળીને કેવો મઝાનો આનંદનો ઉત્સવ ઉજવે છે.


ધબકાર એકાંત મળવું એ વરદાન છે અને એકલતા અભિષાપ છે.

 




No comments:

Post a Comment