Thursday, 20 January 2022

દિવાસ્વપ્ન ફિલ્મ સુપરમાઈન્ડ માટેની સુપર વાત લઈને આવી છે, ડોન્ટ મીસ ટુ વોચ ઇટ...

 


ફિલ્મો સમાજ જીવનનો આયનો છે. જ્યારે કોઈપણ કાળખંડની સમાજ વ્યવસ્થા અને લોકોની રીતભાત વિશે જાણવાનુ મન થાય તો એ કાળખંડની ફિલ્મો માણવામાં આવે તો એ સમયના લોકો અને એમની રહેણી કરણીનો ફટાફટ ખ્યાલ આવી શકે છે. ફિલ્મ એક એવું સબળ માધ્યમ છે કે, જેના દ્વારા વાસ્તવિક જીવનનું દસ્તાવેજીકરણ ઉપરાંત જો સર્જક ધારે તો તત્કાલિન સમાજના વિકાસનો સરસ મેસેજ પણ આપી શકે છે. આમ તો ઉપદેશાત્મક વાત હંમેશા બોરીંગ અને ત્રાસ આપતી હોય એવુ લાગે એ સ્વાભાવિક માનસિકતામાં તથ્ય પણ છે. પરંતુ જ્યારે પ્રસંગો, ઉદાહરણો, અદાકારી, વાસ્તવિકતાનું નાટકીય નિરૂપણ વગેરે બાબતોનુ સચોટ સંકલન કરીને ચિત્રપટના માધ્યમથી પીરસાય તો રસપ્રદ રીતે સંદેશ ગળે ઉતરી જાય.

આ મહિનામાં દિવાસ્વપ્નનામની એક મજાની ફિલ્મ રીલીઝ થઈ. શિક્ષણના મૂલ્યો અને પ્રાકૃતિક કૃષિના બે મહત્વના વિષયો ઉપર આ ફિલ્મમાં અદભુત માવજત કરવામાં આવી છે. આજે યુવાનોમાં ભણવું એ માત્ર સમય પસાર કરવો, મોજ મસ્તી કરવી અને ડિગ્રી લઈને નોકરી કરવી એવુ પર્સેપ્શન મહદંશે જોવા મળતું હોય છે. ખરેખર તો ભણવું એ એક વિકાસ માટેનું મહાવરદાન છે. ભણવું એક અપ્રતિમ તક છે. વ્યક્તિના જીવનમાં પડેલી અસિમ સંભાવનાઓ અને શમણાઓ સાકાર કરવાની પુષ્ઠભૂમિ ભણતર છે. જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે એક શિક્ષક અને બીજો શિક્ષાર્થી એમ બે પાસા ઊભરીને આવે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર કહે છે કે, માનવીની બિહેવીયરલ પેટર્નના આપણી પાસે કોઈ ચોક્કસ અને શ્રેષ્ઠ મોડેલ ઉપલબ્ધ નથી. જોકે, પ્રત્યેક ગુજરાતી વટથી ગૌરવભેર કહી શકે કે, રમતા રમતા ભણવાની અને ભણતા ભણતા રમવાની મેથેડોલોજી આપી શિક્ષણ જગતમાં ક્રાંતિ આણનારી મુછાળી માગીજુભાઈ બધેકાના વિચારો અને કાર્યોએ ગુજરાતના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા ભણી આગળ વધવાનો રાજપથ દેખાડ્યો છે.

માનવીય મૂલ્યોના વિવિધ પાસાનો ગુલદસ્તો બનાવીને દિવાસ્વપ્નફિલ્મ રજુ થઇ છે. એમાં એક તરફ શ્રમનું ગૌરવ, કર્તવ્ય પરાયણતા, આત્મવિશ્વાસ જેવા વ્યક્તિગત મૂલ્યો છે. તેની સાથો સાથે સહકાર, સામાજિક ચેતના, પારિવારિક ભાવના જેવા સામાજિક મૂલ્યો પણ છે. આ ઉપરાંત સત્ય, અહિંસા, સર્વધર્મ સમભાવ જેવા સાંસ્કૃતિક મૂલ્યોને પણ દિવાસ્વપ્નફિલ્મ ઉજાગર કરે છે. રાષ્ટ્રપ્રેમ, પંચશીલ જેવા રાષ્ટ્રીય મૂલ્યો અને પ્રમાણિકતા અને નિખાલસતાના નૈતિક મૂલ્યો દિવાસ્વપ્નમાં પડઘાય છે. આ બધી મુલ્યનિષ્ઠાની વાતો રસાળ શૈલીમાં એક શિક્ષક અને વિદ્યાર્થી સાથે મળીને વિચારવિમર્શ કરે ત્યારે કેવું આદર્શ અને તાજગીસભર વાતાવરણ ખડું થાય એ વાત આ ફિલ્મે રજૂ કરી છે. મહદંશે શિક્ષણ અને પ્રાકૃતિક કૃષિની આસપાસ ફરતી દિવાસ્વપ્નની વાર્તામાં નાની મોટી અનેક મૂલ્યનિષ્ઠ વાતોને બિલકુલ સાહજિક રીતે રજૂ કરી દેવામાં આવી છે.

શિક્ષણ જગત સાથે સંકળાયેલાને ત્રણ કેટેગરીમાં વહેંચી શકાય છે. પહેલી કક્ષામાં એવા શિક્ષકો આવે છે, જે માહિતી આપીને સંતોષ માની લે છે. બીજી કેટેગરીમાં આવતા શિક્ષકો, માહિતીને વ્યવહારુ ઉપયોગની પરિભાષા સ્પષ્ટ કરતા હોય છે અને ત્રીજી કક્ષાના શિક્ષકો માહિતીનો સમુચિત ઉપયોગ કરીને, તેને જીવનમાં કેવી રીતે અમલમાં મુકાય એની જાણકારી આપે છે. આ વિચાર જાણીતા શિક્ષણવિદ વિલિયમ આર્થર વોર્ડના છે. મહદંશે વોર્ડ યથાર્થ પણ પૂરવાર થયા છે. આ આખી વાતના પાયામાં ગીજુભાઈ બધેકાની ભાર વિનાના ભણતરની ફિલોસોફી છે. દિવાસ્વપ્નફિલ્મે ગીજુભાઈના વિચારોને વણી લઈને સુંદર મેસેજ આપ્યો છે. ભણવું એટલે ચૈતન્ય મેળવી ઊર્ધ્વગામી પ્રસ્થાન કરવાનો માર્ગ પ્રશસ્ત કરવાની ફિલોસોફીને ફિલ્મમાં સરસ રીતે અંકિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને જીવનલક્ષી, આદર્શોને વિકસાવતું અને જીવનના મૂલ્યોને ઉજાગર કરતું શિક્ષણ કેવી રીતે આપી શકાય એ વાત ફિલ્મના કથાનકમાં સુંદર રીતે વણી લેવાઈ છે. વિદ્યાર્થીઓના માનસમાં સપના ભરવા અને તેને સાકાર કરવાની ક્લાસરૂમ અને ક્લાસરૂમ બહાર ગ્રાઉન્ડ ટીચીંગ મેથલોડોજીને ફિલ્મમાં અર્થસભર રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં ટીચરનું પાત્ર ભજવતા રીતેષ મોભે જીવંત અભિનય દ્વારા શિક્ષકની ભૂમિકાનો મેસેજ આપવામાં પ્રાણ રેડ્યો છે. ખાસ કરીને શિક્ષક-વાલી સંવાદ અને સાથી શિક્ષકની સાથે તેમના વાર્તાલાપે ફિલ્મને અલગ ઉચાઇ આપી છે.

શિક્ષણ સાથે ઔર્ગેનિક એગ્રિકલ્ચરની વાતને દિવાસ્વપ્નમાં સહજ રીતે સાંકળી લેવામાં આવી છે. ગામડાના અભણ પણ જાગૃત ખેડૂતના કેરેકટરમાં મંજાયેલા કલાકાર ચેતન દૈયાએ જાનદાર અભિનય કર્યો છે. આમ તો ફિલ્મમાં આ કેરેક્ટર હીરોના પિતાનું છે પણ આખી વાર્તા આ કેરેક્ટરની આસપાસ ફરે છે. ફિલ્મનુ લીડ કેરેકટર ખેડૂતપૂત્ર કાનજીનું પાત્ર પ્રવીણ ગુંડેચાએ રજૂ કર્યું છે. પ્રાકૃતિક ખેતી માટે ગામડાના યુવાનો સાથેનો કાનજીનો સંવાદ ફિલ્મને નવો વળાંક આપે છે. ખેડૂત પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને પેસ્ટીસાઈડ તથા રાસાયણિક ખાતરોની જગાએ ગૌમુત્ર અને છાણીયા ખાતર દ્વારા કેવી રીતે વધુ સારી ખેતી કરી શકે છે એ વિષયને રસપ્રદ રીતે વણી લેવાયો છે. શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી બે ભિન્ન વિષયો હોવા છતાં ફિલ્મમાં ક્યાંય કોઇ સીનમાં દર્શકોને ઝટકો લાગતો નથી. ફિલ્મની પ્રવાહિતા અને નાટકીયતા પહેલેથી છેલ્લે સુધી બિલકુલ બરકરાર રહે છે. આદર્શવાદી વાતો શબ્દોમાં નહીં પણ વાસ્તવિકત સ્વરૂપ કેવી રીતે લઇ શકે તે દિવાસ્વપ્નમાં અભિવ્યક્ત થયું છે. સૌથી અગત્યની વાત તો એ છે કે, શિક્ષણ અને પ્રાકૃતિક કૃષિ જેવા બે ભારેખમ વિષયોના સંદેશને અત્યંત રસાળ શૈલીમાં પ્રસ્તુત કરતી દિવાસ્વપ્નફિલ્મ લોગભોગ્ય તો બની જ છે સાથે સાથે ઉત્તમ સ્ટોરી ટેલર પણ બની છે.

સામાન્ય રીતે જીવનમાં બે યક્ષ પ્રશ્નો છે. એક તો આપણે ક્યાં ઊભા છીએ ? અને બીજું આપણે ક્યાં પહોંચવું છે ? એ એટલુ જ સાચુ છે કે, ઘટનાઓ અને પ્રાસંગિકતા માનવીને હર હંમેશ ખેંચીને આમ તેમ ફંગોળતા હોય છે. પરંતુ પરિસ્થિતિઓ અને પરિબળોના તાબે થયા વગર એમાંથી ઉગરવાનો માર્ગ સાથે મળીને શોધવાના પ્રયાસને દિવાસ્વપ્નફિલ્મ ચરિતાર્થ કરવાની કોશીષ કરે છે. સમાજનો એક ભાગ ઉપભોગકર્તા અને બીજો ભાગ ઉત્પાદક છે. ખેડૂત ઉત્પાદક છે. ઉત્પાદકને ઉત્પાદનનો ઉત્તમ આનંદ કેવી રીતે સાંપડે એ આ ફિલ્મનું મજાનુ પાસુ છે. સરપંચની ભૂમિકામાં બિમલ ત્રિવેદી, કાનજીની પ્રેમિકામાં ગરીમા, ખેડૂત કચરાની પત્ની તરીકે કલ્પનાજી વગેરે કલાકારોએ દિવાસ્વપ્નફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા છે. જો કે ફિલ્મના ક્લાઇમેક્સમાં આંઠેક મિનિટનો કોર્ટસીન વધુ પડતો નાટકીય અને અવાસ્તવિક લાગે છે. આ સીનમાં વકીલ, જજ, સરપંચ, કાનજી અને કાનજીની પ્રેમિકા તમામ પાત્રોનો અભિનય ડલ અને સ્ક્રીપ્ટ-ડાયલોગ ક્લાઇમેક્સને કંટાળાજનક બનવી દે છે. ક્લાઇમેક્સની આ આંઠ દસ મિનિટ બાદ કરતા આખી ફિલ્મની પ્રવાહિતા અને માવજત દાદ માગી લે એવી છે. ઓવર ઓલ દિવાસ્વપ્ન ગુજરાતી ફિલ્મ એકવાર તો જરૂર જોવા જેવી છે.

વર્ષો પહેલા હોલીવુડની બ્લોક બ્લસ્ટર ફિલ્મ સુપરમેનની જેમ દિવાસ્વપ્ન સુપરમાઈન્ડમાટેની સુપર વાત લઈને આવી છે. મહેનતકશ ખેડૂતપુત્ર નરેશ પ્રજાપતિએ દિવાસ્વપ્નફિલ્મ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના ગીતો અને સ્ક્રીપ્ટમાં પણ નરેશભાઈનું પ્રદાન ધ્યાન ખેંચે એવુ છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાં ઉછરેલા ફિલ્મના પ્રોડ્યુસર નરેશભાઈ શિક્ષણ જગત અને ખેતી સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે એટલે જ કદાચ કૃષિ અને શિક્ષણના સામંજસ્યને લઈને દિવાસ્વપ્ન એમણે જોયું છે. વિદેશની ભૂમિ ઉપર એક દાયકો ફિલ્મોના નિર્માણનો અભ્યાસ કરી ચૂકેલા પરંતુ ગુજરાતી ભાષાની લગોલગ રહેવાના મનોરથ ધરાવતા સતિષભાઈ દાવડાના ડાયરેકશને કમાલ કરી છે. પાર્થ પીઠડીયાએ ફિલ્મને કર્ણપ્રિય સંગીતે મઢી છે. ફિલ્મને રીલીઝ થતાં પહેલાં અત્યાર સુધીમાં ૫૪ જેટલા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી ચૂક્યા છે. ફિલ્મ માત્ર મનોરંજન નથી ફિલ્મ મનોરંજન ઉપરાંત આગળ વધવા માટે નવા વિચારો આપવાનું માધ્યમ પણ બને એ જરૂરી છે. દક્ષિણ ભારતમાં પ્રાદેશિક ફિલ્મો મોટા પ્રમાણમાં જોવામાં આવે છે. એ પ્રમાણે ગુજરાતી ફિલ્મો પણ હવે લોકો માણતા થયા છે. આની પાછળ હવેની ગુજરાતી ફિલ્મોના કથાનક, એડિટીંગ, એક્ટિંગ, ડાયરેકશન, લોકેશન વગેરેમાં ૩૬૦ ડિગ્રીએ પરિવર્તન આવ્યું છે.


ધબકાર : જ્યારે વ્યક્તિ કોઈ બાબત માટે પ્રતિબદ્ધ બને છે ત્યારે તેને અનેક રસપ્રદ નવી બાબતો કરવાનો અવસર તેને સાંપડે છે.




https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21dec/21122021-4.pdf

No comments:

Post a Comment