Thursday, 20 January 2022

નોબેલ વીનર ગુરનાહની લેખિનીને વિશ્વ સમસ્તના પ્રબુધ્ધોએ હૃદયપૂર્વક કેમ પોંખી ?


દિવાળીની રજાઓ એટલે મન ભરાય ત્યાં સુધી વાંચવાનુ અને હદયનો ઉભરો શાંત થાય એટલા લોકોને સ્નેહથી મળવાનુ. અબ્દુલ રઝાક ગુરનાહના વિચારો અને એમની લેખીનીને માણવાનો જબરજસ્ત મોકો મળી ગયો. આમ પણ આજકાલ અબ્દુલ રઝાક ગુરનાહના નામની ચારે બાજુ ચર્ચા છે. જગતભરના સાહિત્ય સર્જકો ગુરનાહમાં ઊંડી દીલચશ્પી લઈ રહ્યા છે. તાન્ઝાનિયાના આ સર્જકને વર્ષ ૨૦૨૧ના સાહિત્ય નોબલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. ‘પેરેડાઈઝ’ નામના દાદુ પુસ્તકના સર્જન માટે ગુરનાહને નોબલ પુરસ્કાર આપવામાં આવનાર છે. આફ્રિકન દ્વીપ સમુહના ઝાંઝીબારમાં વર્ષ ૧૯૪૮માં ગુરનાહનો જન્મ થયો. ત્યાર બાદ તાન્ઝાનિયામાં એમનું બાળપણ વિત્યું. બાળપણથી યુવાનીના ઉંબરે પહોંચતા સુધીમાં ગુરનાહે અનેક ઝંઝાવાતો જોઈ. એ સમય હતો ઝાંઝીબારની ક્રાંતિનો. આ ક્રાન્તિમાં આરબ શાસનના પતન બાદ ગુરનાહ ભારે હૈયે તાન્ઝાનિયા છોડીને ઈંગ્લેન્ડ શરણાર્થી તરીકે આવીને વસ્યા. ઈંગ્લેન્ડમાં આવીને એમણે કહ્યું હતું કે, ‘મારા દેશમાં હજુ પણ ઘણાં લોકો ભારે સંઘર્ષ કરી રહ્યા છે. આતંકી ઓછાયાવાળા પ્રદેશમાંથી મારા દેશના લોકો ભાગીને બીજા દેશમાં જઈ રહ્યા છે.’

  સવાલ એ છે કે, વિશ્વ સમસ્તના પ્રબુદ્ધ વાચકોએ ગુરનાહની લેખિનીને હૃદયપૂર્વક કેમ પોંખી રહ્યાં છે ? યુનાઇટેડ કિંગ્ડમમાં ગુરનાહ શરણાર્થી તરીકે રહેતા હતા ત્યારે તેમણે ઘણાં સંઘર્ષનો સામનો કર્યો. જીવનના અનેક અભાવોમાં ગુરનાહે પોતાનું અલગ ઘડતર કર્યું. તેમના શબ્દોમાં શણાર્થીઓના સંઘર્ષમય જીવનને બહેતરીન ઉઘાડ મળતો થયો. એમની કરૂણાસભર ભાષા વિશ્વભરના લોકોને હૃદયસ્પર્શી લાગતી. જગતભરના લોકોના હૃદયમાં એમના લખાણથી પ્રેમના પુષ્પો અંકુરીત થતાં. પ્રેમ અને કરુણામય લેખન માટેની ગુરનાહની અલગ ઓળખ ઊભી થઈ.

  ‘વાસાફિરી’ નામની એક પત્રિકામાં સહસંપાદક તરીકે પણ ગુરનાહે સેવાઓ આપી છે. ગુરનાહ કેન્ટ વિશ્વવિદ્યાલયમાં સાહિત્ય અને અંગ્રેજીના વિષયો ઉપર વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરતાં. વર્ષ ૨૦૦૫માં આવેલો એમનો ઉપન્સાયસ ‘ફેલાવ’ અને ૨૦૧૧માં આવેલા ઉપન્યાસ ‘ધ લાસ્ટ ગિફ્ટ’ને વર્ષ ૨૦૦૬માં રાષ્ટ્રમંડલ સાહિત્ય પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. મેમરી ઓફ ડિપાર્ચર, પીલગ્રીમ્સ વે અને દોટ્ટી એમના આ ત્રણ ઉપન્યાસમાં એમણે શણાર્થીઓના અનુભવો અને સંઘર્ષોની ગાથાઓ સુપેરે વ્યક્ત કરી છે.

  ‘પેરેડાઈઝ’ નામના ઉપન્યાસમાં પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન પૂર્વી આફ્રિકાના પ્રદેશોની આસપાસ લખાયું હતું. ‘પેરેડાઈઝ’ને પણ બુકર પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું અને હવે ‘પેરેડાઈઝ’ માટે ગુરનાહને નોબલ પુરસ્કાર મળશે. વર્ષ ૧૯૯૭માં આવેલા એમના ‘એડ માયરીંગ સાયલેન્સ’માં એમણે એક એવા યુવકની કહાની નિરૂપી છે કે જેણે ઝાંઝીબાર છોડીને ઈંગ્લેન્ડમાં પ્રવેશ કરી ત્યાં લગ્ન કરીને શિક્ષક બની જાય છે. ૨૦ વર્ષ પછી ફરી પાછો એ યુવક માતૃભૂમિમાં પરત ફરે છે અને એક બેઘર, નિઃસહાય યુવકના લગ્ન અને જીવનની વાર્તા લખે છે.  

  ગુરનાહના લેખનમાં ગુલામીની ઝંઝીરોમાંથી પુનર્વસન અને આત્મચિંતન ઉજાગર થતું હોય છે. શણાર્થીઓનું જીવન કેવી રીતે બદલાય, શણાર્થીઓ નવેસરથી કેવી રીતે નીખરે છે, ભૌગોલિક પરિસ્થિતિ જીવન પર કેવો પ્રભાવ પાડે છે વગેરે બાબતોને ગુરનાહે એમના પુસ્તકોમાં પ્રમુખ ભૂમિકા આપી છે.  ૧૮ વર્ષની યુવા અવસ્થાએ જ્યારે ગુરનાહે માતૃભૂમિ છોડી ત્યાર બાદ હંમેશા પોતાના સાહિત્યમાં શણાર્થીઓની દૂરદશાનું નિરૂપણ કરવાનો એમણે પ્રયાસ કર્યો છે.

  ૨૦૨૧માં ગુરનાહને મળેલા નોબલ પુરસ્કાર પહેલાં વર્ષ ૨૦૨૦માં અમેરીકી કવયિત્રી લુઈસ ગ્લુકને સાહિત્ય ક્ષેત્રે નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. લુઈસ યેલ યુનિવર્સિટીમાં અંગ્રેજીની પ્રાધ્યાપિકા હતી. એની કવિતાઓમાં મોટા ભાગે પારિવારિક સંબંધો, શૈશવકાળ, માતાપિતા અને ભાઈ બહેનો સાથેના પ્રેમાળ સંબંધો પ્રતિપાદિત થતાં. સાહિત્ય ક્ષેત્રેના નોબેલ પુરસ્કારની વાત નીકળે ત્યારે સહજ પ્રશ્ન એ થાય કે આ નોબેલ પુરસ્કાર છે શું ? સ્વીડનના આલ્ફ્રેડ નોબેલે ડાયનેમાઈટ વિસ્ફોટકની શોધ કરી. જગતભરમાં આલ્ફ્રેડના આ સંશોધનને ખૂબ સન્માન મળ્યું. પરંતુ આલ્ફ્રેડની આ શોધનો વિશ્વના દેશોએ અવળો ઉપયોગ કરીને સંહાર લીલા આચરી. આલ્ફ્રેડનું હૃદય આ બાબતથી ખૂબ વ્યથિત થઈ ગયું. તેણે પ્રાયશ્ચિત કરવા માટે પોતાની વસીયતમાં નોબેલ પુરસ્કારોની વ્યવસ્થા ઉજાગર કરી. આલ્ફ્રેડે એની વસિયતમાં લખ્યું કે એની સંપત્તિનો મોટો હિસ્સો પ્રતિવર્ષ માનવજાતિના ઉર્દ્વગામી ઉત્થાન માટે ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે કામ કરવાવાળા લોકોને સન્માનિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે.

  વર્ષ ૧૯૦૧થી શરૂ થયેલા સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કારને અત્યાર સુધીમાં બે વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. એક તો વર્ષ ૧૯૪૩માં બીજા વિશ્વ યુદ્ધ વખતે અને બીજું ૨૦૧૮માં સ્વીડીશ એકેડેમીના જ્યુરી મેમ્બર કટરીનાના પતિ અને ફ્રાન્સિસી ફોટોગ્રાફર જેમ ફ્લોર અર્નોલ્ટ ઉપર યૌનશોષણ માટે આરોપો મૂકવામાં આવ્યા ત્યારે એમ બે વખત  સાહિત્ય ક્ષેત્રના નોબલ પુરસ્કારને સ્થગિત કરવામાં આવ્યા હતા.

  બેક ટુ ગુરનાહ. ગુરનાહના લખાણો મોટા ભાગે જર્મન, અરબિક અને સ્વાહિલીના વિવિધ ભાગોને સંકલિત કરીને રજૂ કરે છે. જો કે, ગુરનાહ કહે છે કે, એમના પુસ્તકોમાં સ્વાહિલી અને અરબી સંદર્ભોને અંગ્રેજીકરણ કરવાનું તેમના પ્રકાશકો હંમેશાં દબાણ કરતાં. દસ નવલકથાઓ પૈકી મોટા ભાગની નવલકથાઓમાં સામાજિક અને માનવીય સંવેદનાને લગતા મુદ્દાઓ ઉપર ગુરનાહનુ વધુ ફોકસ રહ્યું છે. વિશેષ કરીને વિકાસશીલ દેશોમાં રહેતાં યુદ્ધ અને કટોકટીથી પ્રભાવિત વ્યક્તિઓનું તાદ્રશ્ય દસ્તાવેજીકરણ એમણે કર્યું છે. એમણે લખેલી નવલકથાઓમાં એકને બાદ કરતાં તમામ નાયકો ઝાંઝીબારમાં જન્મ્યા હતાં. ગુરનાહની દસ નવલકથાઓનું ફેર લીસ્ટ જાણવા જેવું છે. મેમરી ઓફ ડિપાર્ચર, પીલગ્રીમ્સ વે, ડોટ્ટી, પેરેડાઈઝ, એડમાયરીંગ સાયલન્સ, બાય ધ સી, ડેઝર્ટ સન, ધ લાસ્ટ ગીફ્ટ, ગ્રેવલ હાર્ટ અને આફટર લાઈફ.

  શ્વેત પ્રજા દ્વારા જગતમાં ફેલાયેલા સંસ્થાનવાદને કારણે વિશ્વના કરોડો નિરાશ્રીતોનું ભાવિ અને તેમની સંસ્કૃતિ અનિશ્ચિત બનીને હિલોળા લે છે. આ બાબતોનો ગુરનાહને સુપેરે અનુભવ હતો. એમણે નિરાશ્રિતોના જીવનને ઉજાગર કરતાં હૃદયસ્પર્શી લખાણો દ્વારા ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું. ગુરનાહની આખી કથામાં એક વાત તો સ્પષ્ટ છે કે, સંઘર્ષમય જીવનમાં જિંદગીના ઊર્ઘ્વગામી પાસાઓને વિકસવાનો જે અવસર મળે છે તેને સમજવાની અને અભિવ્યક્ત કરવાની આંતરિક શક્તિઓ વ્યક્તિ પાસે હોય જ છે. જરૂર છે, આ આંતરિક શક્તિઓને ખીલવવાની. જરૂર છે, જગતને જીવનના ઉત્તમ પાસાઓથી અવગત કરાવવાની.


ધબકાર :

જ્યારે સંઘર્ષના સમયમાં પ્રયત્નોની ઊંચાઇ વધુ હોય ત્યારે નસીબે પણ નીચા નમીને એનો સત્કાર કરવો પડે છે.



https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21nov/09112021-4.pdf

No comments:

Post a Comment