Thursday, 20 January 2022

કેટલી દિવાળી ઉજવી એના કરતા કેટલા ફટાકડા ફોડ્યા એની મજા અલગ છે


ફટાકડા અને આતશબાજીનો એક રસપ્રદ ઇતિહાસ છે


ભારતીય ઉપમહાદ્વિપની પરંપરા અનુસાર કાર્તિક માસની અમાવસ્યાના દિવસે ભારતવાસીઓ તહેવારોનો રાજા દિવાળી ઉજવે છે. દિવાળીને દીપાવલી પણ કહે છે. દીપાવલીનો સાદો અર્થ એ થાય કે, દિવડાઓની હારમાળા. દિવાળી પ્રકાશનો, રંગોનો, ઉત્સાહનો, નવા સંકલ્પો લેવાનો તહેવાર. દીપાવલીના તહેવાર પાછળના કેટલાક રોચક તથ્યો છે. આ તહેવાર ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીજીના આદર, માન અનેસ્ સત્કાર માટે મનાવાય છે. દિવાળીના તહેવારને જગતભરના લોકો અલગ અલગ ૮૦૦ મિલિયન રીતે ઉજવે છે. ભારત ઉપરાંત ત્રિનિદાદ, ટોબૈગો, મ્યાનમાર, નેપાળ, મોરેશિયસ, ગુયાના, સિંગાપોર, સૂરીનામ, મલેશિયા, શ્રીલંકા, ફિઝી વગેરે દેશોમાં દિવાળીનો જબરો મહિમા છે. ભારત બહાર ઈંગ્લેન્ડના લેન્ચસ્ટરમાં દિવાળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે.

ભારતના પૂર્વીય પ્રદેશ ઓરિસ્સામાં અને પશ્ચિમ બંગાળમાં માતા લક્ષ્મીની જગાએ કાલકા માતાની પૂજા થાય છે. આ પ્રદેશોમાં દિવાળીને કાલીપૂજાનો તહેવાર કહે છે. પૌરાણિક કથા મુજબ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુએ નરસિંહ રૂપ ધારણ કરીને દુષ્ટ અને દુરાચારી હિરણ્ય કશ્યપનો વધ કર્યો હતો. જૈન પંડિતો અનુસાર ચૌવીસમાં તીર્થંકર મહાવીર સ્વામીએ આ દિવસે મોક્ષ ભણી પ્રયાણ કર્યું હતું. શીખ સમુદાય મુજબ ૧૫૭૭માં સુવર્ણ મંદિરનો શિલાન્યાસ થયો હતો. આ ઉપરાંત ૧૬૧૯માં દિવાળીના દિવસે શીખોનાં છઠ્ઠા ધર્મગુરુ હરગોવિન્દસિંહજીને કારાવાસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એક કથા એ પણ છે કે, વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના વિવાહ દિવાળીના દિવસે થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ પણ દિવાળીના દિવસે કર્યો હતો. આમાં સૌથી જાણીતી વાત પ્રભુ શ્રીરામે રાવણનો વધ કરી કાર્તક માસની અમાવસ્યાના દિવસે અયોધ્યા પ્રવેશ કર્યો તેની લોકોએ ઉઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરી એ દિવાળી.

દિવાળી ઢૂકડી છે. ઘણા યુવન મિત્રો હંસી મજાકમાં કહેતા હોય છે કે, કેટલી દિવાળી જોઇ એ મહત્ત્વનું નથી, કેટલા ફટાકડા ફોડ્યા એ અગત્યનું છે. આ તો એવી વાત થઇ કે, કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ વધુ મહત્ત્વનું છે. ખરેખર તો દિવાળીમાં પ્રકાશ, રંગો અને મીઠાઈઓ ઉપરાંત ફટાકડા અને આતશબાજીનો આનંદ અનેરો હોય છે. આજે દિવાળીમાં ફોડાતા ફટાકડા અને આતશબાજીનો રીવાજ ૧૮મી સદીથી પ્રચલિત થયો છે. ચીનના પ્રબુદ્ધોની માન્યતા અનુસાર ફટાકડાના અવાજથી ભટકતી બુરી આત્માઓ દૂરી હટી જાય છે. એટલે સુખ શાંતિના અવસરોએ ફટાકડા ફોડવા જોઈએ. એક તર્ક એ પણ છે કે, ભગવાન શ્રીરામે લંકા વિજય કરીને અયોધ્યા આગમન કર્યું ત્યારે અયોધ્યાવાસીઓએ દીવડાઓ સાથે આતશબાજીથી શ્રીરામનું સ્વાગત કર્યું હતું. પંજાબ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર રાજીવ લોચનના મંતવ્ય અનુસાર આતશબાજીમાં ઉપયોગમાં લેવાતા રો-મટિરીયલને શોરા કહે છે. આ શોરા એટલે એક પ્રકારનું મીઠું. ૧૮મી સદીમાં શોરાનું ૯૦ ટકા ઉત્પાદન હિન્દુસ્તાનમાં થતું હતું. લગભગ ૧૬મી સદીમાં મિલિટરીમાં બારૂદનો કરવાનો શરું થયો.

કહેવાય છે કે, બારૂદ અને આતશબાજીનુ મુળ ચાઈના છે. પરંતુ તેનો કાચો માલના ઉત્પાદનનુ પગેરૂં હિન્દુસ્તાનમાં મળે છે. આ તર્કની સામે એક વાસ્તવિકતા એ પણ છે કે, હિન્દુસ્તાનમાં લોખંડ ગાળવાનું હુનર સદીઓથી ચાલ્યુ આવે છે. એટલે ચીનાઓએ આતશબાજીની શરૂઆત કરી એમ કહેવું જરા કઠે છે. ભારતમાં આ સંદર્ભમાં ઇતિહાસ નથી લખાયો એટલે સંભવ છે કે, કદાચ એ અંગે જાણકારી ઓછી હોઇ શકે. શરૂઆતમાં ચીનમાં બારૂદનો હથિયાર તરીકે ઉપયોગ શરૂ થયો નહોતો. બાબરે હિન્દુસ્તાન ઉપર આક્રમણ વખતે પહેલ વહેલો બારૂદનો ઉપયોગ હથિયારોમાં કર્યો હતો. જો કે હિન્દુસ્તાનમાં સુરંગમાં વિસ્ફોટકો ભરીને બ્લાસ્ટ કરવાના કિસ્સાના ઉલ્લેખો બાબરના યુદ્ધ પહેલાના સમયથી જોવા મળે છે. ૬૦૦ થી ૯૦૦ એડીની આસપાસ ચીની રસાયણશાસ્ત્રીઓએ ચારકોલ, સલ્ફર વગેરેનુ મિશ્રણ કરીને કાચો બારૂદ બનાવ્યો અને પછી તે વાંસમાં ભરીને ફોડવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ૧૦મી સદીમાં વાંસની ઉપયોગીતા સમજીને તેને કાગળ અને પૂંઠામાં ભરીને હવામાં ફૂટતા ફટાકડાઓનું નિર્માણ થવા લાગ્યું. ૧૩મી સદીમાં યુરોપ અને આરબ દેશોમાં બારૂદના વિકાસનું કામ શરૂ થયું. વૈજ્ઞાનિકોએ સેના માટે બારૂદના સહારે શક્તિશાળી શસ્ત્રો બનાવવાનો પ્રારંભ કર્યો હતો.

છેક ૧૮૩૦માં ઇટાલીમાં સૌ પ્રથમવાર ધાતુઓનો ઉપયોગ કરી રંગબેરંગી આતશબાજીનો આવિષ્કાર થયો. આમ તો બારૂદ અને આતશબાજીના આવિષ્કાર સંદર્ભે ઇતિહાસકારોના અલગ અલગ ઘણા અભિપ્રાયો છે. ઘણા ઇતિહાસકારો માને છે કે, ચીનના લિયુયાંગમાં બીજી સદીમાં બારૂદના ઉલ્લેખો જોવા મળે છે. કેટલાક ઇતિહાસકારો મધ્યપૂર્વીય દેશોને બારૂદના આવિષ્કારનો શ્રેય આપી રહ્યાં છે. ફટાકડાના સંદર્ભમાં એક રસપ્રદ વાયકા છે. ચીનમાં એક રસોઈયો જમવાનું બનાવતો હતો ત્યારે ભુલથી પોટેશિયમ નાઈટ્રેટ ચૂલાની આગ ઉપર પડ્યું અને એનાથી રંગબેરંગી જવાળાઓ દેખાઈ. આ જ્વાળાઓ જોઈને હાજર લોકોમાં ઉત્સુકતા થઈ. આ પછી એ રસોઈયાએ કોલસા સાથે સલ્ફરનું મિશ્રણ એમાં નાખ્યું જેનાથી રંગીન જ્વાળાઓ સાથે મોટા અવાજનો ધમાકો થયો. બસ, અહીંથી ફટાકડાનો ઉદભવ થયો એમ માનવામાં આવે છે.

એક બીજો દાવો એ પણ છે કે, એકાદ હજાર વર્ષ પહેલાં લી તિયાન નામનો ધર્મગુરૂ ચીનના લિયુયાંગ શહેરમાં રહેતા. આ શહેર આજે પણ દુનિયાભરમાં આતશબાજી માટે ઓળખાય છે. તજજ્ઞ જાણકારો કહે છે કે, ૮મી સદીમાં પ્રકાશિત સંસ્કૃત ગ્રંથ વૈશંપાયનના નીતિ પ્રકાશિકામાં બારૂદ જેવા પદાર્થનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. જો કે, આતશબાજીમાં બારૂદના ઉપયોગની વાત એ વખતે જોવા મળી ન હતી. ત્યાર બાદ ૧૫મી સદીમાં મોગલોએ ચિતરાવેલા પેઈન્ટિંગ્સમાં આતશબાજીનું પ્રમાણ પ્રાપ્ત થાય છે. ઇતિહાસકાર પી. કે. ગોડેના પુસ્તક ધ હીસ્ટ્રી ઑફ ફાયર વર્કસ ઈન ઈન્ડિયા બીટવીન ૧૪૦૦ એન્ડ ૧૯૦૦ એડીમાં આતશબાજીનું ગુજરાત કનેકશન જોવા મળે છે. ગોડે લખે છે કે, ૧૫૧૮માં ગુજરાતમાં એક બ્રાહ્મણ દંપતિના લગ્નમાં આતશબાજીનું પ્રમાણ પ્રાપ્ત છે. એ જ પ્રમાણે સતીશ ચંદ્રાએ એમના પુસ્તકમાં ઉલ્લેખ્યું છે કે, ૧૭મી શતાબ્દીમાં બીજાપુરના શાસકના વિવાહમાં ૮૦ હજારના ચલણનો આતશબાજી ઉપર ખર્ચ કરવામાં આવ્યો હતો.

હવે થોડી વાત આજના જમાનામાં ફટાકડા ઉત્પાદનની પણ કરી લઈએ. દાસ ગુપ્તા નામના યુવાને ૧૮૯૨માં કલકત્તામાં માચિસની ફેકટરી કરી. અહીં શિવાકાશીના બે યુવાનો શણમુગા અને દાસગુપ્તા નોકરી માટે ગયા. અહીં આ બે યુવાનોએ કામ કરતાં કરતાં જાણકારી મેળવી લીધી પછી શિવાકાશીમાં પોતાની ફટાકડાની ફેકટરી શરૂ કરી. અહીંની સુકી આબોહવા એમને માટે ફાયદાકારક રહી. આમ શિવાકાશીમાં પહેલી ફટાકડાની ફેકટરી શરૂ થઈ. આજે પણ દેશના ૮૫ ટકા ફટાકડા શિવાકાશીમાં નોંધાયેલા ૧૨૫૦ જેટલા ફટાકડા ઉત્પાદકો દ્વારા બનાવાય છે. કોરોનાના બે વર્ષો બાદ કરતાં છેલ્લા કેટલાક વર્ષોથી શિવાકાશીના ફટાકડા બજારનું ટર્ન ઓવર ૬૫૦૦ થી ૭૫૦૦ કરોડ રૂપિયાની આસપાસ રહે છે. ભારત તહેવારોનો પ્રદેશ છે. અહીંના પ્રત્યેક તહેવારો સાથે અદભુત સાંસ્કૃતિક વિરાસતનો સંસ્કાર વારસો જોડાયેલો છે. પ્રકાશપર્વ દીપાવલી સાથે જોડાયેલા આતશબાજીનું આગવું સ્થાન છે. ફટાકડા અને આતશબાજીથી દિવાળીના તહેવારની ધામધુમની આગવી શૈલી છે.


ધબકાર : આનંદ અને ઉમંગ ધમાકેદાર હોવો જોઈએ.



https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21nov/02112021-4.pdf

No comments:

Post a Comment