‘ઉત્સવ’થી
દુનિયાને ભારતના ભોજનમાં સંસ્કૃતિની સોડમનો અહેસાસ કરાવનારા વિરલાની કહાની
‘સ્વાદ’ શબ્દ સરસ છે. ભોજનનો ‘સ્વાદ’ હોય કે જીવનનો ‘સ્વાદ’
હોય, ‘સ્વાદ’ની લાગણી હંમેશા મોજ આપે છે. ‘સ્વાદ’ની સોહામણી તાકાતને ઉજાગર કરતી એક
ક્લીપ યુ-ટ્યુબ પર હમણા હમણા જબરી વાયરલ થઈ છે. જો કે આ ક્લીપમાં મૂળ વાત તો સ્વાભિમાન અને સ્વની ઓળખના સત્કારની છે, પણ એના
પાયામાં જીભનો ચટાકો છે. ભારતથી માંડીને અમેરિકા અને બ્રિટનના રાજઘરાના સુધી જેની
રેસીપીની ચર્ચા છે, શાહરૂખથી માંડીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને બરાક
ઓબામા - પોપથી માંડીને બ્રિટનની ક્વીનને જેણે સ્વાદસભર ભોજન કરાવ્યું છે, એવા
હિન્દુસ્તાનના પંજાબી પુત્તર વિકાસ ખન્નાની આ મજેદાર વાત છે. વિકાસ ખન્ના દુનિયાનો
‘સેલિબ્રિટી શેફ’ છે.
રાઈટર, ડાયરેકટર, પ્રોડ્યુસર, ફિલ્મ મેકર
એન્ડ વ્હોટ નોટ... ઘણા ક્ષેત્રોમાં વિકાસ ખન્નાએ ગજબનું ખેડાણ કર્યું છે. ‘ઉત્સવ’
પુસ્તક અને ‘હોલી કિચન્સ’ ડોક્યુમેન્ટરીથી આ પંજાબી પુત્તરની દુનિયાભરમાં નામના
અને ચાહના છે. આ ડોક્યુમેન્ટરી કોઈ સામાન્ય ડોક્યુમેન્ટરી નથી, વ્હાઇટ હાઉસથી
માંડીને ઓક્ષફોર્ડ અને હાર્વર્ડથી માંડીને પ્રિસ્ટન જેવી વિશ્વના ‘ટોપ મોસ્ટ ઇંટેલિજંટ
ફ્લોર’ ઉપર આ ડોક્યુમેન્ટરી દુનિયાના પ્રબુદ્ધોએ જોઇ છે. ભાઈચારા અને સૌહાર્દની ભારતીય
સંસ્કૃતિને વિકાસ ખન્નાએ આ ડોક્યુમેન્ટરી અને પુસ્તકમાં કેન્દ્રસ્થાને રાખી છે.
એની સ્ટોરીની શરૂઆત જ ‘લંગર’ જમણના પંગતના વિષયથી થાય છે. સાથે બેસીને વહેંચીને
ભોજન લેવાની અને ભોજન કરાવવાની પૌરાણિક હિન્દુ ગુરુઓની પરંપરામાં હૃદયની ઊર્મિઓની
ભાવનાને એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે વિકાસ ખન્નાએ ઉજાગર કરી છે. દુનિયાભરના ગોરા અને
કાળા લોકોને ભારતના ભોજનનો સ્વાદ અને સંસ્કૃતિનો થયો છે.
વિકાસ જ્યારે આ ડોક્યુમેન્ટરી અને પુસ્તક
માટે સ્ક્રીપ્ટ રાઈટીંગ કરતો હતો તે વેળાનો રૂવાડા ખડા કરી નાખે એવો એક કિસ્સો છે.
રૂમમાં બેસીને વિકાસ જ્યારે લખવાનું કામ કરતો હતો ત્યારે એક સાથી ગોરા અમેરિકને
એને પૂછ્યું કે ‘હેઈ બડી, વોટ યુ આર રાઈટીંગ ?’ વિકાસે એને ‘હોલી કિચન્સ’નો વિષય
કહ્યો. ત્યારે, એ અમેરિકન બોલ્યો ‘યુ રાઈટ એનીથીંગ બટ, આઈ વીલ રાઈટ ટેન ટાઈમ્સ
બેટર ધેન યુ...’ એટલે કે ‘તારા કરતાં દસ ગણું સારું હું લખી શકું છું.’ વિકાસને
આશ્ચર્ય થયું અને પૂછ્યું, ‘કેમ, હું અમેરિકન અંગ્રેજીમાં નથી ભણ્યો એટલે ?’
ત્યારે પેલા અમેરિકન સાથીએ કહ્યું, ‘ના, તારી ચામડીના રંગને કારણે તું ક્યારેય
અમારાથી સારું ન લખી શકે.’ વિકાસને થયું કે, ચામડીનો રંગ તો ઈશ્વરે આપેલી મૂલ્યવાન
બક્ષીસ છે. ચામડીનો રંગ જ માનવીની સાચી ઓળખ છે. કાળી કે ઘઉંવર્ણી ચામડી શરમનો વિષય
નથી, એ જ તો અસલ ઓળખ છે. ચામડીની ઓળખ ક્યારેય નીચે નથી પાડતી. ચામડીના રંગની ઓળખ
તો માનવીને ઉપર ઉઠાવવાનું કામ કરે છે.
વિકાસના ‘ઉત્સવ’માં ભાતીગળ ભારતના જુદા જુદા અદભુત શેડ છે.
એમાં ભારતના તહેવાર, વહેવાર, સંસ્કૃતિ, સંસ્કાર, ઓળખ, પ્રાર્થના, ભાષા, પહેરવેશ,
અમીરી, ગરીબી વગેરેની ઓળખનો મજાનો ઉત્સવ છે. આ બધા પાસાંઓને એવી અનોખી રીતે પુસ્તકમાં
ઉજાગર કરવામાં આવ્યા છે કે, વ્હાઈટ હાઉસમાં બરાક ઓબામા, ભારતના લોકપ્રિય વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઈ મોદી, યુએસના પૂર્વ પ્રમુખ બીલ ક્લીન્ટન, વિશ્વના યુવા હૃદયોની
ધડકન ટેકનોક્રેટ ફેસબુકજનક ઝકરબર્ક, બર્કીંગહામ પેલેસના ક્વીન અને પોપ જેવા
મહાનુભાવોને પણ મનલુભાવન લાગ્યા. વિશ્વના આવા પ્રબુદ્ધ અને મેઘાવી વ્યક્તિત્વોને
વિકાસે જ્યારે ‘ઉત્સવ’ અર્પણ કર્યું ત્યારે ભારતના સંસ્કાર અને સંસ્કૃતિને વિશ્વના
મંચ ઉપર સ્થાન મળતા પ્રત્યેક હિન્દુસ્તાનીની છાતી ગજ ગજ ફુલી. વર્ષ ૨૦૦૫માં કાન્સ
ફિલ્મ ફેસ્ટિવલમાં આ પુસ્તક રીલીઝ થયું. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર કોઈ
પુસ્તક રીલીઝ થયું હતુ.
અમૃતસરના એક પંજાબી સંયુક્ત કુટુંબમાં વાંકા
પગ સાથે જન્મેલો વિકાસ બાળપણમાં શાળા અને શેરીમાં હાંસીનુ પાત્ર બન્યો. વાંકા પગને
કારણે એ બીજા બાળકો જેવી રીતે ન વર્તી શકતો. ડોકટરોએ એની ‘બીજી’ને કહ્યું, વિકાસ
અન્ય બાળકો સાથે ક્યારેય રમી-દોડી નહીં શકે. પંજાબીમાં માને ‘બીજી’ કહે છે. પણ
પાછી પડે એ પંજાબણ શાની. ‘બીજી’તો ડોકટરને કહેતી એેને દોડવાનું ક્યાં છે, એને તો
ઉડવાનું છે. ‘બીજી’ એક પછી એક ડોકટરોને બતાવતી ગઈ. વિકાસના ઓપરેશન કરાવતી ગઈ.
‘બીજી’ની શ્રદ્ધા અને ઈશ્વરની કૃપા કામ કરી ગઈ. વાંકા પગવાળો વિકાસ બિલકુલ સ્વસ્થ
અને તંદુરસ્ત પગવાળો સ્માર્ટ પંજાબી મુંડો બની ગયો.
વર્ષ ૨૦૦૦માં નવા સપના અને અરમાનો સાથે
યુવાન વિકાસ ખન્ના અમેરિકામાં પહોંચ્યો. પરદેશમાં પગ જમાવવાનું આસાન ન
હતું. સફાઈ, વાસણ માંજવા, નાના-મોટા ઈવેન્ટ મેનેજ કરવા જેવા કામ એણે કર્યા. લગભગ
૩૧ જેટલી નોકરીઓ વિકાસે અમેરિકામાં કરી. છેલ્લે જે અમેરિકન ગોરાને ત્યાં એ નોકરી
કરતો હતો ત્યાં તેના હાથ ઉપર કોઈપણ કારણ વગર અમેરિકન ગોરાએ મારવાની કોશિષ કરી, પણ
હાથ ખસેડી લેતાં વિકાસને કોઈ ગંભીર ઈજા ન થઈ. અને બસ ત્યારથી વિકાસે એ નોકરી છોડી
દીધી. એણે મનોમન સોગંદ લીધા કે, હવે હું કંઈક કરીને બતાવીશ. અને બસ... ત્યારથી
‘ઉત્સવ’ પુસ્તકના બીજ નંખાઈ ગયા. અહીં યાદ આવે છે, ૧૮૯૩માં સાઉથ આફ્રિકાના
પીટ્સબર્ગ રેલવે પ્લેટફોર્મ ઉપર રેલવે કંડકટરે એક વ્યક્તિને નીચે ફેંક્યો એ
ઘટનાની. નીચે ફેકાયેલો વ્યક્તિ દુનિયાભરમાં મહાત્મા ગાંધી તરીકે ઓળખાયો અને નીચે
ફેંકનારા એ ગોરા રેલવે કન્ડકટરનું નામ આજે દુનિયામાં તો શું એના ગામમાં પણ કોઈને
ખબર નથી. બસ, એ જ રીતે વિકાસને હાથ ઉપર મારવા જતાં પેલા ગોરાનું નામ આજે ન વિકાસને
યાદ છે, કે દુનિયામાં એ ગોરાનો કોઈને ખ્યાલ છે. પણ ‘ઉત્સવ’, ‘હોલી કીચન્સ’ અને
વિકાસ દેશ-દુનિયામાં ડંકો વગાડે છે.
ઓગસ્ટ ૨૩, ૨૦૦૫ના રોજ વિકાસના જીવનમાં
સોનેરી સૂરજ ઉગ્યો. ‘જેમ્સ બીયર્ડ હાઉસ’ કે જે રેસીપીની દુનિયામાં ‘ઓસ્કર’ લેવલનું
સ્થાન ધરાવે છે, એ ઈવેન્ટમાં વિકાસને ‘જેમ્સ બીયર્ડ’ એવોર્ડ મળ્યો. રાતોરાત યુએસ
સહિત વિશ્વભરના રેસીપી વર્લ્ડમાં વિકાસનો ફ્રેશ ચહેરો ફેમસ થઈ ગયો. પછી તો એ
અમેરિકાની જાણીતી યુનિવર્સિટીમાં ‘રીલીજીયન ઓફ ફુડ’ વિષય ઉપર સંશોધન અભ્યાસ કરવા
ગયો. ‘ઉત્સવ’ પુસ્તકની જર્ની અહીં પૂરપાટ ઝડપે આગળ વધી.
આજે તો આ ઈન્ટનેશનલ ફેઈમ શેફ વિકાસ
ખન્નાની રસોઈ ખાઈને દુનિયા આખી આંગળા... સોરી, સ્પુન અને ફોર્ક ચાટે છે.
ન્યુયોર્કના પોશ એરિયામાં વિકાસની ‘મિશન ઈન સ્ટાર’ રેસ્ટોરન્ટના સ્વાદની ગજબની
બોલબાલા છે. મોટી મોટી સેલિબ્રિટીઝ ‘મિશન ઈન સ્ટાર’માં ફૂડ લેવાનું ગૌરવ અનુભવે
છે. જે બાળક ક્લેપફીટ સાથે શેરી અને શાળામાં બીજા બાળકોથી ખૂબ તરછોડાયો અને જેને
ગોરાઓએ ખૂબ હ્યુમિલીયટ કરવાનો એક પણ મોકો ન છોડ્યો, એવા વિકાસ ખન્નાએ દુનિયામાં આગવી
ઓળખ પ્રસ્થાપિત કરી. હાથ ઉપર મારવાની કોશિષ કરવાવાળો અમેરિકન પેલા રેલવેના
કંડકટરના રૂપમાં વિકાસની જિંદગીમાં આવ્યો હતો. દુનિયા જ્યારે દબાવે ત્યારે
સહનશક્તિ વધુ નિખાર લાવતી હોય છે. દરેકના જીવનમાં ‘વર્ષ ૧૮૯૩’ અને ‘ધક્કો મારતો
રેલવે કંડકટર’ આવતો હોય જ છે. માત્ર સ્થળ, સંજોગ, સંદર્ભ અને વ્યક્તિ જુદા હોય છે.
ધબકાર –
પોતાની
ઓળખનુ ગૌરવ ન હોવાને કારણે આપણામાંના ઘણાને ખ્યાલ આવતો નથી કે, આપણે કેટલા
શક્તિશાળી છીએ અને આપણી તાકાત કેટલી અમાપ છે.


No comments:
Post a Comment