પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 30 November 2016

માય ડેડ ઈઝ માય હીરો, માય લવ એન્ડ માય આઈડોલ...

માય ડેડ ઈઝ માય હીરો, માય લવ એન્ડ માય આઈડોલ...
                                                          -  પુલક ત્રિવેદી

પડોશી મિત્રની દીકરીના લગનના ઢોલ અને શરણાઇ વાગતા હતાં.
25-30 વર્ષ પહેલાંની બે ધટનાઓ આજે ફરી એક વાર પલાશના મનમાં તરવરવા લાગી.
એ દિવસે અચાનક નાનકડી પાંચ વર્ષની ઝંખનાને પાડોશમાં રહેતા જીતુ અંકલે પૂછ્યું ઝંખુ તું લગન કરવાની?’
રૂઆબથી બકુડી ઝંખનાએ કાલી ભાષામાં કહ્યું હાસ્તો...’
અંકલે પૂછ્યું કોની સાથે કરવાની ?’
ઝંખના એક સેકંડ પણ વિચાર્યા વગર સડસડાટ બોલી ગઈ ‘‘મારા પપ્પા સાથે જ સ્તો...’’



મિત્ર જિતેન્દ્રએ સાંજે ફરવા જતી વેળા હસતાં હસતાં વાત કરી ત્યારે પલાશ આનંદથી બોલી ઉઠ્યા હતાં ‘ મારી લાડો છે. ’
અને આ ઘટનાના પંદર સત્તર વર્ષ પછી કોલેજમાં આવી ગયેલી ઝંખના કોલેજની સૌથી સુંદર અને ચપળ વિદ્યાર્થિની તરીકે બ્યુટી એન્ડ બ્રેઈનકોન્ટેસ્ટમાં પ્રથમ આવી ત્યારે સ્થાનિક પત્રકારોના ‘તમારાં જીવનનો આઈડોલકોણ?‘ના જવાબ આપતી વેળા ઝંખનાની આંખોમાં ચમક અને તેજ આવી ગયું. અને બડા ફક્રથી બોલી ઓબ્વિયસલી માય ડેડ... હી ઈઝ માય હીરો... માય લવ એન્ડ માય આઈડોલ...’
જ્યારે ટી.વી. ઉપર આ સમાચાર વહેતા હતા ત્યારે ડ્રોઈંગરૂમમાં સોફા ઉપર બેસીને પાણી પીતા પીતા દીકરીના સમાચાર જોતાં પલાશના હાથમાંથી પાણીનો ગ્લાસ ભોંય ઉપર પડી ગયો. અને ફર્શ ઉપર પાણી હતું કે આંખમાં પાણી પાણી હતું તે એ સમજી ન શક્યો.
છાતી ઉપર વળગીને કાલુ કાલુ બોલતા નિરાંતે ઉંઘવું, આંગળી પકડીને સાંજે અલક-મલકની વાતો કરવા ફરવા જવું, મમ્મી ટોકે ત્યારે રૂઆબથી પિતાનું નામ લઈને માની સામે ઊભા રહેવું, ક્યાંય કોઈપણ વ્યક્તિ આગળ પિતાના નામના સન્માન માટે સદાય તત્પર રહેવું, બાપના મોઢામાંથી સિગરેટ કાઢીને ફેંકીને માની જેમ વઢતી, મોલમાં જ્યારે ચાર ડ્રેસ અપાવવાના હોય ત્યારે બે ડ્રેસ લઈ પિતાના બજેટને સાચવતી... વગેરે વગેરે. આવી અનેક ઘટનાઓ પલાશના માનસપટ ઉપર ચિત્રપટની ફ્રેમની જેમ એક પછી એક વહેવા લાગી... આજે તો ઝંખનાને ત્યાં પણ ઝીલ પારણામાં ઝુલે છે. પણ પલાશ 30 વર્ષના આ મેઘા મુવીની એક-એક ફ્રેમની જેમ જોયા કરે છે. પાચાસી વટાવી ગયેલા પલાશ જ્યારે જ્યારે કોઇના પણ લગનના ગીતો ગવાતા સાંભળે ત્યારે ત્યારે અચૂક તેની આંખોના ખૂણા ભીના થઇ જાય.
પ્રતિવર્ષ લગનસરા આવે ત્યારે પરણાવવાની ઉંમરે આવીને ઉભેલી કે પરણાવેલી દીકરી હોય... બાપ ફરીથી હૃદયના ટૂકડા સંજોરીને બેઠો થવાની કોશિષ કરે. ‘દીકરી’, ‘પિતા’ અને ‘લાગણી’. આ ત્રણ શબ્દો વચ્ચે ગજબના ‘કોસ્મિક’ અર્થનું સામંજસ્ય છે. ભગવદગોમંડલ અનુસાર દીકરી’નો શબ્દાર્થ ‘બાપનું મન ફાડવાવાળી’.દ્રુએટલે ફાડવુ, ધાતુ ઉપરથી ‘દીકરી’ શબ્દ વ્યુત્પન્ન થયો. દીકરીનું રક્ષણ અને પરણાવી અન્ય પુરુષના હાથમાં સોંપતા પિતાનુ હૃદય તાર તાર થાય... ફાટી જાય... જેના મન અને હદયમાં એક માત્ર હિરો હતો એવા બાપના સંપૂર્ણ પ્યારના બે ટૂકડા થતાં બાપનું મન-હદય ફાટે અને એના ઉપરથી શબ્દ આવ્યો દીકરી’. પિતા શબ્દનો અર્થ રક્ષણકરનાર. અને આ બે શબ્દ વચ્ચેનો સૌથી ધારદાર અને મજેદાર શબ્દ લાગણીછે.



અંતરમાં થતી સારી-માઠી અસર, મનોવૃત્તિ, ભાવના, ડંખ, દાઝ, પ્રેમ, વાત્સલ્ય, દયા, સમભાવ વગેરે અંગે અસર જન્માવતા વિચારો એટલે ‘લાગણી’. લાગણી શબ્દ સૌથી પહેલાં કોણે ઉપયોગમાં લીધો એ કોઈની જાણમાં નથી. પરંતુ ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકાર નર્મદાશંકરે એક રિવાજ રાખ્યો હતો. જે વિચારણા માગી લે તેવી મોટી બાબતો હોય ત્યારે તે ભીંત ઉપર એ વાત લખતા. મિત્રો એકઠા થાય એ વાતની ચર્ચા ઉપાડતા. એક વાર લાગણીમાટે યોગ્ય ગુજરાતી શબ્દની ચર્ચા ચાલી, અને ખૂબ મઝાના વિચાર-વિમર્શ બાદ લાગણીશબ્દ નક્કી થયો. આ શબ્દ પિતા અને દીકરીના સંબંધનો સૌથી બંધ બેસતો અર્થ અભિવ્યક્ત કરે છે.
પાનના ગલ્લે દસ-બાર પુરુષો ઊભા હોય અને એક નાની દીકરી ત્યાંથી પસાર થાય ‘ને તો ય અપશબ્દો અને ઉતરતી કક્ષાની વાતો આપોઆપ બંધ થઈ જાય, આ છે દીકરીની લાગણીની તાકાત અને ભારતવર્ષની સંસ્કારિતા.
આ લગ્નસરામાં એક મિત્રની દીકરીના લગ્નપ્રસંગમાં ભેગા થયેલા મિત્રો પૈકી એક મિત્રએ ભીની આંખે કહ્યું કે, ‘કીતની અજીબસી બાત હૈ, દુરીયાં સિખાતી હૈ કી નઝદીકીયા ક્યા હોતી હૈ...’ મિત્રએ ભાવાર્થ સ્પષ્ટ કરતાં કહ્યું કે, દીકરીઓનું મૂલ્ય શ્વાસ જેવું અને જેટલું છે. શ્વાસ ચાલતો હોય તો ખબર જ ન પડે પણ જ્યારે શ્વાસની થોડી તકલીફ પડે થોડો દૂર જાય કે પરસેવો વળે, દુનિયા વિરાન થવા લાગે... દીકરીનુ અણ એવું જ છે. નાનપણથી યુવાન થાય ત્યાં સુધી સાથે જ હોય, કલ્પના પણ કરવી નગમે કે એક દિવસ એ મહેંદી મુકી બીજે ઘરે અજવાળુ કરવા ચાલી નિકળશે. જ્યારે લગનની ઘડીઓ ગણાય ત્યારે બાપનુ મન ગુચાય, ચૂંથાય, વલવલાય... પ...ણ... ચહેરા ઉપર સ્મિતનુ આડંબર....
બાપ હયાત હોય ત્યાં સુધી દીકરીના બાળપણથી માંડીને દીકરીના ઘરે દીકરી આવે એટલી મોટી દીકરી થઇ જાય તો પણ, પિયર આવેલી ઉંઘતી દીકરીને બાપ ક્યારેય ન જગાડે. પિતાને તો એમ જ થાય બેટીને જેટલો વધુ આરામ મળે એટલુ સારું, એના સોણલા ક્યારેય ન તુટે. દીકરીને જ્યારે વળાવે ત્યારે પિતા એના કલેજાના ટૂકડાને સોંપતી વખતે અંદરથી તૂટી જાય, એના રૂવેરૂવા રોવા લાગે. હસતા ચહેરા પાછળ લાગણીના મહાસાગરમાં હિલોળે ચઢેલુ મન એક સટાકામાં બાપને ઉંમરલાયક બનાવી દે. દીકરો પરણે ત્યારે એક દીકરી લાવવાના ઉત્સાહમાં પિતા હોય એના કરતાં વયમાં નાના ‘યુવાન’ થઈ જાય. લગન કોઇની પણ દીકરીનું હોય એકે એક બાપનુ મન ડૂસકે ચડ્યા વગર ન રહે.
હસ્ત મેળાપવખતે દીકરી બીજાને સોપવાના સંતાપ, વ્યથા, દર્દ, પીડા પાછળ દીકરીના ભાવિ, સુરક્ષા, સલામતી અને લાગણીના બંધનની સોનેરી છાંટનો સંતોષ પણ બાપને હોય છે. દીકરીના સપ્તપદીના પગલાં વેળા બાપની સ્થિતિ ચોક્કસ અકલ્પ્ય અને એકથ્ય હોય... પારણું ઝૂલાવનાર હાથની મહાનતા સામે ક્યારેય, કોઈપણ સંદેહ ન હોય, પણ સાથે સાથે હસ્ત મેળાપવેળા પકડેલો હાથ પણ એટલો જ મહત્વનો અને આદરપાત્ર છે. બની શકે કે, દીકરીના છેલ્લા શ્વાસ વખતે એના હાથમાં ‘હસ્ત મેળાપવાળો’ હાથ હોય અને છેલ્લા છેલ્લા કોળીયા પણ દીકરીને એ ‘હસ્તમેળાપ’ના હાથ જ ભરાવે એવું પણ બને.
લગ્ન કરવાની ઉંમરે પહોંચેલી દીકરીના પિતાના મનની વ્યથાના વમળો સમજી શકાય એવા છે. પરંતુ એથી વધુ જે મિત્રોએ દિલનો ટૂકડો પરણાવી કન્યાદાન કરી દીધું છે એની મનઃસ્થિતિનું છે. દરેક લગ્નસરામાં એ ભડકે, થડકે, લથડે અને માંડ માંડ જાતને સંભાળે... અને હસતે મોંએ શુભેચ્છાઓ પણ પાઠવે. પરણાવવાની ઉંમરે પહોંચેલી દીકરીના પિતા અને મારા મિત્રએ મને એક પિતાની મનઃસ્થિતિની વિષેની સરસ હદયદ્રાવક વાત લખીને વોટ્સ-એપ ઉપર મોકલી, દીકરીનું લગ્ન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણ... માત્ર એક લીલા પાનની આશ હોય અને આખે આખી વસંત દીકરી સ્વરૂપે ઘરે આવે. દીકરી એટલે માત્ર ઘરમાં જ નહીં, હૈયામાં અને શ્વાસોશ્વાસમાં વસતી સદાકાળની વસંત... દીકરી એટલે હાથમાં અને બાથમાં રાખેલું આખે આખું ચોમાસુ... દીકરી એટલે પ્રભુનો પ્રસાદ નહીં પણ પ્રસાદરૂપે પ્રાપ્ત થયેલા સ્વયં પ્રભુ...
ધબકાર :
“ જિંદગી ઉસીકો આજમાતી હૈ, જો હર મોડ પર ચલના જાનતા હૈ, કુછ પાકર તો હર કોઈ મુશ્કુરાતા હૈ, જિંદગી તો ઉસીકી પે ફીદા હૈ, જો સબ કુછ ખો કર મુશ્કુરાના જાનતા હૈ...”








Tuesday, 22 November 2016

વડનગરના શર્મિષ્ઠા તળાવની પાળે સર્જાયો વિશ્વ રેકોર્ડ.

વડનગરના શર્મિષ્ઠા તળાવની પાળે સર્જાયો વિશ્વ રેકોર્ડ.
                                    પુલક ત્રિવેદી


નવેમ્બર મહિનાની ૧૧મી તારીખ અને બે હજાર સોળનું વર્ષ. ગુરુવારની એ સંધ્યાએ આખા ભારત વર્ષે વડનગરના પાદરેથી સંગીતનો નવતર સૂર્યોદય થતો ફરી એક વખત નિહાળ્યો. ‘ફરી એક વખત’ એટલા માટે કે, અગાઉ સદીઓ પહેલા દીપક રાગના દાહથી સંગીત સમ્રાટ તાનસેનને મલ્હાર રાગ ગાઈને શીતળતાનો મલમ લગાડી આપનારી ગુજરાતના વડગરની બે દીકરીઓ તાના અને રીરીએ ભારતીય શાસ્ત્રીય સંગીતની કલાને વૈશ્વિક ફલક ઉપર મૂકી હતી. આ બે દીકરીઓની યાદમાં ગુજરાત પ્રતિવર્ષ તાનારીરીમહોત્સવ નવેમ્બર મહિનામાં વડનગરમાં ઉજવે છે.
ગુજરાતનું વડનગર આમ પણ વિશ્વના નકશામાં સુવર્ણ ભાત પાડતું ઉપસી આવેલું છે. ગુજરાતના સપૂત અને ભારતના લોકલાડીલા વડાપ્રધાનનું બાળપણ આ નગરની શેરીઓમાથી પાંગર્યું છે. આ નગરના શર્મિષ્ઠા તળાવ સાથે પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીની લાગણીસભર વાતો જોડાયેલી છે. આ વર્ષે ૬૪૦ હારમોનિયમ વાદકોએ વડનગરના શર્મિષ્ઠા તળાવની પાળે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતની ધૂન વગાડીને ગીનીઝ વર્લ્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું. જેમાં સૌથી નાની વયના ત્રણ દીકરા અને બે દીકરીઓ પણ હતી. જ્યારે ૭૬થી ૮૬ વર્ષની વયના બે અને ૧૫ પ્રજ્ઞાચક્ષુ વાદકો પણ હતા. અગાઉ ગીનીઝ વર્લ્ડ બુકમાં એક સાથે ૨૫૦ વાદકોના વાદનનો રેકોર્ડ નોંધાયો હતો. આ સમાચારથી એકે એક ગુજરાતી પોરસાયો. વડનગરના આ વૈશ્વિક રેકોર્ડ સાથે સંગીતની સૂરીલી વાતો સહજ રીતે માનસપટ ઉપર તરવરવા લાગે.
ગીત નૃત્યને વાદ્ય જો હોયે તાલ સહિત
તાલ મૂલ ગીતાદિ ત્રય, ગ્રહેનામ સંગીત...’
ગાંધીજી કહેતા કે, ‘સંગીત વિના બધી કેળવણી મને તો અધૂરી જ લાગે. સંગીત વ્યક્તિગત અને સામાજિક જીવનને માધુર્ય આપે છે. શ્વાસને નિયમમાં લાવવાને સારું જેમ પ્રાણાયામની આવશ્યકતા છે, તેમ કંઠને સંગીતની છે. જો સામાજિક સંગીતનો પ્રચાર લોકોમાં બહુ થાય તો સભાઓમાં કોલાહલ થાય છે, તે  શાંત કરવામાં સંગીત બહુ સહાય આપે છે. સંગીત એટલે રાગડા તાણતા શીખવું અથવા નાટક ગીતો ગાવા એવો અર્થ કદી નહીં. સંગીતનો ઉંડો અર્થ તો એ છે કે, આપણું આખું જીવન સંગીતમય સૂરીલું હોવું જોઈએ. જીવનને સંગીયમય કરવું એટલે તેને ઈશ્વરની સાથે એકતાર કરવું. જેણે રાગદ્વેષાદિને શમાવ્યાં નથી, જેણે સેવારસ ચાખ્યો નથી, એ આ દિવ્ય સંગીતને ઓળખતો જ નથી. જે સંગીતની કેળવણીમાં આ ગૂઢ અર્થનો સમાવેશ ન હોય તે સંગીતની કિંમત મારી પાસે બહુ ઓછી અથવા કંઈ જ નથી.’
શર્મિષ્ઠા તળાવના કિનારેથી જાગેલી સંગીતની આ ઝંકારની સાથે સંગીતના થોડા તાત્વિક અર્થ અને સંદર્ભ સાગમટે મનમાં ઉભરી આવ્યાં. મોટા ભીમકાય યંત્રોનું ચાલકબળ વીજળી છે. ઈલેકટ્રોસિટીની સ્વીચ ઓન થતાની સાથે યંત્રના ચક્કરો ફરવા માડે. બિલકુલ એ જ રીતેનો રોલ જીવનમાં આનંદ અને તરલતા સતત સજીવન રાખવા માટે ‘સંગીત’નો છે. સંગીત એટલે સમ્ + ગૈ. સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમાહાર. કેટલાક સંગીતનો અર્થ માત્ર ગાવું એવો કરે છે. જ્યારે કેટલાક માત્ર વાજીંત્ર વગાડવું એવો કરે છે. આ ખ્યાલો બરાબર નથી. સંગીતમા ત્રણ અંગો હોય છે અને ત્રણેય અંગોનું સામંજસ્ય હોય છે. સારી રીતે ગાવું, કર્ણપ્રિય લયબદ્ધ વાજીંત્ર વાદન અને નૃત્ય ત્રણેય પાસા સુયોગ્ય પ્રસ્તુત થાય એને જ સંગીત કહેવાય.
સંગીત તાલબદ્ધ રીતે રજૂ કરવું હોય ત્યારે ગાયનની સઘળી રચનાનો સમાસ વાજિંત્રોમાં કરીને વાદનના ઉપયોગમાં લેવા પડે. પરિણામે સાંભળનારનાં મન ઉપર ગાયન અને વાદન બન્ને ક્રિયાનો તાદ્રશ્ય ચિતાર આવી શકે છે. જો કે, સંગીતમાં મોઘમ રીતે ગયનકહેવાય છે. ગાવાથી ‘રાગ’નું સ્વરૂપ અને નાચવાથી ‘ભાવ’નું સ્વરૂપ સ્પષ્ટ થતું હોય છે. અને એટલે જ તો ગાયન, વાદન અને નૃત્ય આ ત્રણેય મળીને જે ભાવવિશ્વ રચાય એને સંગીતવિદ્યા કહેવાય.સંગીતવિદ્યા અને સંગીત કળા એમ બે વિભાગો છે. સંગીતમાં રાગ, સ્વર, તાલ, લય અને ગ્રામને અનુસરીને ગાવા અને વગાડવા જેવી રચના બને એને સંગીતવિદ્યાકહેવાય. પરંતુ જ્યારે કોઈ રચના ગાઈ, વગાડી અને નાચી શકાય એને સંગીતકળાકહેવાય.
એક એ વાત પણ સમજવા જેવી છે કેટલાક સંગીતની મધુરતા માત્ર કાન સુધી જઈ અટકે છે. જ્યારે કેટલુક સંગીત કર્ણપ્રિય બની ત્યાંથી આગળ વધીને હૃદયમાં પ્રવેશ કરીને ભાવોર્મી ઉત્પન્ન કરી દેતું હોય છે. સંગીત સાંભળનાર ઉપર આ અસર-પરિણામના આધારે તેને બે વિભાગો વિભાજીત કરવામાં આવે છે. જે શાસ્ત્રીય નિયમોને અનુસરીને રાગની શુદ્ધતા, તાલનું માપ અને સ્વરમાધુર્ય સાચવીને કર્ણને પ્રિય થાય છે તેને શુદ્ધ સંગીતકહેવાય. અને જ્યારે સ્વર માધુર્ય, રાગશુદ્ધિ અને તાલમાપ સાચવવા ઉપરાંત અપૂર્વ કલાવિધાન દ્વારા શ્રોતા ઉપર ભાવોર્મિ ઉત્પન્ન કરી શકે એને વિનિયુક્ત સંગીત કહેવાય છે.
સંગીતના મૂળની ખીલવણી તો પ્રાચીન સમયમાં આર્યોએ પવિત્ર ધાર્મિક વિધિઓમાં કરી. ત્યારબાદ સંમયાંતરે આર્યોની આ વંદનામાં જુદા જુદા નામવાળી ૨૨ શ્રૃતિઓ ઉત્પન્ન થઈ. અને આ પ્રત્યેક શ્રૃતિઓ ઉપરથી અલગ અલગ રાગ નક્કી થયા. ભારતવર્ષના પુરાણા સંગીતશાસ્ત્રીઓને સ્વરનું અદભૂત જ્ઞાન હતું. આજે શ્રૃતિની જાણકારીના અભાવે અથવા શ્રૃતિની અવગનાના પરિણામે ભેળસેળીયા રાગ થઈ ગયા છે. જોકે આજનુ આધુનિક સંગીત કર્ણપ્રિય નથી એમ કહેવાનુ તાત્પર્ય નથી. સમગ્ર ભારતના સંગીતશાસ્ત્રીઓ અને જાણકારોમાં એક ચર્ચા એવી પણ ચાલે છે કે, જો રાગ રાગીણીના સ્વરમાધુર્યમાં સુધારો કરવા માગતા હોઈએ અને હિંદનું સંગીત ઉચ્ચ કક્ષાએ લઈ જવાની ઇચ્છા હોય તો શ્રૃતિ વિષયક જ્ઞાન ફરી પાછું સંપાદિત થવું જોઈએ.
પૌરાણિક સમયમાં સંગીતનો ઉપયોગ માત્ર ધાર્મિક વિધિઓ પૂરતો જ સિમિત હતો. સમયાંતરે સર્જનશક્તિને સ્થાન મળે એવી આનંદદાયક સંગીત પદ્ધતિની ઇચ્છા થવા લાગી. જેના પરિણામ સ્વરૂપે રસ પડે એવા કોઈપણ વિષય ઉપર રાગ રાગીણીઓમાં ગવાય એવી તાત્કાલિક ઇમારત બનાવવાની કળા જન્મી. પશ્ચિમની સાથે સરખાવતા હિન્દી સંગીતમાં ધીમે ધીમે અનોખી રીતે વિકાસ થતો ગયો. સ્વરબદ્ધતા પ્રતિ બહુ લક્ષ્ય અને વલણ ન રાખતાં આર્યોએ સ્વરમાધુર્ય અને તાલનો આકર્ષક રીતે અને કલાપૂર્વક વિકાસ કર્યો. ઋતુ, ભાવ અને દિવસ-રાત્રિના અમુક સમયે અમુક રાગ ગાઈ શકાય, એ પ્રમાણેનું બંધારણ નક્કી કરાયું. આ બધા રાગ જુદા જુદા સૂર અથવા તાલમાં શ્રેષ્ઠ રીતે ગાવાનું શીખવા માટે સંગીત શાસ્ત્રીઓએ વર્ષો સુધી એનો અભ્યાસ કરવો પડે છે.
સંગીતની મધુરતાનો મુખ્ય આધાર સ્વરની કુદરતી ગતિ ઉપર જ રહેલો છે. આપણું સંગીતશાસ્ત્ર પશ્ચિમના સંગીત કરતાં જુદુ છે. સંગીત એ સૌમ્ય, શામક અને આહલાદક કળા હોઈ જ્ઞાનતંતુઓ ઉપર જબરી મીઠી અને શીતળ અસર જન્માવે છે. માનવી ઉપરાંત વન સંપત્તિ, પ્રાણી, પંખી ઉપર સંગીતની અહલાદક અને મીઠી અસરના પ્રભાવક પરિણામો જોવા મળે છે. દૂધ દોહતી વખતે પારસોમૂકવાની પ્રક્રિયા પાછળ મુખ્યત્વે આ જ સિદ્ધાંત છે. દોહતી વખતે ગાય પ્રસન્ન હોય તો વધુ દૂધ આપે છે.
સંગીતને આરોગ્ય સાથે સીધો સંબંધ છે. સંગીતમાંથી નિષ્પન્ન થતાં શબ્દો અને અવાજોને શરીરની ધાતુ અને વાહિનીઓ સાથે સીધો સંબંધ હોય છે. આયુર્વેદ વિજ્ઞાન અનુસાર આપણી જ્ઞાનવાહિનીઓ બહારના પાંચ વિષયોને ભોગવે છે. તે અનુસાર શબ્દ એક વિષય છે. શબ્દોને જ્યારે કલાત્મક રીતે ગોઠવીને તેનો ભોગ જ્ઞાનવાહિનીઓ કરે છે ત્યારે તેના પ્રત્યાઘાતો શરીરમાં જે પડે છે તે અત્યંત આરોગ્યપ્રદ હોય છે. ફક્ત જાણકારી એ જ મેળવવાની રહે છે કે, કયો સ્વર શરીરના કયા અંગ ઉપર ક્યારે અને કેવી અસર કરે છે. જેમ માનવીને વાત, કફ અને પીત એમ ત્રણ પ્રકૃતિ છે એવી રીતે સંગીતના સાત્વિક, રાજસ અને તમસ એમ ત્રણ વિભાગ છે. કોમળ, મધ્ય અને તીવ્ર ત્રણ સ્વરો છે.
પ્રત્યેક ગુજરાતી અને ભારતવાસી સંગીતકલામાં ગુજરાતના આગેકદમથી ગૌરાંવિત થઇ રહ્યા છે. અને થાય પણ કેમ નહીં, વડનગરના શર્મિષ્ઠા તળાવની પાળે સર્જાયો છે વિશ્વ રેકોર્ડ. ચાઈનીઝ તત્વચિંતક, વિચારક અને લેખક લાઓત્સે કહે છે કે, આત્મામાંથી નીકળતું સંગીત સમગ્ર બ્રહ્માંડમાં સંભળાય છે. સંગીત એક સાધના છે, સંગીત એક સાધન પણ છે. સંગીત એક શસ્ત્ર છે, સંગીત એક શાસ્ત્ર પણ છે. સંગીત શ્વાસ છે, સંગીત વિશ્વાસ છે.

ધબકાર :
‘‘સંગીત બે આત્માઓ વચ્ચેના અંતરને દૂર કરે છે.’’ – રબીન્દ્રનાથ ઠાકુર.



Wednesday, 16 November 2016

પરપોટાની નજાકતના સૌંદર્યની મોજ એટલે ગઝલ.

પરપોટાની નજાકતના સૌંદર્યની મોજ એટલે ગઝલ
                                               -     પુલક ત્રિવેદી

જ્યારે કલા, કલા નહિં જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે...

ગાંધીનગર સાહિત્ય સભા અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શાયર ‘મરીઝ’ની શતાબ્દી  વંદના ખૂબ યથાર્થ સમયમાં શહેરમાં યોજાઈ. યથાર્થ શબ્દ એટલે પ્રયોજ્યો કે ૪૮-૩૬ કલાકથી લોકો પૈસાની પળોજણમાં એવાં પડ્યાં હતાં કે જીવનના સાચા અર્થ અને મોજને વિસરી ગયાં હતાં. ત્યારે આ કાર્યક્રમ મનની મોજથી ભર્યો ભર્યો લાગ્યો. જુની નોટ બદલાવવી, નવા કેટલાં રૂપિયા મળશે, બેન્કના ખાતામાં કેટલાં રૂપિયા જમા કરાવ્યા વગેરે વગેરે વાતોના વમળમાં આખું શહેર અને દેશ છેલ્લા બે દિવસથી ચકરાવે ચઢ્યાં હતાં. એમાં આજે સવારનો સૂરજ અબ્બાસ અબ્દુલ અલી વાસી – મરીઝના શબ્દોની સુવાસ લઈને ઉગ્યો. મન પ્રફુલ્લિત થઈ ગયું.
‘મરીઝ’ની જ્યારે વાત આવે ત્યારે સહજ રીતે મિસ્કીન યાદ આવે. ૨૦૦૯ના સપ્ટેમ્બર મહિનામાં ‘સમગ્ર મરીઝ’ પુસ્તકનું સંપાદન રાજેશભાઇ વ્યાસ, મિસ્કિને કર્યું. લગભગ ૪૦૦ પાનામાં પથરાયેલા ‘મરીઝ’ના જીવનના વિવિધ પાસાને અદભુત રીતે ‘મિસ્કીન’ સાહેબે ‘સમગ્ર મરીઝ’માં ઉજાગર કર્યા. યોગાનુયોગ મરીઝની શતાબ્દિ વંદના નિમિત્તે ગાંધીનગર શહેરમાં કવિશ્રી રાજેશભાઈ વ્યાસ – મિસ્કીને ‘મરીઝ’ના એક અદભુત પાસાને ઉઘાડ આપ્યો. ‘મરીઝનું ઘર’ કેવું હોય...! એ સંદર્ભમાં મજાના તથ્યો અને શબ્દોનું સમાયોજન કરાયું. મરીઝની ગઝલોમાં તેમનું ઘર ક્યારેક પ્રિયતમાનું ઘર તો ક્યારેક શરાબીનું ઘર, દુશ્મનનું ઘર તો ક્યારેક દોસ્તનું ઘર, પ્રેમનું ઘર તો ક્યારેક દર્દનું ઘર, પત્નીનું ઘર તો ક્યારેક વિષાદનું ઘર એવા અલગ અલગ પાસાઓથી મરીઝના ઘરને મૂલવવાની મોજ આવી. આમ તો મરીઝ એટલે ‘સુરાલય’ અને ‘ઘર’ આ બેની વચ્ચે વિસ્તરેલું કલ્પનામય સમગ્ર જીવન. મિસ્કીને એક વાત સરસ કરી કે, શાયરને સમજવા માટે સજ્જતા કેળવવી પડે. કંઇક કેટ કેટલી વેદનાઓ, સંવેદનાઓ, સ્પંદનો અને સ્પર્ષોમાંથી પસાર થાય ત્યારે શેર બને અને સચ્ચાઇ અને અચ્છાઇના આઇનામાં સ્પષ્ટ ચિત્ર ઉપસે ત્યારે શાયરનો શેર સાશ્વત બની આકર્ષે.
 ‘સમગ્ર મરીઝ’ પુસ્તકનું સંપાદન કાર્ય સંપન્ન થયા બાદ રાજેશભાઈ ‘મરીઝ’ સાહેબના પુત્ર મોહસીનભાઈ વાસી જોડે બેઠા. આ પુસ્તક કોને અર્પણ કરવું એ સંદર્ભમાં ચર્ચા ચાલી ત્યારે બન્ને જણાનો સૂર એક વ્યક્તિ પર આવીને અટકી ગયો. મરહુમ સોનાબહેન અબ્બાસ વાસી... ‘મરીઝ’ના ધર્મપત્ની. એટલું જ નહીં આ બન્ને જણાના માનસપટ ઉપર મરીઝ સાહેબના નિમ્ન લિખિત શેર છવાઈ ગયો.
એમ ઉંચકી લીધું છે મારું ઘર,
ભાર દરિયાનો એક મોતી પર
– મરીઝ
આ શેર ‘સમગ્ર મરીઝ’ પુસ્તકના અર્પણ પાન ઉપર સોહે છે.
શબ્દ અને સમજ એ કોઈ પણ શિક્ષણને અથવા ડિગ્રીઓને મોહતાજ હોતી નથી. સત્ય અને સત્વની ઐશ્વરીય તાકાત સર્જનનો પ્રાણ હોય છે. ‘મરીઝ’ના ચીરસ્મરણીય સર્જન ‘આગમન’ની ત્રીજી આવૃત્તિ વેળા મરીઝે એમના જીવન વિષે જે વાત લખી છે. એ અક્ષરશઃ સમજવા જેવી છે.
મરીઝે લખ્યું છે કે, ‘ગઝલના ક્ષેત્રમાં હું મહામહેનતે ગોઠવાયો છું. એક તો ઓછું ભણેલો, ભાષા વ્યાકરણ અને જોડણીનું ખાસ જ્ઞાન નહીં માત્ર ઉર્મિ, સંવેદન, અનુભૂતિ અને અવલોકનના બળ પર ગઝલોનું મેં સર્જન કરેલું છે અને તે તમારી સન્મુખ હાજર છે. સરળ કાફિયા, રદીફ અને વજનનો મેં શરૂઆતથી જ  આગ્રહ રાખેલો છે. એ જ પ્રમાણે ગઝલ જેનો ભાર ઊંચકી શકે એવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો મેં હંમેશા જરૂરી માન્યું છે...’
કાવ્ય કલા વિશે ગમેતેટલું લખો પણ કવિતા સ્વયં સમજથી પર બાબત છે. એ એક અનુભૂતિની બાબત છે. ‘મરીઝ’ સાહેબે એક મત્લામાં આ વાતને સરસ રીતે ઉજાગર કરે છે
હવે ગમે તે કહે કોઈ આ હૂનર બાબત,
કહી રહ્યો છું હું મારી સમજથી પર બાબત.
ડો. નીતિન વડગામા. વ્યવસાયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાગતા પ્રાધ્યાપક પણ સાચી ઓળખ ગુજરાતી સાહિત્ય જગતનુ સન્માનીય નામ, ‘મરીઝ’ના જુદા જુદા પાસાને આ સર્જકે ઉંડાણથી સમજ્યા છે. ડો. નીતિનભાઈએ ગઝલ સર્જન માટે કહે છે કે, ગઝલ જ્યારે લખાય છે ત્યારે એ દિલથી લખાય છે. પીડા, આનંદ, ઉષ્માથી લખાય છે અને એટલે જ ગઝલ ગમે છે. ગઝલમાં વિચારનું સૌંદર્ય હોય છે અને અજવાળું પણ હોય છે. સરળતા, વેધકતા અને વક્રતા ‘મરીઝ’ની ગઝલની વિશેષતા છે. મદીરા, વ્યંગ, કટાક્ષ, મય, વિનોદ વગેરે ચિંતનનું ઊંડાણ ‘મરીઝ’ના શબ્દે શબ્દમાં જોવા મળે છે. ‘મરીઝ’ના શેર ટપકાવવા ગમે, લાંબો સમય મમળાવવાની ઇચ્છા થાય... એવું કેમ ? મરીઝના શેર સ્પર્શે અને આકર્ષે કારણકે એ શાશ્વત અને સનાતન સત્યને પ્રસ્તુત કરે છે.
જીવનના દર્શનને અને જીવનના પરામર્શને વિચારોના સંદર્યથી ‘મરીઝ’ના શેર દિર્ઘાયું બનાવે છે. પ્રેમની ત્રિજ્યાની બહાર નીકળીને પ્રકૃતિનું ચિંતન પણ મરીઝે અદભુત કરાવ્યું છે. જિંદગીના હજારો વિભાગ છે અને હજારો લિબાસ છે. જિંદગી પરપોટા જેવી છે અને પરપોટાની ક્ષણભંગુરતા મુજબ જીવનની ક્ષણભંગુરતા ક્યારે ફૂટે અને શ્વાસનો દોર ક્યારે તૂટે એના ડર કરતાં પરપોટાની નજાકત અને એના સૌંદર્યને માણી લેવી જોઈએ. ભરપૂર મોજ કરી લેવી જોઇએ. એવી જાનદાર ફિલોસોફી ‘મરીઝ’ના શેરના શબ્દોમાંથી ટપકે છે. વ્યક્તિત્વ ‘આગવું’ હોવું જોઈએ... ‘અકબંધ’ હોવું જોઈએ... ‘મરીઝ’નું વ્યક્તિત્વ એવું અનોખું અને આગવો સંદેશો આપતું છે. કોઈની આભામાં સ્વયંનું વ્યક્તિવ ઓગળવું ન જોઈએ. જાત, જગત અને જીવન વિશેનું ચિંતન ‘મરીઝે’ એના ગઝલોના શેરમાં ઉતાર્યું છે.
સાહિત્યકાર અને ગઝલકાર એસ. એસ. રાહીએ ‘મરીઝ’ની ગઝલોમાં પકડાયેલા ‘મુસલ્સલ’ ભાવને ઉજાગર કર્યો. ગઝલના ભાવ, વિચાર, ઊર્મિ કે વિષયનું સાતત્ય જાળવતી ગઝલ એટલે ‘મુસલ્સલ’ ગઝલ. શેર એક બીજા સાથે અનુસંધાન ધરાવતા હોવાથી ‘મુસલ્સલ’ ગઝલ અથવા સળંગ ગઝલ કહી શકાય ‘નઝમ્નુમા’ ગઝલથી ‘મુસલ્સલ’ ગઝલ નોખી પડે છે. એક પ્રસંગ કથા કિસ્સો કે ઘટનાને વર્ણવતી ગઝલને ‘નઝમ્નુમા’ ગઝલ કહેવાય જ્યારે ‘નઝમ્નુમા’ ગઝલને વર્ણનાત્મક ગઝલ જેવી સંજ્ઞા પણ આપી શકાય. મરીઝના ત્રણ સર્જન તેમના વાચકોમાં અપ્ર્તિમ ચાહના ધરાવે છે. ૧૯૬૮મા આવેલો સંગ્રહ ‘આગમન’, નકશા (૧૯૮૫) અને દર્દ (૨૦૦૯) પ્રકાશિત થયા. ‘મરીઝે’ આગમનમાં ૧૩૮ ગઝલો, નકશામાં ૧૭૮ ગઝલો, અને દર્દમાં ૪૨ ગઝલો રજૂ કરી. ‘મરીઝ’ની કુલ ૨૫૮ ગઝલોમાં કેટલીક ગઝલો મુકદ્દશ ‘નઝમનુમા’ ગઝલો તથા ‘મુસલ્સલ’ ગઝલોનો સમાવેશ થાય છે. રાહીજીના મંતવ્ય અનુસાર મરીઝે રચેલી ગઝલોમાં ‘મુસલ્સલ’ ગઝલોનો આંકડો ૧૮ જેટલો થાય છે.
મરીઝ તેની ગઝલોમાં એકનો એક કાફીયા જુદી જુદી રીતે બે ત્રણ વાર પ્રયોજે છે ત્યારે એમ થાય કે, કદાચ એક જ કાફ્યા ઉપર બે ત્રણ સારા શેર લખીને તેમાં પસંદ કરીને એ ગઝલમાં મૂકતા હશે. સમગ્ર મરીઝમાં મિસ્કીન સાહેબે આ વાતને સ્પષ્ટ કરતાં મરીઝના નીચે મુજબના શેર પ્રસ્તુત કર્યા છે.
કોઈ કલા સ્વરૂપે જગતથી જૂદા બનો,
નકશા બનો, કવિતા બનો, વાર્તા બનો
દુનિયાનું આખું ક્ષેત્ર એ સાહિત્ય ક્ષેત્ર છે
એમાં કોઈ કવિતા બનો, વાર્તા બનો.
હો ઉપકરણ અનેકના એની જરૂર નથી
બે-ત્રણ પ્રસંગ ગુંથી સળંગ વાર્તા બનો.
જાણીતા કવિ, લેખક અને વકતા શ્રી ભાગ્યેશ જહાએ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યની સેવા કરતાં યુવા સર્જકોની સર્જન શક્તિને સુપેરે પોંખે છે. ગુજરાતનું સૌભાગ્ય છે કે, કવિ શ્રી ભાગ્યેશ જહાં જેવા સાહિત્યકારો નવસર્જકોની પડખે રહીને ગુજરાતી સાહિત્યને જીવંત રાખવાના સંનિષ્ઠ પ્રયાસો અવિરત કરતા રહે છે.
ગાંધીનગર શહેર ગુજરાતી ભાષાના ગૌરવને બરકરાર રાખતા શહેર તરીકે એની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. સાહિત્યસભા જેવી સંસ્થાઓ અને શ્રી ભરતભાઇ કવિ, સંજય થોરાત, કિશોરભાઇ જીકાદરા જેવા તેના જાગૃત સભ્યોને કારણે પાટનગરમાં ગુજરાતી ભાષા અને તેની વિચાર યાત્રાની સુગંધ સૌરભ ચારે કોર ફેલાઇ રહી છે. ગાંધીનગર સાહિત્ય સભાના જાગૃત મિત્રોએ શાયર ‘મરીઝ’ની શતાબ્દી  વંદનાનો મજાનો કાર્યક્રમ યોજ્યો. ડૉ. રાજેશભાઇ વ્યાસ મિસ્કિન, ડૉ. નીતિનભાઇ વડગામા, ડૉ. એસ. એસ રાહી અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઇ જહાએ મરીઝના જીવનના વિવિધ પાસાઓને અદભૂત ઉઘાડ આપ્યો. 
મરીઝની શતાબ્દિ વંદનાનો પ્રસંગે હોય અને મરીઝના યાદગાર શેર ન ટપકાવાય તો લખાણ લાજે...!
·         સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
        કહેવાનું ઘણું હો, ને કશું યાદ ન આવે.
·         જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ
       એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
·         ઝાહિદ મને રહેવા દે, તબાહીભર્યા ઘરમાં,
       મસ્જિદથી વધારે અહીં, આવે છે ખુદા યાદ.
·         માંગ એની પાસે ગમથી વધુ જીવન,
       એક પણ એ એવી દેશે – વિતાવી નહીં શકે.
·         મુઝ પર સિતમ કરી ગયા, મારી ગઝરના શેર
       વાંચીને એ રહે છે, બીજાના ખ્યાલમાં.
·         મરીઝ ગાળીને એમાં પી રહ્યા  છો શરાબ,
       કદી ન પીવાની વાળી’તી જે રૂમાલમાં ગાંઠ.
·         લાગણી જેમાં નથી, દર્દ નથી, પ્યાર નથી,
       એવા દિલને કોઈ ઇચ્છાઓ અધિકાર નથી.
·         અલ્લાહ મને આપ, ફકીરીની હાલત,
        કે કોઈ ન સમજે, આ સુખી છે કે દુઃખી છે.
·         બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
       સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.


‘મરીઝ’ ક્યારેય મરતા નથી, ‘મરીઝ’ તો એના વિચારો, કલ્પનાઓ અને શબ્દોના મુલાયમ સ્પર્ષથી સનાતન કાળ સુધી હદયમાં મહારાજાની જેમ વિરાજતા રહે છે. મરીઝના સ્થુળ શરીરને અલવિદા હોઇ શકે, મરીઝની કલ્પાનાઓ, વિચારો અને શબ્દો ગુજરાતી ગઝલ વિશ્વમા સદીઓ સુધી પડઘાયા કરશે.