જીવન ખૂબ ટૂંકું છે એને રડવામાં
વેડફાય નહીં
એક મિત્ર રોજ સાંજે શાક માર્કેટમાં શાકભાજી
લેવા જાય. શાક માર્કેટમાં શાકભાજી વેચતા ભાઈઓ-બહેનો
પૈકી બે-ત્રણ બહેનો પાસેથી એ મિત્ર નિયમિત રીતે શાક
લેતા. માર્કેટમાં પ્રવેશતા જ આ બે-ત્રણ
બહેનોની બેઠક. આ મિત્ર એ વડિલ બહેનોને સરસ મઝાનું સ્મિત આપી એમની
પાસેથી શાક ખરીદતા. ધીરે ધરે આ બહેનોને પણ એમના માટે આદર થવા
લાગ્યો. આ ઉપક્રમ પછી રોજીંદો થઈ ગયો. ભાઈ
શાક-બકાલુ લેવા જાય અને શાક વેચતી બહેનો આ ભાઈને
ઉમળકાભેર આવકારી શાક આપે.
આ ભાઈએ એમને પરિચિત એવા શાક વેચતા એક બહેનને
ત્રણ-ચાર દિવસ સુધી ન દીઠા. આ ભાઈને મનોમન ચિંતા થઈ. બહેન
સાજા નરવા તો હશે ને ? એમણે જે બહેન ન હતા એમની બરાબર બાજુમાં બેસતા
બહેનને પૂછ્યું, ‘તમારી બાજુમાં બેસી શાક વેચતા બહેન કેમ નથી
દેખાતા ? એમની તબિયત તો સારી છે ને ?’ બાજુવાળા બહેને જવાબ આપ્યો. ‘ભાઈ એમના પતિ ત્રણેક દિવસ પહેલા ગુજરી ગયા. એટલે
એ નથી આવતા.’ પેલા ભાઈએ પૂછ્યું. ‘તમને ખબર છે એ બહેન ક્યા રહે છે ?
‘હા ખબર છે. બાજુમાં રાંધેજા ગામમાં એ રહે છે.’ એમણે જવાબ આપ્યો.
આ મિત્ર તો બીજા દિવસે એમની પત્ની સાથે સ્કૂટર
ઉપર રાંધેજા ગામ પહોંચી ગયા. એમને એમ કે નાના અમથા ગામમાં બહેન વિશે પુછીશું
એટલે એમના ઘરની ભાળ મળી જશે. પણ રાંધેજા પહોંચતા ખ્યાલ આવ્યો કે આ ગામ તો
ખાસ્સુ મોટું છે. બે-ચાર જણાને પુછી ગમે તેમ કરી આ ભાઈ અને એમના પત્ની
સાથે એ શાકવાળા બહેનના ઘરે પહોંચ્યાં. એમની સાથે કલાકેક બેસીને સાંત્વના આપી. પેલા
શાકવાળા બહેનની આશ્ચર્યની કોઈ સીમા ન રહી.
આ છે એક સ્મીતની સંવેદના. એક મુસ્કાનના સંબંધ માત્ર શાક લેવા અને
વેચવાની વાતથી ઘણી આગળ અંતઃકરણના આશીર્વાદની આ ઊંચી અગાસી છે. જ્યારે તમે હસો છો ત્યારે તમે ઈશ્વરની
પ્રાર્થના કરો છો. પણ જ્યારે તમે કોઈની સામે પ્રેમથી હસો કરો છો
ત્યારે ઈશ્વર તમારા માટે પ્રાર્થના કરે છે. એક મુસ્કાન થાકેલા માટે ઉત્તમ વિશ્વાસ છે. ઉદાસી
અને હતાશ થયેલા માટે સ્મીત આનંદનો પ્રકાશ છે. તકલીફમાં પડેલાઓ માટે હાસ્ય જ
સર્વોત્તમ ઉપહાર છે. હસવું અને કોઇને પુલકીત કરવા એ એક અત્યંત કપરું
કાર્ય છે. ઈશ્વરે આ ગુણ આપણા બધામાં આપ્યો છે. તો
પછી હસવામાં કંજુસી શા માટે કરવી ?
બધુ ખતમ થઈ ગયું એમ વિચારીને રડવા કરતાં આટલું
જ નુકસાન થયું હજું તો ઘણું બાકી છે એમ વિચારી હસવું સારું. શાંતિનું તળ એક મુસ્કાનથી મજબુત રીતે
બંધાતુ હોય છે. એમ શા માટે ન વિચારીએ કે, હું ગઈકાલે પણ હસતો હતો, હું
આજે પણ હસુ છું અને આવતી કાલે પણ હસતો રહીશ, કારણ કે જીવન ખૂબ ટૂંકું છે એને રડવા પાછળ
વેડફાય નહીં.
દીકરાની એક મુસ્કાન માની મમતાનું આકાશ હોય છે. પત્નીનું
એક સ્માઈલ પતિનો દિવસભરનો થાક દૂર કરી દેતી હોય છે. શિક્ષકનું એક નિર્મળ હાસ્ય વિદ્યાર્થીનું
જીવન બનાવી દેતું છે. દુકાનદારનું સ્મિત ગ્રાહકનો વિશ્વાસ જીતી લેતું
છે. એક મુસ્કાન જ મા-બાપના ચિરંજીવ બનવાના લખલુટ આશીર્વાદ
મેળવી આપતા હોય છે. તમારી એક હાસ્ય અનેકની જિંદગી સવારીને ખુશીઓની
વર્ષા લાવી શકે છે. જીવનમાં જેટલી પળ મળી છે એને હાસ્યના આનંદથી
સજાવી લેવી જોઈએ. જીવન તો આમ પણ પસાર થવાનું જ છે પણ ક્યારેક
પોતાના માટે હસી લો તો ક્યારેક બીજાને હસાવી લેવાની કોશિષ કરી લો અને પછી જૂઓ એનો
આનંદ કેટલો અણમોલ હોય છે.
અમેરિકાના એક કલાકાર હાર્વે બૉલને વર્ષો પહેલાં
વિચાર આવ્યો કે, લોકો જુદા જુદા દિવસો ઉજવીને એક વિચારને વહેતો
કરતા હોય છે. સ્મીતનો એક દિવસ ઉજવી મુસ્કાનની તાકાતને શા
માટે વિશ્વભરમાં ન વહેવડાવવી ? હાર્વેના આ વિચારને લોકોએ વધાવ્યો. પ્રતિ
વર્ષ ઓકટોબર મહિનામાં ‘વર્લ્ડ સ્માઈલ ડે’ ઉજવાય છે.
સ્મિતને સેહત સાથે સીધો સકારાત્મક સંબંધ છે. હસતા
વ્યક્તિનો તણાવ તો ઓછો થાય જ છે સાથે સાથે એના હૃદયમાં સકારાત્મકતાના પુષ્પ ખીલતા
હોય છે. જ્યારે માણસ હસે છે ત્યારે એના શરીરમાંથી
ઇંડોર્ફિન્સ નામનું તત્વ નીકળતું હોય છે. ઇંડોર્ફિન્સ કુદરતી પેઈનકિલરનું અદભુત કામ
કરતું હોય છે. સ્મિતથી માણસનું મન હળવું થઈ જતું હોય છે. બ્લડ
પ્રેશર ઘટાડવાનું કામ સ્મિત કરતું હોય છે. હસતા રહેવાથી ચહેરાના મસલ્સને કસરત મળે છે. જેથી
કરચલીઓ નથી પડતી. મુસ્કાન ચહેરાની શાન છે. ક્યારેક એવું પણ બને કે માણસનું દર્દ
પણ મુસ્કાન બનીને ચહેરા ઉપર આવી જાય. કોઈની ખુશીનું કારણ બનતું હાસ્ય સાચા અર્થમાં
ઈશ્વરે આપેલી અદભુત ભેટ છે. ઘણીવાર એક બાળકનું નિર્મળ હાસ્ય ચિંતામાં
ઘેરાયેલાને એક મિનિટ માટે ચિંતામુક્ત કરી નાખે છે. દર્દ, ડર, શરમિંદગીના કારણે પણ હાસ્ય આવી જતું
હોય છે.
સામાન્ય રીતે એક ખ્યાલ એવો છે કે, માણસને
ડર લાગે ત્યારે એ હસતો નથી. છતાં પણ ઘણીવાર આવી સ્થિતિમાં પણ ક્યારેક
માણસના મુખ ઉપર આવી મુસ્કાન જોવા મળી જતી હોય છે. એક ચિંતકે ભયજનક સ્થિતિમાં એક
વ્યક્તિની ૨૦ અલગ અલગ તસવીર લઈને ગામમાં લોકોને બતાવી અને લોકોના અભિપ્રાય ઉપર એણે
તારણ કાઢ્યું કે, ઘણીવાર આપણા ચહેરા ઉપર દુઃખભરી મુસ્કાન હોય છે. ૨૦૦૯માં
થયેલા સંશોધન અનુસાર બનાવટી મુસ્કાન માણસના ડીએનએમાં જ હોય છે.
પ્રત્યેક મુસ્કાનને સમજવી આસાન નથી. પણ
ખોટી, બનાવટી મુસ્કાન આસાનીથી સમજી શકાય છે. કહેવાય
છે કે, જ્યારે વ્યક્તિ હૃદયપૂર્વક હસે છે ત્યારે એની
આંખો પણ હસતી હોય છે. જ્યારે વ્યક્તિ ખોટું હસતો હોય છે ત્યારે એની
આંખો એનો સાથ નથી આપતી. મુસ્કાનની વાત હોય અને લિયોનાર્ડ વીન્ચીના
માસ્ટર પીસ ‘મોનાલીસા’ને યાદ ન કરાય તો વાત અધુરી લાગે. મોનાલીસાના
મુસ્કાનને વિશ્વમાં બધા લોકોએ અલગ અલગ રીતે મુલવી. વિન્ચીના આ મશહુર પેઈન્ટિંગને જે
બાજુથી જુઓ તો એમ જ લાગે કે એ તમારી સામે જોઈને સ્મિત આપે છે. એ પણ એટલું જ સાચું છે કે, મોનાલિસાના
સ્મિતનો રાઝ આજ સુધી કોઈ ઉકેલી નથી શક્યું. હસવું આવે તો દિલ ખોલીને હસી જ લો. એને
રોકો નહીં. એને ટોકો નહીં. તમને ક્યાં ખબર છે કે તમારી મુસ્કાન
કદાચ બીજા માટે ખુશીનું મોટું કારણ બની શકે છે. સ્મિત હૃદયની મધુરતાનું દ્વાર છે. જીવનમાં
કોઈના આંસુ પાડીને સાત્વિક હવન કરશો તો પણ એનો કોઈ ફાયદો નથી. પણ જો રોજ કોઈ એક વ્યક્તિને પણ હસાવી
દીધી તો અગરબત્તી કરવાની પણ જરૂર નથી.
ધબકાર :
‘સારા જહાં ઉસી કા હૈ, જો મુસ્કુરાના જાનતા હૈ, રોશની ભી ઉસી કી હૈ જો શમા જલાના
જાનતા હૈ’ – અજ્ઞાત



