પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 13 April 2020

સાચુ કહેજો, કોરોનાએ કહેરની સાથે કરૂણાની મહેર પણ વરસાવી છે એમ નથી લાગતું ?


સાચુ કહેજો, કોરોનાએ કહેરની સાથે કરૂણાની મહેર પણ વરસાવી છે 
એમ નથી લાગતું ?

કોરોના ત્રણ અક્ષરના આ શબ્દનું નામ પડતા વેંત દુનિયાનો એકે એક વ્યક્તિ ફફડી જાય છે. આજે વિશ્વનો દરેક વ્યક્તિ એક ખોફ અને અગમ્ય ડરના માહોલમાં તરફડી રહ્યો છે. અઘોષિત ત્રીજા વિશ્વયુદ્ધ સામે દુનિયાના બધા દેશો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે. કોનો વારો ક્યારે આવશે એવા ડરથી બધા લોકો સુનમુન છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વના ૧૪ લાખ ૫૦ હજાર કરતા વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ચીનના વુહાન પછી ઇટાલી, સ્પેન અને અમેરિકા કોરોનાના ભયાનક કહેરાનો માર ઝીલી રહ્યા છે. આર્થિક રીતે સંપન્ન રાષ્ટ્રો પણ આની સામે બેબસ અને લાચાર દેખાય છે. શ્રેષ્ઠ કહેવાતી આરોગ્ય સેવાઓ વામણી પુરવાર થવા લાગી છે.



કોરોનાની મહામારીએ માનવજાતનો ભરડો લીધો અને પારાવાર પરેશાની આપી એમાં બેમત નથી પરંતુ આ સમયમાં ચિંતનના નવા દ્વાર આપોઆપ ખુલવા માંડયા છે એ પણ એટલી જ નક્કર હકીકત છે. લોકોને સમજ પડવા લાગી છે કે, લાંબુ કે શાંતિપૂર્ણ જીવવા માટે સત્તા અને પૈસા કરતા જેટલું જીવ્યા એમાં કેટલો આનંદ આવ્યો એનું મૂલ્ય સાચું છે. જીવનના અનેક રૂપ છે. અનેક રંગ છે. ક્યારેક એ પેટ પકડીને હસાવે છે તો ક્યારેક એ મન ભરીને રડાવે છે. જે વ્યક્તિ મુશ્કેલીઓમાં શાંત રહીને આનંદનો માર્ગ સ્વયં કંડારે એ નિસંદેહપણે નીખરી જાય છે. જે ભાવનાઓમાં વહી જાય એ દેશક વિખેરાઈ જાય છે.
આજની આ કટોકટીમાં એક વાત સૌ કોઈને સુપેરે સમજાઈ ગઈ છે કે, અત્યાર સુધી લોકો શું કહેશે એવા ડરથી આખું જીવન પસાર કર્યું પણ મારા કર્મ માટે હજાર હાથવાળો ઈશ્વર શું કહેશે એ કોઈએ ક્યારેય નથી વિચાર્યું. કોરોનાની વૈશ્વિક મહામારીએ માણસને માણસ બનાવવાનું સત્કાર્ય કર્યું છે એમ કહીએ તો કશું ખોટું નથી.



આજે એક તબીબ મિત્ર સંજયની વાત કરવી છે. વ્યવસાયે તો આ મિત્ર તબીબ છે પરંતુ એના કરતાં વધારે એક સારા વાચક, વિચારક અને અમલકર્તા છે. પ્રતિવર્ષ ઓરિસ્સા જઈને આ તબીબ મિત્ર એક પણ પૈસો લીધા વગર ગરીબ દરદીઓના ઓપરેશન અને તબીબી સારવાર કરે છે. ગીતા, ઉપનિષદ, વેદ જેવા શાસ્ત્રોના એ ઉંડા અભ્યાસી છે. તબીબ મિત્રની સેવાકીય પ્રવૃત્તિઓની વાત તો ફરી ક્યારેક કરીશું. આજે તો એમણે ફોન પર કરેલી હદય હચમચાવી મુકે એવી કેટલીક પાયાની વાત મૂકવાની ઈચ્છા છે.
ભાઈ સંજયે બે ચાર દિવસ પહેલા ફોન કરીને ખૂબ લાંબી વાતો કરી. પ્રથમ બે-ચાર મિનિટ મારી અને પરિવારની ક્ષેમકુશળતા પૂછીને એક સરસ વાક્ય કહ્યું, 'કોરોનાને હું કરુણા કહું છું. જો ખરાબ સમય જ ન આવ્યો હોત તો માણસની અંદર પડેલી સાચી સમજને બહાર આવવાનો અવસર જ ન મળ્યો હોત.' ઇતિહાસ ગવાહ છે કે, જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે છે ત્યારે કેટલાક લોકો પરિસ્થિતિના ગુલામ બની તૂટી જતા હોય છે. જ્યારે કેટલાક લોકો મુશ્કેલ પરિસ્થિતિને ઉત્સવ સમજીને રેકોર્ડ બ્રેકિંગ કામ કરી જતા હોય છે.



વ્યક્તિના આગળ વધતા અને ઉડતા રોકે એવા લોકોનો ડર ન હોવો જોઈએ. ડર તો વ્યક્તિએ પોતે રચેલા વિચારોના જાળાની જંજીરોમાં જકડાઈ રહેવાનો હોવો જોઈએ. માણસને જીવનમાં શું જોઈએ ? એનો સીધો જવાબ છે કે, માણસને જીવનમાં સુખ, શાંતિ, આનંદ અને પ્રેમ જોઈએ. પણ સૌથી મોટી વિટંબણા એ છે કે, આજે માણસ સવલતોને સુખ સમજી બેઠો છે. પૈસાને શાંતિ, વખાણને આનંદ અને દેખાડાને પ્રેમ સમજે છે. મનના જે દરવાજામાંથી શંકા અને ભય પ્રવેશે છે એ દરવાજામાંથી આનંદ, સુખ, શાંતિ અને પ્રેમ સડસડાટ બહાર નીકળી જતા હોય છે.



કોરોનાના કારણે લોકડાઉનમાં રાજાથી માંડીને રંક અને ગરીબ, શક્તિશાળીથી માંડીને નિર્બળ એકે એક વ્યક્તિ આજે કંપલસરી વિપશ્યનાનો પાઠ કરી રહી છે. જીવન બદલવા આત્મખોજ કરવી પડે. જિંદગીને બદલવા માટે સ્વયં સાથે યુદ્ધ ખેલવું પડે. જીવનને આનંદદાયક બનાવવા મનને સમજવું પડે. વર્ષોથી એક માન્યતા આપણામાં ઘર કરી ગઈ છે કે, મન ઉપર કાબુ મેળવવા મનને મારવું પડે. મનને પીંજરામાં પૂરી રાખી મારવાની જરૂર જ નથી. મનને તો આઝાદ પંખીની જેમ મુક્ત રીતે વિહરવા દેવું જોઈએ. જે વ્યક્તિ પોતે ખુશ હોય છે એનાથી આખી દુનિયા ખુશ રહે છે. શાંતિની શરૂઆત સંતોષના એક સ્માઈલ સાથે થતી હોય છે. ખરેખર શાંતિ જોઈતી હોય તો લોકપ્રિયતાની અભિલાષામાંથી બને એટલા જલ્દી બહાર નીકળી જવું પડે. સમય પસાર થાય અને જે વ્યક્તિને ફરક જ ન પડે ત્યારે એને શાંતિનો સાચો અનુભવ થતો હોય છે. શાંતિ સ્વયં એક એવોર્ડ છે. આ એવોર્ડ વ્યક્તિએ પોતાની રીતે પ્રાપ્ત કરવાનો હોય છે.
ઈશ્વરે બનાવેલા લાખો-કરોડો જીવોમાં માત્ર મનુષ્ય જ પૈસા કમાય છે. પણ મજાની વાત તો એ છે કે ઈશ્વરે બનાવેલા તમામ જીવો પૈકી કોઈ પણ જીવ સાંજ પડે ભૂખ્યો સૂતો નથી. માત્ર મનુષ્યની જ પૈસા અને સત્તાની ભૂખ રોજેરોજ વિકરાળ સ્વરૂપ પકડતી જતી હોય છે. કમાલ તો એ છે કે, આ સનાતન સત્યની માનવીને ખબર હોવા છતાં તે બેખબર બનીને બેફિકરો બનીને નિંરાતે ફરે છે. સમજદાર વ્યક્તિ ભૂલો નથી કરતો પણ બીજાની ભૂલોમાંથી જીવનની સચ્ચાઈ પારખી લેતો હોય છે. જીવન આગળ વધવાનું નામ છે. અટકવું એટલે મોત. વરસાદનું એક ટીંપુ ભલે નાનું હોય પણ અવિરત વરસીને નદીનું વહેણ બને છે. એ જ પ્રમાણે નાના નાના ખુશીના ટીપાઓની સાતત્યપૂર્ણતા આનંદની નદીનું વહેણ બની જતાં હોય છે.
આપણા દુઃખો અને કહેવાતી મુશ્કેલીઓના પાયામાં આપણો ઉપભોગતાનો રોલ રહ્યો છે. ઉત્પાદકતામાં આપણો હાથ ક્યારેય હોતો નથી. અનાજ, પાણી, વીજળી,, કપડા, રાચરચીલું, પ્રવાસ બધી બાબતોનો આપણે ઉપયોગ જરૂર કરીએ છીએ પણ એનું ઉત્પાદન તો કોઈ બીજું કરે છે. આપણે માત્ર ઉપયોગ જ કરીએ છીએ. ગરમી લાગે તો પંખો કે એસીની સ્વીચ દબાવી ઠંડક મેળવી લઇએ છીએ. નળ ચાલુ કરીએ એટલે પાણી મળી જાય. ભૂખ લાગે તો રોટલી શાક ખાઈ લઈએ છીએ. પણ ક્યારેય એવું વિચાર્યું છે ખરું કે, આ બધી બાબતમાં આપણું યોગદાન શું છે ? વિચાર કરો કે, લોક ડાઉનમાં જો અનાજ કે શાકભાજી ન મળ્યું હોત તો ? વીજળી કર્મચારીઓ થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરવા ન જઈ શક્યા હોત તો ?
સો વાતની એક વાત એ છે કે, ઉપભોગતા મટી ઉત્પાદક બનવા માટે સક્રિય રીતે વિચાર કરવા જેવો છે. આપણી જરૂરિયાત પૂરતું આપણે ઉત્પાદન કેમ કરી ન શકીએ ? શા માટે અને ક્યાં સુધી બીજા ઉપર આધારીત રહી સવલતો મેળવતા રહીશું ? તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા અને સંપન્ન કહી શકાય એવા એક ડોક્ટર સંજયને ઉત્પાદકની તાકાત સમજાઇ છે. પાણી માગે તો દૂધ હાજર થાય એવા ઐશ્વર્યમાં પણ ડોક્ટર સંજય જેવા વ્યક્તિઓ સ્વ સાથે ફ્રુટફુલ સંવાદ કરીને આનંદના માર્ગે આગળ વધી રહ્યાં છે. કોરોનાએ એક બાજુ કહેર વરતાવ્યો છે તો બીજી બાજુ કરૂણાની મહેર પણ વરસાવી છે.

ધબકાર : 
જો વ્યક્તિ આગળ નથી વધતો તો એનો અર્થ કે, એ પાછળ જઈ રહ્યો છે.