સૌથી
પહેલા ‘સરદાર’ કહીને અકોટી ગામના ભીખીબહેને સંબોધ્યા એ વેળાનો રસપ્રદ પ્રસંગ
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ માનતા કે, કાર્યો એવા કરવા કે લોકોને લખવા પડે
પગ પર પગ ટેકવી બેસે છે
નમેલા ચહેરા પર ઊંડા ચાસ
મસ્તિષ્ક ઠંડુ અગ્નિ જરંતા શબ્દોનું ઉદભવ સ્થાન
તમે કદી એને બોલતા સાંભળ્યા છે
એ શબ્દો નથી ઉચ્ચારતા
ભૂખથી ભરખાતી વિરાટ પ્રજાના
હિજરાતા આત્માની તાકાતને એ એકત્રિત કરે છે
એમાંથી નીપજાવે છે શબ્દ પંખાળા શસ્ત્ર
ગંધાતા દૂરીત પ્રતિ
ધારદાર શબ્દોના ઘા કરવામાં એ રાચે છે
પણ હમણાં હમણાં એના આત્મામાંથી ગોફણ છૂટે છે
શબ્દ નહીં, પણ તાતી
સંકલ્પશક્તિ
એના શબ્દો, શબ્દો નથી
કાર્યો છે...
સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનુ
રાષ્ટ્રાર્પણ આવતીકાલે થવા જઈ રહ્યું છે. સમસ્ત વિશ્વનું ધ્યાન આ મહામાનવ અને
હિન્દુસ્તાન ભણી આદરપૂર્વક ખેંચાયું છે. ત્યારે કનૈયાલાલ મુનશીજીના આ શબ્દો યાદ
આવી જાય છે. ઓગષ્ટ, તારીખ ૧૫, ૧૯૪૫માં ઉમાશંકર
જોશીએ સરદાર વલ્લભભાઈ પટેલ માટે આ કાવ્ય લખ્યું હતું. જોકે ઉમાશંકરજીનું મુળ કાવ્ય
અંગ્રેજીમાં હતું. સંસ્કૃતિએ આ કાવ્યનો ગુજરાતી ભાવાનુવાદ કરીને નવેમ્બર ૧૯૭૪માં
પ્રકાશિત કર્યું.
'સરદાર' આ ચાર અક્ષરનું નામ પડે એટલે પ્રત્યેક
હિન્દુસ્તાનીના હૃદયમાં હરખ હિલોળા લેવા માંડે. ભુજાઓમાં બળનો અહેસાસ થવા લાગે.
છાતી ગજ ગજ ફુલવા લાગે. આમ તો ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ બાદ ગાંધીજી સહિત દેશ
આખાને વલ્લભભાઈની અસલ આગવી ઓળખ થઈ. સ્વાતંત્ર સંગ્રામના ઇતિહાસના પાના ફેરવતા
સરદારના જીવનના સૌથી મહત્વના અને અજોડ કાર્યોની જાણકારી મેળવીએ ત્યારે એક ગુજરાતી
અને હિન્દુસ્તાની તરીકે છાતી ગર્વથી ફુલે એ સ્વાભાવિક છે. તેમાય ૧૯૪૫ વર્ષ ૧૯૫૦ના
પાંચ વર્ષોમાં સરદારે અખંડ ભારતના નિર્માણ માટે અદભુત કાર્યો કર્યા છે. વિવિધ
સ્વાતંત્ર્ય સંગ્રામો, બાપુના મહત્વના
કાર્યક્રમો, આઝાદ ભારતના
ગૃહમંત્રી તરીકેની મહત્વની કામગીરી વગેરે એ સમયના અનેક અવિસ્મરણીય કાર્યોના
પુસ્તકોના પુસ્તકો ભરીને વિવરણ કરવામાં આવે તો પણ ઓછું પડે. સરદાર ઓછું બોલનારા, દેખાવ ન કરનારા અને માત્ર નિષ્ઠાથી કાર્ય
કરનારાઓમાંના હતા. એટલે જ ઉમાશંકરજીએ લખ્યું છે કે, 'એના શબ્દો, શબ્દો નથી, કાર્યો છે...'
હિંમતભાઈ મહેતાના પુસ્તક 'ચક્રવર્તી સન્યાસી સરદાર પટેલ'માં સરદારના અખંડ ભારતના શિલ્પને યાદ કરતા લખ્યું
છે કે, ગંગા બીજું કશું ન કરત
અને માત્ર દેવવ્રત ભીષ્મને જન્મ આપ્યો હોત તો પણ આર્યજાતિની આદરણીય માતા તરીકે
સદીઓ સુધી એમને પૂજા થતી હોત. એ જ રીતે સરદારે બીજું કશું ન કર્યું હોત અને માત્ર
દેશી રજવાડાઓના એકત્રીકરણનું એક જ કામ કર્યું હોત તો પણ ભારતના ઇતિહાસમાં તેમનું
યોગદાન ચિરંજીવ બની રહ્યું હોત.
ઝવેરભાઈ અને લાડબાના સોમાભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ, અને કાશીભાઈ એમ પાંચ પુત્રોમાં વલ્લભભાઈ ચોથા
નંબરના પુત્ર. આ પાંચ ભાઈઓ ઉપરાંત સૌથી નાની બહેન ડાહીબા પણ ખરી. બધા ભાઈઓમાં નાની
બહેન ડાહીબા સૌથી વધુ લાડકા. સરદાર વલ્લભભાઈ પટેલના સાચા વ્યક્તિત્વના દર્શન તેમની
સીધી, સ્પષ્ટ, સચોટ વાણી અને કર્યોમાં જ થાય. 'સરદાર' પટેલને સૌથી પહેલા 'સરદાર' તરીકે કોણે સંબોધ્યા હશે એ સવાલ સહેજે થાય.
વર્ષ ૧૯૨૮-૨૯ની આ વાત છે. ગુજરાતના બારડોલીમાં 'ના-કર'ની લડત એના ચરમ ઉપર હતી. કોઈપણ સરકારી મહેસુલ ભરવા તૈયાર નહતું. ટ્રીબ્યુનલ -
લવાદ નિમીને ન્યાય આપવાની લોકોની સીધી સટ માગણી હતી. તત્કાલીન બ્રિટિશ સરકારે ડો.
ગિલ્ડર અને કનૈયાલાલ મુનશીને મુંબઈ ધારાસભાના સભ્યોને સરકારના પ્રતિનિધિ તરીકે
પરિસ્થિતિ સમજવા અને અહેવાલ તૈયાર કરવા બારડોલી મોકલ્યા. એમણે બારડોલીના નાની ફરોદ
ગામે ગ્રામજનો સાથે બેઠક કરી. સરદારે ડોક્ટર ડૉ. ગિલ્ડર અને મુનશીજીનો પરિચય આપી
કહ્યું, 'મુનશીજી, તમે પાટણની પ્રભુતાનો પારકો થઈ ગયેલો જુનો
ઈતિહાસ લખો છો. જ્યારે અમારી ગામડાની શૂરવીર બહેનો આઝાદીનો નવો ઇતિહાસ સર્જી રહી
છે તેને સમજો.'
આ ગ્રામજનોમાં અકોટી ગામના અભણ એવા ભીખીબહેન પણ
હતા. ભીખીબહેન સરદારની વાણી સાંભળીને જાહેરમાં બોલતા થઇ ગયેલા. ભીખિબહેને ડો.
ગિલ્ડર, મુનશીજી તથા વલ્લભભાઈને
સુતરની આંટી પહેરાવી સન્માન કર્યું. પછી બધા વચ્ચે ઊભા થઈને એમણે ભાષણ આપ્યું. 'ના-કર' આંદોલન માટે પંચ નિમવાની માંગ કરીને ભીખીબેને કહ્યું કે, 'અમારી આ લડતને વલ્લભભાઈ પટેલ સાહેબનો ટેકો છે.
વલ્લભભાઈ અમારા આગેવાન છે. લડતના એ 'સરદાર' છે. અને અમે તેમના સૈનિકો છીએ.’ આમ ૧૯૨૭-૨૮મા
અકોટા ગામની એક મહિલા ભીખીબહેને વલ્લભભાઈને પહેલી વાર 'સરદાર' કહીને સંબોધ્યા. પછી તો ભીખીબહેને ફૂલચંદ શાહ રચિત ગીત શરૂ કર્યું. હાજર રહેલા
સૌએ એને ઉપાડી લીઘું.
નહીં હટશે, નહીં હટશે
બહાદુર પાછા નહીં હટશે લડશે લડશે સમરાંગણમાં છોને જમીન જાય
પાછા નહીં હટશે
કુરબાની કરતા નહિ થાકે ઘૂમે રણમેદાનમાં
પાછા નહીં હટશે
જુલમ ઘંટીમાં છોને પીલે શેતાની સરકાર
પાછા નહીં હટશે
જુલમોથી રોળાયા જગમાં લાખો જુલમી રાજ
પાછા નહીં હટશે
બારડોલી સત્યાગ્રહીઓ નમાવશે સરકાર
પાછા નહીં હટશે...
બારડોલીના નાની ફરોદ ગામમાં બ્રિટિશ સરકારના
પ્રતિનિધિઓ ડો. ગિલ્ડર અને મુનશીજીની હાજરીમાં ગામડાની ભીખીબહેન દ્વારા વલ્લભભાઈને
'સરદાર'નું બિરુદ અપાયાના સમાચારને એ વખતે ખાસ્સી
પ્રસિદ્ધિ મળી. ગાંધીજીએ 'નવજીવન' અખબારમાં એની નોંધ લઈને સરદારને બિરદાવ્યા.
ત્યારબાદ કલકત્તા હાલનું ‘કોલકાતા’માં સ્વાતંત્ર સંગ્રામના લડવૈયાઓની મહત્વની બેઠક
યોજાઈ. તેમાં સરદારને દેશની આઝાદીની લડતના એક આગેવાન તરીકે આગળ ધરીને 'રાષ્ટ્રના સરદાર'ની ઓળખ આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. બારડોલીના વલ્લભભાઈ પટેલની 'રાષ્ટ્રના સરદાર' તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ.
૫૬૨ જેટલા દેશી રજવાડાઓને એક કરીને આંખના
પલકારામાં અખંડ ભારતનો નકશો બનાવનાર આ સરદારનો જોટો વિશ્વમાં જડે એમ નથી. પોતાની
આવી અદભુત કામગીરીની વાહવાહી માટે સરદાર સાહેબને કોઈ ખેવના ન હતી. એમણે કોઈ લખાણ
કે કોઇ ગ્રંથ પ્રકાશિત ન કર્યા કે કરાવ્યા. એ દ્રઢપણે માનતા કે લખવા કરતા લખવા
જેવું કામ કરી બતાવવું વધુ મહત્વનું છે. સરદારના સહાયક વી.પી.મેનને એમના પુસ્તકમાં
વિલીનીકરણ અંગે ઘણી બધી આધારભુત વિગતો પ્રસ્તુત કરી છે. તેના આધારો સહજ રીતે
પ્રાપ્ય છે.
ગુજરાતના બીજા એક પનોતા પુત્ર અને ભારતના લોક
લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબ માટે કહ્યું છે કે, સરદાર ઓછાબોલા હતા, પરંતુ દૂરદર્શિતાથી એમણે સાર્વભૌમિક ભારતનું
સપનું સાકાર કરવા નીતિઓનો અમલ કર્યો. નહીં તો આજે ભારતમાં કેટલા બધા રજવાડા હોત. એ
જમાનામાં જેમનો જન્મ પણ થયો ન હતો,
જેમણે સરદારને
જોયા પણ નથી તેઓ પણ એ વાત સ્વીકારે છે કે, ભારત આજે પણ મજબૂત રાષ્ટ્ર છે એના પાયામાં સરદારનું નકશીકામ છે.
ધબકાર :
લડાઈ હંમેશા બે પ્રકારની હોય છે,
એક જુલ્મોની સામે
અને બીજી પોતાની નબળાઈઓ સામે.
(સરદાર સાહેબે
૧૯૩૬માં સંયુક્ત પ્રાંતના કિસાન સંમેલનમાં આપેલા વક્તવ્યમાંથી)
