પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 11 April 2017

‘કમ્ફર્ટ ઝોન’ કંટાળાજનક લાગે : સગવડોના પ્રદેશમાંથી બહાર આવે એ જ વિકસી શકે.

 કમ્ફર્ટ ઝોનકંટાળાજનક લાગે
સગવડોના પ્રદેશમાંથી બહાર આવે 
એ જ વિકસી શકે.
       -પુલક ત્રિવેદી

એક એક પળ ગુંથાઈને જીવનનું પોત ઘડાય છે. પ્રત્યેક પળનો પ્રમાણિકતાથી ઉપયોગ કરાય એની મજા છે. પળને પસાર કરવા માટે નથી. પળે પળમાં સાંગોપાંગ ઉતરીને જીવવું એ જ તો યોગ છે. જાપાન દેશમાં મહદંશે લોકો ઝેન ધર્મ પાળે છે. ઝેન ફિલોસોફીમાં વર્તમાનનુ મહત્વ અનેરુ દર્શાવ્યું છે. તમારી સામે જે ક્ષણ છે તે જ સત્ય છે અને તેમાં જ સંપૂર્ણ રીતે સમાઈ જવાનું ઝેન શાસ્ત્ર કહે છે. જે પળ પસાર થઈ ગઈ છે એ ઉત્તમ હતી કે ત્રાસદાયક હતી, તેની સાથે કોઈ લેવા-દેવા ન હોય. જે પળ ચાલી ગઈ છે, હાથમાં નથી તેની માટે સમય શા માટે આપવો ? જે સમય આવવાનો છે તે સારો હશે કે ખરાબ એની કોઈને આગોતરી જાણ હોઈ શકે છે ? એટલે ઝેન ગુરૂઓ કહે છે કે, જે પળ તમારા હાથમાં છે એજ સાચી વાત છે. તમારી પાસે અત્યારે જે ક્ષણ છે એ જ સત્ય છે. આ સરી જતી પળનો હું ઉપયોગ કરું. અને જો પળ વહી જશે તો એ પણ ભૂતકાળ બની જશે. એનો કોઇ ખપ નહીં રહે.



એક ભાઈને રજાના દિવસે પૂછ્યું :ક્યાં ચાલ્યા અત્યારે સવાર સવારમાં...?’ તો કહે, “રજામાં ટાઈમ પાસ કરવા વાળ કપાવા જઈ રહ્યો છું.” સમય એ પસાર કરવાનો મુદ્દો હરગીઝ છે જ નહીં. સમયનો તો હંમેશ સદઉપયોગ કરવાનો છે. સામાન્ય રીતે મે-જૂન મહિનામાં કોઈપણ બાળકો પરીક્ષા પછી સમય પસાર કરવા કંઈક ને કંઈક પ્રવૃત્તિ ખોળી કાઢતા હોય છે. જ્યારે કોઈ એક પ્રવૃત્તિ થતી હોય એની સાથે સાથે સુસુપ્ત મનમાં અન્ય કોઈ બાબત ચાલતી હોવી જોઈએ.
ખાલી બેસી રહીને નિરર્થક રીતે સમયને માત્ર વહેવા ન દેવાય. સમયની સાથે તમે પણ વહેવા લાગો. જે પણ ચિત્તને રૂચે એ કરો પણ સતત અવિરત કંઈકકરતા રહો. સ્ટીવ જોબ્સ ખુબ જાણીતુ નામ. ‘એપલના સંસ્થાપક. મેઘાવી વ્ય્ક્તિત્વના માલિક. સ્ટીવ જ્યારે વિશ્વની બેસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે સાથે સાથે કેલીગ્રાફીપણ શોખથી કરતા. કેલીગ્રાફી એટલે જુદા જુદા શેઈપ અને સ્ટાઈલમાં અક્ષરોનું લખાણ કરવું. આગળ જતાં સ્ટીવને તેમની કેલીગ્રાફીએ એપલના ફોન્ટનું નવું વિશ્વ સર્જન કરવામાં ખૂબ મદદ કરી. કહેવાનું તાત્પર્ય એટલું જ કે, વર્તમાનમાં સામે ઊભેલી પળમાં કંઈક કરવું એટલે શિક્ષણ અને અભ્યાસ રિલેટેડજ કરવું એવો અર્થ નથી. સ્ટીવની કેલીગ્રાફીની પ્રવૃત્તિ એની કારકીર્દિ સાથે બિલકુલ સુસંગત ન હતી. મન અને લગનથી કરેલું કાર્ય કોઈ દિવસ નિરર્થક બનતું જ નથી.
સમય સાથે સતત પ્રતિપળ વિકસતા રહેવાની ચાવી હંમેશા કંઈક કરતાં રહેવામાં છે. બે મિત્રો અભ્યાસ પૂરો કર્યા પછી અલગ અલગ શહેરમાં નોકરી-વ્યવસાય માટે છૂટા પડ્યા. પાંચ-સાત વર્ષ પછી બન્ને એક હોટલના કોઈ બિઝનેસ મિટીંગમાં ભેગા થયા. એક મિત્રએ બીજા મિત્રને કહ્યું યાર, તું તો બિલકુલ નથી બદલાયો. જેવો કોલેજમાં હતો એવો જ લાગે છે.’ પેલો મિત્ર ખુશ થઈ ગયો, કે વાહ, મારામાં કોઈ ચેન્જ નથી આવ્યો. ખરેખર તો આ એક ખતરનાક ટીપ્પણી છે. કોઇ બદલાવ ન આવવો એ તોએલાર્મીંગ સિચ્યુએશનકહેવાય. પાંચ-સાત વર્ષમાં તો આચાર-વિચાર, સંસ્કાર-સ્ટાઈલ તમામ બાબતોમાં સમુળગું પરિવર્તન દેખાવું જોઈએ. મહેસુસ થવું જોઈએ. જ્યાં પરિવર્તન નથી, બદલાવ નથી એ બંધીયાર પાણીની જેમ ગંધાઈ ઊઠે છે. જીવન તો નદીના વહેતા પાણીની જેમ પ્રતિપળ બદલાતું હોવું જોઈએ. એક-એક પળની પાળ કૂદતા કૂદતા નવા સીમાડા સર કરતા જવું જોઈએ.
પ્રત્યેક કામની સાથે બીજું કામ પણ જોડે જોડે ચાલતું રહે એ આદર્શ વાત છે. અભ્યાસની સાથે ચિત્રકામ, ઓફિસકામની સાથે કાવ્ય લેખન વગેરે. જ્યારે જ્યારે શિખવાની શુદ્ધ ભાવનાથી પ્રત્યેક પળનો સદઉપયોગ થાય ત્યારે ખોટું કામ થતું હોય તો તેમાંથી પણ કંઈક સારી વાત શીખવા મળે. પણ જો ખોટી ભાવનાથી અને શીખવાની તમન્ના વગર સારું કામ કરવામાં આવે તો પણ તેના વિનાશક પરિણામ જ મળે. હોલીવુડના પ્રસિદ્ધ કલાકાર ટોમ ક્રુઝને કોઈકે એક વાર પૂછ્યું કે, તમે નવરાશનો સમય કયો ટી.વી. પ્રોગ્રામ જોવામા કે રેડિયો પ્રોગ્રામ સાંભળવામાં પસાર કરે છો ? ત્યારે ટોમે સરસ જવાબ આપેલો. ‘હું કોઇ પણ પળે સમય પસાર કરતો નથી હુ હંમેશા પ્રત્યેક પળનો ઉપયોગ કરી લઉ છું. ટેવી જોવા કે રેડિયો પ્રોગ્રામ સાંભળવા કરતાં હું ઘરની બહાર ઊભો રહી લોકોને આવતાં-જતાં જોવામાં તેમને ઓબ્ઝર્વ કરવામાં પસાર કરવાનું વધુ પસંદ કરૂ છું. મને લોકોની વર્તણૂંક ઉપરથી ઘણું જાણવા મળે છે અને મારા એક્ટિંગના વ્યવસાય માટે પણ જાણે-અજાણે એમાંથી ભાથું મળી જાય છે.’
આપણા મનમાં જે બનવાની તમન્ના એ ક્યારેય ઘટવી ન જોઇએ. જેના માટે હદયમાં તડપ છે એ ક્યારેય ઓછી ન થવી જોઈએ. એવા લોકો નજર સામે હોવા જોઇએ કે, જે સફળ થઈ ચૂક્યા છે. તમે જેમના જેવા બનવાની તમન્ના મનોમન પાળી રહ્યા છો એને જૂઓ. અવસર મળે તો એમની સાથે વાત કરો. એનાથી નુકસાન તો કંઈ છે જ નહીં, બલ્કે ફાયદો છે. બે-ચાર સારી ટીપ્સમળી જાય. જીવનને કોઈ સાચો રાહ દેખાઈ જાય. કદાચ એ પળજીવનનો ટર્નીંગ પોઈન્ટબની જાય.
મુળ વાત તો એ છે કે, વિકસાવવાની આદત પડવી જોઈએ. આગલી પળે જે હતા તે અત્યારની પળે નથી, એવો જાગૃત અહેસાસ થાય એ અગત્યનું છે. ગઈકાલ કરતાં આજે બે ડગલાં આગળ ચાલ્યા છીએ એવો સંતોષ પ્રતિદિન થવો જોઈએ. પળે પળ કંઈક ચેલેન્જિંગ હોવું જોઈએ. જીવનમાં સતત સુખ અને સવલત હોય તો એ બોરીંગ લાગે. ક્યાંક કોઈ સંઘર્ષ ન હોય, કોઈ તકલીફ ન પડે, માગો અને વિચારો એ ફટાફટ મળી જાય એવા કમ્ફર્ટ ઝોનથોડા સમયમાં જ કંટાળાજનક અને પીડાદાયક લાગે.



પ્રતિભા જન્મે નહીં. પ્રતિભા તો કેળવાતી હોય છે. એક એક પળને ગમતા કાર્યો સાથે જોડીને જીવનને ઘડવુ પડે. માનવી માતાના ગર્ભથી માંડીને જીવનના છેલ્લા શ્વાસ સુધી કંઈક શીખવાની તમન્ના સાથે જીવતો હોય છે. પ્રતિભાનું ઘડતર એક એક પળને જોડીને થતું હોય છે. તત્વચિંતક રિચાર્ડ બેન્ડલર કહે છે કે, માણસની સૌથી મોટી વ્યક્તિગત મર્યાદા એ જે કરવા માગે છે અને નથી કરી શકતા એ નથી, પણ માણસ જે કરી શકે છે એ દિશામાં એણે વિચાર્યું નથી એ એની મોટી મર્યાદા છે.
રોજે રોજ ભરપુર આનંદ સાથે જીવવા માટે પ્રત્યેક પળમાં કંઈક ને કંઈક ગમતી વાત કરતા રહેવી પડે. મોજથી જીવવા માટે કોઈની સૂચનાની ક્યાં જરૂર છે. કોઈપણ કામ કરવા માટે કે ટેવ બદલવા માટે કોઈ અકસ્માત કે માંદગીની રાહ શા માટે જોવી પડે ? આપણી કોઈપણ ટેવ કે કોઈપણ ગમતી વાત કરવા માટે આપણી સામે ઊભેલી અને આપણા હાથમાં રહેલી આ પળ જ શ્રેષ્ઠ છે. કવિવર રવિન્દ્રનાથ ઠાકુરે સરસ વાત કરી હતી કે, માત્ર થોડા કલાકો જ જીવતું પતંગિયું સતત વર્તમાનમાં જીવતું હોય છે, એટલે જ એનું જીવન રંગીન અને સંગીતમય હોય છે.
દુનિયા ત્રણ પ્રકારના લોકોથી ભરેલી પડી છે. એક એવા લોકો છે જે વહી ગયેલી ક્ષણો ઉપર ખાડા ખોદતા હોય છે. બીજા આવનારા સમય ઉપર મિનાર ચણતા હોય છે આ બન્ને લોકો જીવનનો સાચો આનંદ ક્યારેય માણી શકતા નથી. જ્યારે ત્રીજા એવા લોકો હોય છે, જે હાથમાં રહેલી પળને ભરપૂર માણે છે, સજાવે છે, સવારે છે. એમનું જીવન ભર્યું ભર્યું રહે છે. આવા લોકો વર્તમાનની પ્રત્યેક પળમાં કશુંક કરતા રહે છે. એમને એ ખબર નથી હોતી કે, આ કાર્યનો કેટલો કેવો અને કેવી રીતે રીવોર્ડમળશે ? પણ આવા લોકો વર્તમાનની પળને જીવી જાણે છે. પ્રત્યેક પળમાં જીવવા માટે મોટા-મોટા પ્રયાસોની ક્યાં જરૂર છે. માત્ર નાના-નાના પ્રયત્નો મોટા પરિણામો આપતા હોય છે. સગવડોના પ્રદેશમાંથી બહાર આવીને કશુંક કરનારા જ વિકસી શકે છે.

ઘબકાર :
જે વ્યક્તિના જીવનમાં ભવિષ્યના ભયનો ઓથાર નથી, ભૂતકાળનો ભાર નથી એ વર્તમાનની મોજ માણે છે.

0000000000000000