પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 6 July 2020

ફાઈલ તો કંઈ બોલતી હોય...!



સંબંધોની ઈંટોના ટોળાથી જીવનની ઈમારતની દીવાલ રચાતી હોય છે. ઘણીવાર એવું લાગે કે, સંબંધોની ઈંટો ઉપર ખાર લાગતા જિંદગીની આ દીવાલ બોદી બની ગઇ છે. ટેલીવુડની ભારાડી પ્રોડ્યુસર અને અદાકાર જિતેન્દ્રની ક્રિએટીવ પુત્રી એકતા કપૂરે માનવીય સંબંધોની સુવાળપ અને પારિવારિક સંઘર્ષોની દાસ્તાન ટીવીના ટચૂકડે પડદે બખુબી પ્રસ્તુત કરી છે. કાકા-ભત્રીજા, ભાઈ-ભાઈ, પિતા-પુત્ર, માસા-માસી, પતિ-પત્ની વગેરે સંબંધોની શક્તિ અને વિવાદોના વંટોળીયાથી જીવન હંમેશા ઘેરાયેલું રહેતું હોય છે. આ વાતને એણે ટીવીની સ્ક્રીન ઉપર મુકી ઘરે ઘરે જાગૃતી આણી દીધી છે. એની કેટલાક અંશે ટીકાઓ પ્પણ થઇ છે.




આજે એકતા કપૂરની વાત સાથે જોડીને મહેસુલ વિભાગમાં દાયકાઓ સુધી સેવા આપી નિવૃત્ત સનદી અધિકારી જે. બી. વોરા લિખિત પુસ્તક ફાઈલ બોલે છેમાં પારિવારિક સંબંધોમાં થતા વિવાદની પરાકાષ્ટાને સુપેરે દર્શાવાઈ છે એની વાત માંડવી છે. લેખક શ્રી વોરાનો ગામડા ગામમાં સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ થયો. ગ્રામ્ય ઉછેરના કારણે ગામડાની સુવાસ અને શહેરી વિસ્તારોમાં જોબ કરી હોવાથી શહેરોની સંસ્કૃતિ બન્ને પ્રકારની જીવનશૈલીએ લેખકનું ઘડતર કર્યું હોય એમ લાગે છે. બાળપણમાં ઘણા સંઘર્ષો, અનેક મુશ્કેલીઓનો એમણે સામનો કર્યો છે. કદાચ એટલે જ એમની કલમમાં આટલી ધાર મહેસુસ થાય છે.




ફાઈલ બોલે છેપુસ્તક જ્યારે જોયું ત્યારે પુસ્તકના ટાઈટલને વાંચતા જ આશ્ચર્યની સાથે થોડું હસવું પણ આવી ગયું. પુસ્તકનું આવું તો નામ થોડું હોય ? પણ સાચું કહું તો આ નોખા-અનોખા નામથી જ પુસ્તકનું મુખપૃષ્ઠ ખોલવાની તાલાવેલી પણ થઈ. પુસ્તકની પ્રસ્તાવના વરિષ્ઠ સનદી અધિકારી શ્રી મનોજકુમાર દાસે લખી છે. એમણે લખ્યું છે કે, સમાજજીવનની નાડ પારખીને આ મૂલ્યવાન પુસ્તક તૈયાર થયું છે. પુસ્તકમાંથી પસાર થતા દાસ સાહેબના આ શબ્દો અક્ષરસઃ સાચા લાગ્યા. ઋગવેદની રુચા જ્ઞાની જ સત્યને જોઈ શકે છે, અજ્ઞાની નહીંથી આરંભ થતું આ પુસ્તક કુલ ૪૦ પ્રકરણમાં વિસ્તરેલુ છે. પ્રત્યેક પ્રકરણ સંબંધોની માયાજાળના પ્રશ્નનો સંવેદનશીલતાપૂર્વક ઉઘાડ કરે છે.




પુસ્તકના પ્રારંભે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ શ્રી કે. એ. પૂજે પુસ્તક વિષે તલસ્પર્શી વાત કરી છે. પુસ્તક વાંચતા પહેલાં શ્રી પૂજની ૧૯ પાનાની વિભાવનામાં પુસ્તકના મર્મનો નિચોડ આવી જાય છે. પુસ્તકનું સૌથી સબળ પાસું એ લાગ્યું કે, એમાં રજુ થયેલી તમામ ઘટનાઓની પુષ્ટભુમિ વાસ્તવિક છે. ખરેખર બનેલી હકીકતો તેમાં વર્ણવાઇ છે. જો કે લેખકે પાત્રોના નામ બદલીને માનવીય મૂલ્યોને સુપેરે સાચવ્યા જરૂર છે. વળી સાચા નામ ન દર્શાવીને વ્યક્તિના આત્મસંમાનને પણ એમણે બરકરાર રાખ્યું છે.

જર, જમીન અને જોરૂ કજીયાના છોરૂ. આપણા વડવાઓ અને શાસ્ત્રોમાં આ બ્રહ્મ વાક્ય નિર્દેશાયેલું છે. મિલ્કત, જમીન, વિધવા, ત્યકતા, અનાથ વગેરેની આસપાસ સમાજ જીવનમાં પારાવાર કજીયાના કિસ્સાઓ બનતા હોય છે. પુસ્તકમાં આવા કજીયાઓની બોલકી ફાઈલોનો મર્મસ્પર્શી ચીતાર છે.




દિયરવટુ, પ્રેમલગ્નની પીડા, પુનઃલગ્ન, બીજવર, અનાથ બાળકની કથા, અપરણિત પુરુષની સંપત્તિ, વાંજણીની કથા, દત્તક પુત્ર, કામનો ઉકેલ કે નિકાલ, મહિલાનો ભાગ, વારસાઈ, સાળા બનેવીની તકરાર, આંગળીયાત સંતાન જેવા વિવિધ સંબંધોના ઉડેલા ચિથરાના સુખદ ઉકેલની વાતો પુસ્તકમાં અદભુત રીતે વર્ણવાઈ છે. પુસ્તકમાં લેખકની સંવેદના ફાઈલ બોલે છે સાંભળો સાંભળોમાં માર્મિક રીતે અભિવ્યક્ત થતી જોવા મળે છે. ફાઈલને વાચા આપીને લેખકે તેમના જીવનમાં અનુભવેલી, સાંભળેલી અને નિર્ણય કરેલી બાબતોને સહજતાથી પ્રસ્તુત કરી છે. પુસ્તકમાંથી પસાર થતા સહજ અનુભવ થાય કે, બીજાની વિટંબણાઓ અને તકલીફોની લેખકના અંતરમન ઉપર થયેલી અસર એમના શબ્દે શબ્દમાં ટપકે છે.

પુસ્તકમાં એક જગાએ લેખક સ્વીકારે છે કે, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાનો આત્માનંદ મેળવતાં મેળવતાં કેટલાક હિતશત્રુઓની ખોટી ખટપટ, કાન ભંભેરણી અને બેનામી અરજીઓથી જીવનના નૈતિક મૂલ્યો સામે જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે ત્યારે એક પ્રકારની હતાશા અને નિરાશા અનુભવાય છે. આમ છતાં લેખક ફાઈલને એક પરમતત્વ ગણી સત્યની શક્ય એટલું નજીક રહેવાના નિર્ણયનો શંખનાદ તો કરે જ છે.

ફાઈલ બોલે છેપુસ્તકનો બહુઆયામી કોન્સેપ્ટ ગમી જાય એવો છે. મજાની વાત તો એ છે કે આખા પુસ્તકમાં લેખક પડદા પાછળ રહ્યાં છે અને પ્રત્યેક તબક્કે ફાઈલ જ છાપરે ચડીને બોલતી જણાય છે. આખા પુસ્તકના તમામ પાત્રો આપણી આસપાસના જ છે. ક્યાંય કોઈ વાર્તા કે કલ્પનાઓ નથી. પાત્રના જીવનમાં ઘટેલી ઘટનાઓને સમજી પાત્રની ભાવનાઓને સર આંખો ઉપર રાખીને લેખકે ઘટનાઓને શબ્દ દેહ આપ્યો છે.




પુસ્તકના હે ફાઈલ સાંભળ... સાહેબ બોલે છે ?’ પ્રકરણમાં લેખકે સરકારના નીતિ-નિયમો અને સમાજના કાયદાઓનો સુભગ સમન્વય સાથે લોક સંવેદનાને પારખવાની હૃદયસ્પર્શી વાતને ઉજાગર કરી છે. લેખક શ્રી જે. બી. વોરાના વિચારો, અનુભવો અને દ્રષ્ટિને જાણીતા કોલમિસ્ટ અને લેખક મિત્ર રાજ ભાસ્કરે એમની નિવડેલી કલમે મઝાનો શબ્દદેહ આપ્યો છે. ફાઈલ બોલે છેપુસ્તકનું પ્રકાશન રન્નાદે પ્રકાશને કર્યું છે. સરકારી ફાઈલો બેજાન ક્યારેય નથી હોતી. જો સંવેદનાસભર સ્પર્શ મળે તો એ ખીલીને ગુલમહોર બનતી હોય છે. સંવેદનાસભર સ્પર્ષ ‘સરકારી’ ફાઈલોને ‘અસરકારી’ બનાવી દેતી હોય છે.

 

ધબકાર :

પોતાની ખુશી જેટલી મહત્ત્વની છે એટલી જ પોતાનાથી ખુશ થતાં લોકોની ખુશી મહત્ત્વની છે.