પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 4 May 2020

જગતમાં સૌ પ્રથમ ગુજરાતની ધરતી ઉપર થયો કોરોનાનો કિતાબથી સામનો કરવાનો જયઘોષ


જગતમાં સૌ પ્રથમ ગુજરાતની ધરતી ઉપર થયો કોરોનાનો કિતાબથી સામનો કરવાનો જયઘોષ


અંધેરા પંખ પસાર રહા હૈ,
પર મેરી ભી એક જીદ હૈ,
અપને ભીતર કી રોશની લિએ,
ચલૂંગા જહાં તક હદ હૈ...



કોણ કહે છે આજના જમાનામાં વાંચન ઓછુ થઇ ગયું છે ? કોણ કહે છે આજકાલ લોકો પુસ્તકો ખરીદતા નથી અને વાંચતા નથી ? હમણા હમણા એક લેખક અને વાંચકવીરોનો કિસ્સો ધ્યાન ઉપર આવ્યો ત્યારે એમ લાગ્યું કે, શબ્દપ્રેમી અને સાહિત્યરસિક એવા વાંચકોની બિલકુલ ઓટ નથી આવી બલ્કે વધી છે. કોરોનાના કાળા ડિબાંગ વાદળોથી સમગ્ર વિશ્વ ઉપર અગમ્ય અંધારુ પ્રસર્યું છે ત્યારે ગુજરાતના એક ખૂણેથી એક લેખકવીરે જબરી હાક લગાવી છે. જયના કોરોના સામે કિતાબના જયઘોષની વાત માંડીને કરીએ એ પહેલા થોડી જયની ભૂમિકા સમજવા જેવી છે. નામ એનું જય લલીત વસાવડા. ગુજરાતીઓમાં ખુબ વંચાતો અને સંભળાતો જય લાખો ગુજરાતી પરિવારોમાં જાણીતું અને માનીતું નામ છે. જય એક નિવડેલો કલમનો સોદાગર છે. શબ્દોનો એને અજબનો નશો છે. એના શબ્દોથી એ હંમેશા વાંચકોને મદહોશ કરતો આવ્યો છે. પેલી વાત સનાતન સત્ય છે કે, ઘણુ બધુ કહીને વધુ છુપાવી દેવું, આસાન નથી હોતુ લેખક થવું. જીવનની બારીકાઇને ખુબ નજીકથી જુએ છે એ લેખક બનતો હોય છે. જ્યારે કલમમાં લોહીની શાહીમાં ઝબોળીને લખાય ત્યારે લખાણમાં જાન આવી જતી હોય છે. જય એક બળવાન લેખક છે. કાગળ ઉપરના શબ્દશસ્ત્ર લેખનવીર બનાવતા હોય છે. જય શબ્દોનો તીરંદાજ છે. હંમેશા ઉચી ઉચી દીવાલો ફાંદીને જીવનનો જયઘોષ કરે છે.



જય એક એવો શબ્દવીર છે કે જે, પહેલાં તો એક જગાએ શાંત ચિત્તે બેસે છે, પછી એની કલમ ચાલે છે, ટીપ્પણીઓ લખે છે. ત્યાર બાદ ઉઠીને લખાણના કાગળોની બહાર ચાલ્યો જાય છે અને પછી બધા એ શાહીની પાછળના કાળા અક્ષરોમાં પોતાની જાતને શોધતા હોય છે. જય એક એવો લેખક છે કે જે લખે છે ત્યારે દિમાગ કરતા દિલથી વધુ વિચારે છે. જયની પર્સનલ લાઇબ્રેરીમાં ૧૮,૦૦૦ જેટલા પુસ્તકો, મેગેઝીનો તથા ૫૦૦ જેટલી સીડી/ડીવીડીનો ખજાનો છે. એની સૌથી મોટી દોલત એના શબ્દો છે. આમ તો લેખક માટે એવુ કહેવાય કે, લેખકની જીભ કરતા કલમ વધુ ચાલતી હોય છે. જયના સંદર્ભમાં આ શબ્દો પલટાવવા પડે એમ છે. જયની જીભ અને કલમ બન્ને નિરંતર અને ધારદાર ચાલે છે. વાચકો અને શ્રોતાઓ બન્ને હાથે એને થમ્સ અપ કરતા થાકતા નથી. જયે ૩૩૦૦થી વધુ દેશ-વિદેશમાં મનનીય વક્તવ્યો આપ્યા છે.



ગુજરાતના આ ફાંકડા લેખક અને બેમિસાલ વકતાના મનમાં ગત રામ નવમીના દિવસે એક વિચાર ઉગ્યો. એને થયું કોરોનાની મહામારી સામે આખો દેશ પ્રચંડ યુદ્ધ લડી રહ્યો છે ત્યારે એમાં કંઇક જુદી જ રીતે યોગદાન આપવુ જોઇએ. એક નવી ભાત પાડવી જોઇએ. કોરોનાનો કિતાબથી સામનો કરવો જોઇએ. એના આ વિચાર સાથે નવભારત સાહિત્ય મંદિરના ભાઇ રોનક ખભે ખભો મિલવી જોડાયા. આ બન્ને મિત્રોએ ભેગા મળી એક નવતર સંકલ્પ તરતો મુક્યો. એપ્રિલ તારીખ ૬ મહાવીર જન્મ કલ્યાણક ભગવાન મહાવીરના જન્મોત્સવના મંગલદિનથી શરુ કરીને ૧૪મી એપ્રિલ નવ દિવસ સુધી જય વસાવડાના તમામ પુસ્તકો ભારતભરમાં કોઇ પોસ્ટેજ, કુરિયર ચાર્જ વગર ૨૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે આપવાનો વિચાર એફબી ઉપર એમણે વહેતો કર્યો. વાંચકોને તો ૨૫ ટકા ડિસકાઉન્ટની રકમનો ફાયદો થયો પણ તેની સામે આ બે મિત્રોએ ડિસકાઉન્ટ જેટલી જ રકમ ઉમેરી પીએમ કેર ફંડમાં કોરોના સામેના જંગ માટે આપવાની યોજના અમલમાં મુકી.



જય વસાવડાના પુસ્તકો આમ પણ ધુમ વેચાય છે. પ્રતિવર્ષ એની આવૃત્તિઓ પુનઃમુદ્રીત થતી જ હોય છે એટલે એવુ માનવાનું કારણ ન હોઇ શકે કે પુસ્તકો વેચાયા વગરના પડી રહ્યાં હતા એટલે આ સ્કીમ મુકાઇ હશે. વળી બીજી એક મહત્વની વાતની નોંધ એ પણ લેવી પડે કે, કાગળ અને પ્રિન્ટીંગના કૂદકે ને ભૂસકે વધતા ભાવોમાં અગાઉની કિંમતે પુસ્તકો આપવા એ એક અત્યંત ખોટને નોતરવાની વાત છે. જે મિત્રો પ્રિંટિંગ એન્ડ પબ્લિશીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે એ આ વાતને બરાબર સમજી શકે એમ છે. પરંતુ ‘એવરી થીંગ ઇઝ ફેર વ્હેન કોઝ ઇઝ નોબલ.’ જય અને રોનકના આ વિચારને વાંચકબંધુઓએ જબ્બર પ્રતિસાદ આપ્યો. માત્ર નવ દિવસમાં જયના ૧૦ લાખ સાત હજાર સો રૂપિયાની અધધ કિમતના પુસ્તકોનું બુકિંગ થયું. એમાંથી ૨૫ ટકા ડિકસાઉન્ટ અને એટલી જ રકમ જય અને રોનક પીએમ કેર ફંડમાં આપશે. આ લખાઇ રહ્યું છે ત્યારે લોક ડાઉન છે એટલે ઓર્ડર બુક કરનારાઓને પુસ્તકો લોક ડાઉન ખુલ્યા બાદ પોસ્ટથી મોકલવાના શરૂ થનાર છે. મજાની વાત તો એ છે કે, ‘પીએમ કેર ફંડમાં જય કે રોનકના નામે દાન આપવામાં નહીં આવે, આ દાન જય વસાવડા લવર્સના નામે અને તમામ પુસ્તક ખરીદનારના નામોની યાદી સાથે આપવામાં આવનાર છે.



અહીં એક વાતની નોંધ લેવી ઘટે કે, કોઇ લેખકે એના પુસ્તકો માટે ડિસ્કાઉન્ટ આપી ચેરીટી કરી હોય એવો આખી દુનિયામાં કોઇ પ્રસંગ બન્યો હોય એવું ધ્યાનમાં નથી આવ્યું. હાં, કોઇ પ્રકાશકે આવો પ્રયોગ કર્યો હોય એવુ બની શકે. ગુજરાતની ધરતી ઉપર ઉગેલા એક લેખકના વિચાર દ્વારા થયેલા આ અનોખા પ્રયોગ અને સંકલ્પથી સિધ્ધીની યાત્રાનું યશોગાન આવતા દિવસોમાં ઘણા કરશે. કોઇ લેખક દ્વારા અમલમાં મુકાયેલો સંવેદનાસભર પ્રયોગથી જગતના ઇતિહાસમાં એક નવો કિર્તિસ્તંભ ગુજરાતના આ લેખક બંદાએ કરી બતાવ્યો છે.
કોઇપણ પ્રચાર વગર માત્ર ફેસબુક પેજ ઉપર જાણકારી આપીને ઇતિહાસ રચનારા જય વસાવડા એના એફબી પેજ ઉપર વાંચકોને કહ્યું કે, ‘સ્પીકર પણ સ્પીચલેસ થઇ જાય એમ ભરોસો મૂકીને પ્રેમવર્ષા કરે એને બીજુ શુ કહી શકાય ? કલમથી રસિકતા અને સચ્ચાઇ, કુતુહલ અને રોમાંચ, કળા અને વિજ્ઞાનના વિશ્વની ઉઘડતી બારીથી કેવો ઉભો મોલ લહેરાય એનું વાવેતર થયું છે એની આ દુનિયાને દુર્લભ એવી સાબિતી મળી છે. જગતનો આવો પ્રથમ પ્રયોગ થયો કોરોના સામે કિતાબનો. બધા વાચકોને આપીએ એટલા ખિતાબ ઓછા પડે.’ જય કહે છે કે, પુસ્તકો મસ્તકો ઘડે છે એની જગતને સાબિતી આપવાનો પ્રયાસ ડંકાની ચોટ ઉપર ગુજરાતમાંથી થયો છે. જયના દસ લાખ ઉપરાંતની કિંમતના લેવાયેલા પુસ્તકોમાં સૌથી વધુ ઓર્ડર JSK (જય શ્રી કૃષ્ણ) પુસ્તકને મળ્યો છે. એવા તો ઘણા વાચકો પણ છે કે જેમની પાસે જયના પુસ્તકો ઓલરેડી છે છતાં આ નોબલ કોઝ માટે ઓર્ડર કર્યા છે. કોરોના સામે કિતાબના વિચારને દિલથી આવકારનારા આવા વાંચકોને પણ સલામ છે. જય હલ્કે સે જીસ્મ મે ભારી રૂહ લીયે ફિરતા હૈ, વો બાતો બાતો મે લોગો કે કિસ્સે અપની કહાની બના લેતા હૈ... જય એવો વિચારક, વકતા અને લેખક છે કે જે એકવાર નક્કી કરે એટલે પરિણામ લાવે જ છૂટકો. લેખક બનવુ કદાચ આસાન છે પણ લેખક તરીકેની ગરીમા બરકરાર રાખવી અત્યંત કપરી છે. જય જેવા ચિંતકો એમના રચનાત્મક અને ઠોસ વિચારોથી જ ગરીમાપૂર્ણ રીતે વાચકોના હૃદય સિહાસને બિરાજતા હોય છે. જય હો...

ધબકારઃ
અભી તો ઇસ બાજ કી ઉડાન બાકી હૈ, અભી તો ઇસ પરિંદે કા ઇમ્તિહાન બાકી હૈ, અભી અભી ઉસને લાંઘા હૈ સમુંદરો કો, અભી તો પુરા આસમાન બાકી હૈ...