સમાજના અનિષ્ટો સામે ચકોરની પીંછીના
લસરકે આગ ભભુકતી
જેણે હાથમાં પિસ્તોલ કે તલવાર લઈને નહીં પણ કલમ
અને પીંછી લઈને સમાજનું અહિત કરનારા ભલભલા ચમરબંધીઓને અટકાવ્યા, ઝટકાવ્યા
અને ઉભી પૂંછડીએ ભગાડ્યા છે એવા બંસીલાલ વર્માની બે દિવસ પહેલા પુણ્યતિથી ગઈ. સમાજનો
આ જાગતો પ્રહરી સપ્ટેમ્બર, ૮ ૨૦૦૩માં દુનિયાને અલવિદા કરી ચાલી નીકળ્યો. બંસીલાલની
‘ચકોર’ નજરથી બ્રિટીશરોથી માંડીને ૨૧મી સદીની શરૂઆત
સુધી અનિષ્ટ તત્ત્વો બચી શક્યા ન હતા. ચકોર ન માત્ર ગુજરાત પરંતુ ભારત અને આખી
દુનિયાના અવ્વલ દરજ્જાના કાર્ટુનિસ્ટ ગણાતા હતા.
ચકોરની કલમમાં વેધકતા અને પીંછીના લસરકામાં હૃદય
સોંસરવી નીકળી જાય એવી આગ ભભુકતી હોય છતાં જેને ઉદ્દેશીને એમણે કલમ અને પીંછીનું
તીર છોડ્યું હોય એ આ પ્રહારને જોઈને ખડખડાટ હસી પડતો. કપટ, દંભ, છેતરામણી જેવા સમાજને કોરી ખાતા અનિષ્ટ
તત્ત્વો ચકોર દ્રષ્ટિથી બચી ન શકતાં. મુખના હાવભાવ, કપડા, ચિત્રની આજુબાજુની ઓપન સ્પેસ અને
છાયાનું સામંજસ્ય એમના કાર્ટૂન ચિત્રોને જીવંત બનાવતા. એમનાં હજારો વ્યંગ ચિત્રો, ઈલસ્ટ્રેશન્સ,
અનેક પુસ્તકોના મુખપૃષ્ટોમાં માનવીય અંતરમનની
સંવેદનાના ગહન ચિંતનની રેખાઓ સ્પષ્ટ ઉપસી આવતી જોવા મળે છે.
જેમ કળીનું સાહજિકતાથી પુષ્પમાં રૂપાંતરણ થાય
એમ સાહિત્ય, શિક્ષણ, રંગભૂમિ અને સમાજજીવન સાથેના એમના ઉષ્માભર્યા
સંબંધોના પરિણામે જ એક વિઝ્યુઅલ આર્ટીસ્ટ ઉપરાંત ઊંચા ગજાના કલાકારનું સાહજિકતાથી નિર્માણ
થયું હતું. વ્યંગચિત્રોમાં આવતા એમના લખાણમાં પણ સાહિત્યનો
મર્માળુ સ્પર્શ એમનામાં રહેલા સાહિત્ય સાક્ષરને પણ ઉજાગર કર્યા વગર નથી રહેતો. બાળકો
માટે ચકોર દાદાએ ‘ચાચાજીકા મુન્ના’ નામની કાર્ટૂન ફિલ્મ બનાવેલી.
વર્ષ ૧૯૧૭માં મહેસાણા જિલ્લાના તારંગા પાસે
આવેલા નાનકડા ગામ ચોટીયા ગામમાં ગુલાબરાય અને જમના ગૌરીને ત્યાં બંસીલાલનો જન્મ થયો
હતો. આમ તો મુળતઃ પરિવાર વડનગરનું વતની. રાજા
રવિ વર્માથી તેઓ ખાસ્સા પ્રભાવિત હતા. વર્ષ ૧૯૩૫માં અમદાવાદમાં રવિશંકર રાવલ પાસેથી
ચિત્રકળાના પદાર્થપાઠ શીખ્યા. એમણે પોસ્ટરો, બેનરો અને વ્યંગચિત્રો દોરી તેમનો
કલાકાર સહજ ફાળો સ્વાતંત્ર્ય સંગ્રામ વેળા આપ્યો હતો. વર્ષ
૧૯૩૮માં મુંબઈમાં એમણે હિન્દુસ્તાન દૈનિકમાં કામ શરૂ કર્યું. આ દૈનિક સરદાર વલ્લભભાઈ પટેલના નિધન
બાદ બંધ થતાં જન્મભૂમિ દૈનિકમાં તેમણે કામ કર્યું. પછી ૧૯૭૮માં મુંબઈને ગુડ બાય કરી
અમદાવાદમાં આવીને ‘સંદેશ’માં જોડાયા.
સ્વ. વિનોદ ભટ્ટે એક વાર કહેલું કે, ચકોર
બહુ મોટા ગજાના વ્યંગ ચિત્રકાર છે. ગુજરાતી ભાષામાં ચકોર અને અંગ્રેજીમાં આર. કે. લક્ષ્મણ
બંનેની કારકિર્દી એક સાથે શરૂ થયેલી. બન્ને બરોબરીયા. પરંતુ ચકોરે સમજીને મુંબઈ છોડેલુ, ગુજરાત-અમદાવાદને
કર્મભૂમિ બનાવી તે સ્પર્ધા ટાળી હતી. એક સમય એવો હતો હતો કે ચકોર અને આર. કે. લક્ષ્મણના
કાર્ટૂન અખબારના પ્રથમ પાને ન હોય તો અખબાર વાચકોને કઠતું. ‘ઠોઠ નિશાળીયો’ ફેમ બકુલ ત્રિપાઠી ચકોરદાદા માટે લખે
છે કે, લગભગ અર્ધી શતાબ્દીથી આગળ એક દશક સુધી સમાજના
વૈચારિક આરોગ્યના અને પ્રગતિશીલ વિચારધારાના ઉપાસકની પીંછી ખૂબ ચાલતી રહી. ચકોર
વ્યવહારમાં ફકીરીનો મૂડ ધરાવતા અને મનથી સંપૂર્ણ કલાકાર હતા.
ગુજરાતી વિનોદિકાના ભિષ્મપિતામહ જ્યોતીન્દ્ર હ. દવે
કહે છે કે, સ્વભાવે બંસીલાલ આખા બોલા અને કંઈક તીખા પણ ખરા
પરંતુ એમની જીભની તીખાશ અને કડવાટ એમના હૃદયની મીઠાશમાં ઓગળી જતી. મને
બરાબર યાદ છે ૮૦ના દશકમાં મારી પત્રકારત્વની કારકીર્દિની શરૂઆતમાં એમને અખબારની
કચેરીમાં ઘણીવાર મળવાનું થયું. દરેક મુલાકાતમાં શબ્દો ઓછા અને હૃદયની ઉષ્મા ઝાઝી
દેખાતી. એમનું ટેબલ આર્ટ પેપરના ટૂકડાઓ,
કાળી શાહી અને અલગ અલગ પીંછીઓથી શોભતું. જે બે-ચાર વાક્યોની આપ-લે થતી એમાં મને હમેશા પત્રકારત્વનો એક
નવો પાઠ શીખવા મળતો.
કપાળમાં ગોળ ચાંદલો, સાડી, કાનમાં કુંડળ, હાથમાં બંગડી સાથે આદર, માન, સત્કારની
ભારતીય પરંપરાને ઉજાગર કરતી નમસ્કાર મુદ્રામાં ભારતની સંસ્કારીતા અભિવ્યક્ત
કરતી નારીનું લાઈન ડ્રોઈંગ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કોમ્પ્યુટરની દરેક સોફ્ટવેર લેંગ્વેજના
ઈલસ્ટ્રેશન કલેક્શનમાં આ નમસ્કાર કરતી ભારતીય જાજરમાન નારીવાળું લાઈન ડ્રોઈંગ હોય
જ. વિશ્વના અનેક પ્રકાશનોમાં એ લાઇન ડ્રોઇંગ પ્રસિદ્ધ થયું છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે. આ
પ્રસિદ્ધ લાઈન ડ્રોઈંગના સર્જક બીજું કોઈ નહીં આપણા ચકોર દાદા છે.
ચકોર દાદા મુંબઈમાં હતા ત્યારે એમણે એક કોમિક
કક્કો તૈયાર કર્યો હતો. વિઝ્યુઅલ આર્ટિસ્ટ મિત્ર જય પંચોલી કહે છે કે,
ચકોરના આ કોમિક કક્કો બનાવવા પાછળનો હેતુ બાળકોને હસતા ખેલતા કક્કો બારાખડી
શીખવાડવાનો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે, ચકોર દાદાને કવિતાઓ અને વાર્તાઓ
લખવાનો શોખ હતો. એમની કેટલીક વાર્તાઓ વખણાઈ પણ ખરી. જો
કે આ બધામાં સૌથી ઉપર એમનો રંગભૂમિનો શોખ રહ્યો. એમણે પ્રિતમનગર વ્યાયામ શાળા મધ્યે
ચાલતા રંગમંડળમાં એક દશક જેટલો સમય સેવાઓ આપી. કહ્યાગરો કંથ, મનુની માસી અને મારી હેલ ઉતારો
રાજ એ ત્રણ ફિલ્મોનું ચકોરદાદાએ કલા નિર્દેશન કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોન્ટ્રીઅલ એવોર્ડથી
માંડીને લલિતકલા અકાદમીનો એવોર્ડ, રવિશંકર રાવળ એવોર્ડ, મુંબઈ નાગરિક એવોર્ડ જેવા ૩૦થી વધુ
પ્રતિષ્ઠીત સન્માન એમને મળ્યા છે. ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનના મહામંત્રી
અરવિંદભાઈ કાનાણી હમણા ગુજરાત વિમેન વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનના ‘ગણેશા’ પ્રદર્શન
વેળા મળી ગયા. એમણે એસોસિએશન દ્વારા પ્રકાશિત ‘ચારેકોર
ચકોર’ પુસ્તિકા આપી ત્યારે મનના એક ખૂણે ધરબાયેલી
ચકોર દાદાની સ્મૃતિઓ સળવળીને બેઠી થઈ ગઈ. ચકોર હાથથી નહી દિલ અને દિમાગથી પેઈન્ટિંગ કરતા.
ચકોર ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનના પ્રથમ પ્રમુખ હતાં.
આમ જોવા જઇએ તો કલા શબ્દ અત્યંત વ્યાપક છે. નાટ્યશાસ્ત્રમાં
કલા શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ જોવા મળે છે. ત્યારબાદ વાત્સ્યાયન ઋષિ અને ઉસનશે કલાનું
વર્ણન આપ્યું. ભારતીય પંડિતોના મતે જેમાં કૌશલ્ય હોય એવી
ક્રિયા એટલે કલા. પશ્ચિમના તજજ્ઞો પણ એ વાત સાથે સહમત છે કે
કલામાં કૌશલ્યને પ્રાધાન્ય હોય છે. સામાન્ય રીતે કલાના સ્થાપત્ય, મૂર્તિ, ચિત્ર, સંગીત, કાવ્ય
નૃત્ય અને રંગમંચ એ સાત ક્ષેત્રો છે. આ પૈકી ચિત્રકલા ચીન, મિસ્ત્ર, ભારત વગેરે દેશોમાં ખૂબ પ્રાચીન કાળથી
જોવા મળે છે. લંડનના બ્રિટીશ સંગ્રહાલયમાં ૩૦૦૦ વર્ષ પુરાણા
મિસ્ત્રના પ્રસિદ્ધ ચિત્રો આજે પણ જોવા મળે છે.
ચિત્ર એક કવિતા છે જેમાં શબ્દો નથી હોતા. નેપોલીયન
બોનાપાટ કહે છે કે, એક ચિત્ર હજાર શબ્દોની ગરજ સારે છે. ચિત્રકલા
માટે કહેવાય છે કે, એક મહાન ચિત્રકાર હંમેશાં એના સમયથી ઘણો આગળ
અથવા તો ઘણો પાછળ વિહરતો હોય છે. એટલે જ સામાન્ય માનવી જે નથી જોઇ શકતો એને એની
કલ્પનાની પાંખો ફફડાવી કાગળ કે કેનવાસ ઉપર સજીવન કરી શકે છે. ચકોરદાદા એવા લીજંડ
ચિત્રકાર, લેખક, કવિ, રંગભૂમિના કલાકાર હતા કે જેમને ચિત્રકારીના
પૈસા નહોતા મળતા એમની દૂરંદેશી અને કલ્પનાની કિંમત અપાતી હતી. ચકોર દાદાની પ્રત્યેક આકૃતિ એમના
અદ્વિતીય સ્વભાવનું અદ્વિતીય પરિણામ છે.
ધબકાર :
એક લેખક એની આંખોથી લખે છે જ્યારે એક
ચિત્રકાર એના કાનથી ચિત્રકારી કરતો હોય છે.



