પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 23 March 2021

‘મારી સાથે ચકલીઓ પણ ઘર વસાવશે...’

 


બે દિવસ પહેલા ૨૦મી માર્ચ ૨૦૨૧ હતી. એમાં નવું શું એ તો દર વર્ષે આવે જ છે ને ? હા, આ દિવસ નોખો છે. આ દિવસવર્લ્ડ સ્પેરૉ ડેતરીકે ઉજવાય છે. અને એટલે જ પ્રતિવર્ષ માર્ચ તારીખ ૨૦નું અલગ મહત્વ રહે છે. વર્ષો પહેલા ૧૯૫૮માં ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ ઝીડોંગ હતા. એમણે ચાઈનાની બેહાલ આર્થિક સ્થિતિના સુધાર માટે લોકોની જીવન શૈલીમાં બદલાવ લાવવા ચાર મહત્વના કેમ્પેઈન લોન્ચ કર્યા હતા. આ કેમ્પેઈનમાં એક મુદ્દો ચીનમાંથી ચકલીઓને નેસ્તનાબૂદ કરવાનો હતો. ઝીડોંગ માનતા હતા કે ચકલીઓ દેશના કૃષિ ઉત્પાદનને બહુ મોટું નુકસાન કરે છે.

ઝીડોંગની અપીલના કારણે છ સાડા છ દાયકા પહેલા ચીનાઓએ સાગમટે લાખો ચકલીઓની કતલ કરી નાખી. આના દુષ્પપરિણામો એવા આવ્યા કે, બીજા જ વર્ષથી ચીનના ખેડૂતોના ખેતરોમાં જીવજંતુઓનો ઉપદ્રવ ખૂબ વધી ગયો. ઊભો પાક નષ્ટ થઈ જવા લાગ્યો. ખેત ઉત્પાદનો અત્યંત ઘટવા લાગ્યા. આર્થિક અરાજકતા અને દુષ્કાળના કારણે ૪૫ લાખ ઉપરાંત ચીનાઓ મોતને ભેટ્યા. લોકો ભોજન માટે વલખા મારવા લાગ્યા. માણસ માણસને મારીને ખાવા લાગ્યા હતા. અંતે ચીનના સત્તાવાળાઓને સમજ પડી કે આના મૂળમાં ચકલીઓનો વિનાશ છે. માઓએ ચકલીઓને મારવાનો આદેશ પાછો ખેંચ્યો પછી ચકલીઓને ચીનમાં પાછી લાવવાની ઝૂંબેશ આરંભાઈ.


યુરોપ અને એશિયા ખંડમાં દરેક જગ્યાએ જોવા મળતું સરેરાશ ૧૬ સેન્ટીમીટર લંબાઈ ધરાવતું અને ૨૪થી ૪૦ ગ્રામ વજનવાળું આ ટચુકડું પક્ષી ખેતરોમાંથી જીવજંતુ ખાતું હોઈ ખેડૂતોના પાક્કા મિત્રની ભૂમિકા ભજવે છે. જીવ વૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર વિશ્વમાં ૪૩ જેટલી ચકલીની પ્રજાતિઓ જોવા મળે છે. વધુ પડતી ગરમી, શહેરીકરણની આંધળી દોટ, બેફામ વૃક્ષ છેદન, અતિશય પ્રદૂષણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના હદથી વધારે ઉપયોગથી ચકલીઓની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે. આ ઉપરાંત મોબાઈલ ટાવરના વેવ્સના કારણે ચકલીઓનું મોટા પ્રમાણમાં નિકંદન નીકળી રહ્યું હોવાનું માનવામાં આવે છે. ચકલી એક એવું પંખી છે કે, જે સદાય પ્રસન્નચિત્તે ચીંચીં કરી આસપાસનું વાતાવરણ પ્રફુલ્લીત રાખે છે. પરંતુ ચકલીઓની વસતી ચિંતાજનક રીતે ઘટતા વર્ષ ૨૦૧૦માં માર્ચ તારીખ ૨૦ને વિશ્વ ચકલી દિવસતરીકે સૌ પ્રથમ વખત ઉજવીને જગત આખામાં ચકલીઓના સંવર્ધન માટે સંનિષ્ઠ પ્રયાસો આરંભાયા.


મહેસાણાના વિસનગર તાલુકાના થલોટા ગામના એક યુવાન રાહુલે ચકલીઓના સંવર્ધનની દિશામાં સરસ પ્રયોગ કર્યો. અનુસ્નાતકનો અભ્યાસ કરીને એક નેશનલ કંપનીમાં જોબ કરતા રાહુલના વર્ષ ૨૦૧૯માં જ્યારે લગ્નની વાત પાકી થઈ ત્યારે એણે પરિવારમાં એક પ્રસ્તાવ મૂક્યો કે, ‘મારું ઘર હું વસાવવા જઈ રહ્યો છું ત્યારે ચકલીઓના ઘર પણ વસે એવું કંઇક મારે કરવું છે.’ જ્યારે રાહુલે એનો આ વિચાર મૂક્યો ત્યારે એના માતા પિતાએ કહ્યું શું કરવું છે તારે ?’ રાહુલે કહ્યું, ‘નિમંત્રણ અને કંકોત્રીમાં હજારો રૂપિયા વેડફાઈ જાય છે. કોઈને એનું મહત્વ નથી હોતું ત્યારે હું મારી કંકોત્રીમાંથી ચકલી ઘર બને એવી પુંઠાની કંકોત્રી બનાવીશ.’ વડીલોને રાહુલની આ વાત ન ગમી. એમણે કહ્યું, ‘બેટા આ તારું ગાંડપણ છે. આવું આપણા સમાજમાં કોઈએ નથી કર્યું. તું આમ ન કર.’ પરંતુ રાહુલ એની વાત ઉપર અડગ રહ્યો. અંતે માતાપિતા સંમત થયા. રાહુલે પુંઠાનુ ચકલી ઘર બનાવી એની ઉપર લગ્નની નિમંત્રણ પત્રિકા બનાવી. મિત્રો, સગા અને સ્નેહીઓને એ મોકલતા સૌ કોઈને સાનંદાશ્ચર્ય થયું.

લગભગ બધા જ મહેમાનોએ રાહુલે મોકલેલા પુંઠાની કંકોત્રી ફોલ્ડ કરી ચકલી ઘર બનાવી તેમના ઘરમાં રાખી ચકલીઓને આવકારવાનું કામ કર્યું. સેંકડો ચકલીઓ આનંદથી ચીં ચીં કરતી એ લોકોના ઘરમાં ઉડા ઉડ કરવા લાગી. ઘણા મિત્રો અને સગાવહાલાઓએ રાહુલને એમના આંગણામાં લાગેલા ચકલી ઘરમાં મોજ કરતી ચકલીઓના ફોટા પાડી શેર પણ કર્યા. રાહુલ અને એની તબીબ પત્ની આનાથી ખૂબ પ્રફુલ્લિત થયા. રાહુલના ઘણા મિત્રો પણ એના આ વિચારને આગળ ધપાવવા એમના પ્રસંગમાં પણ આવો પ્રયોગ કરવાનુ વિચારી રહ્યાં છે. એક સારા વિચારને કેવો અદભુત પ્રતિસાદ સાંપડે એનુ આ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ રાહુલના આ વિચારની પત્ર પાઠવી સરાહના કરીને રાહુલને શુભેચ્છાઓ આપી છે.


એક યુવાનની આ વાત અત્યંત પ્રેરણાદાયી છે. સાહિત્ય સર્જકો અને કવિઓએ પણ ચકલી માટે શબ્દોથી ફુલડા ચડાવ્યા છે. થોડા સમય પહેલા કવિ જિતેન્દ્ર જોશીએ સ્કૂટરના સાઈડ મીરરમાં ચાંચ મારતા ચકલાને જોઈને એક સુંદર કવિતા લખી હતી એ યાદ આવી ગઈ. કવિ જિતેન્દ્ર લખે છે કે, ‘અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ, આવ તને સમજાવું, ચકલી આ દર્પણનું સાચ...’ આમ તો જ્યારે જ્યારે ચકલીની વાત નીકળે એટલે ર.પા.ની તકીયા કલામ જેવી રચના, ‘તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડુ, મારે ફળીએ ચકલી બેસે તો મારું રજવાડું...’ ફર ફર ઉડતી જેવી પ્રફુલ્લિત ચકલી  જેવી લાગણી હૃદયમાં ભરી દેતી હોય છે.

ચકલી આમ તો માંસાહારી પંખી કહેવાય. જીવ-જંતુ અને પતંગીયા એનો પ્રિય ખોરાક છે. પરંતુ માનવ વસાહતમાં હળીમળીને રહેવાનો સ્વભાવ ધરાવતી ચકલીએ એની ફુડ હેબીટમાં પણ ધરમૂળથી બદલાવ કર્યો છે. દાણા, શાકભાજી, બાફેલા ચોખા વગેરે ચકલી ખાય છે. ભારત, અમેરિકા, આફ્રિકા, ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં માનવ વસાહતો સાથે ચકલીઓએ રહેવાનું ચાલુ કરી દીધું છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં છ પ્રજાતિની ચકલીઓ વધુ જોવા મળતી હોય છે. ચકલીને અંગ્રેજીમાં હાઉસ સ્પૈરો, સ્પેનિશ સ્પૈરો, સિંડ સ્પૈરો, રસેટ સ્પૈરો, ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પૈરોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ભારતમાં અલગ અલગ પ્રદેશમાં ચકીબેનના નામ પણ જુદા જુદા છે. હિન્દીમાં ગૌરૈયા, તામિલમાં કુરુવી, તેલુગુમાં પીચુકા, કન્નડમાં ગુબ્બાએહી, મહારાષ્ટ્રમાં ચિમની, જમ્મુ કાશ્મીરમાં ચેર, પંજાબીમાં ચૈરઈન કહે છે. ચકા રાણા એટલે કે નર ચકલી જગા શોધી માળો બનાવવાની જવાબદારી નીભાવી ચકી બહેનને આકર્ષિત કરવાનુ કાર્ય કરે છે. ચકલીઓનું સરેરાશ આયુષ્ય ૧૨થી ૧૪ વર્ષનું હોય છે. ચકલીઓની એક વિશેષતા એ પણ છે કે, એના જન્મથી સમગ્ર જીવનકાળ દરમિયાન બે કિલોમીટરની પેરીફેરીમાં જ રહે છે.

માનવમિત્ર એવું આ મઝાનું પંખી લુપ્ત થવાની કગાર ઉપર છે. રાહુલની જેમ સૌ કોઈએ યથાશક્તિ ચકલીઓના સંવર્ધનની દિશામાં સ્વયંભુ આગળ આવવાનો સમય પાકી ગયો છે. ડાળે-ડાળે ઘેલી-ઘેલી થઈને ઘૂમતી, ચીંચીં કરી વાતાવરણને આહલાદક બનાવી દેતી ચકલીઓ આપણી સાથે રહેવા થનગનતી હોય છે. આપણે એને પ્રેમથી સત્કાર આપવાનો છે. એની ચંચળતા અને મોજીલાપણાને હૃદયમાં સ્થાન આપવાનું છે. આગામી સમયમાં ચકલીઓની વસતી ઓછી થવાની ચિંતા ન થાય એ માટે આવનારી પેઢીને વધુ પ્રાણવાન બનાવવાની દિશામાં સૌએ જાગૃત પ્રયાસો કરવાના રહે.


ધબકાર : ‘ચકલીની ચીંચીં પર ઓવારી જાય મારી ઓસરીનો થાક, શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો મારો શોં વાંક ?’ – અજ્ઞાત




 

નાસમજ હોવાની સમજ બુદ્ધિશાળી હોવાની ખાતરી છે


    


જગપ્રસિદ્ધ કાવ્ય સર્જક અને વિદ્વાન નાટ્યકાર વિલિયમ સેક્સપિયરે એક વિચાર આપ્યો હતો કે, ‘નામમાં શું છે ? ગુલાબનું નામ ગમે તે હોત પરંતુ તેની સુગંધ તો એ જ રહેત.’ મજાની વાત એ છે કે, આ મજબૂત વિચાર લખ્યા બાદ વિલિયમ સેક્સપિયરે નીચે પોતાનું નામ તો આપ્યું જ હતું. જો કે, એ અલગ ચર્ચાનો મુદ્દો હોઈ શકે. ભારતમાં મધ્ય પ્રદેશ રાજ્યના રાયસણના નાના એવા કુરવાડા ગામમાં બાબુલાલ અને સરસ્વતીના તારણપંથી દિગંબર જૈન પરિવારમાં જન્મેલા ચંદ્રમોહન જૈન નામના મેઘાવી બાળકે એના સમગ્ર જીવન દરમિયાન ત્રણ ચાર અલગ અલગ નામો રાખ્યા. પરંતુ એના વિચારો અને તર્કે સમગ્ર જગતમાં નવી ચેતના જગાવવામાં મોટો ભાગ ભજવ્યો. કદાચ એટલે જ લોકોએ એમના તમામ નામને હદયપૂર્વક સત્કાર્યા.

ચંદ્રમોહન પોતાના સમગ્ર જીવન દરમિયાન નામ બદલતા રહ્યા. છેલ્લે એ ઓશો નામે ઓળખાતા હતા. આ ઓશો શબ્દ પ્રસિદ્ધ કવિ વિલિયમ જેમ્સના સર્જન ‘ઓશોનિક એક્સપીરિયંસ’ના ‘ઓશોનિક’ શબ્દ ઉપરથી લીધુ હોવાનું ઓશો કહે છે. ઓશો શબ્દ ‘ઓશન’ એટલે કે સાગર ઉપરથી જરૂર છે પણ ‘ઓશો’નો અર્થ સાગર નહીં, ‘સાગરમાં વિલીન થઈ જવું’ એમ થાય છે. ચંદ્રમોહન ૧૯૬૦ના દશકમાં આચાર્ય રજનીશના નામથી ઓળખાતા. ત્યારબાદ ૧૯૭૦ના દાયકામાં ભગવાન રજનીશ અને છેલ્લે ૧૯૯૧થી ઓશો તરીકે લોકો એમને ઓળખતા. નામ ભલે અલગ રહ્યાં પણ એમના શબ્દો અને વિચારોમાં જબરજસ્ત સ્પાર્ક હંમેશા રહ્યો છે. મુંબઈના મંચ ઉપરથી ૭૦ના દાયકામાં એમના પ્રખર વિચારોના મંડાણ થયા. પછી તો પુના, ગુજરાત, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતથી માંડીને પશ્ચિમના દેશો સહિત અનેક શહેરોમાં તેમની વાણીને લોકોએ ભરપુર પ્રેમ અને આદર આપ્યો. જો કે સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધો વિશેના એમના પ્રવચન અને ઓરોગન આશ્રમમાં ફુડ પોઈઝનિંગની ઘટનાના કારણે ઓશો થોડો સમય વિવાદોના વમળમાં પણ રહ્યા.


ઓશોના વક્તવ્યમાં સટિક ઉદાહરણો અને માર્મિક કાવ્ય રચનાઓનો મહાસાગર હોય છે. એમના પ્રવચનોમાં આપેલા સચોટ ઉદાહરણો જીવન પથદર્શક બની જાય છે. સાંભળનારને એમ લાગે કે, આ ઘટનાનો મારી સાથે જ અતુટ નાતો છે. એમની અસ્ખલીત વાણીમાં વહેલી કવિતાઓના સંદર્ભમાં જીવન જીવવાનું બળ મળી જતુ હોય છે. એમની કેટલીક કવિતા અને ઉદાહરણો તો એવા હોય છે કે, એકાદ બે મિનિટમાં કોઈ મહાગ્રંથ જેટલું સત્ય સમજાવી જાય છે. એમના વક્તવ્યમાં અપાયેલા ઉદાહરણો અને કાવ્ય સંદર્ભોમાં સદાય અદભુત મેગ્નેટિક ટચ જોવા મળ્યો છે.

માનવીની સુખની અભિલાષાને એમણે અનેકવાર અલગ અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરી છે. દરેક આસક્તિનો અંત ઉદાસી હોય છે. ઓશો કહે છે કે, તમે જીવનમાં ઘણી બધી વાર અનેક બાબતના પ્રેમમાં પડ્યા છો. પણ આખરે તો તમારા હાથ ખાલી જ રહી જતા હોય છે. જીવનમાં બહાર જ્યાં જૂઓ ત્યાં દુઃખ જ દેખાય છે. આપણે રોજેરોજ એકની એક પ્રવૃત્તિ વારંવાર કરતા રહીએ છીએ. ક્રોધ, અહંકાર, ઈર્ષા હજારો વાર કરતા રહીએ છીએ. પછી દુઃખી થતા રહીએ છીએ. એ કહેતા કે, ફક્ત એકાદ મહિનો ડાયરી લખીને ચકાસી જૂઓ કેટલી બધી વાતનું વારંવાર રીપીટેશન આપણે કરતા રહીએ છીએ.


નારાજી, દુઃખી, પીડીત, અપમાનીત, મોહિત, રાગ, દ્વેષ, બધી જ લાગણીઓમાંથી પસાર થઈ ગયા. એના પછી શું ? એકની એક વાત ઉપર ક્યાં સુધી દુઃખી થવાનું ? આ વાત ઉપર સરસ કાવ્ય દ્રષ્ટાંત રજૂ કરતા ઓશો કહે છે કે,

કુછ ઈસ કદર હૈ ગમે જિંદગી સે દિલ માયુસ

ફીઝા ગઈ તો બહારો મેં ભી જી નહિં લગતા

એક ઉદાહરણમાં ઓશો કહે છે કે, ફુલોને સાચવી રાખો તો એકા’દ દિવસ પછી એ સડી જશે એમાંથી સુવાસને બદલે દુર્ગંધ મારશે, પણ હજારો ફૂલોને નીચોવી એનો અર્ક કાઢી અત્તર બનાવી લેવાય તો એની મહેંકને અમરત્વ મળી જશે. જીવનના અનુભવોનો અર્ક અત્તર જેવું કામ કરે છે. અનુભવથી વ્યક્તિ બુદ્ધિમાન બને છે. શાસ્ત્રો કે પાંડિત્યથી ભરેલા પુસ્તકોથી બુદ્ધિમાન ન બની શકાય. એ પોપટથી વિશેષ કશું જ ન બનાવી શકે. નાસમજ હોવાની સમજ બુદ્ધિમાન હોવાની ખાતરી છે.


સામાન્ય રીતે વ્યક્તિ દુઃખના ખ્યાલોના વર્તુળમાં જાતે જ ઉત્સાહથી પ્રવેશી જાય છે. પછી દુઃખી થઈ જાય છે. દુઃખ તો જ્યારે આવશે ત્યારે દેખા જાયેગા, તકલીફ તો એ છે કે, આપણે દુઃખ આવે ત્યારે ખુમારીથી એનો મુકાબલો કરવાને બદલે ઢીલાઢફ થઈને બરડો ધરી દઈએ છીએ. તકલીફને ફટકા મારવા નોતરું આપી દઈએ છીએ. ઓશો કહે છે કે, કોઈપણ કારણ વગર પણ અંતરમાં ઉત્સાહનો ફુવારો ઊડતો હોય છે એને માણતા શીખવુ પડે. દુઃખ તો એ થવું જોઈએ કે, આ ફુવારામાં આપણે ભીંજાતા જ નથી. શૈશવ નાચે-કુદે, ઝરણું ખળખળ વહે, વસંતમાં વૃક્ષો નવી કુંપળ સાથે નૃત્ય કરે, ફુલોની મહેંક પવન ઉપર સવાર થઈને મોજથી માઈલોનો પ્રવાસ કરે છે. જગતમાં ઇશ્વર નિર્મિત દરેકની પાસે પોતાની અલગ શક્તિ અને અલગ ઓળખ છે. આમાં કોઈ પણ અર્થ વગરનો ઉમંગ છે. આ જ તો અદભુત ઐશ્વરીય અનુબંધ છે.


ધબકાર :

‘વો કહતે હૈ કી, કૂદને સે પહલે દો બાર સોચો. મૈં કહતા હું, પહેલે કૂદો ઔર ફીર જીતના ચાહો ઉતના સોચો.’  – ઓશો